અનુક્રમણિકા
(નિમ્ન લિખિત સૂરતો પૈકી જે સૂરહનો પરિચય જાણવો હોય તેના પર ક્લિક કરો)
સૂરહ | સૂરહ | સૂરહ |
---|---|---|
સૂરહ ફાતિહા | સૂરહ ઝુમર | સૂરહ મુરસલાત |
સૂરહ બકરહ્ | સૂરહ મોમીન | સૂરહ નબા |
સૂરહ આલિ ઈમરાન | સૂરહ હા મીમ | સૂરહ નાઝીઆત |
સૂરહ નિસા | સૂરહ શૂરા | સૂરહ અબસ |
સૂરહ માઈદહ્ | સૂરહ ઝુખરૂફ | સૂરહ તકવિર |
સૂરહ અન્આમ | સૂરહ દુખાન | સૂરહ ઈન્ફિતાર |
સૂરહ અઅ્રાફ | સૂરહ જાષિયહ્ | સૂરહ મુતફ્ફીફિન |
સૂરહ અન્ફાલ | સૂરહ અહકાફ | સૂરહ ઈન્શિકાક |
સૂરહ તવ્બા | સૂરહ મુહમ્મદ | સૂરહ બુરૂજ |
સૂરહ યૂનુસ | સૂરહ ફત્હ | સૂરહ તારીક |
સૂરહ હૂદ | સૂરહ હુજુરાત | સૂરહ અઅ્લા |
સૂરહ યૂસુફ | સૂરહ કૉફ | સૂરહ ગાશિયા |
સૂરહ રઅ્દ | સૂરહ જારિયાત | સૂરહ ફજર |
સૂરહ ઈબ્રાહિમ | સૂરહ તૂર | સૂરહ બલદ |
સૂરહ હીજ્ર | સૂરહ નજ્મ | સૂરહ શમ્સ |
સૂરહ નહલ | સૂરહ કમર | સૂરહ લય્લ |
સૂરહ બની ઈસરાઈલ | સૂરહ રહમાન | સૂરહ દુહા |
સૂરહ કહફ | સૂરહ વાકીઆ | સૂરહ ઈન્શિરાહ |
સૂરહ મરયમ | સૂરહ હદિદ | સૂરહ તિન |
સૂરહ તૉહા | સૂરહ મુજાદલહ્ | સૂરહ અલક |
સૂરહ અમ્બિયા | સૂરહ હશર | સૂરહ કદ્ર |
સૂરહ હજ્જ | સૂરહ મુમ્તહીના | સૂરહ બય્યિનહ્ |
સૂરહ મુઅ્મીનુન | સૂરહ સફ | સૂરહ ઝિલ્ઝાલ |
સૂરહ નૂર | સૂરહ જુમુઅહ્ | સૂરહ આદિયાત |
સૂરહ ફુરકાન | સૂરહ મુનાફિકૂન | સૂરહ કારિઆ |
સૂરહ શુઅરાઅ | સૂરહ તગાબુન | સૂરહ તકાષુર |
સૂરહ નમ્લ | સૂરહ તલાક | સૂરહ અસ્ર |
સૂરહ કસસ | સૂરહ તહરિમ | સૂરહ હુમઝહ્ |
સૂરહ અન્કબૂત | સૂરહ મુલ્ક | સૂરહ ફિલ |
સૂરહ રોમ | સૂરહ કલમ | સૂરહ કુરૈશ |
સૂરહ લુકમાન | સૂરહ હાક્કહ્ | સૂરહ માઉન |
સૂરહ સજ્દહ | સૂરહ મઆરીજ | સૂરહ કૌષર |
સૂરહ અહઝાબ | સૂરહ નૂહ | સૂરહ કાફિરૂન |
સૂરહ સબા | સૂરહ જીન્ન | સૂરહ નસ્ર |
સૂરહ ફાતીર | સૂરહ મુઝ્ઝમ્મીલ | સૂરહ લહબ |
સૂરહ યાસીન | સૂરહ મુદ્દસ્સીર | સૂરહ ઈખ્લાસ |
સૂરહ સૉફ્ફાત | સૂરહ કયામત | સૂરહ ફલક |
સૂરહ સૉદ | સૂરહ દહર | સૂરહ નાસ |
۞ સૂરહ ફાતિહા ۞
➥ નંબર :- ૦૧
➥ ભાવાર્થ :- પ્રારંભિક
➥ આયતો :- ૦૭
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૦૫
❒ પરિચય :- આ સૂરહની પહેલી ચાર આયતોમાં અલ્લાહ તઆલા ના પરિચયની સાથે કયામત (આખિરત) તરફ ઈશારો કરવામાં આવ્યો છે. તેમજ પાંચમી આયતમાં એકેશ્વરવાદ અને છઠ્ઠી આયતમાં દુવા સ્વરૂપે સીધા માર્ગનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. છેલ્લી આયતમાં સારા અને બુરા લોકોની પરિસ્થિતિ તરફ ઈશારો કરતાં તેઓના પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ સૂરહમાં અલ્લાહ તઆલા ના સર્જક હોવા, તેમજ એકેશ્વરવાદ અને કયામત વિશેનું વર્ણન હોવાથી આ સૂરતને આખા કુર્આનની બુનિયાદ પણ કહેવામાં આવે છે. તદુપરાંત આ સૂરહની હેસિયત જાણે કુર્આનની પ્રસ્તાવના હોય તેમ છે તેથી આ સૂરહનું નામ સૂરહ ફાતિહા (પ્રારંભિક સૂરહ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ બકરહ્ ۞
➥ નંબર :- ૦૨
➥ ભાવાર્થ :- ગાય
➥ આયતો :- ૨૮૬
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૮૭
❒ પરિચય :- આ સૂરહ કુર્આન મજીદની સૌથી મોટી સૂરહ છે જેમાં બુનિયાદી અકાઈક એકેશ્વરવાદ, નુબુવ્વત, આખિરત અને માનવ વર્ગો મોમીન, કાફીર, મુનાફિક અને એહલે કિતાબ (યહૂદી અને ઈસાઈ) ના વર્ણન સાથે વિવિધ પ્રકારના આર્થિક, સામાજિક, વ્યવહારિક અને રાજનૈતિક આદેશોનું વર્ણન તેમજ વિવિધ ઈબાદતોનો ઉલ્લેખ છે જે નીચે મુજબ છે.
રોઝા અને જીહાદનું ફર્ઝ હોવું. હજ્જ અને ઉમરાહ ની પ્રક્રિયાઓ. વ્યાજ, હરામખોરી, દારૂ, જુગાર, જાદુ, ભષ્ટ્રાચાર વગેરે પર પ્રતિબંધ. કર્ઝ, વસિયત, નિકાહ, તલાક, ઈદ્દત, મહેર, અને બાળકના દુધ વગેરેના વિવિધ મસાઈલ.
આ બધાના સંદર્ભમાં વિવિધ નબીઓ હઝરત મુસા, હઝરત ઈબ્રાહિમ, હઝરત ઉઝૈર ના વર્ણન સાથે યહૂદીઓ ની લગભગ ૪૦ ખરાબીઓ નો ઉલ્લેખ છે. આ સૂરહમાં ગાયનો એક કિસ્સો પણ વર્ણવામાં આવ્યો છે તેના પરથી આ સૂરહનું નામ સૂરહ બકરહ્ (ગાય) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ આલિ ઈમરાન ۞
➥ નંબર :- ૦૩
➥ ભાવાર્થ :- ઈમરાનનો પરિવાર
➥ આયતો :- ૨૦૦
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૮૯
❒ પરિચય :- આ સૂરહની પ્રારંભિક આયતોમાં વાસ્તવિક દીન ઈસ્લામ હોવાનું બતાવવાની સાથે હઝરત મરયમનો કિસ્સો વર્ણવતા ખ્રિસ્તીઓ ને સંબોધવામાં આવ્યા છે. અને તેઓ તરફથી કરવામાં આવતા અમુક સવાલોના જવાબ આપતા તેઓને ઈમાનની દાવત આપવામાં આવી છે.
આ ઉપરાંત આ સૂરહમાં કાબાની શ્રેષ્ઠતા, હજ્જનું ફર્ઝ હોવું, ઉદારતા પર પ્રોત્સાહન, કંજૂસીની મનાઈ, તેમજ લોકોને સારાં કામો તરફ બોલાવવા અને બુરા કામોથી રોકવાના વર્ણન સાથે એકતાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ કાફી૨ોથી ન ડરવું અને જીહાદમાં અડગ રહેવાના ઉપદેશ સાથે બદરની લડાઈને મુદ્દો બનાવી બોધપાઠ આપવામાં આવ્યો છે. અને સાથે ઉહદની લડાઈમાં થયેલ પરાજયના કારણો અને હિકમતો વર્ણવતા શહીદ થયેલા મુસલમાનો ના સંબંધીઓ ને દિલાસો આપવામાં આવ્યો છે.
આ સૂરહમાં હઝરત મરયમનો કિસ્સો વર્ણવામાં આવ્યો છે અને તેમના પિતાનું નામ ઈમરાન હતું, તેના પરથી આ સૂરહનું નામ આલિ ઈમરાન (ઈમરાનનો પરિવાર) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ નિસા ۞
➥ નંબર :- ૦૪
➥ ભાવાર્થ :- સ્ત્રીઓ
➥ આયતો :- ૧૭૬
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૯૨
❒ પરિચય :- આ સૂરહમાં સામાજિક જીવન, કૌટુંબિક વ્યવસ્થા, તેમજ સામુદાયિક અને પારિવારિક જીવનને લગતા નિયમો અને કાયદાઓ નું વર્ણન કરતા સ્ત્રીઓ, બેવાઓ અને અનાથોના હક્કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વારસાના નિયમો વિગતવાર વર્ણવામાં આવ્યા છે.
