ઈસ્લામમાં હલાલા ની હકીકત

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

  ઘણા લોકો હલાલા ની વાસ્તવિકતા થી વાકેફ ન હોવાને લીધે ઘણી જ ગલતફહમી માં જોવા મળે છે, અને તે ગેરસમજ ને લીધે વારંવાર ઈસ્લામી તાલીમ પર આંગળી ઉઠાવતા નજર આવે છે. માટે નીચે આની વિગતવાર હકીકત વર્ણવામાં આવે છે.

હલાલા ની લોકોમાં પ્રચલિત તસવીર 

   દરઅસલ લોકોમાં હલાલા ની જે તસવીર પ્રચલિત છે તે આ મુજબ છે કે જો પતિ પત્નીને ત્રણ તલાક આપી દે તો હવે પતિ માટે તે પત્ની સાથે ફરી સંબંધ બનાવી રાખવા માટે શર્ત આ છે કે તે પત્ની કોઈ પરાયા પુરુષ સાથે કામચલાઉ અને હંગામી નિકાહ પઢે, તેની સાથે સંભોગ કરે અને ત્યારબાદ તેની પાસેથી તલાક લઈ ફરી પહેલા પતિ સાથે વિવાહિત જીવનમાં આવી જાય.
   એટલે કે જાણે આમાં પહેલેથી જ બે-ત્રણ બાબતો નક્કી હોય છે, એક તો આ કે બીજા નિકાહ કામચલાઉ ઈરાદાથી થશે. બીજું કે આનો હેતુ પ્રથમ પતિ માટે સ્ત્રીને હલાલ કરવાનો, અને ત્રીજું આ કે આ આખી પ્રક્રિયામાં સ્ત્રીની ઈચ્છાનું કોઈ મહત્વ નહીં, તેણે તો માત્ર બતાવ્યા મુજબ એક પ્રક્રિયા પૂર્ણ કરીને કોઈપણ રીતે તેના પહેલા પતિ પાસે પાછા ફરવાનું છે.
   લોકોમાં ઉપરોક્ત વર્ણવેલ જે હલાલા વિષેની તસવીર છે તેની શરઈ દ્રષ્ટિએ કોઈ હકીકત કે વાસ્તવિક્તા નથી, બલ્કે આ એક બેબુનિયાદ તસવીર છે.

