ઈસ્લામને આજે તલાકના મામલામાં જેટલું બદનામ કરવામાં આવ્યું છે, એટલું કદાચ બીજા કોઈ મામલાને લઈ બદનામ કરવામાં નથી આવ્યું. અને તે પણ તલાક વિષેની ઈસ્લામી વ્યવસ્થા થી અજ્ઞાનતા અને તેનાથી ના વાકેફ હોવાને લીધે. બલ્કે બિન મુસ્લિમો તો દૂર પોતે મુસલમાનો માં પણ આ વિષયમાં એટલી હદે અજ્ઞાનતા જોવા મળે છે કે કેટલીક વાર ગલત તરીકે તલાક આપી દેવામાં આવે છે અને પછી જ્યારે તેઓ સામે આ ગલત તરીકે આપવામાં આવેલ તલાક નું પરિણામ બતાવવામાં આવે છે તો પછી તેઓ પાસે પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, અથવા આખો દોષનો ટોપલો ઈસ્લામ પર ઠાલવી દે છે.
કેટલાક લોકો તો આ રીતે ગલત તરીકે આપવામાં આવતી તલાક અને તેના પરિણામ ને ઈસ્લામી તાલીમ બતાવી કેટલાય લોકોની માનસિકતા ને ઈસ્લામ પ્રત્યે નફરત ને પાત્ર બનાવે છે. તે માટે નીચે ઈસ્લામ માં તલાક ની વ્યવસ્થા વિષેની સચોટ માહિતી લખવામાં આવે છે.
ઈસ્લામ માં નિકાહ (શાદીનું) મહત્ત્વ
ઈસ્લામ માં નિકાહ ને માનવતા ના અસ્તિત્વ અને જીંદગી ની પ્રાકૃતિક વ્યવસ્થા માટે એક મોટી નેઅમત સમજવામાં આવે છે. આના દ્વારા જ્યાં એક તરફ માણસની પ્રાકૃતિક જરૂરત પૂરી થાય છે, અને દુનિયામાં વંશની પાક તેમજ પવિત્ર વ્યવસ્થા સ્થાપિત થાય છે ત્યાં જ બીજી તરફ આને એક ઈબાદત અને તમામ નબીઓ ની સુન્નત પણ બતાવવામાં આવી છે.
ઈસ્લામે આ પવિત્ર બંધન માટે જે ઉપદેશો અને સૂચનાઓ આપી છે તેના હિસાબે એક પુરુષ ઉપર સ્ત્રી માટે મહેર, પાલનપોષણ, અને બીજી અન્ય જરૂરિયાત નો ખ્યાલ રાખવાની સાથે સમાજને સ્વચ્છ રાખવાની પણ જવાબદારી છે. જ્યારે કે બીજી તરફ સ્ત્રી ઉપર માત્ર પુરુષ માટે પવિત્રતા, સારા વર્તન અને પતિની આજ્ઞાપાલન ની શર્ત મુકવામાં આવી છે. કેમ કે ઈસ્લામી દ્રષ્ટિએ નિકાહ કોઈ મર્યાદિત કે પછી કામચલાઉ કરાર નું નામ નથી, બલ્કે આ એક એવો મજબૂત ઈસ્લામી કરાર અને બંધન છે જેને હમેશા બાકી રાખવું ઈચ્છનીય અને પસંદીદા છે.