આ ઉપરાંત પંદર પ્રકારની મહરમ સ્ત્રીઓ, શાદીની બુનિયાદી શરતો, પાડોશી અને સંબંધીઓ સાથે સારો વ્યવહાર, હત્યાની મનાઈ અને તેના ગુનાનો બદલો તેમજ મુસાફરી દરમિયાન નમાઝ ટૂંકી કરવા બાબત આદેશો વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય નબી ﷺ ના આજ્ઞાપાલનની તાકીદ, મુનાફિકોની હરકતો, અને હઝરત ઈસાؑ ની બાબત આ વાત બતાવવામાં આવી છે કે તેઓને ન તો ફાંસી દેવામાં આવી છે, અને તેમની હત્યા કરવામાં આવી છે. બલ્કે તેઓને આસમાનમાં ઉઠાવી લેવામાં આવ્યા છે.
આ સૂરહમાં વધારે પડતી વાતો સ્ત્રીઓ ને સંબંધિત હક્કો પર આધારિત છે, તેના પરથી આ સૂરહનું નામ સૂરહ નિસા (સ્ત્રીઓ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ માઈદહ્ ۞
➥ નંબર :- ૦૫
➥ ભાવાર્થ :- દસ્તરખાન
➥ આયતો :- ૧૨૦
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૧૧૨
❒ પરિચય :- આ સૂરહ મુસલમાનો ના સામાજિક, રાજનૈતિક અને આર્થિક સમસ્યાઓના માર્ગદર્શન પર આધારિત છે. જેમાં હલાલ - હરામના મસાઈલ બતાવતા મૃતક, લોહી, ભૂંડનો ગોશ્ત, અલ્લાહ સિવાયના નામ પર ઝબહ કરેલ જાનવર વગેરેને હરામ ઠેરવવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ સૂરહમાં ઈસ્લામની સંપૂર્ણતાનું એલાન, યહૂદીઓ અને ખ્રિસતીઓ સાથે હ્રદયપૂર્વક મિત્રતાની મનાઈ, ઈસ્લામી અદાલતોની સ્થાપના તરફ ઈશારો, શરઈ સજાઓ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સૂરહમાં હઝરત ઈસાના સાથીઓની આ માંગણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અલ્લાહ તઆલા તેઓ માટે આસમાનથી ખાવાથી ભરેલું દસ્તરખાન ઉતારે, તેના પરથી આ સૂરહનું નામ માઈદહ્ (દસ્તરખાન) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અન્આમ ۞
➥ નંબર :- ૦૬
➥ ભાવાર્થ :- પ્રાણીઓ
➥ આયતો :- ૧૬૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૫
❒ પરિચય :- આ સૂરહમાં ઈસ્લામી અકાઈદની પુષ્ટિ કરવાની સાથે શિર્ક કરનારાઓ ના સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. તેમજ તેઓ મુર્તિઓના નામ પર પ્રાણીઓ સમર્પિત કરીને તે પ્રાણીઓને હરામ ઠેરવતા હતા તેનું ખાસ રદ્દીકરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત એકેશ્વરવાદ અને આખિરતને મુદ્દો બનાવી ચર્ચા કરવામાં આવી છે. તેમજ અલ્લાહ તઆલા તરફથી વિવિધ તરીકે આવતા અઝાબનું વર્ણન કરવામાં આવ્યું છે. અને વિવિધ નબીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સૂરહમાં અમુક પ્રાણીઓને હલાલ અને અમુકને હરામ કહેવાને સંબંધિત આરબના મૂર્તિપૂજકોની બેબુનિયાદ માન્યતાઓ નું રદ્દીકરણ કરવામાં આવ્યું છે. તેના પરથી આ સૂરહનું નામ અન્આમ (પ્રાણીઓ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અઅ્રાફ ۞
➥ નંબર :- ૦૭
➥ ભાવાર્થ :- જગ્યાનું નામ
➥ આયતો :- ૨૦૬
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૩૯
❒ પરિચય :- આ સૂરહમાં નુબુવ્વત ના બારામાં અમુક શંકાઓનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે, તેમજ નુબુવ્વત પર ઈમાન લાવવાની દાવત આપવામાં આવી છે.
આ ઉપરાંત ૬ નબીઓ હઝરત નૂહ, હઝરત હૂદ, હઝરત સાલેહ, હઝરત લૂત, હઝરત શોયેબ, અને હઝરત મુસાના વર્ણન સાથે આ ૬ ની કોમોની બરબાદી નો ઉલ્લેખ કરતા કુરૈશના સરદારોને ચેતવણી આપી છે કે તમારી સાથે પણ આવું થઈ શકે છે.
આ સૂરહની અમુક આયતમાં તે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓને જન્નત અને દોજખની દરમિયાન (અઅ્રાફ નામી) જગ્યામાં રખવામાં હશે, આના પરથી આ સૂરહનું સૂરહ અઅ્રાફ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અન્ફાલ ۞
➥ નંબર :- ૦૮
➥ ભાવાર્થ :- ગનીમતનો માલ
➥ આયતો :- ૭૫
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૮૮
❒ પરિચય :- આ સૂરહમાં સૌપ્રથમ ગનીમતના માલના મસાઈલ બતાવવામાં આવ્યા છે. અને જંગે બદરના કિસ્સાને મુદ્દો બનાવી જીહાદની જરૂરત, મહત્તા, હેતુ, ફિલોસોફી, આદાબ, પ્રોત્સાહન અને શ્રેષ્ઠતા બતાવવામાં આવી છે.
આ સમેત ઈસ્લામી રાજ્યના સિદ્ધાંતો, સુલેહ અને શાંતિના કાયદા, વિજય - પરાજય ના ૬ કારણો, મુસલમાનો માટે આજ્ઞાપાલન, મક્કા વાસીઓના ગુનાઓ, કેદીઓ માટેના ઉપદેશો, શેતાનની ચાલાકી, મુનાફીકોનો વર્તાવ, ઈસ્લામી રાજ્યની બ્રાહ્ર અને લશ્કરી નીતિનું વર્ણન અને મુસલમાનો ને દુશ્મનોના મુકાબલામાં ભૌતિક, લશ્કરી અને રૂહાની ત્રણેયના હિસાબે સંપૂર્ણપણે તૈયાર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત જીહાદની ફિલોસોફીના સંદર્ભમાં આ પણ બતાવવામાં આવ્યું છે કે ઈસ્લામમાં જીહાદ દેશોને જીતવા, સંપત્તિ મેળવવા કે પછી લોકોને ગુલામ બનાવવા નહીં, બલ્કે દીને ઈસ્લામના રૂપમાં ન્યાયની સ્થાપ્ના માટે છે.
આ સૂરહની પ્રારંભિક આયતોમાં માલે ગનીમતના મસાઈલ વર્ણવામાં આવ્યા છે. આ હિસાબે સૂરહનું નામ અન્ફાલ (માલે ગનીમત) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ તવ્બા ۞
➥ નંબર :- ૦૯
➥ ભાવાર્થ :- માફી
➥ આયતો :- ૧૨૯
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૧૧૩
❒ પરિચય :- આ સૂરહમાં કાફીરોનું પરિણામ અને બહુદેવવાદીઓ (શીર્ક કરનારાઓ) નો હરમમાં પ્રવેશ પર પ્રતિબંધ તેમજ યહુદીઓ અને ખ્રિસ્તીઓનો અરેબિયા (જઝીરતુ'લ અરબ) માં પ્રવેશ પર પ્રતિબંધ નો ઉલ્લેખ છે.
આ ઉપરાંત આ સૂરહમાં પણ સૂરહ અન્ફાલની જેમ ઈસ્લામી રાજ્યની બ્રાહ્ર, લશ્કરી અને આર્થિક નીતિઓ વર્ણવામાં આવી છે. બ્રાહ્ર નીતિના સંદર્ભમાં કરારોના ઉલ્લંઘન અને પાલનના નિયમો સમજાવવામાં આવ્યા છે. લશ્કરી નીતિના ભાગરૂપે આરબના બહુદેવવાદીઓ, મુનાફિકો, તેમજ યહુદીઓ અને ખ્રિસ્તીઓના વિરુદ્ધ જીહાદનો ઝંડો બુલંદ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આર્થિક નીતિના હેઠળ સદકહ્, ઝકાતનો આદેશ આપવાની સાથે ઝકાતના હકદારો કોણ કોણ છે આ પણ બતાવવામાં આવ્યું છે, અને ન આપનારાઓ માટે સખત ધમકી પણ આપવામાં આવી છે.
આ સૂરહમાં અમુક સહાબાની તવ્બા (માફી) નું પણ વર્ણન છે તેના પરથી આ સૂરહનું નામ સૂરહ તવબા (માફી) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ યૂનુસ ۞
➥ નંબર :- ૧૦
➥ ભાવાર્થ :- નબીનું નામ
➥ આયતો :- ૧૦૯
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૧
❒ પરિચય :- આ સૂરહમાં નબીઓની દીનની દાવત માટેની મહેનત, કોશિશ બતાવવાની સાથે ઈમાન તેમજ આ'માલ પર અડગ રહેવાનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં વહી અને પયગંબરીનો ઈનકાર કરનારાઓ નું રદ્દીકરણ કરતાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કુર્આન અને પયગંબરની અસલ દાવત શું છે અને તે કેમ સાચી છે.
