આજના સમયમાં ઘણા લોકો દીનમાં સુન્નત અને બિદઅત ની મિલાવટ કરતા જોવા મળે છે. જેમાં કેટલીય બિદઅતો ને સુન્નતનું નામ તથા કેટલીય સુન્નતોને બિદઅત નું નામ આપી દેતા હોય છે. અને આનું કારણ દીન પ્રત્યેની અજ્ઞાનતા હોય છે. તેથી નીચે બિદઅત ના વિષય પર વિગતવાર સમજૂતી દર્શાવવામાં આવે છે.
❖ બિદઅતની વ્યાખ્યા :-
" બિદઅત " આ એક અરબી શબ્દ છે જેનો ભાવાર્થ " નવી વસ્તુ ઉપજાવી કાઢવી " અથવા " નવીનતા " થાય છે.
☞ શરઈ પરિભાષા :- દીનમાં સ઼વાબની નિય્યતથી કોઈ એવા નવા કામને ઉપજાવવું કે જેની અસલ અને મૂળ શરઈ સંદર્ભો (કુર્આન અને હદીષ) થી સાબિત ન હોય. તેમજ રસુલુલ્લાહ ﷺ અને સહાબાؓ ના યુગમાં તે કામનો મોકો, જરૂરત અને સબબ હોવા છતાંય રસુલુલ્લાહ ﷺ અને સહાબાؓ એ તે કામ ન કર્યું હોય.
✰ ફાયદો :- ઉપરોક્ત બિદઅતની શરઈ વ્યાખ્યામાં વર્ણવેલ વાતનો ખુલાસો અને સમજૂતી.
➊ દીનમાં સવાબની નિય્યતથી :- ☜ આ વાક્યથી ખબર પડી કે કોઈ દુન્યવી કામ બિદઅતની શરઈ વ્યાખ્યામાં શામેલ નથી. દા.ત. આજના યુગમાં જીવન જરૂરીયાત માટે નવી નવી ટેક્નોલોજી વગેરે કેમ કે આ બધાના વપરાશમાં કોઈ સ઼વાબ કે ઈબાદતની નિય્યત નથી કરતું. આ બધું જાઈઝ છે જો તે દુન્યવી વસ્તુઓ શરઈ હૂકમોના વિરુદ્ધ ન હોય.
➋ શરઈ સંદર્ભો કુર્આન અને હદીષથી સાબિત ન હોય :- ☜ આ વાક્યથી ખબર પડી કે જે કામની અસલ અને મૂળ કુર્આન અથવા હદીષથી સાબિત હોય તો તેને બિદઅત કહેવામાં નહીં આવે.
➌ રસુલુલ્લાહ ﷺ અને સહાબાؓ ના યુગમાં તે કામનો મોકો, જરૂરત અને સબબ હોવા છતાંય તેઓએ ન કર્યું :- ☜ આ વાક્યથી ખબર પડી કે જે કામનો તેમના યુગમાં મોકો, જરૂરત અને સબબ ન હતો તેવું કામ આજના યુગમાં કોઈ મોકો, જરૂરત અને સબબના આધારે કરવામાં આવે તો તેને પણ બિદઅત કહેવામાં નહીં આવે. દા.ત. આજના યુગમાં ચાલતા મદ્રસા, મકાતીબ વગેરે.
❖ બિદઅતની નિંદા અને દુષ્ટતા હદીષની રોશનીમાં :-
નીચે હદીષોમાં બિદઅત વિષેની જે નિંદા અને દુષ્ટતા આવી છે તેને વર્ણવામાં આવે છે.
પહેલી હદીષ
قَالَ رَسُولُ اللَّهِ ﷺ : مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ۔
(બુખારી : ૨૬૯૭)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ દીનમાં (શરીયતમાં) કોઈ નવી વાત ઉપજાવી કાઢી જેના પ્રત્યે કોઈ શરઈ ઉપદેશ ન હોય તો તે વાત રદ્દ છે.
બીજી હદીષ
قَالَ النَبِيُّ ﷺ : إِنَّ اللّٰهَ حَجَبَ التَّوْبَةَ عَنْ صَاحِبِ كُلِّ بِدْعَةٍ حَتّٰى يَدَعَ بِدْعَتَهٗ۔
(તબરાની)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા દરેક બિદઅત કરનાર ની તૌબાને રોકી રાખે છે જ્યાં સુધી તે બિદઅત છોડી ન દે.
ત્રીજી હદીષ
قَالَ النَّبِيُّ ﷺ : إِنَّ أَصْدَقَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَأَحْسَنَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ۔
(નસઈ : ૧૫૭૯)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે બેશક સૌથી વધારે સાચી વાત કુર્આનની વાત છે, અને સૌથી શ્રેષ્ઠ તરીકો મુહમ્મદ (ﷺ) નો તરીકો છે. અને કામોમાં સૌથી દુષ્ટ કામ (દીનમાં) નવું કામ ઘડવું છે, અને દરેક નવું ઘડેલું કામ બિદઅત છે,અને દરેક બિદઅત ગુમરાહી છે, અને દરેક ગુમરાહી દોજખમાં લઈ જનારી વસ્તુ છે.
