કુર્આનમાં સ્ત્રીઓને ખેતી કેમ કહેવામાં આવી છે..?

Ml Fayyaz Patel
0
   કુર્આનની સૂરહ બકરહ નામી સૂરહમાં “ સ્ત્રીઓ પુરુષો માટે ખેતી છે ” એવું કહેવામાં આવ્યું છે. [આયત : ૨૨૩] આનાથી ઘણા લોકો એવું સમજે છે કે આમાં એક સ્ત્રીનું અપમાન છે.
વિશ્લેષણ :-
   હકીકત આ છે કે ઉપરોક્ત આયત સ્ત્રીના અપમાનને નહીં, બલ્કે સન્માનને પાત્ર છે. અને આ વાત ત્યારે સમજમાં આવશે જ્યારે આ આયતનો નિમ્ન લિખિત સહીહ મતલબ સમજીશું.
   આ આયતમાં અલ્લાહ તઆલા એ પતિ - પત્નીના વિશેષ મિલન વિષે એક તથ્ય સમજાવતા ઉપમા (simile) અલંકારના રૂપમાં “ ખેતી ” શબ્દનો પ્રયોગ કર્યો છે કે જેવી રીતે ખેડુત ખેતરમાં બીજ વાવે છે જેનો મુખ્ય હોતુ પોતાનો શોખ પૂરો કરવો નહીં, બલ્કે ઉત્પાદન (અનાજની પ્રાપ્તિ) હોય છે. એવી જ રીતે પતિ-પત્નીનું આ મિલન માત્ર આનંદ મેળવવાના હેતુથી ન હોવું જોઈએ, બલ્કે તેને માનવ જાતિના વિકાસ તરીકે સમજવું જોઈએ.
   એટલે કે સ્ત્રી માત્ર પુરુષોના શોખ પૂરા કરવાની વસ્તુ નથી, બલ્કે માનવજાત નું અસ્તિત્વ તેના પર નિર્ભર છે જેવી રીતે ઉત્પાદન ખેતી પર નિર્ભર છે. તો ભલા જણાવો કે આમાં તેનું સન્માન છે કે અપમાન..? દરઅસલ આ આયત તેઓના ગાલ પર તમાચો છે જેઓ સ્ત્રીઓને દરેક સમયે પોતાની હવસ અને શહવત પૂરી કરવાનું સાધન સમજે છે.
   આ સિવાય સ્ત્રીઓ માટે ખેતીના શબ્દપ્રયોગ પાછળ આ હિકમત પણ સમજમાં આવે છે કે અલ્લાહ તઆલા ખેતી ના શબ્દપ્રયોગ ના માધ્યમથી આ વાત સમજાવે છે કે જેવી રીતે એક ખેડુત પોતાના ખેતરની પૂરેપૂરી કાળજી રાખે છે, તેમજ તેનું ખૂબ ધ્યાન રાખે છે, તેના માટે પોતાનો સમય, ધન, મહેનત વગેરેનું બલિદાન આપી તેને ઉજ્જડ જમીન બનવાથી બચાવે છે. અને જીવજંતુ તથા ભૂંડથી રક્ષણ આપે છે. એવી જ રીતે એક પતિએ પણ પોતાની પત્નીની કાળજી અને ધ્યાન રાખવું જોઈએ, તેમજ તેના માટે આ જ પ્રમાણેના બલિદાન આપી સમાજના હવસખોરો થી તેણીને બચાવવી જોઈએ.
   સારાંશ કે આયતમાં કોઈ એવી વસ્તુ નથી કે જેમાં એક સ્ત્રીનું અપમાન થતું હોય, બલ્કે સન્માનને પાત્ર હોવું સ્પષ્ટ રીતે ખબર પડે છે. હાં..! હવસખોર દૃષ્ટિ અને દુષ્ટ માનસિકતા સાથે અધ્યયન કરવામાં આવે તો તે અલગ વાત છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)