આ સૂરહમાં હઝરત યૂનુસ અલ. ની કોમનો કિસ્સો પણ વર્ણવામાં આવ્યો છે આ હિસાબે આ સૂરહનું નામ યૂનુસ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ હૂદ ۞
➥ નંબર :- ૧૧
➥ ભાવાર્થ :- નબીનું નામ
➥ આયતો :- ૧૨૩
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૨
❒ પરિચય :- આ સૂરહનો પણ બુનિયાદી વિષય સૂરહ યૂનુસની જેમ નબીઓની દીનની દાવત માટેની મહેનત બતાવવાની સાથે ઈમાન અને આ'માલ પર અડગ રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત હઝરત નૂહ, હઝરત હૂદ, હઝરત સાલેહ, હઝરત લૂત, હઝરત શોયબ, અને ફિરઓન વગેરેના કિસ્સાઓ અને તેમની કોમની બરબાદી વર્ણવતા બરબાદીનો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે કે જ્યાં સુધી લોકોમાં સુધારણા (ઈસ્લાહ) ની કોશિશ અને મહેનત ચાલતી રહે છે ત્યાં સુધી અલ્લાહ તઆલા તેઓને બરબાદ નથી કરતા.
તદુપરાંત આ સૂરહમાં ઈમાનવાળા ઓ માટે અડગતા અને દિલાસા નો બોધ પણ આપવામાં આવ્યો છે. આ સૂરહમાં હઝરત હૂદનો કિસ્સો વર્ણવામાં આવ્યો છે, આ પરથી આનું નામ સૂરહ હૂદ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ યૂસુફ ۞
➥ નંબર :- ૧૨
➥ ભાવાર્થ :- નબીનું નામ
➥ આયતો :- ૧૧૧
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૩
❒ પરિચય :- આમ તો આ આખી સૂરહ હઝરત યૂસુફ અલ. ના કિસ્સા પર આધારિત છે, પરંતુ આ એક એવી સર્વગ્રાહી સૂરહ છે જેમાં જીવનના દરેક પાસા વિષે બોધપાઠ અને ઉત્તમ માર્ગદર્શન છે. ભલેને આર્થિક હોય કે સામાજિક, નૈતિક હોય કે રાજનૈતિક, વ્યક્તિગત હોય કે સામૂહિક.
આ ઉપરાંત આ કિસ્સામાં દીન પણ છે અને દુનિયા પણ, એકેશ્વરવાદ પણ છે, અને કાયદાશાસ્ત્ર પણ, ઈતિહાસ પણ છે, અને જીવનચરિત્ર પણ, સ્વપ્નનું અર્થઘટન પણ છે અને રાજકીય પ્રતિકો પણ, માનવીય મનોવિજ્ઞાન પણ છે અને આર્થિક સમૃદ્ધિ પણ. સારાંશ કે આ સૂરહનો એક વાક્યમાં ખુલાસો આ છે કે જો અલ્લાહ તઆલા પર સંપૂર્ણ ભરોસો કરવામાં આવે તો અલ્લાહ તઆલા દરેક પરિસ્થિતિમાં તેની મદદ કરે છે.
આ સૂરહમાં યૂસુફ અલ. નો કિસ્સો વર્ણવામાં આવ્યો છે તેના પરથી આ સૂરહનું નામ સૂરહ યૂસુફ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ રઅ્દ ۞
➥ નંબર :- ૧૩
➥ ભાવાર્થ :- વાદળોની ગરજ
➥ આયતો :- ૪૩
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૯૬
❒ પરિચય :- આ સૂરહમાં હક અને બાતિલને તાર્કિક તેમજ સાર્વત્રિક દલોલોના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્માંડમાં ફેલાયેલી નિશાનીઓ માં મનન કરવામાં આવે તો તે જ પુકાર સાંભળવા મળશે, જે કુર્આનની છે.
આ ઉપરાંત આ સૂરહમાં લોકોની પ્રગતિ અને ઉદયનો એક સિદ્ધાંત પણ બતાવ્યો છે કે અલ્લાહ તઆલા લોકોની સ્થિતિ ત્યાં સુધી નથી બદલતાં જ્યાં સુધી તેઓ પોતે પોતાની સ્થિતિ ન બદલે.
આ સૂરહમાં આ વાત પણ બતાવવામાં આવી છે કે વાદળોની ગરજ પણ અલ્લાહ તઆલા ના વખાણ અને પ્રશંસા કરે છે, તેના પરથી આ સૂરહનું નામ રઅ્દ (વાદળોની ગરજ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ ઈબ્રાહિમ ۞
➥ નંબર :- ૧૪
➥ ભાવાર્થ :- નબીનું નામ
➥ આયતો :- ૫૨
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૭૨
❒ પરિચય :- આ સૂરહમાં વિશેષ વાત તરીકે અલ્લાહ તઆલા નો શુક્ર અદા કરવાની તાકીદ કરવામાં આવી છે. અને આ વિષે એક સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે કે શુક્ર અદા કરવાથી નેઅમતમાં વધારો થાય છે, અને ના શુક્ર કરવામાં તે છીનવાઈ જાય છે.
આ ઉપરાંત આ સૂરહમાં આ પણ બતાવવામાં આવ્યું છે કે પયગંબરો મોકલવાનો મકસદ શું છે.? અને તેમના માધ્યમથી માનવતાને કેટલો નફો પહોંચી રહ્યો છે. તદુપરાંત ઈમાન અને કુફ્રના વિવિધ પરિણામોને ઉદાહરણ આપી સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તેમજ હઝરત ઈબ્રાહિમ અલ. ની તે દુવાઓનું પણ વર્ણન છે જે એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અને છેલ્લે કયામત અને તેની સજાનું ભયાનક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે.
આ સૂરહમાં હઝરત ઈબ્રાહિમ અહ. ની ઐતિહાસિક દુવાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, આના પરથી સૂરહનું નામ ઈબ્રાહિમ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ હીજ્ર ۞
➥ નંબર :- ૧૫
➥ ભાવાર્થ :- જગ્યાનું નામ
➥ આયતો :- ૯૯
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૪
❒ પરિચય :- આ સૂરહમાં અલ્લાહ તઆલા એ કુર્આનની સુરક્ષાનો વાયદો કરવાની સાથે વહી અને પયગંબરીને સંબંધિત શંકાઓનું રદ્દીકરણ પણ કર્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં માણસની પ્રારંભિક રચનાનો ઉલ્લેખ, તેમજ હઝરત લૂત અલ. ની કોમના સમલૈંગિક, હઝરત શોએબ અલ. ની કોમનું સામાન માં ઓછું, વધતું કરવાનો ઉલ્લેખ અને હીજ્રવાળાઓ ની નાફરમાનીનો ઉલ્લેખ કરી તેઓનો અંજામ બતાવી મક્કા વાસીઓ ને ચેતવણી આપવામાં આવી છે.
આ સૂરહમાં હીજ્ર જે એક જગ્યાનું નામ છે ત્યાના રહેવાસીઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના પરથી આ સૂરહનું નામ હીજ્ર રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ નહલ ۞
➥ નંબર :- ૧૬
➥ ભાવાર્થ :- મધમાખી
➥ આયતો :- ૧૨૮
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૭૦
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય વિષય બહુદેવવાદ (શીર્ક) નું ગલત હોવું અને એકેશ્વરવાદ નું સાચું હોવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જેના સંદર્ભમાં અલ્લાહ તઆલાની નેઅ્મતોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સૂરહમાં પરિસ્થિતિઓ અને જરૂરિયાતો ને ધ્યાનમાં રાખી અન્ય બાબતો વિષે પણ ચર્ચા કરવામાં આવી છે. જેમ કે અઝાબ માટે જલ્દી કરનારાઓ ને ચેતવણી, તેમજ ઈનકાર કરનારાઓ તરફથી જે શંકાઓ રજૂ કરવામાં આવે છે તેનું રદ્દીકરણ વગેરે.
આ સૂરહમાં અલ્લાહ તઆલા ના રબ હોવાની નિશાની તરીકે મધમાખી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના પરથી આ સૂરહનું નામ નહલ (મધમાખી) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ બની ઈસરાઈલ ۞
➥ નંબર :- ૧૭
➥ ભાવાર્થ :- એક કૌમનું નામ
➥ આયતો :- ૧૧૧
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૦
❒ પરિચય :- આ સૂરહના પ્રારંભમાં નબી ﷺ ની મેઅરાજ તથા બની ઈસરાઈલ ની બરબાદીનું વર્ણન છે. તેમજ ઈસ્લામી રાજ્યના સામાજિક મૂલ્યોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે માં બાપ સાથે સારું વર્તન કરવાનો આદેશ, ફુઝુલ (વ્યર્થ) ખર્ચની મનાઈ, રોજીના ડરથી બાળકોને કતલ કરવા પર પ્રતિબંધ અને વ્યભિચાર ના અસબાબ થી પણ દૂર રહેવાની તકીદ વગેરે.
આ ઉપરાંત સૂરહમાં આખિરતના વિવિધ પાસાઓ, વિવિધ નબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત માનવજાતને પ્રતિષ્ઠિત બનાવવાના ઉલ્લેખ સાથે કુર્આનનો ઈનકાર કરનારાઓ ને આવું જ બીજું કુર્આન લાવવાનો પડકાર પણ ફેંકવામાં આવ્યો છે.
