ઈસ્લામમાં પુરુષો માટે ચાર શાદીઓ ની પરવાનગી કેમ..?

Ml Fayyaz Patel
0
Buttons Example
     ઈસ્લામ પર નાસમજીમાં જે વસ્તુઓ પર વાંધો ઉઠાવવામાં આવે છે તે વસ્તુઓ પૈકી એક વસ્તુ પુરુષો માટે ચાર શાદીઓ ની પરવાનગી છે, ઘણા લોકો અજ્ઞાનતા ને કારણે સવાલ અને વાંધો ઉઠાવતા કહેતા નજર આવે છે કે ઈસ્લામમાં પુરુષ ને ચાર શાદીઓ ની જે પરવાનગી છે તે બિલકુલ સ્ત્રી પ્રત્યે અન્યાયને પાત્ર છે, બલ્કે ઈસ્લામ ના આ આદેશને વ્યક્તિની ફિતરત ના વિરુદ્ધ સમજવામાં આવે છે, તો આપણે જાણીએ કે શું વાસ્તવમાં પુરુષો ને ચાર શાદીઓ ની પરવાનગી જનહિતમાં સહીહ છે કે ગલત..?
  સૌથી પહેલા તો આ વિષયમાં પરવાનગી નો સહીહ મફહૂમ સમજવાની ઘણી જરૂરત છે, અમુક લોકોને તો વાંધો માત્ર એટલા માટે જ થતો હોય છે કે તેઓ સહીહ મફહૂમ થી વંચીત અને અજાણ હોય છે.

 ચાર શાદીઓ ની પરવાનગી નો સહીહ મફહૂમ 

     ઈસ્લામે ચાર શાદીઓ ની પરવાનગી આપી છે કે એક વ્યક્તિ પોતાની મરજી મુજબ ચાર શાદીઓ કરી શકે છે, વાજબી આદેશ નથી આપ્યો કે દરેકને માટે ચાર શાદીઓ કરવી જરૂરી અને વાજીબ છે.
      બીજું કે ચાર શાદીઓ ની પરવાનગી આપી પુરુષો ને ખુલ્લા છોડી નથી મુક્યા કે પુરુષ જેવું ચાહે તેવું કરી શકે, બલ્કે તેના સામે અમુક શર્તો પણ મુકવામાં આવી છે કે જો તે વ્યક્તિ તે શર્તો પર ખરો ઉતરશે ત્યારપછી જ તેને શાર શાદીઓ ની પરવાનગી ઈસ્લામ આપે છે.

 ચાર શાદીઓ ની પરવાનગી માટેની શર્તો 

     ચાર શાદીઓ ની પરવાનગી માટે ઈસ્લામે જે શર્ત બયાન કરી છે તે એક એવી શર્ત છે જેમાં એક પત્નીના બધા જ હકો તેમાં આવી જાય છે અને તે છે “ ન્યાય ” કે એક પુરુષ માટે ત્યારે પરવાનગી છે જ્યારે તે પુરુષ ચારેય પત્નીઓ દરમિયાન બરાબર ન્યાય કરી શકે, કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
فَاِنۡ خِفۡتُمۡ اَلَّا تَعۡدِلُوۡا فَوَاحِدَۃً
[સૂરહ નીસા / આયત : ૩]
“ જો તમોને ડર હોય કે તમે તેઓ દરમિયાન ન્યાય નહીં કરી શકો તો પછી એક જ શાદી કરો ”
    ઉપરોક્ત આયતમાં સ્પષ્ટ આ વાતનું વર્ણન છે કે શાદી ની પરવાનગી ત્યારે છે જ્યારે ન્યાય કરી શકતા હોય, અને આ ન્યાય કરવો એક એવી શર્ત છે જેમાં ઘણી બધી શર્તો સંડોવાયેલી અને છુપાયેલી છે જેની વિગત નિમ્ન મુજબ છે.
૧) ​➤ ખર્ચો કરવામાં ન્યાય કરવો :- સૌથી પહેલી શર્ત આ છે કે એક થી વધુ પત્નીઓ હોવાની સૂરતમાં ત્રણ હોય કે ચાર દરેક દરમિયાન જરૂરી ખર્ચો બરાબર આપવો, દા.ત. એક ને મહિના દિઠ ત્રણ હજાર આપવામાં આવે છે તો બીજી બધીને પણ એટલા જ આપવામાં આવે તેનાથી ઓછું કે વધારે કોઈ એક ને આપવું અન્યાય કહેવાશે જે ઉપરોક્ત આયતમાં અલ્લાહ તઆલા ના વર્ણવેલ આદેશ ના વિરુદ્ધ લેખાશે.
