અનુક્રમણિકા
ઈસ્લામના દુશ્મનો પયગંબર મુહમ્મદ ﷺ ની અગિયાર શાદીઓ ને હમેશા ઈસ્લામ વિરુદ્ધ ચર્ચા વિચારણા નો વિષય બનાવતા આવ્યા છે, જ્યારે કે તેઓ જો વાસ્તવમાં મુહમ્મદ સાહેબ ﷺ ના જીવન ચરિત્ર નું વાંચન કરે તો શયતાન માટે પણ પયગંબર સાહેબના બારામાં તેમના વિરુદ્ધ જરાય ખોટી ટીપ્પણી કરવાનો મોકો બાકી ન રહે.
વિગતવાર તો નહીં પરંતુ મુહમ્મદ સાહેબ ના જીવન ચરિત્ર પૈકી માત્ર તેમના નિકાહ અને શાદીના ટુંકા ઈતિહાસ વિષે ઉલ્લેખ કરું છું જેનાથી આ વાત જગજાહેર થઈ જશે કે મુહમ્મદ સાહેબ ની અગિયાર શાદીઓ (અલ્લાહ ની પનાહ) કોઈ જાતીય સંબંધ માં રસ હોવાને લીધે ન હતી બલ્કે તેની પાછળ ના કારણો કંઈક બીજા જ હતા જે કારણો નો ઉલ્લેખ ઈન્શા અલ્લાહ નીચે કરવામાં આવશે, આ પહેલા આપણે મુહમ્મદ સાહેબ ની શાદીઓ વિષે ટુંકો ઈતિહાસ જાણી લઈએ.
મુહમ્મદ સાહેબની અગિયાર શાદીઓ નો ટૂંકો ઈતિહાસ
પયગંબર મુહમ્મદ સાહેબે સૌથી પહેલી શાદી પચ્ચીસ વર્ષની ઉંમરમાં કરી હતી, તે પણ ૪૦ વર્ષની એક એવી બેવા સ્ત્રી સાથે જેઓ મુહમ્મદ સાહેબ પહેલા બે વ્યક્તિઓ સાથે શાદી કરી ચૂક્યા હતાં અને તેમના બન્ને પતિઓ મૃત્યુ પામ્યા બાદ મુહમ્મદ સાહેબ ના નિકાહમાં આવ્યા હતા. અને મુહમ્મદ સાહેબે આખી જવાની આ જ બેવા સ્ત્રી સાથે પસાર કરી જેમનું નામ ખદીજા હતું, અને જ્યારે પચાસ વર્ષની ઉમરે પહોંચ્યા ત્યારે મુહમ્મદ સાહેબની આ પત્નીનું નિધન થયું, ત્યાં સુધી મુહમ્મદ સાહેબે બીજી કોઈ શાદી કરી ન હતી.
હઝરત ખદીજા ના મૃત્યુ પછી પ૦ વર્ષની ઉંમરમાં પયગંબર મુહમ્મદ સાહેબે બીજા નિકાહ કર્યા સવદા નામી ખાતુન સાથે, અને તે પણ બેવા હતા, અને તેના બાદ હઝરત આઈશા સાથે નિકાહ થયા જે કુંવારા હતાં પરંતુ વિદાય ન થઈ હતી, મુહમ્મદ સાહેબ ના મદીના આવ્યા બાદ ૫૪ વર્ષની ઉમરે હઝરત આઈશા ની વિદાય થઈ હતી, ખબર પડી કે મુહમ્મદ સાહેબ ની ૫૪ વર્ષની ઉંમરે બે પત્નીઓ ભેગી થઈ હતી, જ્યારે કે આ તે ઉંમર હતી જેમાં લગભગ જાતીય સંબંધનું પ્રમાંણ ઘણું ઓછું થઈ જાય છે.