આ સૂરહમાં બની ઈસરાઈલ ને બે વખત બરબાદ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ બની ઈસરાઈલ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ કહફ ۞
➥ નંબર :- ૧૮
➥ ભાવાર્થ :- ગુફા
➥ આયતો :- ૧૧૦
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૯
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય વિષય પારલૌકિક (ઈમાન) અને ભૌતિકવાદના દરમિયાન સંઘર્ષ છે જેમાં ભૌતિકવાદ પર ઈમાનનો વિજય બતાવતા આ બોધપાઠ આપવામાં આવ્યો છે કે જો અલ્લાહ તઆલા પર સંપૂર્ણપણે ભરોસો કરવામાં આવે તો અલ્લાહ તઆલા તરફથી ગૈબી મદદ જરૂર આવે છે.
જેની વિગત આ છે કે આ સૂરહમાં ચાર કિસ્સા બયાન કરવામાં આવ્યા છે અને ચારેયનો વિષય એક જ છે કે કસોટીના રૂપમાં ભૌતિકવાદ અને ઈમનના દરમિયાન સંઘર્ષ જે આ પ્રમાણે છે.
➊ ગુફાવાળાઓ નો કિસ્સો :- દીન (ધર્મ) ને સંબંધિત કસોટી પર આધારિત.
➋ બે બાગવાળાઓ નો કિસ્સો :- માલ (મૂડી) ને સંબંધિત કસોટી પર આધારિત.
➌ હઝરત મુસા અને હઝરત ખઝીર નો કિસ્સો :- જ્ઞાન (ઈલ્મ) ને સંબંધિત કસોટી પર આધારિત.
➍ હઝરત ઝુલકરનૈન નો કિસ્સો :- સત્તા ને સંબંધિત કસોટી પર આધારિત.
આ સૂરહમાં ગુફાવાળાઓ નો કિસ્સો વર્ણવામાં આવ્યો છે, તેના પરથી આ સૂરહનું નામ કહફ (ગુફા) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ મરયમ ۞
➥ નંબર :- ૧૯
➥ ભાવાર્થ :- નામ
➥ આયતો :- ૯૮
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૪
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય વિષય ખ્રિસ્તીઓ ના બેબુનિયાદ અકીદાનું રદ્દીકરણ અને તેઓને ઈસ્લામની દાવત આપવાનો છે. અને સાથે બહુદેવવાદીઓ ને તેઓની ગુમરાહી પર ચેતવણી પણ આપવામાં આવી છે. આ સૂરહમાં ત્રણેય પ્રકારની દાવત એકેશ્વરવાદ, પયગંબરી અને આખિરત નો સમાવેશ છે.
આ ઉપરાંત આ સૂરહમાં હઝરત ઝકરિયા ની દુવા, હઝરત યહ્યા અને હઝરત ઈસાનો જન્મ, હઝરત મરયમની પવિત્રતા તેમજ હઝરત ઈબ્રાહિમ, હઝરત ઈસ્માઈલ, હઝરત મુસા, હઝરત હારૂન અને હઝરત ઈદ્રીસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સૂરહમાં હઝરત મરયમનો જે હઝરત ઈસાના માતા છે કિસ્સો વર્ણવામાં આવ્યો છે, આના પરથી આ સૂરહનું નામ સૂરહ મરયમ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ તૉહા ۞
➥ નંબર :- ૨૦
➥ ભાવાર્થ :- તૉહા
➥ આયતો :- ૧૩૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૫
❒ પરિચય :- આ સૂરહમાં હઝરત મુસા અ.સ. ના કિસ્સાને ખૂબ જ વિગતવાર વર્ણવામાં આવ્યો છે જેમાં કાફિરો તરફથી પહોંચતી મુસીબતો થી નિકળવાનો રસ્તો અને ઈમાન પર અડગ રહેવાનો બોધ છે.
તેમજ આ કિસ્સાના સંદર્ભમાં આ પણ સમજાવવામાં આવ્યું છે કે હઝરત મુસાની જીંદગીના ઉતાર - ચઢાવમાંથી બોધ લઈ પોતાના સમયના જાલીમ લોકોનો ધીરજ અને દ્રઢતાથી સામનો કરો, ઈંશા અલ્લાહ હઝરત મુસાની જેમ સફળતા જરૂર મળશે. કેમ કે આ સમયનો જાલીમ, ફિરઓન જેટલો જાલીમ તો નહીં જ હોય. આ ઉપરાંત આ સૂરહમાં કયામતની પરિસ્થિતિ, કુર્આનથી મોઢું ફેરવવાનો અંજામ, અને પોતાના ઘરવાળાઓ ને પણ નમાઝ પઢાવવાનો હુકમ આપવામાં આવ્યો છે.
આ સૂરહનો પ્રારંભ “ તૉહા ” શબ્દથી થયો છે, આ પરથી સૂરહનું નામ તૉહા રાખવામાં આવ્યું છે. આવા આખા કુર્આનમાં કુલ ૧૪ શબ્દો છે જેને “ હુરૂફે મુકત્તઆત ” કહેવામાં આવે છે જેનો અર્થ અને મુરાદ અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણતું.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અન્મબિયા ۞
➥ નંબર :- ૨૧
➥ ભાવાર્થ :- પયગંબરો
➥ આયતો :- ૧૧૨
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૭૩
❒ પરિચય :- આ સૂરહમાં ઈમાન પર અડગ કેવી રીતે રહેવું તે બતાવવા માટે ૧૮ પયગંબરો ના નામ સાથે અસરકારક કિસ્સાઓ વર્ણવામાં આવ્યા છે.
તેઓની પરિસ્થિતિ, ભૂમિકા અને જવાબદારીઓ નું વર્ણન કરતાં આ વાત બતાવવામાં આવી છે કે તેઓ પણ માનવ હતા, તેઓએ પણ ખાધું, પીધું અને મૃત્યુનો સામનો કર્યો છે. તે છતાંય નેકીઓ ખૂબ કરતા હતા, નમાઝ, ઝકાત વગેરે પણ અદા કરતા હતા, ધીરજ અને દ્રઢતાનું ઉદાહરણ હતા.
આ ઉપરાંત આ સૂરહમાં બતાવવામાં આવ્યું છે કે યુદ્ધ શસ્ત્રોનો પ્રથમ ઉદ્યોગ અથવા કારખાનું હઝરત દાઉદ અ.સ. દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. કયામતના નજીક યાજૂજ માજૂજ નીકરશે. અને મુસલમાનો ને સત્તા મળવાની ખુશખબર પણ સંભળાવવામાં આવી છે.
આ સૂરહમાં ઘણા નબીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આના પરથી સૂરહનું નામ અન્મબિયા (નબી નું બહુવચન, પયગંબરો) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ હજ્જ ۞
➥ નંબર :- ૨૨
➥ ભાવાર્થ :- ઈબાદતનું નામ
➥ આયતો :- ૭૮
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૧૦૩
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય વિષય હજ્જ અને જીહાદ છે. આની પ્રારંભિક આયતોમાં કયામતની એવી ભયાનકતા નું વર્ણન છે જેમાં તન અને મન બન્ને ધ્રુજી જાય.
આ સૂરહમાં જ્યાં એક તરફ હજ્જ નું ફર્ઝ હોવું બતાવવામાં આવ્યું છે, ત્યાં બીજી તરફ જીહાદના પહેલી વાર ફર્ઝ હોવું બતાવવાની સાથે જીહાદ અને રાજ્યના ઉદ્દેશ્ય અને તેના કારણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ઈસ્લામી રાજ્ય માટે ચાર મહત્વની જવાબદારી ઓ નમાઝ, ઝકાત, સારાં કામો તરફ લોકોને બોલાવવું અને બુરાઈ થી રોકવાના આદેશ સમેત મુસલમાનો ને મુદ્દાની દસ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત બહુદેવવાદીઓ ને એકેશ્વરવાદ ની દાવત પણ આપવામાં આવી છે. આ સૂરહમાં હજ્જના ફર્ઝ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ હજ્જ (એક ખાસ પ્રકારની ઈબાદત) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ મુઅ્મીનુન ۞
➥ નંબર :- ૨૩
➥ ભાવાર્થ :- ઈમાન ધરાવનારાઓ
➥ આયતો :- ૧૧૮
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૭૪
❒ પરિચય :- આ સૂરહના પ્રારંભમાં ઈમાન ધરાવનારાઓ ની ભૂમિકા અને ચરિત્રના નિર્માણ માટે બુનિયાદી સિફાત (ખૂબીઓ, સારાં ગુણો) વર્ણવામાં આવ્યા છે. એટલે કે મુસલમાનો થી ઈમાન લાવ્યા બાદ નૈતિક, ધાર્મિક અને નાણાકીય પ્રક્રિયાઓ પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જે વ્યક્તિગત મહત્વ ધરાવે છે. જેવી રીતે મોમીનોના આંતરિક અને બાહ્ય લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે એવી જ રીતે અન્ય લોકોના ખરાબ ક્ષણોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં કામયાબ અને નાકામ લોકો કોણ છે ? બતાવ્યા બાદ તે અકાઈદનું વર્ણન કરવામાં આવ્યું છે જેને કબૂલ કરવામાં કામયાબી છે. અને આ સિવાયની અન્ય શંકાઓનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે.