૨) ​➤ રાતવાસો કરવામાં ન્યાય કરવો :- એટલે કે વારી બાંધવામાં આવે કે દરેક સાથે રાતવાસો ગણતરી માં સરખો કરવામાં આવે, એવું નહીં કે એક સાથે ત્રણ રાત પસાર કરી તો બીજી સાથે એક જ દિવસ રાતવાસો કરવામાં આવે, ભલેને જાતીય સંબંધ ની જરૂરત ન હોય. માટે રાતવાસો માં સમાનતા ન કરવી પણ અન્યાય લેખાશે જેની અલ્લાહ તઆલા એ મનાઈ કરી છે. હાં કોઈ એક પત્ની પોતાની રાજીખુશી થી પોતાની વારીમાં બીજી પત્ની ને ત્યાં રાતવાસો કરવાની પરવાનગી આપે તો તે અલગ વાત છે.
૩) ​➤ ભેટો આપવામાં ન્યાય કરવો :- એટલે કે વર્ષ દરમિયાન જો પતિ કોઈ ખાસ ખુશીના અવસરે પોતાની પત્નીઓ ને જરૂરી ખર્ચા સિવાય ભેટ તેમજ સોગાદો આપે તો તેમાં પણ સમાનતા જરૂરી છે કે એક પત્ની ને ભેટ રૂપે કોઈ વસ્તુ આપે તો બીજી બાકી પત્નીઓ ને પણ આપવું જરૂરી રહેશે, નહીંતર અન્યાય ગણવામાં આવશે જે ઉપરોક્ત શર્ત (ન્યાય) ના વિરુદ્ધ છે.
     ઉપરોક્ત શર્તોની સિવાય “ ન્યાય ” ના મફહૂમ માં હજુ પણ બીજી ઘણી શર્તો નિકળી શકે છે જેનો ખુલાસો આ નિકળે છે કે કોઈ પણ એવું કૃત્ય ન કરવું જે અન્યાય ને પાત્ર હોય અને જેનાથી બીજી પત્નીઓ નું દિલ દુભાય.
     તદુપરાંત પત્નીઓ દરમિયાન માત્ર ન્યાય નો આદેશ જ આપવામાં નથી આવ્યો, બલ્કે સાથે સજા પણ સંભળાવવા માં આવી છે કે :
عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنِ النَّبِيِّ ﷺ قَالَ : إِذَا كَانَتْ عِنْدَ الرَّجُلِ امْرَأَتَانِ فَلَمْ يَعْدِلْ بَيْنَهُمَا جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَشِقُّهُ سَاقِطٌ
[મિશ્કાત શરીફ : હદીષ ક્રમાંક ૩૨૩૬]
તર્જુમો :- “ પયગંબર મુહમ્મદ સાહેબ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિની બે પત્નીઓ હોય અને તે વ્યક્તિ તે બન્ને દરમિયાન ન્યાય ન કરે તો તે વ્યક્તિ કયામતના દિવસે એવી હાલતમાં આવશે કે તેના બદનનો એક હિસ્સો લકવા મારી ગયો હશે.”
     આખી માહિતી નો ખુલાસો આ નિકળે છે કે ઈસ્લામે પરુષોને માત્ર પરવાનગી આપી આઝાદ નથી છોડ્યા, બલ્કે હક્કો અને ન્યાય આપવાની શર્તે તેને એક થી વધુ શાદીઓ ની પરવાનગી આપી છે.
    પરંતુ હવે આ સવાલ બાકી રહે છે કે ઈસ્લામે એક થી વધુ શાદીઓ ની જે પરવાનગી આપી છે તેનું કારણ શું છે..? તો જવાબ આ છે કે ઈસ્લામની એક થી વધુ શાદીઓ ની પરવાનગી નું કારણ એક નહીં બલ્કે અનેક છે જે નીચે મુજબ છે.

 એક થી વધુ શાદીઓ ની પરવાનગી ના કારણો 

      જેમ કે ઉપરોક્ત બતાવ્યા મુજબ કે ઈસ્લામે એક નહીં બલ્કે અનેક કારણોસર એક થી વધુ શાદીઓ ની પરવાનગી આપી છે જે નીચે મુજબ છે.