હલાલા ની સહીહ તસવીર

   સહીહ તસવીર સમજતા પહેલા એક વસ્તુની ચોખવટ જરૂરી છે કે “ હલાલા ” આ કોઈ શરઈ કે ઈસ્લામી પરિભાષા નથી, બલ્કે સમાન્ય રીતે એક સ્ત્રીના ત્રણ તલાક બાદ બીજા નિકાહ કરવાને “ હલાલા ” થી વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
   દરઅસલ શરઈ કાયદો આ છે કે કોઈ વ્યક્તિ પોતાની પત્નીને ત્રણ તલાક આપી દે છે તો હવે તે વ્યક્તિ પોતાની પત્ની સાથે ફરી વિવાહિત જીવન વિતાવી નથી શકતો. હાં તે પત્ની બીજા પુરુષ સાથે શાદી કરે (જે કામચલાઉ ના ઈરાદે ન હોય) અને તેનો બીજો પતિ મૃત્યુ પામી જાય અથવા તેને (કોઈ અન્ય કારણસર) તલાક આપી દે અને તે પત્ની પોતાની ઈદ્દત પૂરી કરે ત્યારબાદ પહેલો પતિ તે પત્ની સાથે (તેણીની મરજી હોય તો) ફરી શાદી કરી શકે છે. આ છે અસલ શરઈ કાનૂન અને તેની સહીહ તસવીર. અને આ કાયદાનો કુર્આન અને હદીષ બન્નેમાં ઉલ્લેખ મળે છે જે આ રીતે છે.
فَاِنۡ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنۡۢ بَعۡدُ حَتّٰی تَنۡکِحَ زَوۡجًا غَیۡرَہٗ
[સૂરહ બકરહ : ૨૩૦ / પારહ : ૨]
✰ અનુવાદ :- અને જો પતિ પત્નીને (ત્રીજી) તલાક આપી દે તો તે જ પત્ની તેના માટે હલાલ નથી જ્યાં સુધી તેણી બીજા પુરુષ સાથે નિકાહ ન કરે.
હદીષ :- હઝરત રીફાઆ રદી. ની પત્ની રસુલુલ્લાહ ﷺ ની સેવામાં આવી અને કહેવા લાગી કે : હે અલ્લાહના રસુલ..! રીફાઆ એ મને (ત્રણ) તલાક આપી દીધા. પછી મેં અબદુર્ રહમાન બિન ઝુબૈર કર્ઝી સાથે નિકાહ કર્યા, પરંતુ તે કપડાના ટુકડા જેવો છે. (એટલે ​​કે તે નપુંસક છે) રસુલુલ્લાહ ﷺ એ કહ્યું : તમે કદાચ ફરીથી રિફાઆ ના નિકાહ માં જવા માંગો છો, પરંતુ આ ત્યાં સુધી થઈ શકશે નહીં જ્યાં સુધી તમે અને તમારા વર્તમાન પતિ (અબ્દુર્રહમાન) એકબીજાથી ફાયદો ન ઉઠાવો.
[બુખારી શરીફ : ૫૨૬૦]
   ઉપરોક્ત વર્ણવેલ કુર્આન ની આયત અને હદીષથી સ્પષ્ટપણે ખબર પડે છે કે ત્રણ તલાક આપ્યા બાદ ફરી તે જ પત્ની સાથે નિકાહ પઢવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે જે આ પ્રમાણે છે.
➊ તે સ્ત્રીના નિકાહ કોઈ બીજા પુરુષ સાથે થયા હોય :- સ્ત્રીના તેના પહેલા પતિ માટે હલાલ થવાની આ પદ્ધતિ એક આકસ્મિક હોય, ના કે આયોજિત એટલે કે કામચલાઉ કૃત્ય ન હોય કે તલાક લીધેલી સ્ત્રી તેના પહેલા પતિ માટે હલાલ બનવા માટે બીજા પુરુષ સાથે લગ્ન કરે. બલ્કે યોગાનુયોગ અને સંજોગોવશાત્ એક સ્ત્રીના નિકાહ એક પુરુષ સાથે થઈ ગયા, અને તેની સાથે વૈવાહિક સંબંધ પણ બંધાઈ ગયો, પછી કોઈ કારણસર બંને વચ્ચે અણબનાવ બન્યો, અને આ બીજા પુરુષથી પણ તલાકની નોબત આવી જાય, તો હવે તેણી માટે તેના પહેલા પતિ સાથે ફરીથી નિકાહ પઢવાનું જાઈઝ કહેવાશે.
➋ તેણીના નિકાહ બીજા પુરુષ સાથે સહીહ નિકાહ હોય :- સ્ત્રીના પહેલા પતિ માટે હલાલ હોવા માટે આ પણ જરૂરી છે કે તેણીના બીજા પુરુષ સાથે જે નિકાહ થાય છે તે સહીહ (શરઈ શર્તો સાથે) હોય, જો તેણીએ બીજા પુરુષ સાથે નિકાહ તો કર્યા પરંતુ શરઈ દ્રષ્ટિએ તે નિકાહ સહીહ ન હોય તો આ સૂરતમાં તેણી પહેલા પતિ માટે શરઈ દ્રષ્ટિએ હલાલ નહીં થાય.
➌ તેણીએ બીજા પતિ સાથે જાતીય સંબંધ પણ બાંધ્યો હોય :- સ્ત્રીના પહેલા પતિ માટે હલાલ હોવા માટે આ પણ જરૂરી છે કે તે સ્ત્રીએ બીજા પુરુષ સાથે જે કાયદાકીય નિકાહ કર્યા છે તેમાં તે બન્ને દરમિયાન જાતીય સંબંધ પણ બાંધવામાં આવ્યો હોય.
   આ છે ઈસ્લામે બયાન કરેલ સહીહ તસવીર. પરંતુ આજે આને એવું રૂપ આપી વર્ણવામાં આવે છે જાણે આ બીજા નિકાહ એક યોજના અને ઈરાદાપૂર્વક હોય છે. હવે આ વિષયમાં અમુક વાતો આપણે સવાલ જવાબના રૂપમાં સમજીએ.