ચોથી હદીષ
قَالَ النَّبِيُّ ﷺ : الْمَدِينَةُ حَرَمٌ، فَمَنْ أَحْدَثَ فِيهَا حَدَثًا، أَوْ آوَى مُحْدِثًا، فَعَلَيْهِ لَعْنَةُ اللهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ، لَا يُقْبَلُ مِنْهُ يَوْمَ الْقِيَامَةِ عَدْلٌ، وَلَا صَرْفٌ۔
(મુસ્લિમ : ૩૩૩૦)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે મદીના હરમ છે. જે વ્યક્તિએ તેમાં કોઈ બિદઅતનું કામ કર્યું અથવા બિદઅતનું કામ કરનારને પનાહ આપી તો તેના પર અલ્લાહ તઆલા, ફરિશ્તાઓ અને બધા જ લોકોની લાનત વરસે, અને કયામતના દિવસે તેના ફર્ઝો અને નફીલો કબૂલ કરવામાં નહીં આવે.
પાંચમી હદીષ
قَالَ النَّبِيُّ ﷺ لِعَائِشَةَ : يَا عَائِشَةُ ( إِنَّ الَّذِیۡنَ فَرَّقُوۡا دِیۡنَهُمۡ وَ کَانُوۡا شِیَعًا ؕ) هٌمْ أَصْحَابُ البِدَعِ وَأَصْحَابُ الأَهْوَاءِ لَيْسَ لَهُمْ تَوْبَةٌ أَنَا مِنْهُمْ بَرِيْءٌ وَهُمْ مِنِّيْ بُرَآءُ۔
(તબરાની)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ હઝરત આઈશાؓ ને ફરમાવ્યું કે હે આઈશા (કુર્આનમાં અલ્લાહ તઆલાના ફરમાન) “ જે લોકોએ પોતાના દીનના ટુકડા ટુકડા કરી દીધા અને અલગ અલગ ટુકડીઓ માં વહેંચાઈ ગયા.” તેમનાથી મુરાદ બિદઅત કરનારા અને નફ્સની પૈરવી કરનારા છે. તેમના માટે તૌબા નથી, હું તેમનાથી મુક્ત છું અને તેઓ પણ મારાથી મુક્ત છે.
આના સિવાય બીજી ઘણી બધી હદીષો છે જેમાં બિદઅતની નિંદા અને દુષ્ટતા બયાન કરવામાં આવી છે. ઉપરોક્ત હદીષોથી ખબર પડે છે કે બિદઅત દીનમાં કેટલી ખરાબ વસ્તુ છે.
❖ બિદઅતની નિંદા અને દુષ્ટતા ના કારણો :-
જેમ કે હદીષોમાં બિદઅતની ઘણી નિંદા અને દુષ્ટતા બયાન કરવામાં આવી છે. જેના અમુક કારણો છે જે નિમ્ન મુજબ છે.
પહેલું કારણ
બિદઅત આ સુન્નતનું વિરોધી (Opposite) છે. જે વ્યક્તિ બિદઅત અપનાવશે એનો સીધો મતલબ તે સુન્નત છોડી દેશે. છેવટે તે બિદઅત અપનાવવામાં સુન્નતના નૂરથી વંચિત રહી જશે.
બીજું કારણ
બિદઅત એક એવો ગુન્હો છે જેને ઈબાદત સમજીને કરવામાં આવે છે. જ્યારે વ્યક્તિ તેને ઈબાદત જ સમજશે તો તે તૌબા ક્યાંથી કરે ? કેમ કે તૌબા તો તે કરે જે ગુનાહને ગુન્હો સમજે જ્યારે કે બિદઅતી તો તેને ગુન્હો તો દૂરની વાત બલ્કે ઈબાદત સમજીને કરે છે. તે માટે તે તૌબાથી પણ વંચિત રહે છે.
ત્રીજું કારણ
અલ્લાહ તઆલાએ દીનને રસુલુલ્લાહ ﷺ દ્વારા સંપૂર્ણ કર્યો. હવે રસુલુલ્લાહ ﷺ પછી દીનમાં કોઈ નવી વાત કાઢવાનો મતલબ આમ થાય કે જે નવી વાત ઘડવામાં આવી છે તે વિષે (ન'અઉઝુબિલ્લાહ) રસુલુલ્લાહ ﷺ એ બતાવવામાં ખયાનત કરી, અથવા તેમને આ વાતનો ખ્યાલ ન હતો, અથવા બતાવવાનું ભૂલી ગયા.
કેમ કે જે બિદઅત દીનમાં ઘડવામાં આવી છે તે જો દીનમાં એટલી જ જરૂરી હોત તો ભલા રસુલુલ્લાહ ﷺ કેમ ન બતાવતા..? જરૂર બતાવતા. હવે બિદઅતી તે નવી વાતને દીનમાં જરૂરી સમજીને ઘડે તો તેનો શું મતલબ થાય..? તે જ માટે તો ઈમામ માલિકؒ ફરમાવે છે કે :
مَنِ ابْتَدَعَ بِدْعَةً یَرَاہَا حَسَنَةً فَقَدْ زَعَمَ اَنَّ مُحَمَّدًا صَلَّی اللّٰہُ عَلَیْہِ وَسَلَّم خَانَ الرَّسالة لِاَنَّ اللّٰہَ یَقُوْلُ ”اَلْیَوْمَ اَکْمَلْتُ لَکُمْ دِیْنَکُمْ“ فَمَالَکُمْ یَوْمَئِذٍ دِیْنًا لاَیَکُوْنُ الْیَوْمَ دِیْنًا․ (અ'લ્ એઅ્તિસ઼ામ : ૧ / ૪૮)
તર્જુમો :- જેણે કોઈ નવી વાત ઘડી અને તેને નેકીનું કામ સમજ્યો તો જાણે તેણે રસુલુલ્લાહ ﷺ ને પૈગામ પહોંચાડવામાં ખયાનત કરનાર ગુમાન કર્યા. કેમ કે કુર્આનમાં અલ્લાહ તઆલાનું ફરમાન છે કે " મેં આજે (નબી ﷺ ના યુગમાં) તમારા માટે તમારા દીનને સંપૂર્ણ કરી દીધો." જેથી હવે જે કામ તે યુગમાં દીન ન હતું તે આજના યુગમાં પણ દીન નહીં કહેવાય.