તે માટે જે પણ વસ્તુ આ કરાર અને બંધનને બાકી રાખવા તેમજ તેના અસ્તિત્વમાં અવરોધ અને રૂકાવટ બની શકે છે ઈસ્લામે તેના વિષે ચેતવણી આપીને પતિ-પત્નીને ખાસ આદેશો આપ્યા છે. આથી બન્નેને એકબીજાના હક્કો અદા કરવા ભારપૂર્વક તાકીદ કરતા અલ્લાહ તઆલા પતિને સંબોધીને ફરમાવે છે કે :
“ સ્ત્રીઓ સાથે ભલાઈથી વર્તો, પણ જો તેણીઓ (કોઈ કારણે) તમને નાપસંદ હોય તો શક્ય છે કે એક વસ્તુને તમે નાપસંદ કરો, પણ અલ્લાહે તેમાં કોઈ (દીન કે દુનિયાનો) મોટો ફાયદો મૂક્યો હોય ”
[સૂરહ નિસા : ૧૯]
“ બીજી તરફ અલ્લાહ તઆલા સ્ત્રીઓ ને તેઓની શ્રેષ્ઠતા અને ફઝિલત બતાવતા સંબોધીને ફરમાવે છે કે “ જે સ્ત્રીઓ નેક હોય છે તેઓ આજ્ઞાકારી કરે છે અને પતિની ગેરહાજરીમાં તે વસ્તુઓ ની (માલ અને આબરૂની) સંભાળ રાખે છે જેની સભાંળ અલ્લાહ તઆલા ઈચ્છે છે ”
[સૂરહ નિસા : ૩૪]
સારાંશ કે નિકાહ (શાદી) ઈસ્લામ ની દ્રષ્ટિએ એક પવિત્ર બંધન અને કાયમી કરાર નું નામ છે. જેને હમેશા બાકી અને કાયમ રાખવા માટે ખૂબ જ ભારપૂર્વક ન માત્ર તાકીદ કરવામાં આવી છે, બલ્કે પતિ પત્ની બન્નેને પોતાની હેસિયત અને તાકાત મુજબ જવાબદારી બતાવી પૂરતું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.
તલાક વિષે ઈસ્લામી દૃષ્ટિકોણ
ઉપરોક્ત વર્ણવેલ માહિતીથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ઈસ્લામમાં નિકાહ એક મજબૂત અને કાયમી સંબંધ તેમજ કરારનું નામ છે. તે માટે સખત મજબૂરી વગર તે સંબંધ અને કરારને ખતમ કરવો અથવા ખતમ કરવાની માંગણી કરવી ઈસ્લામ માં નાજાઈઝ અને મનાઈ છે. કેમ કે આ નિકાહ નો જે મૂળ હેતુ છે તેના અને ઈસ્લામી દૃષ્ટિકોણ ના વિરુદ્ધ છે. અને આ જ કરાર તેમજ સંબંધ તોડવાને ઈસ્લામી પરિભાષામાં “ તલાક ” કહેવામાં આવે છે.
આથી તલાક ની દુષ્ટતા વર્ણવતા પયગંબર મુહમ્મદ ﷺ ફરમાવે છે કે “ અલ્લાહ તઆલા ના નજદીક હલાલ વસ્તુઓ માં સૌથી નાપસંદ વસ્તુ તલાક છે.” [અબૂ દાઉદ : ૨૧૭૮]
એક બીજી હદીષમાં પયગંબર સાહેબ ﷺ ફરમાવે છે કે “ જે સ્ત્રી કોઈ કારણ વગર પોતાના પતિ પાસેથી તલાક ની માંગણી કરે છે તેના પર જન્નત ની ખુશ્બૂ હરામ છે. ”
સારાંશ કે તલાક ઈસ્લામી દ્રષ્ટિએ એક નાપસંદ અને અનિચ્છનીય કૃત્ય છે. સખત કારણ વિના તલાક આપવી અથવા તેની માંગણી કરવી વાસ્તવમાં અલ્લાહ તઆલા ને નારાજ અને શૈતાન ને ખૂશ કરવું છે. આ છે અસલ તલાક બાબત ઈસ્લામી દૃષ્ટિકોણ.
ઈસ્લામ માં શાદી બચાવવા માટેની પ્રક્રિયાઓ (process)
ઉપરોક્ત માહિતી અનુસાર નિકાહ જો કે એક કાયમી સંબંધ નું નામ છે, બલ્કે નિકાહ વિષે ઈસ્લામ નો મુખ્ય હેતુ જ તેને હમેશા બાકી અને કાયમ રાખવાની છે. એટલા જ માટે સખત જરૂરત વગર આ સંબંધ તોડવાની (તલાક ની) સખત નિંદા કરવામાં આવી છે.
પરંતુ આ પણ હકીકત છે કે ક્યારેક પતિ પત્ની દરમિયાન પરિસ્થિતિ સુખદ નથી હોતી, પરસ્પર મનભેદ સર્જાય જાય છે, બન્ને નું સાથે રહેવું મુશ્કેલ બની જાય છે. આવા સમયે પણ ઈસ્લામ લાગણીઓ માં વહીને ઉતાવળમાં આ પવિત્ર સંબંધ ને ખતમ કરવાની મંજૂરી નથી આપતો, બલ્કે પતિ પત્ની બન્નેને પાબંદ બનાવે છે કે તેઓ પૂરતી કોશિશ પ્રમાણે આ પવિત્ર સંબંધ ને બચાવે.