કામચલાઉ નિકાહ નો હુકમ 

સવાલ :- કોઈ નિકાહ માત્ર એટલા માટે કરવામાં આવે કે એક સ્ત્રી પહેલા પતિ માટે હલાલ થઈ જાય તો શું આ જાઈઝ છે..? શું તે નિકાહ સહીહ કહેવાશે..?
જવાબ :- સૌપ્રથમ આ વાત જાણી લેવામાં આવે કે કામચલાઉ અને હંગામી નિકાહ ઈસ્લામમાં જાઈઝ નથી, બલ્કે મકરૂહે તહરીમી (હરામના નજદીક કૃત્ય) છે. જેમ કે એક હદીષમાં આવે છે કે :
عَنِ ابْنِ عَبَّاسٍؓ قَالَ : لَعَنَ رَسُولُ اللَّهِ ﷺ الْمُحَلِّلَ، وَالْمُحَلَّلَ لَهُ
[ઈબ્ને માજા : ૧૯૩૪]
અનુવાદ :- હઝરત ઈબ્ને અબ્બાસ ફરમાવે છે કે રસુલુલ્લાહ ﷺ એ હલાલો કરનાર અને કરાવનાર બન્ને પર લાનત ફરમાવી છે.
    પરંતુ અસલ ચર્ચાનો મુદ્દો આ છે ના જાઈઝ હોવા છતાંય કોઈ આ રીતનું કરે તો શું તેના નિકાહ સહીહ કહેવાશે..? તો તેનો જવાબ આ છે કે આની દરઅસલ બે સૂરતો છે. ➊ હલાલા ના ઈરાદે નિકાહ કરવા, ➋ હલાલા ની શર્તે નિકાહ કરવા. આ બન્નેની વિગત નીચે મુજબ છે.
➊ હલાલા ના ઈરાદે નિકાહ કરવા :- એટલે કે નિકાહ પહેલા આપસમાં મશ્વેરો કરી લે કે આ નિકાહ આટલા માટે કરવામાં આવે છે.
● હુકમ :- ઈમામ માલીક અને ઈમામ અહમદ ના નજદીક આ નિકાહ સહીહ નથી. અલબત્ત ઈમામ અબૂ હનીફા અને ઈમામ શાફઈ ના નજદીક નિકાહ તો દુરસ્ત લેખાશે.
   પરંતુ નિકાહ પહેલા કરવામાં આવેલ મશ્વેરાનો કોઈ એતબાર નહીં ગણાય. બલ્કે તે બીજા પતિને પૂરેપૂરો શરઈ અધિકાર રહેશે કે જો તે ચાહે તો તેણીને પોતાના નિકાહ માં જ બાકી રાખે.
➋ હલાલા ની શર્તે નિકાહ કરવા :- એટલે કે નિકાહના સમયે જ કબૂલાત વખતે આ શર્ત પણ મુકવામાં આવે કે તેણીને તલાક આપી દેવામાં આવે.
● હુકમ :- ઈમામ માલીક, ઈમામ શાફઈ અને ઈમામ અહમદ ત્રણેય ના નજદીક નિકાહ જ દુરસ્ત નહીં કહેવાય.
   અલબત્ત ઈમામ અબૂ હનીફા ના નજદીક નિકાહ તો દુરસ્ત થઈ જશે, અલબત્ત તે લગાવેલી શર્ત બેકાર થઈ જશે, એટલે કે અહીં પણ બીજા પતિને સંકલ્પ રહેશે કે તે ચાહે તો તલાક આપે, અને ચાહે તો ન આપે.
   સારાંશ કે સૌપ્રથમ તો આ કામચલાઉ નિકાહ જ જાઈઝ નથી. પરંતુ તે છતાંય કોઈ આ રીતે કરે છે તો મોટાભાગના ઉલમાના નજદીક તેના નિકાહ જ સહીહ નહીં ગણાય. અને જે અમુકના નજદીક સહીહ છે તેમાં પણ બીજા પતિને સંકલ્પ આપવામાં આવ્યો છે કે તેના પર જરૂરી નથી કે તે તેને તલાક જ આપી દે, બલ્કે તે તેને પોતાના જ નિકાહ માં હમેશા રાખી શકે છે.

સ્ત્રીને સજા કેમ..?

સવાલ :- ગલતી પતિની હોય છે કે તે ત્રણ તલાક આપે છે. તો તેની સજા સ્ત્રીને કેમ, કે તેને બીજી શાદી કરવી પડે..?
જવાબ :- ઉપરોક્ત વર્ણવેલ હલાલા ની સહીહ સૂરત સામે રાખવામાં આવે તો ખબર પડે છે કે આ સજા છે જ નથી. કેમ કે ના તો સ્ત્રીને મજબૂર કરવામાં આવે છે કે તે બીજી શાદી કરે, અને જો તે કરી પણ લે તો ના તેણીના માટે બીજી શાદી બાદ જરૂરી છે કે તે બીજા પતિ પાસેથી તલાક લઈ ફરી પહેલા પતિ સાથે નિકાહ પઢે.
   બલ્કે આ તો ઉલટાનું સ્ત્રીને સંકલ્પ અને અધિકાર આપવામાં આવ્યો છે કે જો તેણીને પહેલો પતિ ત્રણ તલાક આપી દે તો તે પોતાની મરજી મુજબ બીજા પુરુષ સાથે નિકાહ પઢી સંસાર વસાવવો હોય તો પણ, અને તે બીજા પુરુષ પાસેથી તલાક લઈ પહેલા પતિ પાસે જવું હોય તો પણ અને બિલકુલ શાદી જ ન કરવી હોય તો પણ. આ ત્રણેય વિકલ્પ તેણીની મરજી પર નિર્ભર હોય છે. તો આને સ્ત્રીના હકમાં સજા કેમ કરીને કહેવાય..? બલ્કે આ તો સિમ્પલ બીજી શાદી હોય છે.
   દરઅસલ બારીક આંખે જોવામાં આવે તો હકીકતમાં આ શર્ત (એટલે કે ત્રણ તલાક આપનાર પતિ માટે તે જ પત્નીને ફરી મેળવવા માટે તેની બીજા પુરુષ સાથે શાદી હોવી) પુરુષના માટે સજા છે, ના કે સ્ત્રી માટે. કેમ કે સ્ત્રીની તુલનામાં પુરુષમાં વધારે ગેરત હોય છે તો આ તેના માટે એક પ્રકારની સખત પડકાર સમાન શર્ત હોય છે.
   સારાંશ કે આમાં સ્ત્રીના હકમાં સજા હોય એવો કોઈ અંશ છે જ નથી.