✪ પહેલું કારણ દુનિયામાં સ્ત્રીઓ નું પુરુષો ની તુલનામાં વધારે હોવું :- એક થી વધુ શાદીઓ નું પહેલું કારણ તો આ છે કે દુનિયામાં સ્ત્રીઓ પુરુષો ની તુલનામાં ઘણી વધારે છે અને પુરુષો ઘણા ઓછા છે જેનું એક કારણ તો આ છે કે પુરુષો ની તુલનામાં સ્ત્રીઓ નો જન્મ વધારે થાય છે જે એક અનુભવી વાત છે જેને આપણે વારંવાર નિહાળતા રહીએ છીએ, 
     એવી જ રીતે બીજું કારણ આ છે કે કમાવવાની જીમ્મેદારી પુરુષ ના ખભે હોય છે જેના લીધે તે બહાર વધારે પડતો રખડતો હોવાથી કેટલાય અકસ્માત અને ઘટનાઓ નો શિકાર બનતા તેના મૃત્યુનું પ્રમાણ પણ વધારે હોય છે, અને ત્રીજું એક કારણ આ છે કે જંગ તેમજ લડાઈ વગેરેમાં પણ પુરુષ જ હિસ્સો લેતો હોવાથી તેમાં પણ તેના મૃત્યુનું પ્રમાણ વધુ હોય છે.
     માત્ર ભારતની જ વાત કરવામાં આવે તો ભારત સરકારે ગતવર્ષે જ (૨૦૨૧ માં) મહિલા અને બાળ સ્વાસ્થ્ય અંગે કરવામાં આવેલા સર્વેક્ષણ નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે (NFHS 5) ના આંકડા જાહેર કર્યા હતા, આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 1,000 પુરુષોની સામે હવે સ્ત્રીઓની સંખ્યા 1,020 થઈ ગઈ છે. આ તો માત્ર ભારતનો સર્વે છે તો દુનિયામાં તો કેટલા ટકા વધુ પ્રમાણમાં હશે..? 
    સારાંશ કે કહેવાનો મતલબ માત્ર આટલો જ છે કે દુનિયામાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો ની તુલનામાં વધુ હોવાથી સ્પષ્ટ છે કે જો પુરુષને એક થી વધુ શાદીઓ ની પરવાનગી દેવામાં ન આવે તો કેટલીય સ્ત્રીઓ કુંવારી જ રહી જાય, આ એક કારણ છે કે ઈસ્લામે પુરષોને એક થી વધુ શાદીઓ ની પરવાનગી આપી.
✪ બીજું કારણ બાળકોની પ્રાપ્તિ :- એક થી વધુ શાદીઓ ની પરવાનગી નું બીજું કારણ બાળકોની પ્રાપ્તિ છે કે અમુક વખત એક પુરુષ એક સ્ત્રી સાથે શાદી કરે છે, શાદી બાદ ખબર પડે છે કે જે સ્ત્રી સાથે થઈ છે તે નિ:સંતાન છે એટલે કે બાળકો પેદા નથી કરી શકતી, તો હવે તેના માટે બે રસ્તા હોય છે કે તેની સાથે છુટાછેડા બાદ બીજી શાદી કરી બાળકો પ્રાપ્ત કરે, અથવા આખી જીંદગી તેની જ સાથે રહી બાળકો થી વંચીત રહે, 
     અને આ બન્ને એવી વસ્તુ છે કે પહેલી માં સ્ત્રીની જીંદગી બરબાદ થઈ જાય છે તો બીજી માં પુરુષ પોતાનો નસલ અને વંશ આગળ વધારવા થી તેમજ બીજી ઘણી બધી ખુશીઓ થી વંચીત રહી જાય છે.
    તો ઈસ્લામે વચ્ચેનો રસ્તો બતાવતા પરવાનગી આપી કે ન તો તમારે છુટાછેડા કરવાની જરૂર છે કે ના વંશ અને ખુશીઓ થી વંચીત રહેવાની જરૂર છે બલ્કે તેને જ સાથે રાખીને બીજી શાદી કરી લ્યો તો કામનું કામ પણ થઈ જાય અને કોઈ પણ જાતના નુકસાન નો ભોગ પણ ન બનાય. આ તે બીજું કારણ છે જેના લીધે ઈસ્લામે એક પુરુષ ને એક થી વધુ શાદીઓ ની પરવાનગી આપી.