આથી કુર્આનમાં અલ્લાહ તઆલા સ્ત્રીઓ દ્વારા આજ્ઞાભંગની સૂરતમાં પુરુષો ને માર્ગદર્શન આપતા ફરમાવે છે કે :
“ જે સ્ત્રીઓના આજ્ઞાભંગ થી તમે ડરો છો, તો (સૌપ્રથમ) તેમને સમજાવો, અને (જો આનાથી કામ ન ચાલે તો) તેમને પોતાની બિસ્તર થી એકલા અલગ કરી દ્યો, (અને જો આનાથી પણ સુધારો ન થાય તો) તમે તેમને (ઈસ્લાહ ના તોર પર સહેજ) મારી શકો છો.” [સૂરહ નિસા : ૩૪]
આ આયતમાં પત્નીના કારણે ઉદભવેલી અરાજકતા અને વિખવાદ ને ખતમ કરવાના ક્રમવાર ત્રણ રસ્તા બતાવ્યા છે જે આ પ્રમાણે છે.
(૧) જો પત્નીની તરફથી આજ્ઞાભંગ નો ભય હોય, તો સૌપ્રથમ તેને હિકમત અને નમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે.
(૨) જો સમજાવું અસરકારક ન બને, તો પછી તેની પથારી મર્યાદિત સમય માટે અલગ કરવામાં આવે.
(૩) જો બીજી રીત પણ ઉપયોગી સાબિત ન થાય, અને પત્ની પોતાની આદત પર જ રહે તો ત્યારબાદ તેને ઠપકો આપવામાં આવે અને હળવા દરજ્જાની સજા આપવામાં આવે. (એટલે કે સહેજ હાથ ઉપાડવામાં આવે)
તેમજ પુરુષો તરફથી ગેરવર્તણૂક ની સૂરતમાં અલ્લાહ તઆલા સ્ત્રીઓ ને માર્ગદર્શન આપતા ફરમાવે છે કે :
“ અને જો કોઈ સ્ત્રીને પોતાના પતિ તરફથી દુર્વ્યવહાર અથવા અણગમો થવાનો ભય હોય, તો પછી આ પતિ-પત્ની માટે કોઈ ગુનાહ ની વાત નથી કે તેઓ પરસ્પર કરાર દ્વારા કોઈ પ્રકારનું સમાધાન કરી લે.” [સૂરહ નિસા : ૧૨૮]
એટલે કે કોઈ પતિ માત્ર પત્ની ના હક્કો પુરા ન પાડી શકતો હોવાને લીધે તેણીને તલાક આપવા ઈચ્છતો હોય તો આ સમયે અલ્લાહ તઆલા ફરમાવે છે કે સમાધાન રૂપે સ્ત્રીએ જોઈએ કે તે પોતાના હક્કો માફ કરી દે અથવા તેમાં કમી કરી દે, અને પતિએ પણ જોઈએ કે તે તેના તરફથી આ વસ્તુની કબૂલાત કરે જેથી આ પવિત્ર સંબંધ નિકાહ ખતમ ન થાય.
જો આનાથી પણ મામલાનો ઉકેલ ન આવે અને અલ્લાહ ન કરે તેમની વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ જાય, તો પણ ઈસ્લામ નિકાહના આ પવિત્ર સંબંધને તોડવાની મંજૂરી નથી આપતો, બલ્કે આગળ માર્ગદર્શન આપતા અલ્લાહ તઆલા કુર્આન માં ફરમાવે છે કે :
“ અને જો તમને પતિ અને પત્ની દરમિયાન અણબનાવ થવાનો ડર હોય, તો (તેમની વચ્ચે નિર્ણય લેવા માટે) એક લવાદ (પંચ) પુરુષના પરિવારમાંથી અને એક લવાદ (પંચ) સ્ત્રીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બન્ને સુલેહ કરવા માંગે છે, તો અલ્લાહ તઆલા તેમની વચ્ચે એકતા પેદા કરશે.” [સૂરહ નિસા : ૩૫]
એટલે કે પતિ પત્ની બન્નેને પોતપોતાના તરફથી મામલા નું નિરાકરણ લાવવા માટે કોઈ ન્યાય ની સાથે નિર્ણય કરનાર એવો લવાદ (પંચ) નક્કી કરે જે બન્ને પ્રામાણિક હોય, પરોપકારી હોય અને તેમનો ઉદ્દેશ્ય મનભેદ ને ખતમ કરવાનો હોય. તે માટે બન્ને તરફના લવાદ ન્યાયની દ્રષ્ટિએ મનભેદ ની તપાસ કરે અને બન્ને દરમિયાન સમાધાન કરાવવાની કોશિશ કરે.
