ઈદ્દત વિષે જરૂરી માહિતી અને ગલત માન્યતાઓ નું શુદ્ધિકરણ

Ml Fayyaz Patel
0
નિમ્ન ઈદ્દત વિષે જરૂરી માહિતી, મસાઈલ અને તેને સંબંધિત ગલત માન્યતાઓ નું શુદ્ધિકરણ કરવામાં આવે છે.

ઈદ્દતના પ્રકાર

➲ ઈદ્દતના બે પ્રકાર છે.
☞ ૧) ઈદ્દતે વફાત :- પતિના મૃત્યુ પામવા પર જે ઈદ્દત ગુજારવામાં આવે તેને ઈદ્દતે વફાત કહેવામાં આવે છે.
✰ મુદ્દત : - ઈદ્દતે વફાતની મુદ્દત ૪ મહિના ૧૦ દિવસ છે. જ્યારે કે તે સ્ત્રી પેટેથી (હામીલા) ન હોય. અને ઈસ્લામી મહિનાના હિસાબ થી ગણાશે. અને આ ઈદ્દત બાલીગ તેમજ નાબાલીગ બંન્ને પર વાજીબ છે.
☞ ૨) ઈદ્દતે તલાક: - પતિનું પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા પછી તે પત્ની જે ઈદ્દત ગુજારે તેને ઈદ્દતે તલાક કહેવામાં આવે છે.
✰ મુદ્દત: - આ ઈદ્દતની મુદ્દત જ્યાં સુધી તે સ્ત્રીને ત્રણ વખત માસિક ન આવે ત્યાં સુધી રહેશે. અને કોઈ સ્ત્રી ને બિલકુલ માસિક ન આવતું હોય તો તેની મુદ્દત ત્રણ મહિના છે.
(કામુસુ'લ ફીક્હ... ૪ / ૩૭૪)

ઈદ્દતના જરૂરી અને અહમ મસાઈલ

❖ ઈદ્દત ત્યાં ગુજારે જ્યાં તેના રહેવા માટે તેના પતિએ વ્યવસ્થા કરી હોય. અને જો તે તેના મા-બાપના ઘરે હતી અને તેની ઈદ્દત શુરૂ થઈ ગઈ તો તેણે ત્યા પાછુ આવી જવું જોઈએ જ્યાં તેની રહેવાની વ્યવસ્થા તેના પતિ એ કરી હતી.
    હાં ! જો તેને પોતાની ઈજ્જત, જાન, માલ અથવા ઘરના ધસી જવાનો ભય હોય તો તે બીજા કોઈ ઘરમાં પોતાની ઈદ્દત પૂરી કરી શકે છે.
❖ રાત્રે તેનું ઘરમાં રહેવું જરૂરી છે. પરંતુ દિવસમાં મજબૂરીમાં જરૂરત પ્રમાણે તે ઘરની બહાર જઈ શકે છે. કેમકે હવે તેની ઔલાદ ને ખવડાવવા ની ઝીમ્મેદારી તેના પર હોય છે. બીજું કોઈ પણ કમાણી કરનાર ન હોય તો.
❖ ઈદ્દતે વફાતમાં ખર્ચો પતિ પર વાજીબ નથી. અને જો ઈદ્દત તલાક હોય તો ખર્ચો પતિ પર વાજીબ રહેશે.
❖ ઈદ્દત માં તેને કોઇ જગ્યાએ સફરમાં લઈ જવું દુરુસ્ત નથી. ભલે હજ કે ઉમરાહનો સફર કેમ ન હોય. હાં જો તલાકે રજ્ઈ (એક અથવા બે તલાક આપી હોય) હોય અને રૂજુઅ્ ( પાછી અપનાવી લેવાનો ઈરાદો હોય) તો તેને સફરમાં લઈ જવી દુરુસ્ત છે.
❖ તે સ્ત્રી ઈદ્દત માં હોય તો તેને શાદી નો પૈગામ દેવો દુરુસ્ત નથી. હાં ઈશારામાં કોઈ વાત કરી દે તો દુરુસ્ત છે.
❖ સોગ મનાવવો તે સ્ત્રી માટે વાજીબ છે.મતલબ આ છે કે તેલ, ખૂશ્બૂ, સુરમો, કાજલ, મહેંદી વગેરે છોડી દેવું. હાં જો દવાના તોર પર ઉપરોક્ત વસ્તુઓ નો ઉપયોગ કરે તો ઈજાઝત છે.
(કામુસુ'લ ફીક્હ... ૪ / ૩૭૪)