✪ ત્રીજુ કારણ વધુ બાળકોની પ્રાપ્તિ :- એક થી વધુ શાદીઓ ની પરવાનગી નું ત્રીજું કારણ વધુ બાળકોની પ્રાપ્તિ છે કે કોઈ વ્યક્તિ સંરક્ષણ, ઉદ્યોગ, કૃષિ અને વેપાર માટે પોતાના કુટુંબ પ્રત્યે માનવ શક્તિમાં વધારાનો તેમજ દરેક વિભાગમાં વિકાસ નો ઈચ્છુક હોય છે, તો આવા વ્યક્તિ માટે સ્પષ્ટ છે કે એક થી વધુ શાદીઓ જ ઉત્તમ રસ્તો હોય છે. 
     તો આ ત્રીજુ કારણ હતું જેના લીધે ઈસ્લામે એક પુરુષને એક થી વધુ શાદીઓ ની પરવાનગી આપી.
✪ ચોથું કારણ પુરુષોમાં જાતીય સંબંધ નું પ્રમાણ વધુ હોવું તેમજ સ્ત્રીઓની શારીરિક ખામીઓ અને વિકૃતિઓ :- ચોથું કારણ સમજવા માટે પરિચય રૂપે અમુક વાતો જાણી લેવી જોઈએ જે નીચે પ્રમાણે છે.
     પુરુષો માં સ્ત્રીને ગર્ભવતી કરવાની ક્ષમતા પુરુષો ના મૃત્યુ સુધી હમેશા બાકી રહે છે પછી ભલેને પુરુષની ઉંમર ૧૦૦ અથવા તેનાથી વધુ થઈ જાય. એક વ્યક્તિની જે જીંદગી હોય છે તેના અવયવોની બનાવત જોતાં તબિયત પ્રમાણે ૧૦૦ વર્ષ બલ્કે અમુક તબીબોના કહ્યા મુજબ ૧૨૦ વર્ષ સુધી જીવીત રહી શકે છે જો તેને પ્રાકૃતિક અને કુદરતી રીતે કોઈ આકસ્મિક ઘટના ન સર્જાય.
     જ્યારે કે એક સ્ત્રીમાં ગર્ભવતી બનવાની ક્ષમતા ૫૦ અથવા પપ વર્ષ સુધી હોય છે, જેનું કારણ આ હોય છે કે દર મહિને આવતા માસિકમાં શક્તિનો વપરાશ, ગર્ભ દરમિયાન ગર્ભનો બોજ અને ભાર ઉઠાવવાની શક્તિ, ગર્ભપાત ની મુસીબત સમયે સહનશક્તિ, અને ત્યારબાદ દુધ પીવડાવવામાં તેની ઘણી શક્તિનો વપરાશ થઈ જાય છે. ખબર પડી કે આ બધી વસ્તુઓ માટે સ્ત્રીનું શક્તિશાળી હોવું ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે, શક્તિ વગર ગર્ભની ક્રિયા તેના માટે શક્ય જ નથી.
     અને બીજી તરફ સ્ત્રીની પ૦ અને ૫૫ વર્ષ પછી કુદરતી શક્તિ ધીરે ધીરે સમાપ્ત થવા માંડે છે, તો ૫૦ - ૫૫ વર્ષ પછી બદનમાં કમજોરી અને શક્તિના અભાવે કુદરતી રીતે તેનું તે માસિક આવવાનું એકંદરે બંધ થઈ જાય છે જે પેટમાં ઉછેર થતાં બાળક માટે ખોરાક રૂપે હોય છે, તો આ રીતે એ સ્ત્રીની ગર્ભવતી બનવાની ક્ષમતા ૫૦ અથવા પપ વર્ષ સુધીની હોય છે.
    ઉપરોક્ત માહિતી અનુસાર કે ગર્ભની ક્રિયા સ્ત્રીના શક્તિશાળી હોવા પર આધારિત છે તો તેના લીધે તે સ્ત્રીમાં પોતાના જન્મ થી લઈ ૧૫ ૧૬ વર્ષની ઉંમર સુધી પણ શક્તિના અભાવને કારણે ગર્ભવતી બનવાની ક્ષમતા હોતી નથી, જેને આપણે આ રીતે પણ કહીએ છીએ કે સ્ત્રી જ્યાં સુધી બાલીગ નથી થતી ત્યાં સુધી ગર્ભવતી પણ નથી બની શકતી.