સારાંશ કે ઉપરોક્ત વર્ણવેલ શાદી બચાવવાની પ્રક્રિયાઓ થી આટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ઈસ્લામ માં પતિ પત્ની દરમિયાન અણગમો અને દુર્વ્યવહાર ની પરિસ્થિતિની સમસ્યા નો પ્રારંભિક ઉકેલ તલાક નથી, બલ્કે મતભેદ અને મનભેદ ના કારણો તલાશ કરી તેને ખતમ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
બન્ને દરમિયાન નિભાવ થાય જ ના તો..?
સમાધાન ની ઉપરોક્ત વર્ણવેલ તમામ સૂરતો ને અપનાવ્યા બાદ પણ બન્નેમાં પરિસ્થિતિ કાબૂમાં ન આવે, અને બન્ને દરમિયાન નિભાવ થાય જ નહીં, બલ્કે બન્ને વચ્ચેનો પરસ્પર વિશ્વાસ પણ ખતમ થઈ જાય, તેમજ અલ્લાહ તઆલા તરફથી સ્થાપિત મર્યાદા અને ઉપદેશો ને પૂરા કરવા મુશ્કેલ બની જાય તો આવી પરિસ્થિતિમાં પણ નિકાહ ને બાકી રાખવા પર મજબૂર કરવા બન્ને પર જુલમ કરવા સમાન હોવાને લીધે હવે ઈસ્લામ તલાક ની મંજૂરી આપે છે.
કેમ કે આવા સમયે પણ જો તલાક ની મંજૂરી આપવામાં ન આવે તો તેઓની જીંદગી કષ્ટ અને તકલીફ નું સૌથી ખરાબ ઉદાહરણ બની જશે. પરિણામે ધિક્કાર, તિરસ્કાર અને અનિચ્છનીય કાર્યોને પાત્ર વર્તાવ થવા લાગશે અને કૌટુંબિક ફાયદાઓ ને બદલે મુશ્કેલીઓ અને નુકસાનો ખૂબ વધી જશે.
ઈસ્લામી દ્રષ્ટિએ તલાક ભલે એક નાપસંદ અને અનિચ્છનીય કાર્ય છે. પરંતુ ઉપરોક્ત વર્ણવેલ પરિસ્થિતિમાં પણ જો તલાક નો વિકલ્પ રાખવામાં ન આવે અથવા તેની મનાઈ કરી દેવામાં આવે તો આ પવિત્ર બંધન તેઓ માટે સખત પરેશાની અને તકલીફ નું કારણ બની જશે. આથી આવી પરિસ્થિતિમાં ઈસ્લામ તલાક ની મંજૂરી આપે છે કે પુરુષ તેને છોડી બીજી સ્ત્રી સાથે શાદી કરી લે અને એવી જ રીતે સ્ત્રી પણ તેનાથી સ્વતંત્ર થઈ ઈચ્છે તો બીજી શાદી કરી લે.
સારાંશ કે ઉપરની આખી વિગત થી આ વાત સ્પષ્ટપણે જણાય છે કે ઈસ્લામમાં તલાક પ્રારંભિક વિકલ્પ નથી, બલ્કે સમાધાન ના રૂપે ઘણા તરીકા બતાવ્યા બાદ પણ જો તલાક સમયની જરૂરત અને મજબૂરી બની જાય ત્યારે મંજૂરી આપવામાં આવી છે.