ત્યારબાદ એક વર્ષ પછી પપ વર્ષની ઉંમરમાં પહેલા હફસા નામી ખાતુન જે બેવા હતા તેમની સાથે અને થોડાક દિવસ પછી ઝૈનબ બિન્તે ખુઝયમા નામી ખાતુન સાથે નિકાહ થયા, અને આ પણ બેવા હતા, અને થોડાક જ મહીનામાં મૃત્યુ પામી ગયા હતા.
આટલે સુધી એટલે કે મુહમ્મદ સાહેબ પપ વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે તેમની કુલ પાંચ શાદીઓ થઈ ગઈ હતી તેમાં પણ એક કુંવારી અને ૪ બેવાઓ હતીં જેમાંથી બે મૃત્યુ પામી ગઈ હતી જ્યારે કે ત્રણ જીવીત હતી.
ત્યારબાદ ૫૬ અથવા ૫૭ વર્ષની ઉંમરે ઉમ્મે સલમહ્ નામી ખાતુન અને ૫૮ વર્ષની ઉંમરે ઝૈનબ બિન્તે જહશ નામી ખાતુન સાથે નિકાહ કર્યાં, અને આ બન્ને પણ બેવા હતાં, મુહમ્મદ સાહેબ ની કુલ ઉમર ૬૩ વર્ષની હતી, પ૮ વર્ષથી લઈ ૬૩ સુધી અટલે કે છેલ્લા પાંચ વર્ષમાં ૪ શાદીઓ થઈ હતી, આમ કરીને કુલ ૧૧ શાદીઓ જેમાં ૧૦ બેવાઓ અને એક કુંવારા હતાં.
❖ ફાયદો :- ઉપરોક્ત ટૂંકો ઈતિહાસ જોયા બાદ આંધળો પણ આ વાત માની જાય છે કે વાસ્તવમાં આટલા બધા નિકાહ નું કારણ જાતીય સંબંધ કે હવસની ભૂખ ન હોય શકે, નહીંતર મુહમ્મદ સાહેબ જવાની માં જ એક થી વધુ કુંવારી સુંદર છોકરી ઓ સાથે નિકાહ કરી લીધા હોત, જ્યારે કે મુહમ્મદ સાહેબે તો આખી જવાની માં માત્ર એક જ નિકાહ કર્યા તે પણ એવી બેવા સાથે જે તેમનાથી ઉંમરમાં ૧પ વર્ષ મોટા હતાં.
અને બીજા બધા જે નિકાહ થયા તે બધા જ ઘરડા હોવાની ઉંમરમાં કર્યા જેમાં એક કુંવારી પણ સામેલ હોય છે, જ્યારે કે આ તે ઉંમર હતી જેમાં વ્યક્તિનું જાતીય સંબંધનું પ્રમાંણ ઘણું ઓછું થઈ જાય છે.
આ વાસ્તવિક્તા સામે આવ્યા બાદ પણ મુહમ્મદ સાહેબ પ્રત્યે ખોટી ટીપ્પણી કરવી અથવા તેમની જાતને નીશાન બનાવવા નફરત, અભણતા તેમજ મૂર્ખતા નું જ પ્રતિક હોય શકે છે. તો હવે સવાલ આ છે કે તો પછી આટલી બધી શાદીઓ નું કારણ અને સબબ શું હતા..? સમજનાર અને માનનાર માટે જવાબ આ છે કે અમુક હિકમતોના લીધે આટલા બધા નિકાહ કર્યા હતા જે હિકમતો નિમ્ન મુજબ છે.
