હુઝૂર ﷺ ની હઝરત ઝૈનબ રદી. ની સાથે શાદીનું વર્ણન અમુક ઐતિહાસિક કિતાબોમાં વર્ણવામાં આવ્યું છે. જેને અમુક ઈસ્લામ દુશ્મન કટ્ટર બિન મુસ્લિમો, પ્રાચ્યવાદીઓ અને નાસ્તિકો મૂળ વાસ્તવિક અને હકીકત થી હટીને પ્રેમકથાના રૂપમાં રજૂ કરે છે.
તેઓનું કહેવું છે કે હઝરત ઝૈનબ રદી. ની હઝરત ઝૈદ સાથે નિકાહ બાદ, હુઝૂર ﷺ ને હઝરત ઝૈનબ પસંદ આવવા લાગ્યા હતા. અને આ વાત હુઝૂર ﷺ પોતાના મનમાં છુપાવતા હતા. છેવટે હઝરત ઝૈદે તેમને તલાક આપી દીધા અને હુઝૂર ﷺ એ તેણી સાથે નિકાહ કરી લીધા.
હુઝૂર ﷺ અને હઝરત ઝૈનબ વિષે ઘટનાની હકીકત
ઉપરોક્ત વર્ણવેલ વાતની હકીકત આ છે કે આ વાતના મુખ્ય સ્ત્રોત ઈસાઈ ઈતિહાસકારો છે. જેમણે કોઈ પણ પ્રકારના સ્ત્રોતના ખયાલ કર્યા વિના માત્ર ઈસ્લામનો વિરોધ કરવાનો એક સરલાળો મળતા આવી બધી વાતોને હાથોહાથ લઈ ઈસ્લામને બદનામ કરવામાં લાગી ગયા.
તદુપરાંત આ પ્રકારની વાતો મોટાભાગે એવી ઐતિહાસિક પુસ્તકોમાં વર્ણવેલ મળે જે પુસ્તકો સ્વંય ભરોસાપાત્ર નથી. જ્યારે કે આની તુલનામાં કુર્આન અને હદીષ જે એક ભરોસાપાત્ર સ્ત્રોત છે તેમાં આ ઘટના વિષે ખૂબ વિગતવાર વર્ણન મળે છે. તેથી આપણે આ અવિશ્વાસી ઐતિહાસિક સ્ત્રોતોને બદલે આ ઘટનાને કુર્આન અને હદીષની રોશનીમાં જોઈએ.
હુઝૂર ﷺ અને હઝરત ઝૈનબ વિષે ઘટના કુર્આન અને હદીષની રોશનીમાં
હુઝૂર ﷺ એ ઝૈદؓ બિન હારીસા નામી એક સહાબીને પોતાનો લે પાલક પુત્ર બનાવ્યો હતો. અને તે લે પાલક પુત્રની શાદી હુઝૂર ﷺ એ પોતાના ફોઈની છોકરી હઝરત ઝૈનબؓ રદી. સાથે કરાવી. હઝરત ઝૈદ રદી. પહેલા ગુલામ હતા તેથી તેણીને આ રિશ્તો પસંદ ન હતો. પરંતુ હુઝૂર ના કહેવા પર હઝરત ઝૈનબે હઝરત ઝૈદ સાથે શાદી કરી લીધી.
શાદી બાદ બન્ને દરમિયાન અણબનાવ ને કારણે હઝરત ઝૈદ રદી. એ હુઝૂર ﷺ ને ફરિયાદ કરી અને કહ્યું કે હું ઈચ્છું છું કે તેણીને તલાક આપી દઉં. પરંતુ હુઝૂર ﷺ સમજાવતા રહ્યા અને કહ્યું કે તેણીને તલાક ન આપો. [ફત્હુ'લ્ બારી] જેમ કે કુર્આન માં પણ આનું વર્ણન કરવામાં આવ્યું છે :
وَاِذۡ تَقُوۡلُ لِلَّذِىۡۤ اَنۡعَمَ اللّٰهُ عَلَيۡهِ وَاَنۡعَمۡتَ عَلَيۡهِ اَمۡسِكۡ عَلَيۡكَ زَوۡجَكَ وَاتَّقِ اللّٰهَ. [સૂરહ અહઝાબ : ૩૭]
અનુવાદ :- અને (હે નબી..!) જ્યારે તે માણસને કે જેના ઉપર અલ્લાહે ઉપકાર કર્યો તેમજ આપે પણ ઉપકાર કર્યો તેને આપ કહેવા લાગ્યા કે પોતાની પત્નીને પોતાની સાથે રાખો (તલાક ન આપો) અને અલ્લાહથી ડરો.