તલાક આપવાની સહીહ રીત
જ્યારે પરિસ્થિતિ એવા તબક્કે પહોંચી જાય છે કે તલાક માં જ પતિ-પત્ની બન્ને માટે રાહત હોય, જેના વિના બન્ને માટે સુખી જીવન જીવવું શક્ય ન હોય, તો આવી સ્થિતિમાં પણ ઈસ્લામ પુરુષને સ્વતંત્ર નથી છોડતો કે તે જેવી રીતે ઈચ્છે અને જેટલી ઈચ્છે તેટલી તલાક આપે બલ્કે તેની એક હદ અમે મર્યાદા નક્કી કરી છે, જે સ્પષ્ટપણે ઈસ્લામના કાયદાઓની વ્યાપકતા અને પ્રકૃતિ સાથે તેમની ચોક્કસ સુસંગતતા એટલે કે અનુકૂળ આવવું દર્શાવે છે. સારાંશ કે ઈસ્લામ માં તલાક આપવાનો શ્રેષ્ઠ અને યોગ્ય માર્ગ આ છે કે :
(૧) પત્ની ને સ્પષ્ટ સાફ શબ્દોમાં માત્ર એક જ તલાક આપવી. એટલે પતિ પત્ની ને કહે કે “ હું તને તલાક આપું છું ”
(૨) તલાક ત્યારે આપવામાં આવે જ્યારે તેણી પાક હોય, એટલે કે માસિક ના દિવસો ન ચાલતા હોય. અને તે પાકીના દિવસોમાં સંભોગ પણ ન કર્યું હોય.
કેમ કે માસિક ના દિવસોમાં તલાક આપવી ગુન્હો છે. તેમજ પાકીના દિવસોમાં સંભોગ કર્યા બાદ તલાક આપવામાં આવે તો સંભાવના છે કે ગર્ભ રહી જાય અને તેણીને લાંબી ઈદ્દત બેસવું પડે. કેમ કે ગર્ભવતી મહિલા ની ઈદ્દત ગર્ભ બહાર આવતા સુધીની હોય છે. જે સ્ત્રી માટે તકલીફ અને પરેશાની ને પાત્ર બની જાય.
ઈસ્લામ માં તલાક આપવાનો આ સૌથી શ્રેષ્ઠ અને યોગ્ય રીત છે કે એક જ તલાક આપવામાં આવે, તેમજ તે દિવસો પાકીના હોય, અને સંભોગ પણ કરવામાં ન આવ્યો હોય. જેનો એક ખાસ ફાયદો અને હિકમત છે જે નીચે મુજબ છે.
● આ રીતનો ફાયદો અને હિકમત :- ઉપરોક્ત વર્ણવેલ તલાકની આ રીત સૌથી શ્રેષ્ઠ અને યોગ્ય રીત છે. જો લોકો તલાકની આ રીત અપનાવે તો તલાકને લઈ જીવનમાં જે પરેશાનીઓ આવે છે તે પરેશાનીઓ નહીં આવે.
કારણ કે સામાન્ય રીતે માણસ કામચલાઉ પીડા અને કામચલાઉ મતભેદોને કારણે ગુસ્સામાં તલાક આપી દે છે અથવા લઈ લે છે. પરંતુ પછી બંન્નેને આ વાતનો સખત અહેસાસ થાય છે અને તલાક છતાંય એકબીજા પ્રત્યેના પ્રેમમાં કોઈ ઘટાડો થતો નથી. ઊલટાનું તે પ્રેમ ક્યારેક પહેલાં કરતાં પણ વધી જાય છે. છેવટે બંન્ને ચિંતામાં પડી જાય છે અને ફરીથી લગ્ન કરવા માંગતા હોય છે, અને બંનેના પરિવારજનોની ઈચ્છા પણ આ જ હોય છે.
તો જો તલાક ઉપરોક્ત વર્ણવેલ રીત મુજબ આપવામાં આવી હોય તો પતિ પાસે ઈદ્દત (લગભગ ત્રણ મહિના) પૂર્ણ થયા સુધીનો સમય હોય છે કે તે પોતાની પત્નીને શાદી અને હલાલા વગર અપનાવી લે. અને જો ઈદ્દત પૂર્ણ થઈ જાય તો પણ તેના માટે ફાયદો આ છે કે જો તે ફરીથી તેને અપનાવવા માંગે છે તો માત્ર તેની સાથે નિકાહ પઢી અપનાવી લે, આમાં શરઈ દ્રષ્ટિએ હલાલો કરવો શર્ત નથી. કેમ કે હલાલો ત્રણ તલાક આપ્યા બાદ હોય છે. જ્યારે કે ઉપરોક્ત વર્ણવેલ રીત મુજબ અત્યારે પતિએ પત્નીને માત્ર એક જ તલાક આપી છે.
