દુનિયામાં અમન અને સલામતી નો એક માત્ર ઉપાય

Ml Fayyaz Patel
0
   આજે દુનિયાભરમાં દરેક દેશ આ કોશિશમાં વ્યસ્ત અને તલ્લીન નજર આવે છે કે આપણા દેશમાં અમન અને સલામતી કેવી રીતે આવી જાય..? તેના માટે જાત જાતના નિયમો બનાવી જનતા પર લાગુ કરવામાં આવે છે. નવા નવા કાયદા બનાવી લોકોને પાબંદ બનાવવામાં આવે છે. અવાર નવાર થતી ઘટનાઓ અને બનાવો ને રોકવા માટે નવા નવા કાનૂન બનાવી જારી કરવામાં આવે છે. ક્રાઈમ ની રોકટોક માટે આધુનિક સામગ્રીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. જનતાને ન્યાય આપવા માટે અદાલતો બનાવવામાં આવે છે. ગુનેગારોને સજા આપવા માટે જેલ વગેરે બનાવવામાં આવી રહી છે. અપરાધીઓ ની ધરપકડ માટે પોલીસ તૈનાત કરવામાં આવે છે. ફોજી જમાઅતો બનાવી સરહદ પર બહારથી આવતા ખતરાઓ ને રોકવા ઉભી કરવામાં આવે છે.
   પરંતુ આ બધી જ કોશિશો અને પ્રયત્નો કર્યા બાદ પણ અમન અને સલામતી તો દૂરની વાત બલ્કે દિવસે ને દિવસે હર ઘડી કોઈ ને કોઈ ઘટના અને બનાવો નજર સમક્ષ આવતા જાય છે, બંધ થવાનું તો દૂર રોકવાનું નામોનિશાન પણ નથી દેખાતું. જેના પર આ વાત બિલકુલ ઉતરતી નજર આવે છે કે :
" મરજ બઢતા હી ગયા જું જું દવા કી "
   હવે સવાલ આ છે કે આવું કેમ કે અમન અને સલામતી માટે જેટલી કોશિશ કરવામાં આવે છે તેટલી જ તેના વિરુદ્ધ ઘટનાઓ અને બનાવો બનતા નજર આવે છે...? તો તેનું સામાન્ય કારણ આ છે કે અહીં દુનિયામાં ક્રાઈમ અને ગુન્હો કરનાર પણ માણસ છે. અને કાયદા કાનૂન બનાવનાર તેમજ સજા આપનાર પણ માણસ છે. તો જાહેર છે કે ગુનેગાર માણસ જ્યારે ગુન્હો કરવાનું વિચારે છે તો તેની સામે સજા આપનાર જે તેની જેમ એક માણસ જ હોય છે તેની તાકાત નો અંદાજો અને અનુભવ હોય છે. અને તેનાથી બચવાના હજાર રસ્તાઓ પણ હોય છે તો આ એક એવી વસ્તુ છે જે માણસને ગુન્હો કરવા પર ઉભારે છે અને તેની હિમ્મતમાં પણ વધારો કરે છે. આ જ કારણ છે કે ગુનેગાર ગુન્હો કરવા તૈયાર થઈ જાય છે.
   ખબર પડી કે ક્રાઈમ અને ગુન્હો કરનાર વ્યક્તિ માટે એક એવી વસ્તુની જરૂર છે જે તેના છુટવાના દરેક રસ્તાઓ બંધ કરી દે, તેને એવા યકીનની જરૂરત છે કે આ ગુન્હો કરું છું તેની ઉપર પકડ જરૂર થવાની છે, સજા આપનાર નો ગુનેગાર ના દિલમાં ડર અને ભય યકીની હોય તો ગુનેગાર ગુન્હો કરતા પહેલા ૧૦૦ વખત વિચાર કરશે. અને આવો ડર અને ભય માત્ર અને માત્ર અલ્લાહનો જ હોય શકે છે. કેમ કે તે સર્વશક્તિમાન છે, દરેક વસ્તુ પર તેનો જ કબજો છે, તેની દ્રષ્ટિથી કોઈ વસ્તુ ગાયબ નથી, દરેક નો હાલ તેના કરતાં પણ વધારે જાણનાર જાત છે, જેને એક ઉદાહરણ થી પણ સમજી શકાય છે કે ઈનસાની તાકાત અને અલ્લાહ તઆલા ની તાકાત માં કેટલો તફાવત છે, અને કોની તાકાત ક્રાઈમ રોકવા માટે અસરકારક છે.
