કુર્આન થી સાયન્સની વાતો સાબિત કરવા વિષે શરઈ દૃષ્ટિકોણ

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એવા છે કે દરેક તે થીયરી જે સાયન્સ થી સાબિત હોય, તેને હમેશા કુર્આનથી પણ સાબિત કરવાની કોશિશમાં લાગેલા હોય છે.
શુદ્ધિકરણ :-
   આ વિષે શૈખુ'લ્ ઈસ્લામ મુફ્તી તકી સાહેબ ઉસ્માની દા.બ. લખે છે કે કુર્આન શરીફની તફસીર જ્યાં એક તરફ ગૌરવ અને સન્માનને પાત્ર વસ્તુ છે, ત્યાં જ બીજી તરફ આ નાજુક ઘાટીમાં પગ મૂકવો ઘણું જોખમ ભર્યું કામ પણ છે. કેમ કે જો કોઈ વ્યક્તિ કોઈ આયતની ગલત તફસીર કરે છે તો આનો મતલબ આ છે કે તે વ્યક્તિ એક એવી વાતની નિસ્બત અલ્લાહ તઆલા તરફ કરી રહ્યો છે જે વાસ્તવમાં અલ્લાહ તઆલા એ કહી જ નથી. સ્વભાવિક છે કે આનાથી મોટી ગુમરાહી શું હોય શકે..?
   યાદ રહે કે જેઓ આ પ્રયાસમાં રહે છે કે કુર્આનમાં બ્રહ્માંડના દરેક વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક સિદ્ધાંતોને શોધે, તેઓ કેટલીય વાર કુર્આનના શબ્દોને ખોટા અર્થમાં લઈ લે છે અને ગલત સમજૂતી રજૂ કરે છે. જ્યારે કે વાસ્તવમાં કુર્આનનો મૂળ વિષય સાયન્સ છે જ નથી. બલ્કે કુર્આનનો મૂળ વિષય તો લોકોને મૃત્યુ બાદના જીવનની તૈયારી અને દુનિયામાં અલ્લાહ તઆલા ની મરજી મુજબ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
   હાં..! આ સિવાયની જે તમામ વાતો આવી છે તે બધી જ આ મૂળ વિષયના સંદર્ભમાં વર્ણવામાં આવી છે. બલ્કે કુર્આનમાં જે કાંઈ બ્રહ્માંડના તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પણ આ મૂળ વિષયના સંદર્ભમાં જ આવ્યો હોય છે. તેથી તેમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય સ્પષ્ટ રૂપમાં મળી આવે તો તેના ઉપર ઈમાન જરૂરી છે. પરંતુ કોઈ વાતને પહેલેથી ધ્યાનમાં રાખીને કુર્આનમાં જબરદસ્તી વૈજ્ઞાનિક તથ્યને શોધવાનો પ્રયાસ કરવો ગુમરાહીનું પ્રથમ પગથિયું છે. [ઉલૂમુ'લ્ કુર્આન : ૩૮૬ - ૩૯૨]
   આમાં બીજી એક ખરાબી આ પણ છે કે સાયન્સ ની થીયરી અને રિસર્ચ એક સમય બાદ બદલાતી રહે છે. અત્યારે આજની સાબિત થીયરીને જો કુર્આનથી સાબિત કરી લીધી. તો હવે આવતા સમયમાં થીયરી બદલાતા કુર્આનની આયતને પણ બદલવામાં આવશે..? કે ફરી પાછું તે આયતનું ખોટું અર્થઘટન કરવામાં આવશે..? તો શું આ કુર્આનને એક રમત બનાવવા સમાન નહીં કહેવાય..? બલ્કે કુર્આને મજાક બનાવી દીધેલું કહેવાશે.
   તેથી સાયન્સ ની દરેક થીયરીને કુર્આનથી સાબિત કરવાના ચક્કરમાં ન પડવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)