નોંધ :- જો આ રીતે એક તલાક આપવામાં આવે અને પત્ની ઈદ્દત પૂર્ણ કરી લે તો ઈદ્દત પૂર્ણ થવા પર નિકાહ તૂટી જાય છે. પરંતુ પતિ પાસે હજુ પણ બે તલાકનો અધિકાર હોવાથી તે તેણીને માત્ર તેની સાથે નિકાહ પઢીને પોતાની પત્ની બનાવી શકે છે. અને જો તેણે એક તલાક આપી પરંતુ હજુ ઈદ્દત પૂર્ણ નથી થઈ તે દરમિયાન રૂજુઅ કરી લે તો ઈદ્દત પૂર્ણ થયા બાદ પણ તલાક પડશે નહીં. હાં માત્ર પતિ પાસે બે જ તલાક બાકી રહેશે.
ત્રણ તલાક વિષે ઈસ્લામી દૃષ્ટિકોણ
ઈસ્લામ માં તલાક નો સહીહ તરીકો તે જ છે જે ઉપર વર્ણવામાં આવ્યો છે. અને જો કોઈ વ્યક્તિ ત્રણ તલાક આપી સંપૂર્ણપણે સંબંધ ખતમ કરવા માંગતો હોય તો પણ એક સાથે ત્રણ તલાક ને ઈસ્લામ પસંદ કરતું નથી, બલ્કે તેની પણ એક તાર્કિક રીત બતાવી છે જે આ મુજબ છે.
સૌપ્રથમ એક તલાક આપવામાં આવે, અને એક માસિક આવતા સુધી રાહ જોવામાં આવે. તે દરમિયાન પણ સંબંધ ન સુધરે તો પહેલું માસિક આવ્યા બાદ બીજી તલાક આપવામાં આવે. ત્યાર પછી પણ સંબંધમાં કોઈ પ્રકારનો સુધારો ન થાય તો પછી બીજા માસિક આવ્યા બાદ ત્રીજી તલાક આપવામાં આવે. આ રીત છે ત્રણ તલાક આપવાની જો પરિસ્થિતિ પ્રમાણે ત્રણ તલાક આપવી જરૂરી બની જાય ત્યારે.
ઈસ્લામમાં ટ્રિપલ તલાક આપવાની આ મૂળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. જો આ પદ્ધતિ પર વિચાર કરવામાં આવે તો આ સ્પષ્ટ થઈ જશે કે ઈસ્લામ તલાક ની વ્યવસ્થા કેટલી ઊંડી અને યોગ્યતા પર આધારિત છે. નિકાહ ને સંપૂર્ણપણે ખતમ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાના લાંબા સમયગાળામાં વિચાર વિમર્શ કરવાની તાલીમ આપી છે. જેથી સંપૂર્ણ સ્પષ્ટતા અને સૂઝ સમજ સાથે નિર્ણય લેવામાં આવે.
આટલા મોટા અને અંતિમ નિર્ણય માટે, સ્વાભાવિક છે કે એવો સમયગાળો હોવો જોઈએ કે જેમાં માણસનું જીવન સામાન્ય થઈ જાય, અસ્થાયી પરિસ્થિતિઓ અને સમસ્યાઓની છાપ ઝાંખી પડી જાય. તેમજ વડીલો અને વિશ્વાસુ લોકો સાથે ચર્ચા કર્યા બાદ કોઈ પગલાં લઈ શકાય.
સારાંશ કે ઈસ્લામ માં ટ્રિપલ તલાક તો છે પરંતુ એક સાથે નહીં, બલ્કે ઉપરોક્ત વર્ણવેલ એક ખાસ પદ્ધતિ સાથે છે. નહીંતર ઈસ્લામ માં એક સાથે ત્રણ તલાક ની ઘણી નિંદા કરવામાં આવી છે.
● એક સાથે ત્રણ તલાક આપવાની નિંદા :- ઈસ્લામ માં એક સાથે ત્રણ તલાક આપવી ઘણો મોટો ગુન્હો છે. બલ્કે તેનો એક મોટો અપરાધ બતાવવામાં આવ્યો છે. જેમ કે હદીષોમાં આ વિષે ઘણી નિંદા બયાન કરવામાં આવી છે જે આ પ્રમાણે છે.