એક માણસે બનાવેલ સીસીટીવી કેમેરો છે જેમાં માત્ર માણસની જાહેરી હરકતો અને કરતૂતો ને દેખાડે છે, પરંતુ દિલમાં ભરેલ દૃષ્ટતા, ખરાબ વિચારો ને નથી દેખાડી શકતો, જ્યારે કે અલ્લાહ તઆલા ની દ્રષ્ટિ એક એવો સીસીટીવી કેમેરો છે જે ન માત્ર જાહેર વસ્તુઓ દેખાડે છે બલ્કે દિલોના વિચારો ને પણ દેખાડી દે છે.
   તે માટે સમાજમાં ચાલતા બનાવો, શહેરોમાં બનતી ઘટનાઓ અને દેશોમાં થતા ક્રાઈમો રોકવા માટે દરેકના દિલમાં અલ્લાહના ડર અને ભયની ખૂબ જ જરૂર છે. એવી જ રીતે એક એવી વિચારધારા અને અકીદાની પણ જરૂર છે જેમાં માણસને આ વાતનું યકીન હોય કે મારે એક દિવસ પોતાની પૂરી જીંદગી નો હિસાબ આપવાનો છે. જ્યારે આ બે વસ્તુ લોકોમાં આવી જશે તો ગેરંટી છે કે ઈન્શા અલ્લાહ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના કે બનાવ જોવા નહીં મળે.
   ઈસ્લામે આ બન્ને (અલ્લાહનો ડર અને દરેક વસ્તુનો હિસાબ આપવાની વિચારધારા) નો દુનિયામાં વસતા દરેક નાગરીક ને પાબંદ બનાવ્યા છે. જેમને ઈસ્લામી ગ્રંથોમાં " તકવા " (અલ્લાહનો ડર) અને " કયામત " (દરેક વસ્તુનો હિસાબ આપવાનો સમય) ના નામથી ઉલ્લેખ કર્યો છે.
   આ બન્નેનો ન માત્ર કુર્આન અને હદીષમાં ઉલ્લેખ મળે છે. બલ્કે કાયદેસર તેની ખૂબ જ તાલીમ અને તાકીદ આપવામાં આવી છે. તેમને અપનાવવા પર મોટા મોટા ઈનામના વાયદા પણ કરવામાં આવ્યા છે. માત્ર કુર્આનમાં જ ઉડતી નજરે જોઈએ તો " તકવા " નું ૨૦૦ થી વધારે જગ્યાએ વર્ણન મળે છે. અને " કયામત " તો કુર્આનનો એક તૃતીયાંશ ભાગ તેના ઉલ્લેખ પર આધારિત છે. અને હદીષમાં તો આ બન્નેનો ઉલ્લેખ બેશુમાર જગ્યાઓ પર જોવા મળે છે.
   જ્યારે ઉપરની વાત સારી રીતે સમજી લીધી હોય તો દરેક બુદ્ધિમાન વ્યકિત આ વાત સારી રીતે સમજી શકે છે કે દુનિયામાં અમન અને સલામતી માટેનો એક માત્ર ઉપાય કુર્આન અને હદીષની તાલીમને પોતાની જીંદગીમાં ઉતારવામાં છે. અને આ કોઈ અંદાજિત વાત નથી બલ્કે યકીની, અનુભવી અને ઐતિહાસિક સંદર્ભોના આધારે કહેવામાં આવતી વાત છે. ઈસ્લામી ઈતિહાસ જોઈએ તો ખબર પડે છે કે જ્યાં જ્યાં આખી વસ્તીમાં કુર્આન અને હદીષની તાલીમને અપનાવવામાં આવી ત્યાનો માહોલ શાંતિમય જોવા મળ્યો, અમન અને સલામતી જોવા મળી.
   ઈસલામના શરૂઆતના દિવસોનો ઈતિહાસ આપણી સામે છે અરબસ્તાન માં કેવી શાંતિ, અમન અને સલામતી છવાઈ ગઈ હતી કે એક સ્ત્રી દૂર દૂર સુધીનો સફર ઊંટ પર એકલી કરતી હતી. બલ્કે હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝؒ નો સમય તો શાંતિ નું એક ઉદાહરણ બની ગયું હતું. માનવી તો દૂર ની વાત પાલતું અને જંગલી પ્રાણીઓ એક સાથે એક જગ્યાએ થી પાણી પીતા હતા. આ બધું ત્યારે શક્ય થયું જ્યારે બધાએ કુર્આન અને હદીષની તાલીમને ગળે લગાવી.
   તે માટે જો આજે દુનિયામાં અમન અને સલામતી ની જરૂર છે તો કુર્આન અને હદીષની તાલીમને ગળે લગાડવી પડશે, નહીંતર વર્ષો વીતી જશે પરંતુ બધી જ કોશિશો અને પ્રયત્નો નિષ્ફળ જશે જેમ કે આજે આપણે દેખતી આંખોએ જોઈ રહ્યા છીએ.
[પૂર્ણ]
--------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)