સ્ત્રીઓ ના શિક્ષણ બાબત ઈસ્લામી દ્રષ્ટિકોણ

Ml Fayyaz Patel
1
સવાલ :
   વધુ પડતું જોવામાં આવે છે કે મુસ્લિમો પોતાની સ્ત્રીઓ ને વધુ શિક્ષણ નથી આપતા, તો આનું કારણ શું છે..? આ વિષે ઈસ્લામનો દ્રષ્ટિકોણ શું છે..?
જવાબ :
   ઈસ્લામ પર ઉઠાવવામાં આવતા આરોપના રૂપમાં વિવિધ સવાલો પૈકી એક સવાલ સ્ત્રીઓ માટે દુન્યવી શિક્ષણની પ્રાપ્તિ ને લઈને કરવામાં આવે છે કે ઈસ્લામ સ્ત્રીઓ ને દુન્યવી શિક્ષણની પ્રાપ્તિ થી કેમ રોકે છે..? દર અસલ આ સવાલ ઈસ્લામી તાલીમ તેમજ તેના મિજાજ અને દૃષ્ટિકોણ થી અજ્ઞાન હોવાને લીધે વારંવાર કરવામાં આવતો હોય છે તે માટે સૌપ્રથમ તાલીમના વિષયમાં ઈસ્લામી દૃષ્ટિકોણ શું છે તેને વર્ણવામાં આવે છે.
   વિચાર અને મનન કરો કે કુદરતે જ્યારે સર્જનાત્મક રીતે સ્ત્રી અને પુરુષ દરમિયાન તફાવત રાખ્યો છે, અંગોની રચનામાં તફાવત, રંગમાં તફાવત, શારિરીક શક્તિમાં તફાવત, સ્વાદ અને સ્વભાવ માં તફાવત, અહીં સુધી કે તેઓની પસંદ અને નાપસંદ માં પણ તફાવત રાખ્યો છે. એવી જ રીતે બાળકોના ઉછેર અને તાલીમમાં બંનેની ભૂમિકા અલગ-અલગ હોય છે, તો પછી સમાજમાં બંનેની ફરજો અને જવાબદારીઓ અલગ-અલગ ન હોય તે કેમ શક્ય છે..?
   અને જ્યારે બંન્નેની જવાબદારીઓ અલગ અલગ છે, તો બંન્નેના શૈક્ષણિક અને પ્રશિક્ષણ (વ્યવસાય ને અનુરૂપ વિશિષ્ટ તાલીમ ના) વિષયો પણ એકબીજાથી અલગ હોવા જરૂરી છે. જો શૈક્ષણિક અભ્યાસક્રમ માં બંનેના કુદરતી વિવિધતાને ધ્યાનમાં લેવામાં ન આવે અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં બન્નેને સમાન પ્રકારના વિષયો શીખવવામાં આવે છે, તો જ્યાં શિક્ષણની આ પદ્ધતિ માનવ સમાજ પર નકારાત્મક અસર પાડશે, ત્યાં જ આ સ્ત્રીનું સ્ત્રીત્વમાંથી વિદાય લેવાનું એક ખૂબ જ અશુભ કારણ બનશે.
   તે માટે સ્ત્રીઓ માટે દુન્યવી શિક્ષણની પ્રાપ્તિ બાબત ઈસ્લામી દૃષ્ટિકોણ આ છે કે તેનું શિક્ષણ પણ તેની ફિતરત અમે જવાબદારી ઓ ને અનુરૂપ હોય અને જે તેની કુદરતી નાજુકતાને સુશોભિત કરતું હોય તેમજ તે શિક્ષણ તેને સ્ત્રીઓની શ્રેણીમાં રાખી તેની કુદરતી ઓળખને સુરક્ષિત કરતું હોય છે.
   આ માટે તેણીઓ માટે તે અભ્યાસક્રમ જેમાં સ્ત્રીઓ અને પુરુષો સમાન છે તેમાં તો અભ્યાસક્રમ ની સમાનતામાં કોઈ વાંધો નથી. જેમ કે ભાષા, ઈતિહાસ, સામાન્ય જ્ઞાન, ભૂગોળ, ગણિત, સામાન્ય વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વગેરે. પરંતુ કેટલાક એવા વિષયો છે જેમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે તફાવત હોવો જરૂરી છે ઉદાહરણ તરીકે એન્જિનિયરિંગ, લશ્કરી શિક્ષણ અને વ્યુહાત્મક (tactical) શિક્ષણના ઘણા ક્ષેત્રો વગેરે, કેમ કે આ બધાની છોકરીઓને બિલકુલ જરૂર નથી. હાં તબીબી શિક્ષણનો સારો હિસ્સો સ્ત્રીઓ સાથે સંબંધિત છે તેથી સ્ત્રીરોગ સંબંધી રોગો અનાદિ કાળથી ચિકિત્સાનો સતત વિષય રહ્યો છે, તે છોકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
