અલ્લાહ તઆલા ન્યાયી છે તો પછી શા માટે આ દુનિયામાં અમુક લોકોને આંખો વગર અથવા વિકલાંગ પેદા કર્યા..? તેમજ કેટલાક શ્રીમંત છે અને કેટલાક ગરીબ છે તો આવો અન્યાય કેમ..?
જવાબ :
સૌથી પહેલી વાત કે અલ્લાહ તઆલા એ અમુક લોકોને વિકલાંગ તેમજ ગરીબ કેમ પેદા કર્યા તો તેનો જવાબ આ છે કે આ દુનિયા ને અલ્લાહ તઆલા એ કસોટી તેમજ કેળવણી ના હેતુ હેઠળ બનાવી છે. જેમાં તંદુરસ્ત અને માલદારો માટે આ રીતે કસોટી છે કે ફલાણા ગરીબ અથવા વિકલાંગ હોવા છતાંય તેઓની પરિસ્થિતિ તો આ હતી અને તમે લોકો તંદુરસ્ત અને માલદાર હોવા છતાંય તેઓથી બંદગી માં આતલા બધા પાછળ કેમ રહી ગયા..? તેમજ વિકલાંગ માટે ધીરજની કસોટી છે. તદુપરાંત કસોટી ત્યારે જ શક્ય છે જ્યારે તંદુરસ્તી અને માલદારી ની તુલનામાં વિકલાંગ અને ગરીબી હોય.
તેમજ તેઓ માટે તેમાં બોધપાઠ પણ સૂચિત છે કે અલ્લાહ તઆલા એ આપણને માલદાર અને તંદુરસ્ત બનાવ્યા છે તો તેનો પૂરેપૂરો ઉપકાર માનીએ અને તે ઉપકારમાં વધારે બંદગી કરીએ, જેનો ઈશારો કુર્આનમાં પણ કરવામાં આવ્યો છે :
وَکَذٰلِكَ فَتَنَّا بَعۡضَهُمۡ بِبَعۡضٍ لِّیَقُوۡلُوۡۤا اَهٰٓؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَیۡهِمۡ مِّنۡۢ بَیۡنِنَا ؕ
[સૂરહ અનઆમ : ૫૩]
તર્જૂમો :- એવી જ રીતે અમે કેટલાક લોકોની અન્ય લોકો દ્વારા કસોટી લઈએ છીએ, જેથી તેઓ (તેમના વિશે) કહે : શું આ તે લોકો છે જેમને અલ્લાહે અમોને છોડી ઉપકાર કરવા માટે પસંદ કર્યા છે..?
સવાલનો બીજો હિસ્સો કે શું આ અન્યાય છે તો તેનો જવાબ આ છે કે ન તો આ દીનના હિસાબે અન્યાય ને પાત્ર છે અને ન દુન્યવી ફાયદાના હિસાબે અન્યાય ને પાત્ર છે.
દીનના હિસાબે તો એટલા માટે નહીં કે અલ્લાહ તઆલા તરફ અન્યાય ની નિસ્બત કરવી ત્યારે દુરુસ્ત હોત, જ્યારે કે વિકલાંગ તેમજ ગરીબ બનાવ્યા બાદ પણ તેઓને એવા જ પાબંદ બનાવવામાં આવતા જેવા તંદુરસ્ત અને માલદારો ને બનાવવામાં આવ્યા છે, દા.ત. હજ, ઝકાત માલદારો માટે છે, ગરીબો માટે નહીં, એવી જ રીતે એવી ઈબાદત જે તંદુરસ્તી ને સંબંધિત હોય તેનો પાબંદ વિકલાંગ ને બનાવવામાં નથી આવ્યો.
ઉપરોક્ત માહિતી મુજબ આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે અમુક લોકોને વિકલાંગ તેમજ ગરીબ બનાવવા ખાતર દીનના હિસાબે અલ્લાહ તઆલા તરફ અન્યાય ની નિસ્બત કરવી દુરુસ્ત નથી.
અને દુન્યવી ફાયદાના હિસાબે એટલા માટે નહીં કે અલ્લાહ તઆલા એ આ એક એવી વ્યવસ્થા બનાવી છે કે જેના દ્વારા લોકોને પોતાની જરૂરત પૂરી કરવામાં બીજાનો મોહતાજ બનાવ્યો, અને આ આપસી જરૂરતો ની બુનિયાદ પર લોકોની કમાણીમાં પણ ફરક રાખ્યો, અને આ જ ફરકના લીધે લોકો એકબીજાની જરૂરતો પૂરી પાડે છે.
નહીંતર એક સરખી રાખવામાં કોણ કોની જરૂરત પૂરી પાડી શકતો..? જેમ કે પ્રચલિત છે કે ભણવામાં દરેક જ ડૉક્ટર બને તો પછી દર્દી કોણ હશે..? તો આ તફાવત દુન્યવી હિસાબે પણ ન્યાય ને પાત્ર છે. જેની તરફ કુર્આન પણ ઈશારો કરે છે કે :
نَحۡنُ قَسَمۡنَا بَیۡنَهُمۡ مَّعِیۡشَتَهُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَرَفَعۡنَا بَعۡضَهُمۡ فَوۡقَ بَعۡضٍ دَرَجٰتٍ لِّیَتَّخِذَ بَعۡضُهُمۡ بَعۡضًا سُخۡرِیًّا ؕ [સૂરહ ઝુખરૂફ : ૩૨]
તર્જૂમો :- દુન્યવી જીંદગીમાં તેઓની રોજીના જરીયાની વહેંચણી પણ તેઓ દરમિયાન અમે જ કરી છે, અને અમે જ તેઓ દરમિયાન દરજ્જા માં પણ એકબીજા પર પ્રાથમિકતા રાખી છે જેથી તેઓ એકબીજા થી કામ લઈ શકે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59