ચોથું કારણ
બિદઅતની નિંદાનું એક કારણ આ પણ છે કે બિદઅત દીનમાં ઉધઈ સમાન છે કે જેવી રીતે ઉધઈ લાકડાને અંદરથી ખોખરું કરી નાખે છે એવી જ રીતે બિદઅત પણ દીનને અંદરથી ખોખરું કરી નાખે છે. છેવટે દીનના અસલ ચહેરાને મીટાવી બિદઅતથી બદલી અને ફેરવી નાખે છે.
આ અમુક કારણો છે જેના લીધે હદીષોમાં બિદઅતની ખૂબ નિંદા અને દુષ્ટતા બયાન કરવામાં આવી છે.
❖બિદઅતની નિંદા અને તેનાથી નફરત સહાબાؓ અને બુઝુર્ગોؒની નજરમાં :-
ઉપરોક્ત હદીષમાં બિદઅત ની જે નિંદા અને દુષ્ટતા વર્ણવામાં આવી છે તેના સંદર્ભમાં સહાબા અને બુઝુર્ગો એ પણ બિદઅત ની જે નિંદા બયાન કરી છે તે નીચે મુજબ છે.
➊ હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મુગફ્ફલؓ ફરમાવે છે કે મેં અલ્લાહના રસૂલ ﷺ ના સહાબાؓ ને બિદઅતથી વધારે બીજી કોઈ વસ્તુથી નફરત કરતાં નથી જોયા. (તીરમીઝી : ૨૪૪)
➋ એક વખત હઝરત અલીؓ એ એક મુઅઝ઼્ઝીન ને જોયા જે અઝાન પછી " અસ્'સલાહ્ - અસ્'સલાહ્ " કહીને નમાઝ માટે બોલવતા હતા, તો હઝરત અલીؓ ફરમાવ્યું કે આ બિદઅતીને મસ્જીદમાં થી કાઢો. (અ'લ્ એઅ્તિસ઼ામ : ૨ / ૧૧૪)
➌ હઝરત ઈબ્ને મસ્ઉદؓ ફરમાવે છે કે હે લોકો દીનમાં નવી નવી વાતો ઘડવાથી બચજો, કેમ કે ઈમાન દિલમાંથી એક સાથે નથી નિકળી જતું, બલ્કે શયતાન રોજ તમારી સમક્ષ નવી નવી વાતો ઘડશે છેવટે તેને અપનાવવાની સૂરતમાં દિલમાંથી ઈમાન નિકળી જાય છે. (મજાલિસુ'લ્ અબરાર : ૧૭૨)
➍ હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરؓ ને કોઈએ બીજાના વાસ્તે સલામ પહોંચાડી તો આપؓ એ ફરમાવ્યું કે મને આ વાત પહોંચી છે કે તેણે દીનમાં કોઈ નવી વાત ઘડી છે જો આ સત્ય વાત છે તો મારા સલામ તેને પહોંચાડવામાં ન આવે. (ઈબ્ને માજા : ૪૦૬૧)
➎ હઝરત હસ્સાન બિન અતીય્યહ્ؒ ફરમાવે છે કે જ્યારે કોઈ કોમ દીનમાં કોઈ નવી વાત ઘડે છે તો અલ્લાહ તઆલા તે બિદઅત સમાન એક સુન્નત તેમના દરમિયાનથી ઉઠાવી લે છે, અને કયામત સુધી તેઓને તે સુન્નતથી વંચિત રાખે છે. (મીશ્કાત : ૧૮૮)
➏ હઝરત હસન બસરીؒ ફરમાવે છે કે બિદઅતી ઈબાદતમાં જેટલી મહેનત કરે છે તેટલો જ તે અલ્લાહથી દૂર થાય છે. (અ'લ્ એઅ્તિસ઼ામ : ૧ / ૮૭)
બીજા એક મોકા પર ફરમાવે છે કે બિદઅતી પાસે ન બેસો, તે તમારા દિલને પણ બિમાર કરી દેશે. (અ'લ્ એઅ્તિસ઼ામ : ૧ / ૫૬)
➐ હઝરત સુફિયાન સૌરીؒ ફરમાવે છે કે જેણે બિદઅતીથી કોઈ ઈલ્મની વાત સાંભળી તેને અલ્લાહ ઈલ્મમાં નફો નહીં આપે અને જેણે તેની સાથે હાથ મેળવ્યો તો તેણે ઈસ્લામને રંજ પહોંચાડ્યો. (તલબીસે ઈબ્લિસ)
➑ ઈમામ શાફીઈؒ ફરમાવે છે કે જો હું કોઈ બિદઅતીને હવામાં ઉડતો જોઈ લઉં તો પણ કદાપી તેને કબૂલ ન કરું. (તલબીસે ઈબ્લિસ : ૧૬)
➒ હઝરત યહ્યા ઈબ્ને કસીરؒ ફરમાવે છે કે જ્યારે તુ કોઈ બિદઅતીને રસ્તામાં જોવે તો તુ રસ્તાની બીજી તરફ થઈ જા. (અ'લ્ એઅ્તિસ઼ામ : ૧ / ૮૫)
➊⓿ શૈખ અબ્દુલ કાદિર જીલાનીؒ ફરમાવે છે કે બિદઅતી સાથે મેળમિલા૫ ન રાખો, ન તેમની સાથે બહસ કરો અને ન તેમને સલામ કરો. એક બીજા મોકા પર ફરમાવે છે કે જ્યારે તમે કોઈ બિદઅતી ને જતો જોવો તો તમે તે રસ્તો બદલી નાખો. (ગુન્યતુ'ત્ તાલીબીન : ૧૮૫, ૧૮૬)
ઉપરોક્ત નમુનાના તોર પર અમુક સહાબાؓ અને બુઝુર્ગોؒ ના મંતવ્યો રજુ કર્યા છે જેનાથી ખબર પડે છે કે તેઓ બિદઅતથી કેટલી નફરત કરતા હતાં, આવા બીજા બેશુમાર તેઓના મંતવ્યો કિતાબોમાં મૌજુદ છે જેનાથી જાણી શકાય છે કે બિદઅત શરઈ દ્રષ્ટિએ કેટલો સંગીન ગુન્હો છે.