સ્ત્રીઓ માટે ઈદ્દતમાં બેસવાની હિકમતો

   સ્ત્રીઓને ઈદ્દતમાં બેસવાનો આદેશ બે હિકમતો ના કારણે આપવામાં આવ્યો છે. 
➊ નસબમાં મિલાવટ થી બચવા માટે :- એટલે કે જે સ્ત્રીને તલાક આપવામાં આવી હોય અથવા તેનો પતિ મૃત્યુ પામ્યા પછી તે સ્ત્રી એક મુદ્દત સુધી ઈદ્દતમાં બેસે છે જેને સમયસર માસિક પણ આવે છે તો તેનો મતલબ આ હોય છે કે તે સ્ત્રીના રહમ (બચ્ચાં દાની) માં તલાક આપનાર અથવા મૃત્યુ પામનાર પતિનું વીર્ય બાકી નથી રહ્યું, જેથી તે સ્ત્રી ઈદ્દત પછી બીજી શાદી કરે અને બીજા પતિથી સગર્ભા થાય તો આ વાતનો શક બાકી ન રહે કે આ બાળક પહેલા પતિનું છે કે બીજા પતિનું, જેથી આગળ જતાં લડાઈ ઝઘડાનું કારણ ન બને.
➋ એક મોટી નેઅમત ગુમાવવાના અફસોસ માટે :- નિકાહ એક ઘણી મોટી નેઅમત છે જેના દ્વારા સમાજમાં ચાલતી ઘણી બુરાઈઓ અને ખરાબીઓ નો દરવાજો બંધ થાય છે તો આ એક મોટી નેઅમત પતિના તલાક આપવાથી અથવા પતિના મૃત્યુ પામવાથી ખતમ થઈ જાય છે, તો તેના અફસોસ અને ગમને જાહેર કરવા ઈદ્દતમાં બેસવાની અને તે મુદ્દત દરમિયાન બનાવ શણગાર ની મનાઈ કરવામાં આવી છે.
     “ આ જ કારણ છે કે તે સ્ત્રીને પણ ઈદ્દતમાં બેસવાનો આદેશ છે જે અમુક વર્ષોથી પોતાના પતિથી અલગ હોય અને ત્યાર બાદ તેનો પતિ તેણીને તલાક આપી દે અથવા મૃત્યુ પામી જાય, કેમ કે ઈદ્દતનો હેતુ માત્ર નસબમાં મિલાવટથી બચવાનો નથી બલ્કે સાથે સાથે ગમ અને અફસોસ જાહેર કરવો પણ હેતુ હોય છે.”
     ઉપરોક્ત વર્ણવેલ બે હિકમતો છે જેના લીધે તેણીને ઈદ્દતમાં બેસવાનો આદેશ આપવામાં આવ્યો છે.
(ફતાવા દા.ઉ.ઝકરીયા : ૪ / ૩૧૬)