મુહમ્મદ સાહેબ ની અગિયાર શાદીઓ ની હિકમતો
પયગંબર મુહમ્મદ સાહેબ ﷺ ને આ દુનિયામાં નબી બનાવીને મોકલવાનો સૌથી મોટો હેતુ અલ્લાહ તઆલા ના આદેશો ને લોકો સુધી પહોંચાડવા અને દિલોની સફાઈ હતી, ત્યારબાદ પયગંબર મુહમ્મદ સાહેબે અલ્લાહ તઆલા ના આદેશો ને બોલીને અને કરીને આમ બન્ને રીતે લોકો સુધી પહોંચાડ્યા, બીજી બાજુ માણસની જીંદગીનો કોઈ વિભાગ એવો નથી જેમાં નબવી માર્ગદર્શન અને તાલીમની જરૂરત ન હોય, નમાઝ જેવી ઈબાદતો થી લઈ નિકાહ સુધી, અવલાદ ની કેળવણી થી લઈ પેશાબ ના મસાઈલ સુધી, એવી જ રીતે પતિ પત્નીના આપસના સંબધ થી લઈ ઘરેલુ કામકાજ સુધી ના મસાઈલ મુહમ્મદ પયગંબર સાહેબે બોલીને અને કરીને બતાવી લોકોને તાલીમ આપી.
પરંતુ આ બધી વાતો પૈકી અમુક વાતો પહોંચાડવા તેમજ માર્ગદર્શન અને તાલીમ માટે વધારે શાદીઓ સમયની એક જરૂરત હતી જેથી મુહમ્મદ સાહેબના અખલાક, નૈતિક સંબધો, અને સ્ત્રીઓના અંગત મસાઈલ તેમની પત્નીઓ દ્વારા લોકો સુધી પહોંચે.
આ જ કારણ છે કે આજે હજારો એવા માર્ગદર્શન અને તાલીમની વાતો છે જે મુહમ્મદ સાહેબની પવિત્ર પત્નીઓ દ્વારા લોકો સુધી પહોંચી, બધી જ પત્નીઓ ની નહીં બલ્કે ઉદાહરણ તરીકે માત્ર બે ત્રણ પત્નીઓ નું વર્ણન કરું છું જેથી ખબર પડે કે તેઓથી ઉમ્મતને કેટલા ફાયદા પહોંચ્યા.
❖ હઝરત આઈશાؓ :-
આ તે પત્ની છે જેમને વધારે પડતા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે, જ્યારે કે એમણે મુહમ્મદ સાહેબના આ દુનિયા થી જવા બાદ ૪૮ વર્ષ સુધી દીનની વાતો લોકો સુધી પહોંચાડવાની સેવા આપી, આ સમયગાળા માં તેમના થી ૨૨૧૦ વાતો હદીષોના નામે વર્ણન કરવામાં આવી છે , જેઓનું સ્થાન સૌથી વધુ પયગંબર મુહમ્મદ સાહેબ ની વાતો બયાન કરવામાં ચોઠા અથવા છઠ્ઠા ક્રમે છે. જેમાં વધારે પડતી મુહમ્મદ સાહેબ ના અંગત જીવન, અખલાક, આદાબ વગેરે પર આધારિત છે. માત્ર તેમના શિષ્યો જ ૧૦૦ થી વધુ હતા.
❖ ઉમ્મે સલ્મહ્ؓ :-
આ તે પત્ની છે જેઓ પયગંબર મુહમ્મદ સાહેબ ના પછી મસાઈલ ની તાલીમ આપતા હતાં જેમના થી ૩૭૮ જેટલી વાતો હદીષો ના નામે વર્ણન કરવામાં આવી છે, જેમના પ્રત્યે કહેવામાં આવે છે કે તેમના આપેલ માત્ર ફતાવા ભેગા કરવામાં આવે તો એક કિતાબ (પુસ્તક) બની જાય.