      “ ઉપરોક્ત પૂરેપૂરી માહિતી સામે રાખ્યા બાદ પરિણામ આ નિકળે છે કે સ્ત્રીમાં ગર્ભવતી બનવાની ક્ષમતા કુલ ૩૫ વર્ષની હોય છે.” (શરૂના ૧૫ વર્ષ બાદ કરતાં અને ૫૦ વર્ષ ગર્ભની છેલ્લી ઉમર હોવાના હિસાબે)
     હવે મુદ્દાની વાત આ છે કે ગર્ભવતી બનાવવાની અને બનવાની ક્ષમતા ને જાતીય સંબંધ (સેક્સ) સાથે ઘણો ગાઢ સંબંધ છે, બલ્કે એમ કહેવામાં આવે તો પણ ગલત નહીં કહેવાય કે જાતીય સંબંધ તે જ ક્ષમતા પર આધારિત અને નિર્ભર છે, જેની હકીકત આ છે કે જેમ જેમ એક સ્ત્રી બાળકને જન્મ આપે છે અને તેની ઉમર વધે છે તેમ તેમ તેની અંદરથી જાતીય સંબંધો બાંધવાનું પ્રમાણ ઓછું થતું જાય છે, બિલકુલ ખતમ તો નથી થતું બલ્કે ઘણું ઓછું થઈ જાય છે, જ્યારે બીજી તરફ પુરુષની છેવટ સુધી ક્ષમતા બાકી રહેવાને કારણે જાતીય સંબંધનું પ્રમાણ બરાબર રહે છે બલ્કે તબીબોનું માનીએ તો મોટી ઉંમરમાં એકંદરે જાતીય સંબંધનું પ્રમાણ વધી જાય છે.
      ઉપરોક્ત બધી જ માહિતીનું પરિણામ આ નિકળે છે કે એક પુરુષ ગમે ત્યારે જાતીય સંબંધ માટે તૈયાર હશે, જ્યારે કે સ્ત્રીમાં તેનું પ્રમાણ ખૂબ ઘટી જતાં દરેક સમયે તો નહીં પરંતુ અમુક જ બલ્કે ઘણો ઓછો સમય તૈયાર રહેશે, તે માટે વધુ પડતું આવું જ જોવા મળશે કે એક પુરુષ જાતીય સંબંધ બાંધવા માંગતો હોય પણ સ્ત્રી બિલકુલ તેના માટે તૈયાર નથી હોતી.
    બીજી એક વાત જે જગ જાહેર છે કે એક પુરુષ પોતાની કામના પૂરી કરવા ગમે તે હદ સુધી જઈ શકે છે જો તેની તે કામના તેની પત્ની દ્વારા પૂરી કરવામાં ન આવે, બીજી તરફ પુરુષ નું એવી સ્ત્રી સાથે સંબંધ બાંધવો જે અંદરથી તૈયાર ન હોય તો તેનાથી જે નુકસાન થાય છે તે કોઈક થી છુપાયેલું નથી,
    ઉપરોક્ત બધી જ વાતોનો ઉકેલ આ નિકળ્યો કે જો એક પુરુષ એક થી વધુ ૪ શાદી કરે તો પહેલી નર્વસ હોય ત્યારે બીજી, ત્રીજી અથવા ચોથી પૈકી કોઈ એક તો તૈયાર હશે જ કે જેનાથી પોતાની કામના પૂર્ણ કરી લે, અને જો એક થી વધુ શાદી ની પરવાનગી દેવામાં ન આવે તો પુરુષ પાસે બે જ રસ્તા હોય છે કે નર્વસ ની હાલતમાં જ પોતાની કામના પૂરી કરે કે જે નુકસાન થી ખાલી નથી, અથવા બીજે મોઢું મારવાનું ચાલું કરે જે સમાજને ગંદુ અને બેશરમ બનાવવાને પાત્ર છે, માટે એક જ ઉપાય બાકી રહ્યો કે એક પુરુષ ને એકથી વધુ શાદી કરવાની પરવાનગી દેવામાં આવે અને ઈસ્લામે આ આદેશ જારી કર્યો કે એક પુરુષ ચાર શાદીઓ કરી શકે છે. 
     આ તે ચોથું કારણ છે જેના લીધે ઈસ્લામે એક થી વધુ શાદીઓ ની પરવાનગી આપી.
✰ ઉપરોક્ત વર્ણવેલ ચોથા કારણ પર થયેલ એક સવાલનો જવાબ :- કોઈ વ્યક્તિ એવું કહી શકે છે કે સબર અને ધીરજ પણ તો એક ઉપાય છે તો તેઓની જાણ માટે જણાવતો ચાલું કે આ વિષયમાં ધીરજ ૨ % લોકો જ કરી શકતા હોય છે, દરેકના તાકાત ની વાત નથી કે ધીરજ રાખે.
