લોકોમાં આ વાત પર ખૂબ જ પ્રચલિત છે કે હદીષમાં આવે છે કે સૌપ્રથમ હાર્ટએટેક હઝરત સઅદ બિન અબી વક્કાસؓ ને આવ્યો હતો, અને તેની સાથે તેનો એક ઈલાજ પણ બતાવવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
દરઅસલ ઉપરોક્ત જે હદીષ તરફ ઈશારો કરવામાં આવ્યો છે તે હદીષ આ મુજબ છે. “ હઝરત સઅદ બિન અબી વક્કાસؓ બયાન કરે છે કે હું ખૂબ જ બીમાર થઈ ગયો, તો અલ્લાહના રસૂલ ﷺ મારી મુલાકતે આવ્યા. તેમણે પોતાના મુબારક હાથને મારી છાતીની વચ્ચે મુક્યો અહીં સુધી મેં મારા હૃદયમાં તેની ઠંડક અનુભવી, તો નબી ﷺ ફરમાવ્યું કે “ તમે દિલની બીમારના શિકાર છો ”, બનૂ ષકીફના હારીષ બિન કલ્દા પાસે જાઓ, તે દવા કરે છે. “ તેણે જોઈએ કે તે તમને અજવા ખજૂરો પૈકી સાત ખજૂરો લઈ તેના ઠરીયા સમેત વાટીને તમને ખવડાવે.” [અબૂ દાઉદ : ૩૮૭૫]
આ હદીષ જોયા બાદ ઉપરોક્ત પ્રચલિત વાતને સંબંધિત અમુક વાતો ખબર પડે જે આ મુજબ છે.
➊ પ્રચલિત છે કે સૌપ્રથમ હાર્ટએટેક સઅદ બિન અબી વક્કાસؓ ને આવ્યો, જ્યારે કે ઉપરોક્ત વર્ણવેલ તથા અન્ય કોઈ હદીષમાં આનો કોઈ સબૂત નથી કે સૌપ્રથમ હાર્ટએટેક તે સહાબીؓ ને આવ્યો હોય.
➋ પ્રચલિત છે કે તેમને હાર્ટએટેક આવ્યો હતો. જ્યારે કે હદીષમાં માત્ર દિલની બિમારી નો ઉલ્લેખ છે જે માત્ર હાર્ટએટેક ને સીમીત નથી, બલ્કે હાર્ટએટેક દિલની બિમારીઓ પૈકી એક છે. માટે હદીષમાં દિલની બિમારી ના વર્ણનને હાર્ટએટેક સાથે ખાસ કરવું વાંધારૂપી જણાય છે.
➌ કાલ્પનિક રૂપે માની પણ લેવામાં આવે કે આ બિમારી હાર્ટએટેક ની છે તો પણ ઈલાજ અને દવા વિવિધ સ્થળોની આબોહવા અલગ અલગ પ્રકારની હોવાને લીધે આ રીતનો કોઈ પણ ઈલાજ કોઈ માહેર તબીબની સલાહ વગર કરવામાં સાવચેતી અપનાવવી જોઈએ. આ વાતનો ઈશારો ઘણી હદીષોમાં જોવા મળે છે. તેમજ ઉલમાએ પોતાની કિતાબોમાં આ વિષે પ્રકાશ પણ પાડ્યો છે કે કોઈ તબીબ ની સલાહ અવશ્ય લેવામાં આવે. જેમ કે હદીષમાં બતાવેલ નબવી ઈલાજો વિષે નીચે મુજબ વાતો ઉલમાએ લખી છે.
➤ રોગો અને દવાઓ બે પ્રકારના હોય છે એકલ અને સંયોજન. એકલ ખોરાકની ખરાબીથી ઉદ્ભવતા રોગો માટે એકલ દવાઓ જ પૂરતી છે. અને સંયોજન ખોરાકની ખરાબીથી ઉદ્ભવતા રોગો માટે સંયોજન દવા જરૂરી છે. એકલ દવાઓ થી તેની સારવાર કરવી શક્ય નથી.
➤ ઈલાજ પર આધારિત હદીષોનું પાલન કરવા માટે રોગને ઓળખવો ખૂબ જરૂરી છે. કેટલાક રોગો જટિલ છે, અને કેટલાક રોગો એક સમાન દેખાતા હોય છે, તેથી આંખો બંધ કરી કોઈ પણ ઈલાજ ન કરી શકાય.
➤ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું પણ અગત્યનું છે. એટલે કે દવા એકલ વાપરવી જોઈએ કે સંયોજનમાં. ત્યારબાદ દરેક દવાની માત્રા કેટલી હોવી જોઈએ..? અને કેટલી માત્રામાં કેટલી વાર લેવી જોઈએ..? આ બધી બાબતોનું જ્ઞાન જરૂરી છે. પરંતુ આ બધી વિગતોનો હદીસોમાં ઉલ્લેખ નથી, તેથી ઈલાજ પર આધારિત દવાની હદીસો પર પ્રત્યક્ષપણે અમલ કરવો શક્ય નથી. [તોહફતુ'લ્ અલમઈ : ૫ / ૩૬૯]
તે માટે એવું સમજવું કે સૌપ્રથમ હાર્ટએટેક એક સહાબીને આવ્યો હતો દુરસ્ત નથી, અને આવી વાતો ફેલાવવાથી પણ બચવું જોઈએ.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59