❖ બાકી પવિત્ર પત્નીઓ વિષે ટૂંકી માહીતી :-
ઉપરોક્ત બે સિવાય મુહમ્મદ સાહેબ ની બીજી પવિત્ર પત્નીઓ પ્રત્યે ટૂંકી દીનની સેવા જોઈએ તો હઝરત મૈમુનાؓ થી લગભગ ૭૬, હઝરત ઉમ્મે હબીબાؓ થી લગભગ ૬૫, હઝરત હફસાؓ થી લગભગ ૬૦, હઝરત ઝૈનબؓ બિન્તે જહશ થી લગભગ ૧૧, હઝરત જુવેરીયાؓ થી લગભગ ૭, હઝરત સવદાؓ થી લગભગ ૫, અને હઝરત ખદીજાؓ થી ૧ આ રીતે આ પવિત્ર પત્નીઓ દ્વારા મુહમ્મદ સાહેબ ની વાતો હદીષના નામે લોકો સુધી પહુંચી, અને આ તો માત્ર મુહમ્મદ સાહેબની વાતો ને લોકો સુધી પહોંચાડવાનો ઉલ્લેખ છે બાકી બીજી દીની સેવાઓ અને તેમના થી પહોંચેલ ફાયદાઓ પુષ્કળ છે, જેનો ઉલ્લેખ અત્યારે મૌકુફ રાખવામાં આવે છે.
સારાંશ કે જો કદાચ મુહમ્મદ સાહેબ આટલી બધી શાદીઓ ન કરતા તો લોકો મુહમ્મદ સાહેબે આપેલી પુષ્કળ તાલીમથી વંચીત રહી જાત, અને આ તો એક આમ સામૂહિક હિકમત બતાવવામાં આવી છે બાકી અંગત હિકમતો નિમ્ન મુજબ છે.
❖ પહેલી અંગત હિકમત ❖
પહેલી અંગત હિકમત આ હતી કે ઉહદની લડાઈ જેમાં ૭૦ થી વધુ સહાબાؓ શહીદ થઈ ગયા હતા, જેના લીધે કેટલીય સ્ત્રીઓ બેવા અને છોકરાઓ યતીમ થઈ ગયા હતા, તો બીજા સહાબાؓ ને બેવાઓ સાથે શાદી ની પ્રેરણા અને પ્રોત્સાહન માટે સૌથી પહેલા મુહમ્મદ સાહેબે પોતે હઝરત ઉમ્મે સલમહ્ؓ, હઝરત હફસાؓ અને હઝરત ઝૈનબؓ બિન્તે ખુઝૈમ૨ સાથે શાદી કરી જેમના પહેલા પતિઓ ઉહદની લડાઈમાં શહીદ થઈ ગયા હતા જેથી તેમને જોઈ બીજા સહાબાؓ પણ બેવાઓ સાથે શાદી કરી લે અને ઘણી બેવાઓ અને યતીમોને આસરો અને સહારો મળી જાય.
❖ બીજી અંગત હિકમત ❖
બીજી અંગત હિકમત આ હતી કે પયગંબર મુહમ્મદ સાહેબ જે સમાજ માં રહેતા હતા તે સમાજમાં અમુક ગલત માન્યતાઓ પૈકી એક ગલત માન્યતા ખૂબ પ્રસરી રહી હતી, જે આ હતી કે તેમના સમાજમાં લોકો લે પાલક બેટાને પોતાના સગા છોકરા સમાન સમજતા હતા, કે જેવી રીતે એક સગા છોકરા માટે જે બધી વાતોની મનાઈ હોય છે એવી જ રીતે લે પાલક છોકરા પર પણ તે બધી જ વાતોની મનાઈ લાગુ પડે છે, તો આ ગલત માન્યતાને દૂર કરવા મુહમ્મદ સાહેબે એક એવી સ્ત્રી સાથે શાદી કરી જેના દ્વારા લોકોને તેમની ભૂલ સમજાઈ ગઈ કે અમારા દરમિયાન જે માન્યતા પ્રચલિત હતી તે સહીહ નથી,
જેની ટૂંકી માહિતી આ પ્રમાણે છે કે મુહમ્મદ સાહેબે ઝૈદؓ બિન હારીસા નામી એક સહાબીને પોતાનો લે પાલક પુત્ર બનાવ્યો હતો, અને તે પુત્રની શાદી ઝૈનબؓ બિન્તે જહશ નામી સ્ત્રી સાથે કરાવી હતી, શાદી બાદ બન્ને દરમિયાન અણબનાવ ને કારણે છેવટે હઝરત ઝૈદؓ બિન હારીસા એ તેમને તલાક આપી દીધા હતા. અને તે સમયે લે પાલક છોકરાની પત્ની ને પિતા માટે સગા દિકરાની પત્ની ની જેમ સમજવા માં આવતા હતા કે જેવી રીતે એક પિતા પોતાના સગા દિકરાની પત્ની સાથે તલાક આપ્યા બાદ પણ શાદી નથી કરી શકતો એવી જ રીતે લે પાલક પુત્રની પત્ની સાથે પણ તલાક બાદ શાદી નથી કરી શકતો... તો આ બેબુનિયાદ પ્રથાને નાબૂદ કરવા માટે પોતે પયગંબર સાહેબે ઝૈનબ બિન્તે જહશ નામી સ્ત્રી સાથે શાદી કરી લીધી.