❖ બિદઅત ફેલાવવાના કારણો :-
બિદઅતની શરઈ દ્રષ્ટિએ આટલી બધી નિંદા હોવા છતાંય લોકોમાં ખૂબ જ ફેલાઈ રહી છે જેના અમુક કારણો છે જે નિમ્ન મુજબ છે.
➊ પહેલું કારણ :- અજ્ઞાનતા
લોકોમાં બિદઅત ફેલાવવાનું પહેલું કારણ " અજ્ઞાનતા " અને " અભણતા " છે. એટલે કે લોકોનું દીનથી સંપૂર્ણ વાકેફ ન રહેવું અને બિદઅતની દુષ્ટતાથી અજાણ રહેવું છે. તે માટે દીન પ્રત્યે એટલી જાણકારી તો હોવી જ જોઈએ જેના દ્વારા હક અને બાતીલને ઓળખી શકાય.
➋ બીજુ કારણ :- ગેરોની સંસ્કૃતિથી પ્રભાવિત થવું
આ એક પ્રાકૃતિક નિયમ છે કે જે લોકો પોતાની સંસ્કૃતિની હિફાઝત નથી કરતા તેઓ ઘણા જલ્દી બીજા લોકોની સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જાય છે છેવટે બિદઅત જેવી ખતરનાક બિમારી તે લોકોમાં પ્રસરી અને ફેલાઈ જાય છે. આજે આપણે ખુલ્લી આંખે જોઈ રહ્યા છે કે મુસલમાન અંગ્રેજી સંસ્કૃતિથી કેટલો પ્રભાવિત નજર આવે છે.
➌ ત્રીજુ કારણ :- શોહરત
શોહરતનું ભૂત અને ઉંચા પદની લાલચ પણ માણસને નવી વસ્તુ ઉપજાવવા મજબૂર કરી નાખે છે. અને આ એક માનસિક રોગ છે કે શોહરત અને ઉચ્ચ પદ માટે લોકો સામે નવી નવી વસ્તુ લાવવામાં આવે જેથી તેની બોલબાલા અને માન મર્યાદા જળવાઈ રહે.
➍ ચોથું કારણ :- દીનના મામલે સમાધાન
બિદઅત પ્રસરવાનું એક કારણ દીનના મામલામાં દુન્યવી ફાયદા માટે ગલત વાતો પર રોકટોક ન કરવી પણ છે. છેવટે દીનના જાણકાર અને ઉલમાનું ગલત વાતો અને ગુનાહિત કૃત્યો પર ખામોશ રહેવાને લોકો તે ગલત વાતને સાચી અને દીન સમજી બેસે છે.
➎ પાચમું કારણ :- નફસાની ખ્વાહિશ
બિદઅત પ્રસરવાનું એક મુખ્ય કારણ નફસાની ખ્વાહિશ એટલે કે દિલની અભિલાષાઓ ને અનુસરવું છે. દુનિયામાં જેટલા લોકો પણ ગુમરાહ થયા તેમની પાછળ સૌથી મોટું કારણ આ જ રહ્યું છે તે જ માટે શરીયતમાં પણ નફસાની ખ્વાહિશથી સખતાઈની સાથે રોકવામાં આવ્યા છે.
ઉપરોક્ત વર્ણવેલ બિદઅત પ્રસરવાના અમુક કારણો અને સબબો છે જેના લીધે દીનમાં બિદઅત ખૂબ જ પ્રસરી રહી છે. બિદઅત પ્રસરવાના દરવાજા બંધ કરવા માટે ઉપરોક્ત કારણો ધ્યાનમાં રાખી કામ કરવાની ખૂબ જરૂર છે.
❖ બિદઅતને ઓળખવાના નિયમો તેમજ નિશાનીઓ અને અલામાત :-
કેવી રીતે ખબર પડે કે આ અમલ બિદઅત છે કે નથી તેના માટે ઉલમાએ કિરામે શરઈ સંદર્ભોના આધારે અમુક અલામાત અને નિયમો બતાવ્યા છે જેના વડે બિદઅતની ઓળખ આસાનીથી થઈ જાય છે. તે નિયમો નિમ્ન વિગતવાર લખવામાં આવે છે.
➊ વ્યક્તિગત અમલને સામૂહિક બનાવવો :-
જે અમલ શરઈ દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે સાબિત હોય અને સામૂહિક રીતે સાબિત ન હોય તે અમલને સામૂહિક રીતે કરવો બિદઅત છે. દા.ત.