આ સૂરહની ખાસ વાત આ છે કે આમાં આ બતાવવામાં આવ્યું છે કે નેકીના કામ કરવામાં હલાલ રોજીનો ઘણો દખલ હોય છે. કે રોજી હલાલ હશે તો નેક કામ કરશો બાકી ગુનાહિત કામો જ કરતા રહેશો. આ સૂરહમાં ઈમાન ધરાવનારાઓ ના સારાં ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે આના પરથી સૂરહનું નામ મુઅ્મીનુન (ઈમાન ધરાવનારાઓ, મોમીન નું બહુવચન) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ નૂર ۞
➥ નંબર :- ૨૪
➥ ભાવાર્થ :- રોશની
➥ આયતો :- ૬૪
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૧૦૨
❒ પરિચય :- આ સૂરહમાં સામૂહિક, પારિવારિક, કૌટુંબિક, તથા સામાજિક ઉપદેશો આપવાની સાથે વ્યભિચાર ની સજા અને હઝરત આઈશા પર લગાવવામાં આવેલ આરોપનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં પાકદામની, પવિત્રતા, શર્મ અને પ્રતિષ્ઠા ના રક્ષણને સંબંધિત જે વસ્તુઓનો પ્રબંધ (એહતેમામ) જરૂરી છે તેનું માર્ગદર્શન, તેમજ જૂઠો આરોપ લગાવનારાઓ અને સમાજમાં અશ્લીલતા ફેલાવનારાઓ વિષે સખત સજાઓની જાહેરાત કરવામાં આવી છે.
આ સૂરહમાં અલ્લાહ તઆલા ના નૂરનું વર્ણન કરવામાં આવ્યું છે, આના પરથી સૂરહનું નામ નૂર (રોશની) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ ફુરકાન ۞
➥ નંબર :- ૨૫
➥ ભાવાર્થ :- ફેસલો કરનાર
➥ આયતો :- ૭૭
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૨
❒ પરિચય :- આ સૂરહનો બુનિયાદી વિષય એકેશ્વરવાદ, પયગંબરી અને આખિરત છે. તેમજ કુર્આન અને પયગંબર સંબંધિત શંકાઓનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહની ખાસ વાત આ છે કે આમાં નબી ﷺ ની તે ફરીયાદ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નબી ﷺ કયામતના દિવસે કરશે કે હે અલ્લાહ..! મારી આ ઉમ્મતે કુર્આન છોડી દીધું હતું.
આ સૂરહમાં કુર્આનને ફુરકાન (સહીહ ગલતનો ફેસલો કરનાર) કહીને પ્રારંભ કરવામાં આવ્યો છે. આના પરથી સૂરહનું નામ ફુરકાન રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ શુઅરાઅ ۞
➥ નંબર :- ૨૬
➥ ભાવાર્થ :- કવિઓ
➥ આયતો :- ૨૨૭
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૭
❒ પરિચય :- આ સૂરહમાં નબી ﷺ ના પર કવિ હોવાના આરોપનું રદ્દીકરણ કરતાં નબી ﷺ ની પયગંબરીને ખૂબ સરસ તરીકે સાબિત કરવામાં આવી છે. અને સાથે નબી ﷺ ને દિલાસો પણ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ૭ નબીઓ ના કિસ્સા વર્ણવી આ વાત બતાવવામાં આવી છે કે તે દરેકની દાવત તે જ હતી જે હઝરત મુહમ્મદ ﷺ ની છે.
આ સૂરહમાં નબી ﷺ ના કવિ હોવાનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે. આના પરથી સૂરહનું નામ શુઅરાઅ (કવિનું બહુવચન, કવિઓ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ નમ્લ ۞
➥ નંબર :- ૨૭
➥ ભાવાર્થ :- કીડી
➥ આયતો :- ૯૩
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૮
❒ પરિચય :- આ સૂરહમાં હલાક થયેલી કૌમના નકારાત્મક કાર્યોથી સિખ પ્રાપ્ત કરવાની સલાહ આપવામાં આવી છે. જેના સંદર્ભમાં હઝરત મુસા, હઝરત સાલેહ અને હઝરત લૂતની કૌમોનો ટૂંકાક્ષર ઉલ્લેખ કરવાની સાથે હઝરત સુલેમાન નો વિગતવાર કિસ્સો વર્ણવામાં આવતાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે પોતાના હોદ્દાને એકેશ્વરવાદ ની દાવત માટે ઉપયોગમાં લાવવો જોઈએ.
આ ઉપરાંત આ સૂરહમાં આ વાત પણ બતાવવામાં આવી છે કે કુર્આનને અલ્લાહની કિતાબ માનવા માટે સૌથી મોટી રૂકાવટ હકીકતનો ઈનકાર છે. તેમજ જેઓ દુન્યવી જીંદગીમાં મસ્ત થઈ જાય છે તેઓને ન તો કુર્આનથી કોઈ નસીહત હાસિલ થાય છે કે ન નબીઓના ભૂતકાળના કિસ્સાથી બોધ પ્રાપ્ત થાય છે.
આ સૂરહમાં કીડી નો એક નાનો કિસ્સો પણ વર્ણવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ નમ્લ (કીડી) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ કસસ ۞
➥ નંબર :- ૨૮
➥ ભાવાર્થ :- કિસ્સો
➥ આયતો :- ૮૮
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૯
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય વિષય નબી ﷺ ની પયગંબરી ની સાબિતી છે અને પયગંબરી પ્રત્યે ફેલાવવામાં આવતી શંકાઓનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં હઝરત મુસાનો વિગતવાર કિસ્સો વર્ણવતા ઘમંડી સરમુખત્યાર ફિરઓન, તેનો વજીર હામાન અને ભ્રષ્ટ મૂડીવાદી કારૂનનો વિનાશક અંજામનો ઉલ્લેખ કરતા આવું કરનારાઓ ને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ સાથે પણ આવું જ થઈ શકે છે.
આ સૂરહની ખાસ વાત આ છે કે કેટલીય કૌમ જેઓ પોતાના આર્થિક વિકાસ પર ગર્વ અનુભવતા હતા, પરંતુ અલ્લાહ તઆલા એ જ વસ્તુને જેને તેઓ પ્રગતિ સમજતા હતા સજા બનાવી નષ્ટ કરી દીધા જેમાં લોકો માટે બોધ છે.
આ સૂરહમાં હઝરત મુસા અ.સ. નો વિગતવાર કિસ્સો વર્ણવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ કસસ (કિસ્સો) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અન્કબૂત ۞
➥ નંબર :- ૨૯
➥ ભાવાર્થ :- કરોળિયો
➥ આયતો :- ૬૯
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૮૫
❒ પરિચય :- આ સૂરહમાં બતાવવામાં આવ્યું છે કે ઈમાન લાવ્યા બાદ કસોટીના રૂપમાં તકલીફો અને મુસીબતોનો સામનો જરૂર થશે. અને તે મુસીબતો પર સબર અને ધીરજ રાખવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં મુશ્કેલ પરિસ્થિતિથી બહાર નિકળવાના ત્રણ કામ બતાવવામાં આવ્યા છે. (૧) કુર્આનની તીલાવત, (૨) નમાઝ, (૩) અને અલ્લાહનો ઝિક્ર. સાથે આ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યાં દીન પર અમલ કરવું મુશ્કેલ હોય ત્યાંથી રોજીની પરવાહ કર્યા વગર હિજરત કરી લેવી જોઈએ.
આ સૂરહમાં કાફિરોના અકાઈદની નબળા અને કમજોર હોવામાં કરોળિયાના જાળની સાથે સરખામણી કરવામાં આવી છે. આના પરથી સૂરહનું નામ અન્કબૂત (કરોળિયો) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ રોમ ۞
➥ નંબર :- ૩૦
➥ ભાવાર્થ :- પ્રદેશનું નામ (ઈટાલી)
➥ આયતો :- ૬૦
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૮૪
❒ પરિચય :- આ સૂરહમાં એકેશ્વરવાદ અને આખિરતની પુષ્ટિ માટે તાર્કિક, અધિકૃત, સાર્વત્રિક અને વ્યક્તિગત દલીલો આપીને કુર્આન અને રસૂલ પર ઈમાન લાવવાની દાવત દેવામાં આવી છે. અને દુનિયા તેમજ આખિરતમાં અપમાનિત થવાથી બિવડાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખાસ આ વાત બતાવવામાં આવી છે કે આખિરતનું યકીન આ દુનિયાની હકીકત જાણવાથી પેદા થાય છે કે માણસ જેટલો દુનિયાની દુષ્ટતા થી વાકેફ થાય છે એટલું જ યકીન આખિરત પ્રત્યેનું વધે છે.
આ સૂરહના પ્રારંભમાં રોમ (ઈટાલી) વિજયની પેશીનગોઈ કરવામાં આવી છે, આના પરથી આ સૂરહનું નામ રોમ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ લુકમાન ۞
➥ નંબર :- ૩૧
➥ ભાવાર્થ :- નામ
➥ આયતો :- ૩૪
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૭
❒ પરિચય :- આ સૂરહમાં પોતાના પૂર્વજો (બાપ - દાદા) ના ગલત રસ્તાનું અનુકરણ કરવાની નિંદા કરવામાં આવી છે. આ સાથે એકેશ્વરવાદ ની સત્યતા અને બહુદેવવાદનું ગેરવાજબી હોવું સમજાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત સૂરહમાં હઝરત લુકમાન ની નસિહતો, અલ્લાહ તઆલા બેસુમાર વિશેષતાનો ઉલ્લેખ કે તેને કોઈ પણ ગણી શકતું નથી, તથા આ પણ બતાવવામાં આવ્યું છે કે પાંચ વસ્તુઓ એવી છે જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, ૧) કયામત ક્યારે આવશે, ૨) વરસાદ ક્યારે પડશે, ૩) માં ના પેટમાં શું છે, ૪) આવતીકાલે માણસ શું કમાણી કરશે, ૫) માણસ ક્યાં મૃત્યુ પામશે.