❖ ત્રીજી અંગત હિકમત ❖
ત્રીજી અંગત હિકમત આ હતી કે અરબના લોકોની આ નીતિ હતી કે તેઓના દુશ્મન પૈકી જે વ્યક્તિ તેમનો જમાઈ બની જાય તેની જોડે લડાઈ જંગ તેમજ દુશ્મનીને ઘણું જ ખરાબ અને તુચ્છ સમજતા હતા.
બીજી તરફ હઝરત અબૂ સુફિયાનؓ શરૂઆતમાં પયગંબર સાહેબના ઘણા કટ્ટર દુશ્મન હતા, તો આ દુશમનીને ખતમ કરવા પયગંબર સાહેબે તેમની પુત્રી હઝરત ઉમ્મે હબીબાؓ થી શાદી કરી લીધી જેનું પરિણામ આ મળ્યું કે હઝરત અબૂ સુફિયાનેؓ ન માત્ર દુશ્મની ખતમ કરી બલ્કે આગળ જતાં એક શરીફ મુસ્લિમ તરીકે પોતાની ઓળખ છોડી ગયા.
અને બીજી બાજુ હઝરત ઉમ્મે હબીબાؓ ના પહેલા પતિ ઈસાઈ બની ગયા હતા જેથી તેમના દિલને ખૂબ આઘાત પણ લાગ્યો હતો તો મુહમ્મદ સાહેબે તેમની સાથે શાદી કરી એક તો દુશમની ખતમ કરવાને અને તેમને આ શાદી દ્વારા આશ્વાસન અને દિલી દિલાસો આપવાનો મુખ્ય હેતુ બનાવી તેમની સાથે શાદી કરી લીધી હતી.
❖ ચોથી અંગત હિકમત ❖
સામેવાળી વ્યક્તિએ કરેલ ઉપકાર નું તેને ફળ આપવું હતી, એટલે કે કોઈ વ્યક્તિએ ઉપકારો કરવા સાથે ઘણો સાહ સહકાર પણ આપ્યો હોય તો તેવા વ્યક્તિ સાથે ભવિષ્યમાં પણ સંબંધો વધારે મજબૂત રહે તે માટે ફળ સ્વરૂપે તેની સાથે લગ્નનના સંબધો બાંધવામાં આવે છે.
થયું એવું કે પયગંબર સાહેબે જ્યારથી નબી (અલ્લાહ નો દૂત) હોવાનો દાવો કર્યો હતો ત્યારથી જ મક્કા વાસીઓ પૈકી અમુક લોકો સિવાય બધાએ જ તેમને જુઠા અને બનાવતી કહી નકારી કાઢ્યા હતા, તે સમયે સૌથી પહેલા અને સૌથી વધુ સહકાર જેમણે આપ્યો હતો તે અબૂ બકર નામી વ્યક્તિ હતા, જે સહકાર ની મુહમ્મદ સાહેબને તે સમયે ખૂબ જરૂરત હતી, અને એટલો બધો સહકાર આપ્યો હતો કે પોતાના પ્રાણ વિના સંકોચ દેવા તૈયાર રહેતા હતા, તેમનો આ સહકાર અને સંબંધ જોતા ભવિષ્યમાં પણ વધુ સંબંધ મજબૂત રહે અને જે સહકાર મળ્યો તેને ફળ સ્વરૂપે અર્પણ કરતા તેમની વ્હાલી દિકરી આઈશા સાથે શાદીનો પ્રસ્તાવ મુક્યો અને તેમની સાથે શાદી કરી લીધી.