☞ નફલ નમાઝની જમાઅત કરવી :- તરાવીહ, અને સુર્ય, ગ્રહણ તેમજ વરસાદની નમાઝ સિવાય બીજી નફલ નમાઝો જમાઅત સાથે ઈમામ અને ચાર કે તેનાથી વધુ વ્યક્તિઓએ ભેગા થઈને પઢવી સાબિત નથી. તે માટે જે નફલ નમાઝો જમાઅત સાથે પઢવી સાબિત નથી તે નફલ નમાઝોને ઈમામ અને ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા મળીને પઢવી મકરૂહે તહરીમી અને બિદઅત છે.
وحکي عن شمس الأئمة السرخسي أن التطوع بالجماعة علی سبیل التداعي مکروہ [التحریمہ] (فتاوی تاتارخانیة : ۱ / ۴۸۷)
☞ ખાસ રાતોમાં સામુહિક ઈબાદત કરવી :- જે રાતોમાં વ્યક્તિગત રીતે ઈબાદત અને દુવા કરવાની ફઝીલત છે તે રાતોમાં મસ્જીદમાં ભેગા થઈને સામુહિક ઈબાદત અને દુવા કરવી પણ બિદઅતમાં શામેલ છે.
ویکرہ الاجتماع علی إحیاء لیلة من ھذہ اللیالی فی المساجد وصرح بکراھة ذلک فی الحاوی القدسی۔ (رد المحتار : ۴۶۹ / ۲)
હાં ! તે રાતોમાં મસ્જીદમાં વ્યક્તિગત ઈબાદત કરે તો તે જાઈઝ છે અલબત્ત ઘરોમાં ઈબાદત કરવી શ્રેષ્ઠ છે.
➋ અનિશ્ચિત અમલને નિશ્ચિત બનાવવો :-
શરીઈ દ્રષ્ટિએ જે અમલનો કોઈ સમય અથવા દિવસ નક્કી ન હોય તે અમલને કોઈ સમય અથવા દિવસ સાથે નિશ્ચિત અને નક્કી કરી તેની પાબંદી કરવી અને તેને જરૂરી સમજવું પણ બિદઅત છે. દા.ત.
☞ ઈસાલે સ઼વાબ માટે સમય અને દિવસ નક્કી કરવો :- ઈસાલે સ઼વાબ એક એવી ઈબાદત છે જેનો શરઈ દ્રષ્ટિએ કોઈ સમય અને દિવસ નક્કી નથી, બલ્કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ નેકીનો ઈસાલે સ઼વાબ કરી શકે છે. તે માટે આ ઈબાદતને કોઈ દિવસ અથવા સમય સાથે નક્કી અને નિશ્ચિત સમજી તેની પાબંદી તેમજ જરૂરી સમજવું બિદઅત કહેવાશે.
📖 الاعتصام :- ومن البدع الاضافیة التی تقرب من الحقیقیة ان یکون اصل العبادة مشروعا الا انہ تخرج عن اصل شرعیتھا بغیر دلیل توھما انھا باقیة علی اصلھا تحت مقتضی الدلیل وذالک بان یقید اطلاقھا بالراء اویطلق تقییدھا بالجملة فتخرج عن حدھا الذی حد لھا۔۔۔۔۔ وھذا کلہ ان فرضنا اصل العبادة مشروعا فان کان اصلھا غیر مشروع فھی بدعة حقیقیة مرکبة.
☞ ઈદ, જુમ્મા અને બીજી નમાઝો પછી હાથ મેળવવો :- બેશક હાથ મેળવવો સુન્નત અને સાબિત અમલ છે. પરંતુ શરઈ દ્રષ્ટિએ આ અમલ વિષે કોઈ સમય અથવા દિવસ નક્કી નથી. તે માટે આ સુન્નત અમલ હાથ મેળવવાને કોઈ પણ નમાઝ પછી નક્કી અને જરૂરી સમજવું બિદઅત કહેવાશે. જેમ કે આજના સમયમાં ઈદ અને જુમ્માની નમાઝ પછી તેને જરૂરી સમજીને પાબંદી કરવામાં આવે છે.
📖 فتاویٰ شامی :- وتکرہ المصافحة بعد اداء الصلاة بکل حال لأن الصحابة رضي اللہ عنہم ما صافحوا بعد أداء الصلاة لأنہا من سنن الروافض.
📖 مجالس الابرار :- واما فی غیرحالۃ الملاقاۃ مثل کونہ عقیب صلوٰۃ الجمعۃ والعید ین کما ھو العادۃ فی زما ننا فالحدیث ساکت عنہ فیبقی بلا دلیل وقد تقرر فی موضعہ ان مالا دلیل علیہ فھو مردود.
➌ કોઈ અમલને કોઈ એક પદ્ધતિ સાથે ખાસ કરવો :-
શરઈ દ્રષ્ટિએ જે અમલ માટે કોઈ પદ્ધતિ, તરીકો અથવા રીત સાબિત ન હોય તે અમલને કોઈ ખાસ પદ્ધતિ અને તરીકા સાથે ખાસ કરીને તેને જરૂરી સમજવું પણ બિદઅત કહેવાશે. દા.ત.
