આપણે જે સમાજમાં રહીએ છીએ તે એક મિશ્ર સમાજ હોવાથી મુસ્લિમ સમાજમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે જેનું ઈસ્લામ કોઈ સ્થાન નથી હોતું અથવા જે વસ્તુઓ સહીહ હોય છે તેને પણ નકારી દેવામાં આવે છે. આ પૈકી એક વસ્તુ શુકન અને અપશુકન પણ છે. આ બન્ને વિષે આપણે ઈસ્લામી દૃષ્ટિકોણ જોઈએ.
શુદ્ધિકરણ :-
સૌપ્રથમ શુકન અને અપશુકન કોને કહેવાય તે જોઈએ.
➨ શુકન :- કોઈ વસ્તુનો સારો મતલબ કાઢવો. દા.ત. કોઈ વ્યક્તિ બિમાર હોય, અને તેની કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થાય જેનું નામ સાલિમ હોય. તો હવે બિમાર વ્યક્તિ આનો આ મતલબ કાઢે કે સાલિમ નો અર્થ સુરક્ષિત છે અને શુભ સંકેતના રૂપમાં એવું સમજે કે હવે હું જરૂર સુરક્ષિત (તંદુરસ્ત) થઈ જઈશ. તો આને શુકન કહેવામાં આવે છે.
➨ અપશુકન :- કોઈ વસ્તુનો ખરાબ મતલબ કાઢવો, અથવા મનહૂસ તથા નુકસાન થવાનો મતલબ કાઢવો. દા.ત. ફલાણા વ્યક્તિને લીધે કામ બગડી ગયું, અથવા ફલાણા નું મોઢું જોઈ લીધું તેથી આખો દિવસ બેકાર ગયો, અથવા બિલાડી નો રસ્તો કાપવાથી કામ બગડી જવું વગેરે. આને અપશુકન કહેવામાં આવે છે.
▣ હુકમ :-
ઈસ્લામમાં શુકન જાઈઝ છે. અને અપશુકન જાઈઝ નથી. હદીષમાં આવે છે કે :
قَالَ النَّبِيُّ ﷺ : لَا عَدْوَى وَلَا طِيَرَةَ، وَيُعْجِبُنِي الْفَأْلُ، قَالُوا : وَمَا الْفَأْلُ، قَالَ : كَلِمَةٌ طَيِّبَةٌ. [બુખારી શરીફ : ૫૭૭૬]
અનુવાદ :- હુઝૂર ﷺ ફરમાવે છે કે (ઈસ્લામ માં) ચેપી રોગ અને અપશુકન નું કોઈ સ્થાન નથી. અને મને શુકન પસંદ છે. સહાબાએ પુછ્યું : શુકન શું છે..? હુઝૂર ﷺ એ ફરમાવ્યું કે સારી વાત.
આનું કારણ આ છે કે શુકનમાં એક સકારાત્મક પાસું હોય છે જે માણસને સફળ બનાવે છે. જ્યારે કે અપશુકન માં નકારાત્મક પાસું હોય છે જે માણસ માટે નુકસાનકારક સાબિત થાય છે. તદુપરાંત અપશુકન ઈસ્લામના બુનિયાદી અકાઈદના પણ વિરુદ્ધ છે તેથી ઈસ્લામમાં આ જાઈઝ નથી.
સારાંશ કે દરેક મુસ્લિમે આ વિષે પોતાના અકાઈદ સહીહ કરી લેવા જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59