કે ભલે હું નબી જેવા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક છું પણ તમારા ઉપકારો અને સહકાર નું ફળ આ જ છે કે હું તમારી સાથે લગ્ન સંબંધ બનાવી લઉં, કેમ કે સંબંધ બાંધવાની છેલ્લી હદ લગ્ન સંબંધ જ છે, જેમ કે આજે પણ આપણે આપણા સમાજમાં આ વિષે હજારો ઉદાહરણો વારંવાર નિહાળીએ છીએ.
❖ પાંચમી અંગત હિકમત ❖
પાંચમી અંગત હિકમત આ હતી કે અરબ લોકોના વિભિન્ન કબીલા અને પરિવારો સાથે સામાજીક સંબંધો સુધરી જાય અને તેમના વિભિન્ન પરિવારોને ઈસ્લામ તરફ આકર્ષિત કરવાની હતી, કેમ કે અરબના બધા જ પરિવાર દરેક વસ્તુમાં તેમના સરદાર પર આધારિત રહેતા હતા એટલે કે તેઓ જે કહે તે જ માનવાનું અને જે કહે તે જ કરવાનું. તો પયગંબર સાહેબે રાજકીય અનુકૂળતા ના હેઠળ અમુક પરિવાર ના સરદારની પુત્રીઓ સાથે શાદી કરી, અંતે તે પરિવારો સાથે ન માત્ર સંબધો સુધર્યા બલ્કે આ હિકમત અમન અને સલામતી ને પાત્ર ઈસ્લામને સ્વીકારવાનું કારણ પણ બની ગયું.
થયું એવું કે મદીના અને મક્કા ના દરમિયાન એક પરિવાર રહેતો હતો જેનું નામ " બનૂ મુસતલિક " હતું, આ પરિવાર મક્કાના પરિવારો સાથે મળીને વારંવાર કાવતરાં કરી મુહમ્મદ સાહેબ અને તેમના સાથીઓને ખૂબ તકલીફ આપતા હતા, પરિણામે મુહમ્મદ સાહેબે આ કાવતરાં અને તકલીફો દૂર કરવા માટે તે કબીલા પર ચઢાઈ કરી જેમાં તેમનો સરદાર માર્યો ગયો, અને બીજા લોકોને કેદી બનાવવામાં આવ્યા, જેમાં જુવેરીયા નામી એક સ્ત્રી પણ કેદી બનીને આવી હતી જે કબીલા ના સરદાર ની પુત્રી હતી, અને સરદારની પુત્રીનું કેદી બનવું ત્યાંના લોકો ઘણી મોટી આળ સમજતા હતા, તો આ આળને ખતમ કરવા તેમજ બીજી મસલિહતો ને ખાતર તે પુત્રી સાથે મુહમ્મદ સાહેબે શાદી કરી જેનો ફાયદો આ થયો કે આખો કબીલો આઝાદ કરી દેવામાં આવ્યો, અંતે આખો કબીલો મુસલમાન પણ થઈ ગયો.