બીજા નિકાહ ની હિકમત

સવાલ :- જે પતિ પોતાની પત્નીને ત્રણ તલાક આપી દે છે, તો તે જ પત્નીને ફરી મેળવવા માટે બીજા નિકાહ ની શર્ત જ કેમ મુકવામાં આવી..? તેની હિકમત તથા રહસ્ય શું છે..?
જવાબ :- દરઅસલ બીજા નિકાહ ની શર્ત સ્ત્રીના ગૌરવના રક્ષણ માટે લગાવવામાં આવી છે કે આ શર્ત સ્ત્રીની પવિત્રતા અને તેના રક્ષણમાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. અને આ તેના માટે સંપૂર્ણ સન્માન અને આદરને પાત્ર છે.
   નહીંતર ત્રણ તલાક આપવી, અને ફરી તેણીને પાછી પોતાના નિકાહમાં પાછી લઈ આવવી પુરુષો માટે એક રમત બની જતી. જેમ કે ઈસ્લામી કાયદો લાવ્યા પહેલા સ્ત્રીઓ પુરુષો માટે એક મજાક બની ગઈ હતી કે મનફાવે ત્યારે ગમે તેટલી તલાક આપવી, અને મનફાવે ત્યારે તેને પાછી પોતાના નિકાહમાં લઈ આવી.
  તે માટે ઈસ્લામે પતિ માટે એક હદ અને મર્યાદા નક્કી કરી દીધી. અને એક એવી શર્ત મુકી આપી કે પુરુષો નિકાહ જેવા પવિત્ર બંધન ને એક રમત સમજી પોતાની પત્નીઓ સાથે મનફાવે વ્યવહાર ન કરે.

આખરી વાત...

   આટલી સિમ્પલ વાત જેને ઈરાદાપૂર્વક ગલત રીતે દર્શાવી ઈસ્લામ ને બદનામ કરવામાં આવે છે. બલ્કે ટીવી ડિબેટમાં ચર્ચા નો વિષય બનાવી લોકો સમક્ષ ગલત રીતે રજૂ કરી ઈસ્લામ ની જે મજાક ઉડાવવામાં આવે છે તે કોઈથી છુપું નથી. જ્યારે કે હલાલા ની જે ઈસ્લામી તસવીર છે તે બિલકુલ સ્પષ્ટ છે અને તેમાં એવી કોઈ વાત નથી જેનાથી ઈસ્લામ અપમાનિત થતો હોય. ઉલટાનું જો સહીહ તાલીમ ઊંડાણમાં ઉતરી સાફ દિલે સમજવામાં આવે તો આ જ હલાલા માં ઈસ્લામની વિશેષતા જાહેર થાય છે.
   જ્યારે કે આ ચાટુકાર મિડીયા કોઈ દિવસ હિંદુ ધર્મમાં “ નીયોગ ” નો જે સિદ્ધાંત છે, તેના પર ડિબેટ નહીં કરે. નીયોગ નો અર્થ થાય છે કે સ્ત્રીનું સંતાન પ્રાપ્તિ માટે દેવર અથવા પરાયા પુરુષ સાથે શારિરીક સંબંધ બાંધવો, આની ક્યારેય ચર્ચા કરવામાં આવતી નથી. પરંતુ હલાલાનો ખોટો પ્રચાર ઈસ્લામને નિશાન બનાવવા માટે જ કરવામાં આવે છે.
અલ્લાહ તઆલા દરેક ને સહીહ સમજ અર્પણ ફરમાવે.
[સમાપ્ત]
༄༅‏༄༅‏༄༅ ❁✿❁ ‏༄༅‏༄༅‏༅‏༄
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)