➙ પયગંબર મુહમ્મદ ﷺ ને એક વ્યક્તિ વિશે જાણ કરવામાં આવી જેણે તેની પત્નીને એક જ સમયે ત્રણ તલાક આપી દીધા હતા. આ સાંભળી પયગંબર મુહમ્મદ ﷺ ગુસ્સામાં ઉભા થયા અને કહ્યું “ શું તમે મારી હાજરીમાં અલ્લાહ ની કિતાબ સાથે રમો છો..? ”
[નસઈ શરીફ : ૩૪૩૦]
➙ એક વ્યક્તિ હઝરત ઈબ્ને અબ્બાસ રદી. પાસે આવી કહેવા લાગ્યો કે મારા કાકાએ પોતાની પત્નીને ત્રણ તલાક એકસાથે આપી દીધી. જવાબમાં ઈબ્ને અબ્બાસ રદી. એ ફરમાવ્યું કે “ તારા કાકાએ નાફરમાની કરી ગુનાહ નું કામ કર્યું. અને શૈતાન ની પૈરવી કરી છે.”
[તહાવી શરીફ : ૪૩૮૮]
ઉપરોક્ત વર્ણવેલ હદીષોથી જાણવા મળે છે કે એક સાથે ત્રણ તલાક આપવી એ દુષ્કૃત્ય અને ગુન્હો છે. પરંતુ જો કોઈ શરીઅતના હુકમની અવગણના કરી એકસાથે ત્રણ તલાક આપી દે તો નિઃશંકપણે તલાક પડી જશે. કેમ કે જેવી રીતે ખોરાક હરામ હોવા છતાંય તેનાથી પેટ ભરાય જાય છે, એવી જ રીતે એકસાથે ત્રણ તલાક આપવી ભલે જાઈઝ નથી, તે છતાં ત્રણ તલાક પડી જશે.
સારાંશ કે એક સાથે ત્રણ તલાક આપવી ઈસ્લામી તાલીમ નથી, બલ્કે નાજાઈઝ છે.
તલાક ના પ્રકાર
તલાકના કુલ પાંચ પ્રકાર છે, જે પૈકી પહેલા ત્રણ પ્રકાર હુકમના હિસાબે છે અને છેલ્લા બે શબ્દોના હિસાબે. આ પાંચેય નીચે મુજબ છે.
○ હુકમના હિસાબે તલાકના પ્રકાર :-
(૧) તલાકે રજઈ :- રજઈ નો મતલબ ફરી સંપર્કમાં આવવું. આ હિસાબે તલાકે રજઈ નો મતલબ આ છે કે એવી તલાક જેમાં પતિ માટે ફરી સંપર્કમાં આવવા માટે ત્રણ મહિના નો સમયગાળો હોય. અને આ દરમિયાન બન્ને એક સાથે રહી પણ શકતા હોય. તેમજ સાફ શબ્દો અને પાકીના દિવસોમાં એક અથવા બે તલાક આપવામાં આવી હોય.
આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જો પતિ એક અથવા બે તલાક આપ્યા બાદ ફરી તેણી સાથે સંપર્કમાં આવી જાય છે તો તેણી કોઈ પણ જાતના નવા નિકાહ વગર તેના નિકાહમાં બાકી રહેશે. અને જો ત્રણ મહિના સુધી એવો કોઈ સંપર્ક ન કર્યો તો ત્રણ મહિના બાદ નિકાહ તૂટી જશે. અને ફરી નિકાહ માં લાવવા માટે હલાલો નહીં, ફકત નિકાહ કરી લેવા કાફી અને પૂરતા રહેશે.
(૨) તલાકે બાઈન :- બાઈન નો મતલબ જુદું થવું થાય છે. આ હિસાબે તલાકે બાઈન નો મતલબ આ છે કે એવી તલાક આપવામાં આવે કે ફરી નિકાહ વગર તેણી સાથે રહેવું પ્રતિબંધિત હોય. જો ફરી રહેવા ઈચ્છે તો તેઓ માટે માત્ર નિકાહ જરૂરી હોય.
આ તલાકમાં પહેલા પ્રકારના તલાકની જેમ પતિ માટે રૂજુઅ એટલે કે નિકાહ વગર ફરી સંપર્કમાં આવવાનો વિકલ્પ નથી હોતો. તેમજ આમાં હલાલો પણ નથી હોય.
(૩) તલાકે મુગલ્લઝ઼ા :- મુગલ્લઝ઼ા નો મતલબ સખત થાય છે. આ હિસાબે તલાકે મુગલ્લઝ઼ા નો મતલબ આ થયો કે એવી તલાક જેમાં નિકાહ એવી રીતે ખતમ થાય કે ફરી તે જ પત્ની ને પોતાના નિકાહ માં હલાલા વગર ન લાવી શકે.