એવી જ રીતે હઝરત સફીય્યહ પણ યહૂદી કબીલાના એક સરદારની પુત્રી હતા તેમનો પહેલો પતિ માર્યો ગયો હતો અને તે પોતે મુહમ્મદ સાહેબ પાસે કેદી બનીને આવ્યા હતા, મુહમ્મદ સાહેબે કેદી બનાવવાની તુલનામાં તેમને પોતાના પત્ની તરીકે સ્વીકારી લીધા જેનું પરિણામ આ આવ્યું કે યહૂદી કબીલાઓ માં મુહમ્મદ સાહેબ અને ઈસ્લામ પ્રત્યે સારો પ્રભાવ પડ્યો, અને સંબંધોમાં પણ તફાવત આવ્યો હતો. એવી જ રીતે મુહમ્મદ સાહેબના હઝરત મય્મુના સાથે નિકાહ કરવાથી નજ્દ નામી આબાદી માં ઈસ્લામ ખૂબ ફેલાયો.
આ હિકમત નો ખુલાસો આ નિકળ્યો કે નિકાહ દ્વારા મુહમ્મદ સાહેબે બીજા પરિવારો સાથે સંબધો પણ ખૂબ સુધાર્યા અને તેમના દરમિયાન ઈસ્લામ નો અસર અને પ્રભાવ પણ ખૂબ છોડ્યો.
❖ છઠ્ઠી હિકમત ❖
મુહમ્મદ સાહેબ પર લગાવવામાં આવતા એક આરોપને નકારવાની હતી, કે મુહમ્મદ સાહેબે નબી હોવાનો અને એવી પવિત્ર પંક્તિઓ કે એના જેવી જ બીજી પંક્તિઓ લાવવી માનવી મગજના બહારની વાત હતી તે પંક્તિઓ પોતાની ઉપર (કુર્આનની સૂરતમાં) આસમાન થી ઉતરવા નો દાવો કર્યો હતો, તેમજ તેમના દ્વારા એવા કૃત્યો જાહેર થતા હતા જે મનુષ્યની તાકતની બહાર હોય તો આ બધું જોઈ આરબના લોકોએ તેમને જાદુગર કહેતા જાદુથી બધું કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ આ વાત સ્પષ્ટ છે કે પત્ની પોતાના પતિની સૌથી નજદીક હોવાને કારણે તે પોતાના પતિના દરેક રહસ્ય થી સારી રીતે વાકેફ હોય છે, તો પયગંબર સાહેબની અગિયાર પત્નીઓ હતી તો શું કોઈ વિચારી શકે છે કે મુહમ્મદ સાહેબનું કોઈ પણ રહસ્ય રહસ્ય બનીને રહી જાય...? તો જો મુહમ્મદ સાહેબ જાદુગર હોત તો આ જાદુગર હોવાનું રહસ્ય એક, બે, ત્રણ અથવા પાંચ પત્નીઓ માટે રહસ્ય બની રહે પરંતુ મુહમ્મદ સાહેબ ને તો અગિયાર પત્નીઓ હતી તો પણ કોઈ પત્ની એવી નથી જેને મુહમ્મદ સાહેબ પ્રત્યે જાદુગર હોવાનો શક પણ થયો હોય. તો સ્પષ્ટ થઈ ગયું કે વાસ્તવમાં મુહમ્મદ સાહેબ જાદુગર નહીં બલ્કે નબી જ હતા નહીંતર અગિયાર નહીં બલ્કે એકને તો શક થાય... પણ કોઈ નેે જ ન થયો.
તો આ રીતે અગિયાર શાદીઓ દ્વારા મુહમ્મદ સાહેબ પર લગાવવામાં આવતા આરોપને નકારવામાં અને રદ કરવામાં આવ્યો કે મુહમ્મદ સાચેજ નબી હતા.
❖ સાતમી હિકમત ❖
મુહમ્મદ સાહેબ પર અલ્લાહ તઆલા તરફથી જવાબદારી વધારવી હતી જેથી તેમની જવાબદારી ને નમૂનો બનાવી લોકોને પ્રોત્સાહન રૂપે સંદેશો આપી શકાય કે મુહમ્મદ સાહેબની આટલી બધી પત્નીઓ ની જવાબદારી હોવા છતાંય મુહમ્મદ સાહેબ અલ્લાહ તઆલા ની બંદગી અને અલ્લાહ તઆલા ના સંદેશો લોકો સુધી પહોંચાડવામાં જરાય આળસ અને બેદરકારી ન કરી અને આપણે છીએ નાના બહાને બંદગી અને બીજી ઈબાદતો ને છોડી દઈએ છીએ.