☞ સલાતો સલામ માટે ઉભા થવાને જરૂરી સમજવું :- બેશક સલાતો સલામ સુન્નત, સાબિત અને મહબૂબ ઈબાદત છે પરંતુ આ એક એવી ઈબાદત છે જેની કોઈ ખાસ રીત અને પદ્ધતિ સાબિત નથી (સિવાય નમાઝમાં અત્તહિય્યાત વખતે બેસીને અને મદીનામાં નબી ﷺ ની કબર પર હાજરી વખતે ઉભા રહીને) તે માટે આ અમલને કરવા માટે કિયામ ( ઉભા રહેવું ) ને જરૂરી સમજવું બિદઅત છે.
📖 قال الشامیؒ : جَرْتْ عَـــادَۃُ کَثِیرٍ مِّنَ الْمُحِبِّینَ إِذَا سَمِعُوا بِذِکْرِ وَصْفِہٖ ﷺ أَنْ یَّقُومُوا تَعْظِیمًا لَّہٗ ﷺ، وَہٰذَا الْقِیَامُ بِدْعَۃٌ، لَا أَصْلَ لَہٗ.(بحوالہ الجنة لاهل السنة)
➍ અમલમાં ગેરોની સામ્યતા ( મુશાબહત ) અપનાવવી :-
જે કામ શરઈ દ્રષ્ટિએ જાઈઝ હોય પરંતુ તે અમલ કરવામાં ગેરો અને ગુમરાહ લોકોની સામ્યતા ( મુશાબહત ) લાજીમ આવતી હોય અથવા તે અમલ ગુમરાહ લોકોનું પ્રતિક બની ગયું હોય તો તે અમલ છોડી દેવો શ્રેષ્ઠ અને ઉત્તમ છે બલ્કે અમુક પરિસ્થિતિમાં તે અમલ છોડી દેવો જરૂરી છે. આ શર્તની સાથે કે તે અમલ શરઈ દ્રષ્ટિએ ફર્ઝ અથવા વાજીબ ન હોય. દા.ત.
☞ મુહર્રમમા કાળા કપડાં પહેરવા :- કાળા કપડાં પહેરવા શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે પરંતુ મુહર્રમના મહિનામાં શીયા કાળા કપડાં હઝરત હુસૈનؓ ની શહાદત પર રંજ અને ગમને જાહેર કરવા માટે પહેરે છે તો તે સમયે કાળા કપડાં ન પહેરવા જોઈએ જેથી ગુમરાહ લોકોની સામ્યતા અપનાવવી લાજીમ ન આવે.
📖 الحديث :- قال النبي ﷺ : من تشبه بقوم فهو منهم۔ (سنن أبي داود، كتاب اللباس، رقم : ٤٠٣١)
📖 وفی مرقاۃ المفاتیح : " من تشبه بقوم " أي : من شبه نفسه بالكفار مثلا في اللباس وغيره أو بالفساق أو الفجار الخ.
📖 وفي مرقات المفاتيح : ٤/٦٣ :- إن كلَّ سنّةٍ تكونُ شِعَارَ أهلِ البدعةِ تَرْکُھَا أولٰی.
➎ મુસ્તહબ અમલમાં એટલી હદે પાબંદી કે તેને જરૂરી સમજવામાં આવે :-
શરઈ દ્રષ્ટિએ કોઈ અમલ મુસ્તહબ અને જાઈઝ હોય, પરંતુ તે અમલમાં એવી પાબંદી કરવામાં આવે કે લોકો તેને જરૂરી સમજવા લાગે અને તે અમલ છોડવા પર છોડનારની ટીકા અને નિંદા કરવામાં આવે તો તે અમલ પણ બિદઅતમાં શામેલ થઈ જાય છે.
📖 الاعتصام : ۲ / ۳۲ :- وبالجملة فکل عمل له اصل ثابت شرعا الا ان فی الاظهار العمل به والمداومة علیه ما یخاف ان یعتقد انه سنة فترکه مطلوب فی الجملة ایضا من باب سد الذرائع۔
☞ ખુત્બામાં અસો પકડવો :- જુમ્માના દિવસે ખુત્બામાં અસો પકડવો જાઈઝ અને મુસ્તહબ અમલ છે. પરંતુ તેની એટલી પાબંદી કરવામાં આવે કે લોકો તેને જરૂરી સમજવા લાગે કે કોઈ દિવસ જો ઈમામ અસો ન લે તો તેની ટીકા અને નિંદા કરવામાં આવે તો આ જાઈઝ અને મુસ્તહબ અમલ પણ બિદઅત લેખાશે.
તે જ માટે ઉલમાએ કહ્યું છે ઈમામ સાહેબે જોઈએ કે કોઈ કોઈ વખત અસા વગર પણ ખુત્બો આપવામાં આવે જેથી લોકોને જરૂરી અમલ હોવાની ગલત સમજણ ઉભી ન થાય. (મુસ્તફાદ : ફતાવા રહિમિય્યહ્ : ૬/૧૩૨, ફતાવા ઉસ્માની : ૧/૫૧૪, કિફાયતુ'લ્ મુફ્તી : ૩/૨૬૦, ફતાવા, ઈમદાદુ'લ્ અહકામ : ૧/૭૭૮, ફતાવા દા.ઉ. ઝકરિયા : ૨/૭૦૬)
☞ ઈમામનું નમાઝ પછી દુવા માટે નમાઝીઓ તરફ મોઢું કરવું :- અસર અને ફજરની નમાઝ પછી ઈમામનું ચારેય તરફ મોઢું કરીને દુવા માંગવી મુસ્તહબ છે. પરંતુ જો ઈમામ સાહેબ માત્ર કોઈ એક જ તરફ મોઢું કરીને દુવા માંગ્યા કરે જેના લીધે લોકો એવું સમજે કે આ તરફ મોઢું કરીને જ દુવા માંગવી જરૂરી છે તો આ મુસ્તહબ અમલ પણ બિદઅત શુમાર થશે.