      અથવા કોઈ હસ્તમૈથુન ને પણ ઉપાય બતાવી શકે છે તો આ વિષે પણ જાણી લેવું જોઈએ કે હસ્તમૈથુન થી આખા શરીરને જે નુકસાન થાય છે તે જગ જાહેર છે કે તેનાથી દિમાગ કમજોર થાય છે, સ્વભાવ ચીડિયો બની જાય છે, શ્વાસ ની બિમારી પેદા થાય છે, આખું શરીર કમજોર પડી જાય છે, ગુપ્તાંગ ની નસો સુકાઈ છે, દરેક અવયવો માં કમજોરી પેદા થાય છે વગેરે... તે માટે હસ્તમૈથુન ને તેનો ઉપાય ગણવો સહીહ નથી.
     હાં કોઈનું કુદરતી રીતે અથવા કોઈ બિમારી ને કારણે જાતીય સંબંધ નું પ્રમાણ ઓછું થઈ જાય તો તે અલગ વાત છે, અહીં ચર્ચા સ્વસ્થ વ્યક્તિ ને લઈને ચાલી રહી છે.
❖ ફાયદો :- ઉપરોક્ત ચોથા કારણ ની માહિતીમાં તે સવાલનો પણ જવાબ આવી ગયો જે ના સમજીમાં કરવામાં આવે છે કે એક પુરુષને ચાર શાદીઓ ની પરવાનગી છે તો સ્ત્રીઓ ને એક જ શાદી કેમ...? તો ઉપરોક્ત માહિતી મુજબ જવાબ આ છે કે જે મજબૂરી ના કારણે પુરુષને પરવાનગી આપવામાં આવી છે તે મજબૂરી સ્ત્રી માટે નથી, જ્યારે સ્ત્રી માટે મજબૂરી છે જ નથી તો પરવાનગી ની પણ કોઈ જરૂરત ન રહી તે માટે ઈસ્લામે સ્ત્રીને એક થી વધુ શાદીઓ ની પરવાનગી ન આપી.
     તેમજ ઉપરોક્ત સવાલનો એક બીજો જવાબ આ પણ છે કે જો સ્ત્રીને એક થી વધુ શાદી કરવાની પરવાનગી આપવામાં આવે તો આ વસ્તુ ખબર જ ન પડે કે સ્ત્રીના પેટમાં ગર્ભની સૂરતમાં જે બાળક છે તે કોનું છે..? તેમજ સ્ત્રી ક્યા પતીના ઘરે રહે..? આ વિષે જેટલું વિચારીશું એટલા જ સવાલ ઉભા થતા જશે અને સમસ્યાઓ વધતી જશે, તો ખૈર પરવાનગી ન આપવાનું એક બીજું કારણ આ પણ હતું કે નસબમાં મીલાવટ ન થાય, તેમજ વારસા વગેરેમાં સમસ્યા ઓ ઉભી ન થાય.
❍ ખુલાસો ❍

     ઉપરોક્ત વર્ણવેલ ચાર કારણો “ (૧) સ્ત્રીનું પરુષોની તુલનામાં વધારે હોવું, (૨) બાળકોની પ્રાપ્તિ, (૩) વધુ બાળકો મેળવવાની ઈચ્છા, (૪) પુરુષો માં જાતીય સંબંધ નું પ્રમાણ વધુ હોવું તેમજ સ્ત્રીઓ ની શારીરિક ખામીઓ.” એવા કારણો છે જેના લીધે ઈસ્લામે એક પરુષને એક થી વધુ શાદી કરવાની પરવાનગી આપી છે.

 પરવાનગી ૪ ની જ કેમ...? વધારે કેમ નહીં...? 

     ઉપરોક્ત વર્ણવેલ કારણો થી આટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે વાસ્તવમાં એક થી વધુ શાદીઓ માનવીની પ્રકૃતિ અને ફિતરત ને અનુસાર છે તેના વિરુદ્ધ નથી, પરંતુ હવે આ સવાલ બાકી રહે છે કે જ્યારે એક થી વધુ શાદીઓ ફિતરતના અનુસાર છે તો પછી ૪ શાદીઓ થી વધુ પર પ્રતિબંધ કેમ..? બીજા શબ્દોમાં કહીએ તો ઈસ્લામે શાદી માટે ૪ નો આંકડો નિશ્ચિત કેમ કર્યો..? તેનાથી વધારે કેમ નહીં..?