આ ઉપરોક્ત હિકમતો હતી જેના લીધે મુહમ્મદ સાહેબે વધુ શાદીઓ કરી હતી, આ જાણ્યા બાદ મુહમ્મદ સાહેબ પર (અલ્લાહ ની પનાહ) હવસના ભૂખ્યા નો આરોપ લગાવવો અભણતા, મુર્ખતા અને બેવકૂફી જ હોય શકે છે.
જો માત્ર દિમાગ નો થોડો પણ ઉપયોગ કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે મુહમ્મદ સાહેબ જાતીય સંબંધ ના ભૂખ્યા ન હતા, કેમ કે ઈતિહાસ સાક્ષી છે કે મુહમ્મદ સાહેબના યુગમાં મોટા મોટા તેમના દુશ્મનો તરફથી જ્યાં એક તરફ જાદુગર તેમજ જ્યોતિષ હોવાનો આરોપ લગાવવામાં આવતો હતો તો જો મુહમ્મદ સાહેબ વાસ્તવમાં જાતીય સંબંધના ભૂખ્યા હોત તો તેમના દુશ્મનો જરૂર જાદુગર અને જ્યોતિષ જેવા આરોપ સાથે હવસનો પણ આરોપ લાગાવતા હોત પરંતુ ઈતિહાસ ઉઠાવીને જોઈ લેવામાં આવે કોઈની પણ તરફથી આવો આરોપ નથી લગાવાયો.
હાં ઈતિહાસમાં તેનાથી વિરૂદ્ધ જરૂર સાંભળવાનું મળે છે કે આરબના લોકોએ તેમને અલ્લાહ તઆલા ની બંદગીનો આદેશ રોકવા માટે પ્રસ્તાવ રૂપે કહ્યું હતું કે તમે આરબની જે પણ સુંદર છોકરી સાથે શાદી કરવા ઈચ્છો અમે તેને તમારા સમક્ષ હાજર કરી દઈશું પરંતુ મુહમ્મદ સાહેબે ઐતિહાસિક જવાબ આપતા તેમના આ પ્રસ્તાવ ને ફગાવી દીધો હતો.
બીજા ધાર્મિક પુસ્તકો તેમજ તેમનો ઈતિહાસ જોવામાં આવે તો બહુપત્ની પ્રથા દરેકમાં જ જોવા મળે છે ચાહે પછી તે યહૂદી ધાર્મિક પુસ્તક તવરાત હોય કે ઈસાઈ ધાર્મિક પુસ્તક બાઈબલ હોય બલ્કે હિંદુઓમાં પણ પુરાતન કાળના રાજાઓ એકથી વધુ પત્નીઓ જ ધરાવતા હતા. દા.ત. રાજા દશરથ ને ત્રણ તેમજ શ્રી કૃષ્ણને મુખ્ય આઠ રાણીઓ હતી, તો બહુપત્ની પ્રથા તો ઈસાઈ, યહૂદી અને હિંદુઓમાં પણ હતી. તો માત્ર ઈસ્લામ અને મુહમ્મદ સાહેબને જ કેમ નિશાન બનાવવામાં આવે છે..? એટલા જ માટે ફરી એક વાર કહું છું કે મુહમ્મદ સાહેબ પર આરોપ માત્ર અને માત્ર અજ્ઞાનતા, નફરત અને દુશ્મની ને લીધે જ છે બાકી આ આરોપની કોઈ વાસ્તવિક્તા નથી.
[❖ : સમાપ્ત : ❖]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59