આ સૂરહમાં હઝરત લુકમાન ની અમુક નસિહતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ લુકમાન રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ સજ્દહ ۞
➥ નંબર :- ૩૨
➥ ભાવાર્થ :- એક ખાસ પ્રકારની પ્રક્રિયા
➥ આયતો :- ૩૦
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૭૫
❒ પરિચય :- આ સૂરહમાં એકેશ્વરવાદ અને આખરીતનો વિષય એવી શૈલીમાં સમજાવવામાં આવ્યો છે જે શંકા દૂર કરે અને દિલમાં યકીન પેદા કરે. સૂરહ લુકમાનમાં બુદ્ધિથી અપીલ હતી, અને આ સૂરામાં અંતરાત્મા અને હૃદયને અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત સૂરહમાં એક વાત તો આ બતાવવામાં આવી છે કે અલ્લાહ તઆલા ગુનાહો પર તુરંત સજા નથી આપતા, બલ્કે નાની મોટી મુસિબતો દ્વારા ચેતવણી આપે છે જેથી માણસ સજાગ થઈ જાય. અને બીજી આ વાત પણ બતાવવામાં આવી છે કે ગુનેગારો નેક લોકોના બરાબર નથી થઈ શકતા.
આ સૂરહમાં સજ્દહનો આદેશ આપવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નું સજ્દહ (કપાળ ને જમીન પર લગાડવાની એક ખાસ પ્રક્રીયા) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અહઝાબ ۞
➥ નંબર :- ૩૩
➥ ભાવાર્થ :- સમૂહો
➥ આયતો :- ૭૩
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૯૦
❒ પરિચય :- આ સૂરહમાં ખાસ કરીને સામાજિક આદાબ, ન્યાય અને ગઝવએ ખન્દક (ખાઈ) તેમજ યહૂદી અને મુનાફિકો વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં શરઈ આદેશોના હેઠળ પડદાના ઉપદેશો, નબી ﷺ ની ગુસ્તાખી ની સજા તેમજ ખત્મે નુબુવ્વત નું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય નબી ﷺ ની પવિત્ર પત્નીઓ, એહલે બૈતની વિશેષતાઓ અને એક ગોદ લીધેલ બાળક વિષે પ્રસરેલ રસમનું રદ્દીકરણ પણ કરવામાં આવ્યું છે.
આ સૂરહમાં તે લડાઈનું વર્ણન છે જેમાં ઘણા બધા સમૂહો મુસલમાનો ના વિરુદ્ધ ભેગા થયા હતા, આના પરથી સૂરહનું નામ અહઝાબ (ઘણા સમૂહ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ સબા ۞
➥ નંબર :- ૩૪
➥ ભાવાર્થ :- કૌમનું નામ
➥ આયતો :- ૫૪
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૮
❒ પરિચય :- આ સૂરહમાં હઝરત દાઉદ અને હઝરત સુલેમાન નો શુક્ર અને તેના પર મળેલ ઈનામ તથા સબા નામી કૌમની નાશુક્રી અને તેઓના અંજામનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ વાત સમજાવવામાં આવી છે કે બ્રહ્માંડમાં એક માત્ર અલ્લાહ તઆલા ની જાત એવી છે જે તમામ ખૂબીઓ અને વિશેષતાઓ નો માલિક છે. આથી જ માત્ર તે પ્રશંસા અને આભારને પાત્ર છે. અને અલ્લાહ તઆલા નો આભારનું એક માત્ર સ્વરૂપ આ છે કે એકેશ્વરવાદ અને આખિરત પર વિશ્વાસ રાખવામાં આવે.
આ સૂરહમાં સબા નામી કૌમના અપકાર અને તેઓના અંજામનું વર્ણન કરવામાં આવ્યું છે આના પરથી સૂરહનું નામ સૂરહ સબા રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ ફાતીર ۞
➥ નંબર :- ૩૫
➥ ભાવાર્થ :- સર્જક
➥ આયતો :- ૪૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૩
❒ પરિચય :- આ સૂરહમાં અલ્લાહ તઆલા નું સર્જક હોવું તેમજ ભૌતિક ઉદાહરણો અને સ્પષ્ટ દલીલો દ્વારા બ્રહ્માંડની બારીકીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવ્યું છે અને મૃત્યુ બાદનું જીવન સમજાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત સૂરહમાં ત્રણ પ્રકારના લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમુક તે છે જેઓ વિશ્વાસ રાખે છે, પરંતુ અમલથી દૂર રહે છે, બીજા અમુક તે છે જેઓ અમલ પણ કરે છે પરંતુ કોઈક વખત ગફલત પણ કરે છે. અને ત્રીજા પ્રકારના તે છે જેઓ અમલ પણ કરે છે, ગુનાહોથી પણ બચે છે અને વધુ પ્રમાણમાં તૌબા પણ કરતા રહે છે.
આ સૂરહમાં અલ્લાહ તઆલા નું સર્જક હોવું બતાવવામાં આવ્યું છે તેના પરથી સૂરહનું નામ ફાતીર (સર્જક) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ યાસીન ۞
➥ નંબર :- ૩૬
➥ ભાવાર્થ :- યાસીન
➥ આયતો :- ૮૩
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૪૧
❒ પરિચય :- આ સૂરહમાં અલ્લાહ તઆલા એ પોતાની કુદરત, શક્તિ અને સત્તાનો પરિચય આપતા એકેશ્વરવાદ, આખિરત અને પયગંબરી પર ઈમાન લાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે સૂરહમાં હબીબ નામી વ્યક્તિનો કિસ્સો વર્ણવતા તેના સંદર્ભમાં દીનની દાવત આપનાર ની દસ વિશેષતાઓ નું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં આખિરત ની પરિસ્થિતિઓ અને તેનો અંજામ એવા અંદાજમાં વર્ણવામાં આવ્યો છે કે ગફલતમાં પડેલા લોકો પણ સજાગ થઈ પોતાની આખિરતની ફિકરમાં પડી જાય.
આ સૂરહનો પ્રારંભ યા + સીન આમ બે પ્રકારના હુરૂફે મુકત્તઆત દ્વારા કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ યાસીન રાખવામાં આવ્યું છે. આવા આખા કુર્આનમાં કુલ ૧૪ શબ્દો છે જેને “ હુરૂફે મુકત્તઆત ” કહેવામાં આવે છે જેનો અર્થ અને મુરાદ અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણતું.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ સૉફ્ફાત ۞
➥ નંબર :- ૩૭
➥ ભાવાર્થ :- સફ બાંધીને ઊભા રહેનારા
➥ આયતો :- ૧૮૨
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૬
❒ પરિચય :- આ સૂરહમાં મુખ્યત્વે મક્કાના બહુદેવવાદી ઓ ના અકાઈદના રદ્દીકરણ સાથે અમુક બેબુનિયાદ અને મનઘડત વાતોનું રદ્દીકરણ પણ કરવામાં આવ્યું છે. આ સાથે અલ્લાહ, રસૂલ અને આખિરત પર ઈમાન લાવવાની દાવતના સંદર્ભમાં અમુક નબીઓ ના કિસ્સા પણ વર્ણવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ સૂરહમાં જન્નત અને તેમાં મળનારી નેઅમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને સાથે દોજખીઓ ની પરિસ્થિતિ પણ વર્ણવામાં આવી છે.
આ સૂરહના પ્રારંભમાં સફ બાંધીને ઊભા રહેનારા ફરિશ્તાઓ ની કસમ ખાવામાં આવી છે, આના પરથી સૂરહનું નામ સૉફ્ફાત (સફ બાંધીને ઊભા રહેનારા) નામ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ સૉદ ۞
➥ નંબર :- ૩૮
➥ ભાવાર્થ :- સૉદ
➥ આયતો :- ૮૮
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૩૮
❒ પરિચય :- આ સૂરહમાં સૌપ્રથમ મક્કાના કાફિરોની મુર્ખતા પર આધારિત વાતોના રદ્દીકરણ સાથે પસાર થયેલા નબીઓ ના જીવન પર આધારિત એવા પાસાઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં બોધપાઠ પણ છે અને દિલોમાં અલ્લાહ તઆલા ના શુક્રની કેફિયત પણ પેદા થાય છે.
આ ઉપરાંત નબી ﷺ ને ધીરજ ની તાકીદ કરવાની સાથે હઝરત દાઉદ અ.સ. ના કિસ્સાના સંદર્ભમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે સર્વોચ્ચ સત્તાનો માલિક માત્ર અલ્લાહ તઆલા છે, માણસ તો માત્ર જમીન પર અલ્લાહ તઆલા નો આદેશ જારી કરવા માટે બંધાયેલો છે. માણસ પોતાના તરફથી કોઈ કાયદો બનાવી નથી શકતો.
આ સૂરહનો પ્રારંભ સૉદ હુરૂફે મુકત્તઆત દ્વારા કરવામાં આવ્યો હોવાથી સૂરહનું નામ સૉદ રાખવામાં આવ્યું છે. આવા આખા કુર્આનમાં કુલ ૧૪ શબ્દો છે જેને “ હુરૂફે મુકત્તઆત ” કહેવામાં આવે છે જેનો અર્થ અને મુરાદ અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણતું.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ ઝુમર ۞
➥ નંબર :- ૩૯
➥ ભાવાર્થ :- સમૂહ
➥ આયતો :- ૭૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૫૯
❒ પરિચય :- આ સૂરહમાં આજ્ઞાકારી અને ઈબાદતને પાત્ર જાત માત્ર અલ્લાહ તઆલા ની છે આ વાત પર જોર આપવામાં આવ્યું છે, તદુપરાંત આ વાત પણ સમજાવવામાં આવી છે કે કયામતના દિવસે કોઈ કોઈના કામ નહીં આવે, તે પણ નહીં જેઓને તમે આ દુનિયામાં અલ્લાહને છોડીને પોકારો છો.