ઈદ્દત વિષે પ્રચલિત બેબુનિયાદ વાતો

➲ ઈદ્દતના સમયમાં આસમાન જોવા વિષે :-
     લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે સ્ત્રી ઈદ્દતમાં બેઠી હોય તેના માટે આસમાન જોવું જાઈઝ નથી. 
     ઉપરોક્ત વાત બિલકુલ મનઘડત અને બેબુનિયાદ છે. અસલ હૂકમ ઈદ્દતમાં બેસેલી સ્ત્રી માટે પર્દાનો છે કે જેથી કોઈ ગેર મહરમની નજર ન પડે. જેને અમુક લોકો આસમાન ન જોવાનું સમજી બેઠા છે.
(જામિઆ બિન્નોરી ટાઉન)
➲ ઈદ્દતમાં સ્ત્રી માટે ઘરનો કોઈ એક ખૂણો જરૂરી નથી :-
     લોકોમાં ઈદ્દત વિષે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ઈદ્દત પણ એઅ્તિકાફની જેમ જ છે, એટલે કે જેવી રીતે અઅ્તિકાફમાં ઘરની કોઈ એક જગ્યા અથવા ખૂણો નક્કી કરી તેમાં બેસી રહેવું જરૂરી છે એવી જ રીતે ઈદ્દતમાં પણ કોઈ એક ખૂણો નક્કી કરી ત્યાં જ રહેવું જરૂરી છે, તેમજ જેવી રીતે અઅ્તિકાફમાં બહાર નીકળવાથી એઅ્તિકાફ તૂટી જાય છે એવી જ રીતે ઈદ્દતમાં પણ સ્ત્રીના ઘરની બહાર નીકળવાથી ઈદ્દત તૂટી જાય છે.
    સૌથી પહેલી વાત આ છે કે ઈદ્દત અને એઅ્તિકાફ બે અલગ અલગ ઈબાદત છે તે માટે બન્નેના આદેશો અને મસાઈલમાં પણ તફાવત છે.
     તે માટે ઈદ્દતમાં ઘરનો કોઈ એક ભાગ અથવા ખૂણો પકડવો જરૂરી નથી, બલ્કે આખા ઘરમાં હરીફરી શકે છે. એવી જ રીતે જરૂરત વગર ભલે ઘરની બહાર નીકળવું સખ્ત ગુન્હો છે, પરંતુ નીકળવાથી ઈદ્દત તૂટી નથી જતી કે તેને નવેસરથી ફરી કરવામાં આવે, બલ્કે બાકી રહે છે. જો આવી ભૂલ થઈ જાય તો ઈસ્તિગ્ફાર તૌબા કરી લેવી જોઈએ, પરંતુ તેની કઝા કરવાની જરૂર નથી.
     તે માટે એમ સમજવું કે ઘરની બહાર નીકળવાથી ઈદ્દત તૂટી જાય છે, તેમજ ઘરનો એક ખૂણો જરૂરી સમજવો દુરુસ્ત નથી.
(ઈસ્લાહે અગ્લાત : સિ.નં. ૫૦૮, અહકામે મય્યિત)
➲ ઈદ્દતમાં બેસનાર સ્ત્રી માટે પડદા ના આદેશ વિષે એક ગલત સમજણ :-
     લોકોમાં ઈદ્દતમાં બેસનાર સ્ત્રી પ્રત્યે પડદા કરવા બાબત આ ગલત સમજણ પણ ખૂબ જોવા મળે છે કે તેઓ સમજે છે કે આમ સ્ત્રી અને ઈદ્દતમાં બેસનાર સ્ત્રીના પડદા કરવામાં ફરક છે, એટલે કે બન્ને સ્ત્રીઓના પડદાના મસાઈલ અલગ અલગ છે. આ જ કારણ છે કે ઈદ્દતમાં બેસનાર સ્ત્રી તરફથી વારંવાર એક જ સવાલ ઉલમાને પૂછવામાં આવે છે કે ઈદ્દતમાં બેસનાર સ્ત્રી ક્યા ક્યા વ્યક્તિથી પડદો કરે..?
     આ વાત સારી રીતે જાણી લેવી જોઈએ કે સ્ત્રી ચાહે ઈદ્દતમાં હોય કે ન હોય દરેક સૂરતમાં તેને પડદાનો હૂકમ છે, પડદાનો આદેશ ઈદ્દતમાં બેસનાર સ્ત્રી સાથે ખાસ નથી, બલ્કે જેટલો પડદો આમ સ્ત્રી માટે જરૂરી છે એટલો જ પડદો ઈદ્દતમાં બેસનાર સ્ત્રી માટે પણ જરૂરી છે. ઈદ્દતમાં પડદા બાબત મસાઈલમાં કોઈ ફેરફાર નથી. 
     તે માટે ઈદ્દતમાં બેસનાર સ્ત્રી પણ તે જ વ્યક્તિઓ થી પડદો કરે જે વ્યક્તિઓ થી આમ પરિસ્થિતિમાં પડદાનો શરઈ દ્રષ્ટિએ આદેશ છે.