હુઝૂર ﷺ ના સમજાવવા છતાં શાદી ટકી નહીં અને અંતે હઝરત ઝૈદે હઝરત ઝૈનબને તલાક આપી દીધા. હઝરત ઝૈનબ હુઝૂર ﷺ ની ફોઈની છોકરી હતી અને ત્યાં જ તેનો ઉછેર થયો હતો અને તેમણે શાદી હુઝૂર ના કહેવા પર કરી હતી જે શાદીને તેણી પોતાની ગરિમાની વિરુદ્ધ માનતી હતી. હવે તેણીના ખૂબ જ નાની ઉંમરે તલાક થઈ ગયા હતા. તેથી હુઝૂર ﷺ એ તેણીને દિલાસો આપવા તેણી સાથે પોતે શાદી કરવાનો વિચાર કર્યો.
પરંતુ હઝરત ઝૈનબ ને હઝરત ઝૈદે તલાક આપ્યા હતા, જે ઝૈદ હુઝૂર ﷺ ના લે પાલક પુત્ર હતા. અને તે સમયે લે પાલક છોકરાની પત્ની ને પિતા માટે સગા દિકરાની પત્ની ની જેમ સમજવા માં આવતા હતા કે જેવી રીતે એક પિતા પોતાના સગા દિકરાની પત્ની સાથે તલાક આપ્યા બાદ પણ શાદી નથી કરી શકતો એવી જ રીતે લે પાલક પુત્રની પત્ની સાથે પણ તલાક બાદ શાદી નથી કરી શકતો. તેથી હુઝૂર ﷺ એ આ વાત પોતાના મનમાં જ દબાવી રાખી મુકી. જેનું વર્ણન કુર્આનમાં આ રીતે કરવામાં આવ્યું છે કે :
وَتُخۡفِىۡ فِىۡ نَفۡسِكَ مَا اللّٰهُ مُبۡدِيۡهِ وَتَخۡشَى النَّاسَ ۚ وَاللّٰهُ اَحَقُّ اَنۡ تَخۡشٰٮهُ ؕ [સૂરહ અહઝાબ : ૩૭]
અનુવાદ :- પરંતુ તમે પોતાના દિલમાં તે વાત છૂપાવતા હતા જેને અલ્લાહ પ્રગટ કરવા ચાહતો હતો અને આપ લોકોથી ડરતા હતા અને આપને તો અલ્લાહથી જ ડરવું વધુ શોભે છે.
આ જ તે આયત છે જેમાં વર્ણન છે કે તમે તમારા દિલમાં છુપાવતા હતા. શું છુપાવતા હતા તે ઉપર ખબર પડી ગઈ. પરંતુ અમુક અજ્ઞાની જાહીલ લોકોએ આ વાત ચોંટાડી દીધી કે હુઝૂર ﷺ હઝરત ઝૈનબ થી પ્રેમ કરતા હતા તે છુપાવતા હતા. જ્યારે કે આ બિલકુલ ગલત છે જે ઉપરની માહિતી દ્વારા સ્પષ્ટ થાય છે.
બીજી તરફ અલ્લાહ તઆલા ને હુઝૂર ﷺ ની હઝરત ઝૈનબ સાથે શાદીમાં આ હિકમત પણ મંજૂર હતી કે આ શાદી દ્વારા લોકોમાં જે એક બેબુનિયાદ પ્રથા પ્રચલિત થઈ ગઈ હતી કે “ લે પાલક પુત્ર ની તે પત્ની જેને લે પાલકે તલાક આપી હોય તેની સાથે શાદી કરવી જાઈઝ નથી ” તેને નાબૂદ કરવી હતી. તો અલ્લાહ તઆલા એ હુઝૂર ﷺ ની શાદી હઝરત ઝૈનબ સાથે કરાવી હમેશા માટે આ ગલત માન્યતા પર આધારિત પ્રથાનો અંત લાવી દીધો.
સારાંશ કે ઉપરોરક્ત આખી માહીતી થી સ્પષ્ટ થયું કે આ ઘટનાની હકીકત તે છે જ નથી જેને લઈ વાંધો ઉઠાવવામાં આવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59