   તેવી જ રીતે છોકરીઓના શિક્ષણમાં ઘરેલુ બાબતોની તાલીમનો પણ સમાવેશ થવો જોઈએ, તે તેમના સામાજિક જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીવણ, ભરતકામ, રસોઈના વિવિધ સિદ્ધાંતો અને બાળકોના ઉછેર પણ તેમના અભ્યાસક્રમનો ભાગ હોવા જોઈએ, એવું નથી કે છોકરીઓ ઘરેલું જીવનમાં જ અપેક્ષિત ભૂમિકાઓ વધુ સારી રીતે નિભાવવામાં સક્ષમ હોય છે, બલ્કે તેઓ વિવાહિત જીવનના સુખ માટે શ્રેષ્ઠ સાધન છે, પરિવારના સભ્યોનું હૃદય છે અને મુશ્કેલ અને અણધારી પરિસ્થિતિઓમાં તેમનો સાથ છે, સાથે સાથે તેમના સામાજિક શિષ્ટાચારનું શિક્ષણ પણ છોકરીઓ માટે જરૂરી છે, કારણ કે જો કોઈ છોકરી ઉત્તમ માતા અને આજ્ઞાકારી પત્ની ન બની શકે, તો સમાજને તેનો કોઈ ફાયદો નથી.
   જ્યાં સુધી વાત છે અત્યાર ના શિક્ષણના અભ્યાસક્રમ ની જેને સહ-શિક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે, તો આ દરઅસલ પશ્ચિમમાંથી આયાત કરેલ અભ્યાસક્રમ છે જે વાસ્તવમાં પશ્ચિમના ઉદ્ધત વિચારનું પ્રતિબિંબ છે, પૂર્વની સ્ત્રીને પશ્ચિમની સ્ત્રીઓ ની જેમ લંપટ વ્યવસાય કરનારાઓ ની આંખોની આનંદ બનાવવા નું સર્વવ્યાપી અને ઘોર કાવતરું છે અને તેની નિર્દોષતા અને પવિત્રતાનો પડદો ઉતારવાની એક શેતાની યુક્તિ છે. તો ભલા ઈસ્લામનું તેને પ્રોત્સાહિત કરવાની તો દૂરની વાત સામાન્ય બુદ્ધિ પણ તેનાથી પનાહ માંગતી નજર આવે છે.
   ઉપરોક્ત વર્ણવેલ ઈસ્લામી દૃષ્ટિકોણ થી આટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ઈસ્લામે કદાપિ સ્ત્રીઓ ને દુન્યવી શિક્ષણ આપવાનો વિરોધ કે મનાઈ નથી કરી, બલ્કે ઈસ્લામ જે વસ્તુનો વિરોધ કરે છે તે શિક્ષણ ની વર્તમાન પદ્ધતિ છે, એટલે કે અભ્યાસક્રમ અને સહ - શિક્ષણ ની નીતીને લઈ ચિંતાજનક જોવા મળે છે. તે માટે ઈસ્લામી દૃષ્ટિકોણ જાણ્યા સમજ્યા વગર આ આરોપ લગાવવો કે ઈસ્લામ સ્ત્રીઓ ના શિક્ષણ પ્રત્યે નકારાત્મક વિચારો ધરાવે છે, આ માત્ર અજ્ઞાનતામાં લગાવવામાં આવતો એક એવો આરોપ છે જેની કોઈ વાસ્તવિકતા નથી. બલ્કે વર્તમાન અભ્યાસક્રમ ઉપર સંપૂર્ણ સંતોષ ન હોવા છતાંય શરઈ હદમાં રહી અમુક શર્તો સાથે દુન્યવી શિક્ષણ ની પરવાનગી આપે છે તો ભલા આનાથી વધારે સકારાત્મક વિચાર શું હોય શકે..?
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

1Comments

  1. Masha Allah ઘણું સરસ સમજાવ્યું છે

    ReplyDelete
Post a Comment