      ઉપરોક્ત સવાલનો એક સીધે સાદો જવાબ તો આ છે કે કોઈ એક આંકડો તો નિશ્ચિત કરવાનો જ હતો કેમ કે અ નિશ્ચિત તો ન રખાય નહીંતર એક થી વધુ શાદીઓ ન્યાય ની જગ્યાએ અન્યાય અને જુલ્મ ને પાત્ર બની જાત, તો ઈસ્લામે ૪ ના આંકડાને પસંદ કરી તેને નિશ્ચિત બનાવ્યો, હવે ત્રણ ને અથવા પાંચ ને પસંદ કરી તે પૈકી એક ને નિશ્ચિત કરતું તો પણ આ સવાલ તો બાકી જ રહેતો... કહેવાનો મતલબ કે જ્યારે કોઈ એક આંકડાને નિશ્ચિત કરવાનો જ હતો, તો કોઈ પણ આંકડો નિશ્ચિત કરવા પર સવાલ દરેક જ સૂરતમાં બાકી રહેતો જેમ કે અત્યારે ૪ ને નિશ્ચિત બનાવવા પર થઈ રહ્યો છે, તે માટે છેલ્લે આટલું જ કહી શકાય કે ઉપરોક્ત સવાલની કોઈ વાસ્તવિક્તા નથી.
     તે છતાંય માનવીના બદનની રચનામાં ચિંતન કરવાથી એટલી વાત તો સમજમાં આવી જાય છે કે બીજા બધા આંકડાઓ ની પસંદમાં ચાર (૪) ના આંકડાને પસંદ કરવું વાસ્તવમાં માનવીની પ્રકૃતિ અને ફિતરતને અનુસાર છે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
✪ ૪ ની જ પરવાનગી ની પહેલી હિકમત :- આ વિષયમાં સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે અરબી ભાષામાં માં બહુવચન ની શરૂઆત ત્રણ નાં આંકડાથી શરૂ થાય છે, ગુજરાતી ની જેમ નહીં કે એક ના આંકડા પછી બહુવચન શરૂ થઈ જાય, બલ્કે “ એક ” ને અરબી ભાષામાં વાહીદ (એકવચન) “ બે ” ને તષ્નીયા (બે-વચન) અને ત્રણ તેમજ ત્યારબાદ ના આંકડાને જમઅ્ (બહુવચન) કહેવામાં આવે છે. જ્યારે કે ગુજરાતી તેમજ બીજી ભાષાઓ માં એક ને એકવચન અને ત્યારબાદ ના આંકડાને બહુવચન કહેવામાં આવે છે.
     અરબી ભાષા ઈસ્લામી ભાષા હોવાને કારણે તેમજ આદેશ અને હુકમો પણ અરબી ભાષામાં હોવાને કારણે આમ તોર પર બધી વાતોમાં આધાર સ્તંભ અરબી ભાષાને બનાવવામાં આવી છે, તો હવે આપણે જોઈએ કે અરબી ભાષામાં બહુવચન નો પહેલો દરજ્જો “ ત્રણ ” છે એટલે કે ત્રણ ના આંકડા થી બહુવચન ની શરૂઆત થઈ જાય છે.
     બીજી તરફ ચાર શાદીઓ કરવાની સૂરતમાં એક પુરુષ દરરોજ એક એક પાસે વારાફરતી રાતવાસો કરે તો એક પત્ની થી ત્રણ રાત દૂર રહી શકે છે જે બહુવચન નો પહેલો દરજ્જો છે, તો ઈસ્લામે વધુમાં વધુ ૪ શાદીઓ ની પરવાનગી ને માન્ય ગણાવી કે એક પુરુષ પોતાની પત્ની થી વધુમાં વધુ ત્રણ રાત દૂર રહીને ફરી પાછો ચોથા દિવસે પાછો આવી જાય કે ત્રણ બહુવચન નો પહેલો દરજ્જો છે, જેનાથી વધારે બહુવચન માં વધારો શરૂ થઈ જાય છે.