આ ઉપરાંત સૂરહમાં ગુનેહગારો ને ખુશખબર સંભળાવવા માં આવી છે કે તમે અલ્લાહ ની રહમતથી નિરાશ ન થાઓ, અલ્લાહ તઆલા થી માફી (તૌબા) માંગી લ્યો અલ્લાહ તઆલા તરત માફ કરી આપશે.
આ સૂરહમાં કાફિરોનું સમૂહની સૂરતમાં દોજખમાં જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આનાથી પરથી સૂરહનું નામ ઝુમર (સમૂહ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ મોમીન ۞
➥ નંબર :- ૪૦
➥ ભાવાર્થ :- ઈમાન ધરાવનાર
➥ આયતો :- ૮૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૦
❒ પરિચય :- આ સૂરહમાં મુસા અ.સ. ના યુગનો કિસ્સો વર્ણવી તે લોકોની પકડ કરવામાં આવી છે જેઓ સત્તા, અને મૂડીના નશામાં તલ્લીન થઈ મુસલમાનો પર જુલમ કરતા હતા, કે જેવી રીતે તેઓનો અંત આવ્યો છે તમારો પણ અંત નક્કી છે.
આ ઉપરાંત આ સૂરહમાં મોમીનો સાથે અલ્લાહ ની મદદ, તેની કુદરત (તાકાત), દરેક કાર્યનું ઈનામ અને સજાનો કાનૂન અટલ હોવું વગેરે બતાવવાની સાથે આ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે મોહલતનો સમય સમાપ્ત થાય છે તો દુનિયાની કોઈ તાકત અલ્લાહ ના ફેસલાને રોકી શકતી નથી.
આ સૂરહમાં ફિરઓનના યુગના એક મોમીન નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ મોમીન રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ હા મીમ સજ્દહ ۞
➥ નંબર :- ૪૧
➥ ભાવાર્થ :- હા મીમ સજ્દહ
➥ આયતો :- ૫૪
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૧
❒ પરિચય :- આ સૂરહમાં કુર્આનને નકારવા વાળાઓ ને ચેતાવણી આપવામાં આવી છે, અને સાથે કુર્આન પર ઈમાન લાવનારાઓ ને ખુશખબર પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત સૂરહમાં ખાસ વાત આ પણ બતાવવામાં આવી છે કે કયામતના દિવસે માણસના દરેક અવયવો ગવાહી આપશે. તેમજ આ ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ બ્રહ્માંડ અને માણસમાં છુપાયેલા તમામ રહસ્યો જાહેર થશે. આથી વર્તમાન યુગમાં, વિજ્ઞાનના વિકાસને કારણે, બ્રહ્માંડમાં છુપાયેલા રહસ્યો અને તબીબી વિજ્ઞાનના કારણે માનવમાં છુપાયેલા રહસ્યો દિન-પ્રતિદિન પ્રગટ થતા નજર આવે છે.
આ સૂરહનો પ્રારંભ હા મીમ હુરૂફે મુકત્તઆત થી કરવામાં આવ્યો છે, તેમજ આગળ જતાં સજ્દહ નો આદેશ પણ આપવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ હા મી સજ્દહ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ શૂરા ۞
➥ નંબર :- ૪૨
➥ ભાવાર્થ :- આપસી સલાહ સૂચન
➥ આયતો :- ૫૩
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૨
❒ પરિચય :- આ સૂરહમાં અલ્લાહના કાયદા એટલે કે શરીયતને અમલમાં લાવવા, દીનની સ્થાપના માટે સંઘર્ષ કરવા અને શરીયતને સલાહ સૂચન સાથે ન્યાયી ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા માર્ગદર્શનો આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ સૂરહમાં અલ્લાહના કાયદા અને માનવસર્જિત કાયદા વચ્ચેનો તફાવત જણાવીને રાજનૈતિક સ્તરે એકેશ્વરવાદને અપનાવવાનું સમજાવવામાં આવ્યું છે. તેમજ દીનની સ્થાપના માટે પ્રયત્નશીલ લોકોના ૧૦ ગુણોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આ સૂરહમાં વાસ્તવિકતા જાણવાનું માધ્યમ વહી છે એવું બતાવવાની સાથે મોમીનોને સલાહ સૂચન સાથે કામ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આના પરથી સૂરહનું નામ શૂરા (આપસી સલાહ સૂચન) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ ઝુખરૂફ ۞
➥ નંબર :- ૪૩
➥ ભાવાર્થ :- સોનું
➥ આયતો :- ૮૯
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૩
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય વિષય બહુદેવવાદની વાહિયાત ને સ્પષ્ટ કરવું અને એકેશ્વરવાદ નું સચોટ હોવું બતાવવું છે. અને સાથે બહુદેવવાદ ના સબબ પણ બતાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત હકના ઈનકાર નો પણ સબબ બયાન કરતાં આ વાત બતાવવામાં આવી છે કે હકનો લોકો એટલા માટે ઈનકાર કરે છે કે તેઓના દિલોમાં સોનું ચાંદી અને દુનિયાની મોહબ્બત પેદા થઈ જાય છે. ત્યારબાદ કયામતના દિવસે માનનારા અને ન માનનારા વિષે આ વાત બતાવવામાં આવી છે કે તેઓ બન્નેની પરિસ્થિતિ જુદી જુદી હશે.
આ સૂરહમાં સોનું (માલ - દોલત) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના લીધે લોકો અલ્લાહ તઆલા ની આજ્ઞાથી દૂર ભાગે છે. આના પરથી સૂરહનુું નામ ઝુખરૂફ (સોનું) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ દુખાન ۞
➥ નંબર :- ૪૪
➥ ભાવાર્થ :- ધુમાડો
➥ આયતો :- ૫૯
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૪
❒ પરિચય :- આ સૂરહનો મુખ્ય હેતુ કુર્આનની કદર ન કરનારાઓ અને પયગંબરનો ઈનકાર કરનારાઓ ને પીડાદાયક સજાની ખબર આપવો છે.
આ ઉપરાંત સૂરહમાં બની ઈસરાઈલ પર કરવામાં આવેલ ઉપકારોનું વર્ણન છે કે તેઓએ નાશુક્રી કરી તો અલ્લાહ તઆલા એ તેઓને આપેલી શ્રેષ્ઠતા પાછી છીનવી લીધી. તેમજ દોજખમાં મળનારી વિવિધ સજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ સૂરહમાં આસમાન પર ધુમાડો દેખાડવાનું વર્ણન કરવામાં આવ્યું છે, આના પરથી સૂરહનુું નામ દુખાન (ધુમાડો) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ જાષિયહ્ ۞
➥ નંબર :- ૪૫
➥ ભાવાર્થ :- ઘૂંટણિયે પડવું
➥ આયતો :- ૩૭
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૫
❒ પરિચય :- આ સૂરહમાં એકેશ્વરવાદ અને આખિરત ની નિશાનીઓ તરફ ધ્યાન દોરવાની સાથે તેના પરિણામથી આગાહ પણ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ સૂરહમાં આ વાત પણ બતાવવામાં આવી છે કે પોતાની મરજી મુજબ ચાલવું દરઅસલ પોતાના નફ્સને માબૂદ બનાવવું છે. એક મુસલમાન પોતાની મરજી મુજબ નહીં, બલ્કે અલ્લાહ ની મરજી મુજબ ચાલે છે. કેમ કે તે જ દરેક વસ્તુનો માલિક છે.
આ સૂરહમાં ગુનેગારો ના કયામતના દિવસે ઘૂંટણિયે પડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ જાષિયહ્ (ઘૂંટણિયે પડવું) રાખવામાં આવ્યો છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ અહકાફ ۞
➥ નંબર :- ૪૬
➥ ભાવાર્થ :- એક જગ્યાનું નામ
➥ આયતો :- ૩૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૬
❒ પરિચય :- આ સૂરહમાં એકેશ્વરવાદ ની પુષ્ટિ, બહુદેવવાદ નું રદ્દીકરણ, અને પયગંબરીના હોદ્દાની સ્પષ્ટતા બાદ મક્કા વાસીઓ ના એક બાતિલ અકીદાનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે કે તમે જે માબૂદ વાસ્તે અલ્લાહ તઆલા ની નજદીકી પ્રાપ્ત કરવાની માન્યતા ધરાવો છો તમારા તે માબૂદ પોતે લાચાર છે.
આ ઉપરાંત આ સૂરહમાં અહકાફ નામી વાદીના લોકોની બરબાદી તેમજ જીન્નાતોના ઈમાન લાવવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ સૂરહમાં અહકાફ નામી વાદીના લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે, આના પરથી સૂરહનું અહકાફ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ મુહમ્મદ ۞
➥ નંબર :- ૪૭
➥ ભાવાર્થ :- નામ
➥ આયતો :- ૩૮
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૯૫
❒ પરિચય :- આ સૂરહમાં અલ્લાહના માર્ગમાં અવરોધ કરનારા કાફિરો સામે યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે. તેમજ મદીનામાં રાજ્યના અસ્તિત્વ માટે પોતાનો માલ ખર્ચ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત આ સૂરહમાં આ દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત સમજાવતા મુસ્લિમો અને કાફિરો વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો છે. તેમજ કાફિરોની પકડની બે રીત બતાવવામાં આવી છે કે એક રીત અલ્લાહ તઆલા તરફથી સીધી સજા છે, જ્યારે બીજી રીત મુસ્લિમોના હાથે સજા છે.
