હાજરી આવવાનો મતલબ આ છે કે કોઈ આમીલ (બાપુ) પાસે કોઈ જીન્નાત, અથવા ગુજરી ગયેલ વ્યક્તિઓની આત્મા વગેરે હાજર થઈ બધી વસ્તુઓ વિષે જાણકારી આપે, અને આ વિષે લોકોમાં ઘણી જ માન્યતાઓ પ્રચલિત છે જે નિમ્ન પ્રમાણે છે.
➤ મૃત્યુ પામેલા લોકોની આત્માઓ ને હાજર કરી તેઓ સાથે વાતચીત કરવી.
➤ હાજરીમાં આવેલ લોકો બિમારીનો ઈલાજ પણ કરે છે.
➤ હાજરીમાં આવેલ લોકો જે કાંઈ બતાવે છે તે ૧૦૦ % સાચું હોય છે, અહીં સુધી કે ચોરની પણ ખબર આપે છે.
➤ હાજર થયેલા ને માત્ર નાના બાળકો અને સ્ત્રીઓ જ જોઈ અને સાંભળી શકે છે.
➤ હાજરીમાં આવેલ લોકો કોઈક વખત પોતાને જીન્નાત અને ફરીશ્તા પણ બતાવે છે.
શુદ્ધિકરણ :-
આ વિષે સૌથી પહેલા આ વાત સારી રીતે જાણી લેવી જોઈએ કે માણસની જે રૂહ અને આત્મા હોય છે તેની કુલ પાંચ વિશિષ્ટતા છે. (૧) અક્કલની શક્તિ, (૨) ક્રોધની શક્તિ, (૩) ખ્વાહિશ (શહવત) ની શક્તિ, (૪) ખ્યાલની શક્તિ, (૫) વહેમની શક્તિ.
ઉપરોક્ત પાંચ પૈકી જે શક્તિનું પ્રમાણ વધુ રહે છે તે મુજબ માણસનો મિજાજ રહે છે. જો અક્કલની શક્તિ નો અસર બીજી શક્તિઓ પર વધુ પ્રમાણમાં હોય અને તે શક્તિઓ બિલકુલ કમજોર જ પડી જાય તો તે માણસ ફરીશ્તાની જેમ ગુણ ધરાવતો વ્યક્તિ બની જાય છે. અને જે વ્યક્તિમાં ક્રોધનો અસર વધારે હોય છે તે વ્યક્તિના મિજાજમાં હેવાનિયત આવી જાય છે, જેનાથી લોકો ખૂબ ડરતા હોય છે અને આવો વ્યક્તિ વધારે પડતો લોકોને સતાવતો હોય છે. એવી જ રીતે જે વ્યક્તિમાં ખ્વાહિશ (શહવત) પ્રમાણ વધુ હોય છે તે વ્યક્તિની જીંદગી ખ્વાહિશો પૂરી કરવામાં પસાર થઈ જાય છે અને તેની પાસે કોઈ શર્મ પણ બાકી નથી રહેતી. અને જે વ્યક્તિમાં ખ્યાલ અને વહેમની શક્તિ વધુ પ્રમાણમાં હોય છે તે વ્યક્તિને જીન્નાતો સાથે મુનાસબત પેદા થઈ જાય છે, જેના દ્વારા તે જીન્નાતને પણ તાબેદાર બનાવી શકે છે અને લોકોના ખ્યાલોને પણ તાબેદાર બનાવી શકે છે. અને જે વ્યક્તિમાં આ તમામ સિફાત બરાબર હોય તો તે વ્યક્તિ એક સારા ઈનસાન તરીકે ઓળખાય છે.
હવે હાજરી વિષે જાણીએ કે હાજરીનો સંબંધ પણ ખ્યાલ અને વહમ ની શક્તિ સાથે છે કે કોઈ વ્યક્તિ પોતાના ખ્યાલ અને વહમની શક્તિ દ્વારા યા તો જીન્નાતને તાબેદાર કરી લોકો સાથે વાત કરાવે છે અથવા સામેવાળી વ્યક્તિના ખ્યાલોને કાબુમાં કરી તેને બિલકુલ એવું બનાવી દે છે કે આમીલ જે રીતનું સોચે એ રીતનું સામેવાળી વ્યક્તિને સંભળાય અને દેખાય છે, જેને કદાચ " હિપેટાઈસ " કહેવામાં આવે છે. અને જો કે જીન્નાત અથવા પોતે આમીલ પોતાને જે ચાહે તે બતાવી શકે છે તે માટે કોઈ દિવસ તો તેઓ પોતાને ફરીશ્તા કહે છે, તો કોઈ દિવસ કોઈ મૃત્યુ પામનારની આત્મા બતાવતા હોય છે, અને આનો અસર નાના બાળકો અને સ્ત્રીઓ પર વધારે પડતો હોવાથી આ જ લોકો તેને જોઈ અને સાંભળી શકતા હોય છે.
આ માટે ઉલમાએ લખ્યું છે કે હાજરી કોઈ શરઈ સંદર્ભ નથી કે જેના આધારે દરેક વાતોને સાચી સમજવામાં આવે, તે માટે હાજરી દ્વારા ન કોઈ ને આરોપી સાબિત કરી શકાય છે, અને ન તેના આધારે બતાવેલ ભવિષ્યવાણી નું યકીન કરી શકાય છે. અને મૃત્યુ પામનારની હાજરી તો બિલકુલ કુર્આન અને હદીષની વિરુદ્ધ વાત છે. જ્યાં સુધી વાત છે બિમારી ના ઈલાજની તો જોકે જીન્નાત અને શૈતાનને અલ્લાહ તઆલા એ અધિક ગૈબી શક્તિઓ અર્પણ કરી હોવાના કારણે એવું પણ બની શકે છે કે તેઓ જ સામેવાળી વ્યક્તિ પર કાબૂ કરી બિમાર બનાવી પોતે જ સાજા પણ કરી આપે.
તે માટે આ બધી વાતો થી પોતાને દૂર રાખવામાં સાવચેતી છે, અને આ બધાના ચક્કરમાં પડી પોતાની આખીરત બરબાદ ન કરવી જોઈએ.
[ફતાવા મહ્મુદિય્યહ્ : ૨૪ / ૪૪૭ - ૪૪૯]
-----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59