📖 وفي الخانیة :- یستحب للإمام التحول لیمین القبلة یعنی یسار المصلي لتنفل أو ورد، وخیّرہ في المنیة بین تحویله یمینًا وشمالاً وأماماً وخلفًا وذهابه لبیته واستقباله الناس بوجهه۔ (الدر المختار مع الشامي: ۲/۲۴۸، ط: زکریا دیوبند)
📖 عن عبداﷲ بن مسعود ؓ : لا یجعل أحدکم للشیطان شیئاً من صلوٰته یریٰ ان حقاً علیه ان لا ینصرف الا عن یمینه لقد رأیت رسول اﷲ صلی اﷲ علیہ سلم کثیراً ینصرف عن یسارہ۔ (متفق علیہ، مشکوٰۃ ص ۸۷۔)
📖 وفي مرقات المفاتيح : وفیه ان من اصر علی امر مندوب وجعله غرما ولم یعمل بالرخصة فقد اصاب منه الشیطان من الاضلال فکیف من اصر علی بدعة او منکر. (ج ۲ ص ۳۵۳)
આ પાંચ નિયમો છે બિદઅતને ઓળખવાના જેના વડે આસાનીથી બિદઅત અમલને ઓળખી શકાય છે. આના સિવાય બીજા પણ છે પરંતુ ઉપરોક્ત વર્ણવેલ પાંચ નિયમો સમજવા માટે કાફી છે તે માટે અહીં આ નિયમોનું લખાણ સમાપ્ત કરવામાં આવે છે.
❖ બિદઅત અને રસમમાં ફરક :-
ઘણા લોકો બિદઅત અને રસમમાં ફરક ન જાણતા હોવાને કારણે કોઈક વખત બિદઅતને રસમ અને રસમને બિદઅત સમજી બેસે છે. જ્યારે કે બન્નેમાં ફરક છે જે નિમ્ન મુજબ છે.
➻ જે બેબુનિયાદ અને બિન સાબિત કામને ઈબાદત સમજીને કરવામાં આવે તેને બિદઅત , અને જે કામને રીત-રિવાજથી મજબૂર થઈને કરવામાં આવે તેને રસમ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે શાદી, ખૂશી વગેરે મોકા પર લોકો વધારે પડતી રસમ કરતા હોય છે જ્યારે કે મય્યિત, ગમી વગેરે મોકા પર બિદઅત કરતા હોય છે. શરઈ દ્રષ્ટિએ બંને ના જાઈઝ છે. અલબત્ત રસમની તુલનામાં બિદઅત વધારે સંગીન ગુન્હો છે.
અલબત્ત આ વાતનો પણ ખ્યાલ રાખવામાં આવે કે ખાવા, પીવા અને લિબાસ વગેરેમાં લોકોના તે રિવાજ જે પ્રાદેશિક અને ખાનદાની હોય જેમાં તેઓ પોતાની અલગ ઓળખ રાખતા હોય તો તેમાં જ્યાં સુધી શરીયતની તાલીમ વિરુદ્ધ કોઈ કૃત્ય શામેલ ન થાય દા.ત. ફૂઝુલ ખર્ચી, માલદારી દેખાડવી વગેરે તો તેને અપનાવવામાં વાંધો નથી. પરંતુ જો તેમાં શરીયત વિરુદ્ધ વાત શામેલ થઈ જાય તો તે પણ ના જાઈઝ લેખાશે બલ્કે રસમ જ તેને કહેવાય જેમાં શરીયત વિરૂદ્ધ કોઈ કૃત્ય શામેલ હોય.
❁ હદીષમાં આવે છે :
قَالَ النَبِيُّ ﷺ : مَنْ سَنَّ سُنَّةً سَيِّئَةً فَعُمِلَ بِهَا، كَانَ عَلَيْهِ وِزْرُهَا وَوِزْرُ مَنْ عَمِلَ بِهَا مِنْ بَعْدِهِ لَا يَنْقُصُ مِنْ أَوْزَارِهِمْ شَيْئًا۔ (ابن ماجہ : ۲۰۳)
તર્જુમો :- જે વ્યક્તિએ કોઈ ગલત તરીકાને રિવાજ આપ્યો, બીજા લોકોએ પણ તે તરીકાને અપનાવ્યો તો તે વ્યક્તિને એનો ગુન્હો તો લાગુ પડશે જ પણ સાથે તે બધાનો ગુન્હો પણ તેને લાગુ પડશે જેટલા બધા તેના પછી તેના રિવાજ આપેલા તરીકાને અપનાવશે, અને તેઓના ગુનાહમાંથી કંઈક કમી નહીં થાય.
તે માટે બિદઅતની સાથે સાથે સમાજમાં ચાલતી રસમોથી પણ બચવાની જરૂર છે.