આ સૂરહમાં નબી ﷺ નું નામ મુહમ્મદ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ સૂરહ મુહમ્મદ રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ ફત્હ ۞
➥ નંબર :- ૪૮
➥ ભાવાર્થ :- સફળતા
➥ આયતો :- ૨૯
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૧૧૧
❒ પરિચય :- આ સૂરહમાં નબી ﷺ અને સહાબાને આ વાતની ખુશખબરી આપવામાં આવી છે કે હવે વિજયોનો સમય શરૂ થઈ ગયો છે, તેમજ સુલેહ હુદૈબિયા નો સબબ તથા ત્યાં કરવામાં આવેલી બયઅતને અલ્લાહ તઆલા ની બયઅત કહેવામાં આવી છે.
આ ઉપરાંત આ સૂરહમાં મુસાફિકો ના ષડયંત્રો તેમજ રસુલુલ્લાહ ﷺ નબી બનાવી મોકલવાનો મકસદ બતાવવામાં આવ્યો છે કે દીને ઈસ્લામ આખી દુનિયામાં ગાલીબ આવી જાય.
આ સૂરહમાં મુસલમાનો ને આગળ જતાં મળનારી કામયાબી તથા વિજયોની ખુશખબરી આપવામાં આવી છે, આના પરથી સૂરહનું નામ ફત્હ (કામયાબી, વિજય) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ હુજુરાત ۞
➥ નંબર :- ૪૯
➥ ભાવાર્થ :- ઓરડીઓ
➥ આયતો :- ૧૮
➥ સ્થાન :- મદીના
➥ ઉતરવાનો ક્રમ :- ૧૦૬
❒ પરિચય :- આ સૂરહમાં નૈતિકતા, મજલિસ ના આદાબ અને સમાજ સુધારણાની તાલીમ આપવામાં આવી છે. આ સાથે કોઈ પણ પ્રકારની અફવાઓ પર યકીન ન કરવા વિષે પણ તાકીદ કરવામાં આવી છે.
આ ઉપરાંત પરસ્પર દુશ્મની તરફ લઈ જનારા દુર્ગુણોથી રોકવામાં આવ્યા છે. જેમ કે મશ્કરી, ટોણો, ખરાબ નામ પાડવું, બદગુમાની, કોઈની પાછળ પડવું અને ગીબત કરવી વગેરે. આ સાથે મુસલમાનો ના સાર્વત્રિક સમુદાયની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સમુદાય જાતિ, કુટુંબ, વંશ, અને માતૃભૂમિના આધારે નહીં, બલ્કે અલ્લાહ અને તેના રસૂલ ﷺ પર ઈમાનના આધાર પર બન્યો છે.
આ સૂરહમાં ઓરડાની બહારથી નબી ﷺ ને પોકારવાની મનાઈ કરવામાં આવી છે, આના પરથી સૂરહનું નામ હુજુરાત (ઓરડીઓ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ કૉફ ۞
➥ નંબર :- ૫૦
➥ ભાવાર્થ :- કૉફ
➥ આયતો :- ૪૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૩૪
❒ પરિચય :- આ સૂરહમાં એકેશ્વરવાદ સબૂત તથા નકારનારાઓ અને શંકાશીલ લોકોનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આ સૂરહમાં મૃત્યુ, કયામત, જન્નત, દોજખ વગેરેને સબૂત તથા સમજાવવા માટે વિવિધ પ્રકારની દલીલો આપવામાં આવી છે. તેમજ કયામતના દિવસે અલ્લાહ સમક્ષ હાજર રહેવાનું દૃશ્ય પણ વર્ણવામાં આવ્યું છે.
આ સૂરહનો પ્રારંભ કૉફ હુરૂફે મુકત્તઆત થી કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ કૉફ રાખવામાં આવ્યું છે. આવા આખા કુર્આનમાં કુલ ૧૪ શબ્દો છે જેને “ હુરૂફે મુકત્તઆત ” કહેવામાં આવે છે જેનો અર્થ અને મુરાદ અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણતું.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ જારિયાત ۞
➥ નંબર :- ૫૧
➥ ભાવાર્થ :- ધૂળ ઉડાવનાર પવન
➥ આયતો :- ૬૦
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૬૭
❒ પરિચય :- આ સૂરહમાં ઈનામ અને સજા નકારનારાઓ તેમજ તેની મજાક ઉડાવનારાઓ ને તેઓના અંતથી ડરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત તે નિશાનીઓ તરફ ધ્યાન દોર્યું છે જે જમીન અને આસમાનમાં ફેલાયેલી છે. અને આ હકીકત પરથી પણ પડદો ઉઠાવવામાં આવ્યો છે કે બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે અને એટલે કે નવા નવા તારા અને આકાશગંગા નું નિર્માણ વધી રહ્યું છે. આની સાથે માનવ અને જીન્નતોના સર્જનનો હેતુ પણ બતાવવામાં આવ્યો છે કે તેઓને માત્ર અલ્લાહ તઆલા ની ઈબાદત (ઓળખ) માટે પેદા કરવામાં આવ્યા છે.
આ સૂરહનો પ્રારંભ ધૂળ ઉડાવનારા પવનની કસમ ખાવાથી કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ જારિયાત (ધૂળ ઉડાવનાર પવન) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ તૂર ۞
➥ નંબર :- ૫૨
➥ ભાવાર્થ :- પહાડનું નામ
➥ આયતો :- ૪૯
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૭૬
❒ પરિચય :- આ સૂરહમાં કયામત અને ત્યાં દરેક અમલનો બદલો મળવા સંબંધિત કાફિરોના મજાક તથા સવાલોના જવાબ આપતાં કયામત અને દરેક અમલનો બદલો મળવાનું યકીન અપાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત કયામત વિષે વધુ દલીલો આપતાં કયામતના દિવસે મળનારી સફળતાની ખુશખબરી આપવામાં આવી છે. અને સાથે ઈબાદત ની તાકીદ પણ કરવામાં આવી છે.
આ સૂરહમાં તૂર નામી પહાડ ની કસમ ખાતાં સૂરહનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આના પરથી સૂરહનું નામ તૂર રાખવામાં આવ્યું.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ નજ્મ ۞
➥ નંબર :- ૫૩
➥ ભાવાર્થ :- તારો
➥ આયતો :- ૬૨
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૨૩
❒ પરિચય :- આ સૂરહમાં મેઅરાજ ની ઘટનાનું સૌથી મહત્વપૂર્ણ પાસું વર્ણવામાં આવ્યું છે. તેમજ વહી અને પયગંબરી બાબત તે તથ્યોનું વર્ણન છે જેના દ્વારા આપોઆપ નબી ﷺ પર જ્યોતિષવિદ્યા નો આરોપ ખતમ થઈ જાય.
આ ઉપરાંત શિર્ક કરનારાઓ ની ટીકા કરતાં આ વાત બતાવવામાં આવી છે કે જેઓ અલ્લાહ તઆલા સિવાય અન્યની પૂજા કરે છે તેમજ તેઓથી ઉમ્મીદ બાંધે છે કે તેઓ કયામતના દિવસે કામ આવશે, એવું કદાપિ નહીં થાય, દરેકને પોતાના કર્મની સજા મળશે.
આ સૂરહના પ્રારંભમાં તારાની કસમ ખાવામાં આવી છે, આના પરથી સૂરહનું નામ નજ્મ (તારો) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ કમર ۞
➥ નંબર :- ૫૪
➥ ભાવાર્થ :- ચાંદ
➥ આયતો :- ૫૫
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૩૭
❒ પરિચય :- આ સૂરહમાં કયામત અને અલ્લાહ તઆલા ની સજાથી ખબરદાર કરવામાં આવ્યા છે, તેમજ પયગંબરો ને નકારવા વાળી વિવિધ કોમોનો ટૂંકમાં વર્ણન કરી સતર્ક કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કયામત, પયગંબરી, તકદીર જેવા બુનિયાદી અકાઈદ પણ વર્ણવામાં આવ્યા છે. અને સાથે ચાંદના બે ટુકડાના મોઅ્જીઝા નું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આ સૂરહમાં ચાંદીના બે ટુકડા બાબત પ્રખ્યાત મોઅ્જીઝા નું વર્ણન છે, તેના પરથી સૂરહનું નામ કમર (ચાંદ) રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○
۞ સૂરહ રહમાન ۞
➥ નંબર :- ૫પ
➥ ભાવાર્થ :- નામ
➥ આયતો :- ૭૮
➥ સ્થાન :- મક્કા
➥ ઉતરવાનો ક્રમ :- ૯૭
❒ પરિચય :- આ સૂરહમાં નવી વ્યવસ્થા સાથે નવા બ્રહ્માંડની રચનાની કુર્આન જે ખબર આપી રહી છે તેને અશક્ય ખયાલ કરનાર લોકોને સંપૂર્ણ શક્તિ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. અને પૃથ્વી તેમજ આકાશની અજાયબીઓ નું વર્ણન કરી વારંવાર આ સવાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે કે તમે તમારા રબના કેટકેટલા ઈનામોને નકારશો..?
તેમજ આ એક જ સવાલ ૩૧ વખતે પ્રસ્થાપિત કરી મનુષ્યો અને જિન્નાતો ની મૃત અંતરાત્માને આભારી બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. આ ઉપરાંત કયામત અને જન્નત દોજખની વિવિધ સ્થિતિઓ વર્ણવી નકારનારાઓ ને ડરાવવામાં આવ્યા છે, અને મોમીનો ને ખુશખબરી આપવામાં આવી છે.
આ સૂરહનો પ્રારંભ અલ્લાહ તઆલા ના ખાસ નામ રહમાન દ્વારા થયો હોવાથી સૂરહનું નામ રહમાન રાખવામાં આવ્યું છે.
●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○