✪ ૪ ની જ પરવાનગી ની બીજી હિકમત :- આ છે કે જો એક વ્યક્તિ એક સ્ત્રી સાથે શાદી કરે છે તો બન્ને ના સ્વસ્થ હોવાની સૂરતમાં વધારે માં વધારે ત્રણ મહિને તો ખબર પડી જ જાય કે તે સ્ત્રી ગર્ભવતી છે કે નહીં, તેનાથી વધારે મહિના પસાર થાય અને ખબર ન પડે અશક્ય છે, અને આ વાત પહેલા પણ આવી ચૂકી છે કે સગર્ભા ની પરિસ્થિતિમાં સંભોગ કરવો ખૂબ નુકસાનકારક કામ છે, 
     તો હવે જો આને લીધે તે બીજી શાદી કરે તો તેણીની પણ જો ત્રીજા મહિને ગર્ભવતી હોવાની ખબર પડે તો તેને ત્રીજી શાદીની જરૂર પડે, તે સમયે પહેલીના ૬ અને બીજી ત્રણ મહિના થયા હશે, એવી જ રીતે ત્રીજીની પણ ત્રીજા મહિને ખબર પડે કે ગર્ભવતી છે તો તે સમયે પહેલીના ૯ મહિના, બીજી ના ૬ મહિના અને ત્રીજીના ત્રણ મહિના થયા હશે,
      અને ઉપરોક્ત ત્રણેય ગર્ભવતી હોવાના કારણે ત્રણેય સાથે સંભોગ નુકસાનકારક હોવાને કારણે તેને ચોથીની જરૂર પડશે, હવે જ્યારે ચોથીનું ત્રીજા મહિને ગર્ભવતી હોવાનું ખબર પડશે ત્યારે ઉપરોક્ત ત્રણ પૈકી પહેલી જે ચોથી શાદી વખતે નવ મહિના ના પેટે હતી તે પત્ની બાળકને જન્મ આપ્યા બાદ સંભોગ ને લાયક સ્વસ્થ થઈ ગઈ હશે, આ હિસાબે એક વ્યક્તિની જરૂરત ચાર સ્ત્રીઓ માં જ પરિભ્રમણ કરવાથી પૂર્ણ થઈ જવાથી ઈસ્લામે પણ વધુમાં વધુ ૪ ની જ પરવાનગી આપી.
      સારાંશ કે ઉપરોક્ત બે હિકમતો વર્ણવામાં આવી છે આ સવાલના જવાબમાં કે ઈસ્લામે ૪ ની જ પરવાનગી કેમ આપી..? આ સિવાય ઘણા બધા જવાબો આપી શકાય છે પરંતુ સમજદાર માટે ઈશારો કાફિ હોવાથી આ બે હિકમતો ને પૂરતી સમજવામાં આવે છે.
     આ આખા લેખનો ખુલાસો આ નિકળ્યો કે ઈસ્લામે પુરુષને જે એક થી વધુ ચાર શાદીઓ ની પરવાનગી આપી છે તે બિલકુલ ફિતરત અને પ્રકૃતિ ના અનુસાર છે તેના વિરુદ્ધ નહીં, બલ્કે સામાજિક અને નૈતિક કાર્યો ની ખરાબીઓ પર રોક લગાવવા નો સબબ છે, તેમજ ઈસ્લામે આ એક એવો કાયદો ઘડી લોકો સમક્ષ મુક્યો છે જે માનવ ઈચ્છાઓ નો આદર કરી તે ઈચ્છાઓ ને યોગ્ય અને વ્યાજબી રીતે પરિપૂર્ણ કરે છે. અને આ કાયદો સ્ત્રીઓ માટે અન્યાય ને પણ પાત્ર નથી, આ બધું જ ઉપરની વિગતવાર માહિતી થી સ્પષ્ટ રીતે જાહેર થઈ ગયું છે.
    બીજી તરફ એક થી વધુ શાદીઓ માત્ર ઈસ્લામ ધર્મ સાથે ખાસ નથી, બલ્કે વધારે પડતા ધર્મોમાં આ પ્રથા પહેલેથી ચાલતી આવે છે, પરંતુ આ વાત જગ જાહેર છે કે બધાને દુશ્મની અને નફરત ઈસ્લામ પ્રત્યે હોવાથી ટાર્ગેટ હમેશા ઈસ્લામ ને જ બનાવવામાં આવે છે. તે માટે નફરત અને દુશ્મનીના ચશ્મા ઉતારી શાંતિથી ઈસ્લામ ધર્મ વિષે વાંચન કરવામાં આવે તો સારી રીતે મગજમાં ભરેલો કચરો સાફ થઈ જાય.
   અલ્લાહ તઆલા ઈસ્લામ પ્રત્યે સૌને સહીહ અને સારી સમજ અર્પણ કરે... આમીન.
اللهم أرنا الحق حقاً وارزقنا اتباعه
وأرنا الباطل باطلاً وارزقنا اجتنابه
آمیــــــــــــــــــــــــــــــــــــــــن يارب العالمیــــــــــــــــــــــــــــــــــــــــن
( ◈ સમાપ્ત ◈ )
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)