❖ બિદઅતથી રોકટોકના અમુક સહાબાؓ ના કિસ્સા :-
➊ એક દિવસ હઝરત અલીؓ એ એક વ્યક્તિને ઈદના દિવસે ઈદની નમાઝ પહેલા નમાઝ પઢતા રોક્યો, તો તે વ્યક્તિએ કહ્યું કે હે ! અમીરૂલ મુઅ્મીનીન મને ઉમ્મીદ છે કે અલ્લાહ તઆલા મને નમાઝ પઢવા પર અઝાબ નહીં આપે. હઝરત અલીؓ એ ફરમાવ્યું કે મને પણ યકીન છે કે જે કામ રસુલુલ્લાહ ﷺ એ નથી કર્યું અથવા જેનું પ્રોત્સાહન નથી આપ્યું તેના પર અલ્લાહ તઆલા સ઼વાબ નહીં આપે, મને ડર છે કે રસુલુલ્લાહ ﷺ ના તરીકાની વિરુદ્ધ હોવાને લીધે તને અઝાબ આપે. (મજાલીસુ'લ અબરાર : ૧૨૯)
✯ ફાયદો :- બેશક નમાઝ પઢવી ઉત્તમ ઈબાદત છે પરંતુ નબવી તાલીમના વિરુદ્ધ હોવાના કારણે અઝાબનું કારણ પણ બની શકે છે.
➋ હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરؓ ની બાજુમાં બેઠેલા એક વ્યક્તિને છીંક આવી તો તેણે આ દુવા પઢી " અલ્હમ્દુલિલ્લાહિ વ'સ્સલામુ અલા રસુલિલ્લાહ ", આ સાંભળી હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરؓ એ ફરમાવ્યું કે આ દુવા હું પણ પઢી શકું છું પરંતુ આ મોકા પર રસુલુલ્લાહ ﷺ ની આ તાલીમ નથી, બલ્કે રસુલુલ્લાહ ﷺ એ આ મોકા પર આ દુવા શીખવી છે " અલ્હમ્દુલિલ્લાહિ અલા કુલ્લિ હાલ ". (તીરમીઝી શરીફ : ૨૭૩૮ )
✯ ફાયદો :- રસુલુલ્લાહ ﷺ પર સલામ મોકલવી કેટલી મહબૂબ વાત છે પરંતુ તેનો મોકો ન હોવાને લીધે સહાબીؓ એ તરત જ રોક્યા. કે રસુલુલ્લાહ ﷺ એ આ મોકા પર આ નથી શીખવ્યું.
આ બંને કિસ્સા તે લોકોના વિરુદ્ધ દલીલ છે જેઓ દીનમાં ઈબાદતના નામે નવી વાતો ઘડે છે અને જ્યારે તેમને રોકવામાં આવે છે તો કહે છે કે " ભલે સાબિત નથી પરંતુ રસુલુલ્લાહ ﷺ એ મનાઈ પણ નથી કરી " હવે સહાબા નબવી તાલીમના વધુ જાણકાર હતા કે આ લોકો..?
➌ એક વખત હઝરત ઈબ્ને અબ્બાસؓ અને હઝરત અમીર મુઆવિયાؓ કાબાનો તવાફ કરી રહ્યા હતા, હઝરત અમીર મુઆવિયાؓ તવાફ દરમિયાન કાબાના ચારેય ખુણાને બોસો આપતા હતા, આ જોઈ હઝરત ઈબ્ને અબ્બાસؓ એ ફરમાવ્યું કે રસુલુલ્લાહ ﷺ હજરે અસવદ અને રૂક્ને યમાની સિવાય બીજે કંઈ પણ બોસો આપતા ન હતા, તો જવાબમાં હઝરત અમીર મુઆવિયાؓ એ ફરમાવ્યું કે આ મુકદ્દસ ઘરની કોઈ વસ્તુ એવી નથી જેને છોડી દેવામાં આવે, તો હઝરત ઈબ્ને અબ્બાસؓ એ ફરમાવ્યું કે તમારા માટે રસુલુલ્લાહ ﷺ ના તરીકામાં બહેતરીન નમુનો છે. તો હઝરત અમીર મુઆવિયાؓ એ કહ્યું કે તમે દુરુસ્ત વાત કીધી. (મુસનદે અહમદ)
✯ ફાયદો :- બેશક કાબા શરીફની દરેક વસ્તુ બરકતવાળી છે, પરંતુ તેની દરેક વસ્તુને બોસો આપવું રસુલુલ્લાહ ﷺ થી સાબિત ન હોવાના કારણે હઝરત ઈબ્ને અબ્બાસؓ ને આ વાત બરદાસ્ત ન થઈ અને તરત જ તેમને રોક્યા.
➍ હઝરત ઉસ્માન બિન અબી'લ્ આસؓ ને કોઈએ ખત્નાની દાવત આપી તો તેમણે દઅવત કબૂલ ન કરી અને ફરમાવ્યું કે રસુલુલ્લાહ ﷺ ના જમાનામાં અમે કોઈની પણ ત્યાં ખત્નાના મોકા પર જતા ન હતા, અને ન તેની દાવત આપવામાં આવતી હતી. (મુસનદે અહમદ)
આ અમુક કિસ્સા છે જેનાથી ખબર પડે છે કે દીનમાં અસલ હેતુ રસુલુલ્લાહ ﷺ ના તરીકાની પૈરવી કરવાનો છે. તે તરીકાથી જરા પણ હટવું માણસને બિદઅતમાં શામેલ કરી દે છે. અને સાચો આશિક પણ તે જ છે જે રસુલુલ્લાહ ﷺ ના તરીકાની પૂરેપૂરી પૈરવી કરે. (અલ્લાહ તઆલા આપણને દીનની સહીહ સમજ અર્પણ ફરમાવે)
(◈ સમાપ્ત ◈)
اللهم أرنا الحق حقاً وارزقنا اتباعه
وأرنا الباطل باطلاً وارزقنا اجتنابه
آمیــــــــــــــــــــــــــــــــــــــــن يارب العالمیــــــــــــــــــــــــــــــــــــــــن
----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59