સ્ત્રીઓ માટે મહરમ અને ગેર મહરમ વ્યક્તિઓ

     સ્ત્રીઓ ને જે વ્યક્તિઓ થી પડદો કરવાનો આદેશ નથી તેઓને શરીયતની પરિભાષામાં " મહરમ " કહેવામાં આવે છે, અને જેઓ થી પડદો કરવાનો આદેશ છે તેઓને " ગેર મહરમ " કહેવામાં આવે છે.
👤 મહરમ વ્યક્તિઓ :-
     તે વ્યક્તિઓ જેઓથી સ્ત્રીઓ એ પડદો કરવો શરઈ દ્રષ્ટિએ જરૂરી નથી.
➊ પતિ [ત્યારે જ્યારે તેણે તલાકે રજ્ઈ આપી હોય], ➋ પિતા, ➌ કાકા, ➍ મામા, ➎ સસરા, ➏ પુત્ર, ➐ પૌત્ર, ➑ નવાસો, ➒ પતિનો તે પુત્ર જે બીજી પત્નીનો હોય, ➊⓿ જમાઈ, ➊➊ ભાઈ, ➊➋ ભત્રીજો, ➊➌ ભાણિયો, ➊➍ મુસ્લિમ સ્ત્રીઓ, ➊➎ એવા બાળકો જેઓને સ્ત્રીઓ પ્રત્યે કોઈ જ્ઞાન ન હોય.
👤ગેર મહરમ વ્યક્તિઓ :-
     તે વ્યક્તિઓ જેઓથી સ્ત્રીઓ એ પડદો કરવો શરઈ દ્રષ્ટિએ જરૂરી છે.
➊ કાકાનો છોકરો, ➋ મામાનો છોકરો, ➌ માસીનો છોકરો, ➍ ફોઈનો છોકરો, ➎ દેવર, ➏ જેઠ, ➐ બનેવી, ➑ નંદોઈ, ➒ માસા, ➊⓿ ફવા, ➊➊ કાકા સસરા, ➊➋ મામા સસરા, ➊➌ માસા સસરા, ➊➍ ફવા સસરા, ➊➎ પતિનો ભત્રીજો, ➊➏ પતિનો ભાણિયો. ➊➐ ઉપરોક્ત સગા સંબંધી સિવાય મુસ્લિમ અજનબી પુરુષો અને ગેર મુસ્લિમ સ્ત્રી અને પુરુષો.
     ઉપરોક્ત વર્ણવેલ ગેર મહરમ વ્યક્તિઓ થી પડદો જરૂરી છે ચાહે સ્ત્રી ઈદ્દતમાં હોય કે ન હોય, તે માટે એવું સમજવું કે બન્નેના આદેશો અલગ અલગ છે દુરુસ્ત નથી.
(ઈસ્લાહે અગ્લાત : સિ.નં. ૪૯૨, ઑનલાઇન ફતાવા બિન્નોરી ટાઉન)
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
❖ وَمَـــؔــا عَلَیْـــؔــنَا اِلَّا الْبَـــؔــلَاغُ الْمُبِـــؔــیْنُ ❖
[★ સમાપ્ત ★]
----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)