○ શબ્દના હિસાબે તલાકના પ્રકાર :-
શબ્દના હિસાબે તલાક ના બે પ્રકાર છે જે નીચે મુજબ છે.
(૧) તલાકે સરીહ (સ્પષ્ટ) :- એટલે કે એવા શબ્દોમાં તલાક આપવામાં આવે જે બિલકુલ સાફ અને સ્પષ્ટ હોય, જેનો બીજો કોઈ અર્થ ન નિકળી શકતો હોય. આવી તલાકને તલાકે સરીહ કહેવામાં આવે છે.
દા.ત. આ રીતે તલાક આપવામાં આવે કે “ મેં તને તલાક આપી દીધી ” અથવા “ હું મારી પત્ની ને તલાક આપું છું ” વગેરે.
(૨) તલાકે કિનાયા (સંકેત) :- એટલે કે એવા શબ્દોમાં તલાક આપવામાં આવે જેનાથી તલાક પણ મુરાદ લઈ શકાતી હોય, અથવા તેના સિવાય બીજી કોઈ વસ્તુ પણ મુરાદ લઈ શકાતી હોય. જેમ કે કોઈ કહે કે “ મેં તને મારાથી દૂર કરી દીધી ” આનો એક મતલબ તો આ થાય કે મેં તને તલાક આપી દીધી, અને બીજો મતલબ આ પણ થાય કે તલાક તો નહીં, અલબત્ત હવે તને હું મારી પાસે નહીં રાખું.
એવી જ રીતે આ શબ્દો બોલવામાં આવે કે “ હવે મને તારાથી કોઈ વાસ્તો નથી ” અથવા “ મને તારાથી કોઈ મતલબ નથી ” અથવા “ મારા ઘરેથી ચાલી જા ” વગેરે એવા શબ્દો છે જેમાં બે બે અર્થ નિકળી શકે છે.
નોંધ :- આ બે પૈકી કોઈ વ્યક્તિએ તલાક તલાકે સરીહ આપી છે તો તલાક તલાકે રજઈ પડશે ચાહે તેની નિય્યત તલાક આપવાની હોય કે ન હોય. અને જો કોઈ વ્યક્તિ તલાકે કિનાયા આપે છે તો તેની નિય્યત જોવામાં આવશે. જો તેની નિય્યત તલાક ની હશે તો તલાક તલાકે બાઈન પડી જશે.
તલાક ના વિવિધ મસાઈલ
હવે છેલ્લે તલાકના વિવિધ અગત્યના મસાઈલ વર્ણવામાં આવે છે.
●➙ ના બાલીગ અને પાગલનું પોતાની પત્નીને તલાક આપવા પર તલાક પડશે નહીં. તેમજ ઊંઘમાં કોઈ વ્યક્તિ તલાક આપે તો તેની પણ તલાક પડશે નહીં.
●➙ બળજબરી કરવા પર આપવામાં આવતી તલાક પડી જશે. એવી જ રીતે મસ્તીમાં હોય કે ગુસ્સામાં બન્ને સૂરતોમાં પણ તલાક પડી જશે. તેમજ દારૂડિયાની તલાક પણ પડી જશે.
●➙ પુરુષને માત્ર ત્રણ જ તલાક આપવાનો અધિકાર છે. ત્રણ થી વધુ ગમે તેટલી આપે પરંતુ તલાક ત્રણ જ પડશે.
●➙ કોઈ વ્યક્તિ પોતાની પત્નીને એવું કહે કે હું તને તલાક આપી દઈશ. તો માત્ર આવું બોલવાથી તલાક પડશે નહીં.
●➙ તલાકનો આપવાનો અધિકાર પતિ માટે હોય છે. પત્ની રાજી હોય કે ન હોય. અને પત્ની માટે અધિકાર ના રૂપમાં ખુલા નો વિકલ્પ હોય છે.
સારાંશ કે ઈસ્લામમાં તલાકની એક આખી વ્યવસ્થા છે. જેમાં પતિ પત્ની ની રચનાત્મક બનાવટને અનુરૂપ હક્કો અને ઉપદેશો આપવામાં આવ્યા છે.
[સમાપ્ત]
------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59