ઝ઼ઈફ હદીષનો હુકમ અને તેના પર અમલ કરવા વિષે માહિતી

Ml Fayyaz Patel
0
   " ઝ઼ઈફ " હદીષની પરિભાષા નો એક શબ્દ હોવાના કારણે ઘણા લોકો તેના ભાવાર્થ અને હૂકમથી વંચિત છે જેને કારણે જ્યારે પણ હદીષ પ્રત્યે એમ કહેવામાં આવે છે કે આ હદીષ ઝ઼ઈફ છે તો લોકોમાં આ વિષે ઘણી મુંઝવણ તેમજ ગલત સમજણ જોવામાં આવે છે.
   તે માટે નિમ્ન ઝ઼ઈફનો ભાવાર્થ, ઝ઼ઈફ હદીષની વ્યાખ્યા અને તેનો હૂકમ વિગતવાર લખવામાં આવે છે.
❍ ઝ઼ઈફનો ભાવાર્થ અને તેની વ્યાખ્યા :-
શાબ્દિક અર્થ :- " ઝઈફ " અરબી શબ્દ છે જેનો ભાવાર્થ “ કમજોર ” થાય છે.
ઝ઼ઈફ હદીષની વ્યાખ્યા :- હદીષની પરિભાષામાં ઝ઼ઈફ હદીષ તે હદીષને કહેવામાં આવે છે જે હદીષ સહીહ અને હસન હદીષની શર્તો પર પૂરેપૂરી ન ઉતરતી હોય.
كل حديث لم يجتمع فيه صفات الحديث الصحيح ولا صفات الحديث الحسن فهو حديث ضعيف۔ [مقدمة ابن صلاح / ص :٢٠]
   મતલબ કે મુહદ્દીષીન ઉલમાએ હદીષના સહીહ અને હસન હોવા માટે જે શર્તો બયાન કરી છે તે શર્તો પૈકી કોઈ શર્ત જે હદીષમાં મૌજુદ ન હોય તેને ઝ઼ઈફ હદીષ કહેવામાં આવે છે.
➤ સહીહ અને હસન હદીષની ૬ શર્તો છે :- નીચે સહીહ અને હદીષ હસનની શર્તો વર્ણવામાં આવે છે.
➊ હદીષની સનદમાં વચ્ચેથી કોઈ રાવી (હદીષ બયાન કરનાર) નું ગાયબ ન હોવું.
➋ બધા રાવીઓનું આદિલ ન્યાયી હોવું.
➌ રાવીઓનું ગલતી, બેદરકારી અને ગફલતથી મહફૂઝ હોવું.
➍ તે હદીષનું બીજા તરીકા (સનદ) થી પણ સાબિત હોવું, ( એટલે કે ઝ઼ઈફ હદીષ બીજા તરીકાથી સાબિત હોય છે તો તે હસન હદીષની વ્યાખ્યામાં શામેલ થઈ જાય છે.)
➎ વિરલતા થી સલામત હોવું.
➏ ઉણપ ઉપજાવનાર કોઈ પણ કારણથી સલામત હોવું.
   આ તે ૬ શર્તો છે જે કોઈ હદીષમાં લાગુ ન પડવા પર તે હદીષ પર ઝ઼ઈફ નો હૂકમ લગાડવામાં આવે છે.
❍ ઝ઼ઈફ હદીષનો હૂકમ :-
  વધારે પડતા મુહદ્દીષીન અને મુહક્કીન (શુદ્ધિકરણ કરનાર) ઉલમાના નજદીક ઝ઼ઈફ હદીષ પર અમલ કરવો ફઝીલતના વિષયમાં જાઈઝ છે.
   જેમ કે મુહદ્દીષ અબ્દુર્ રહમાન બિન મહ્દીؒ, ઈમામ અહમદ બિન હમ્બલؒ, મુહદ્દીષ ઈબ્ને મઈનؒ, હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મુબારકؒ, હઝરત સુફિયાન ષૌરીؒ, હાફિઝ ખતીબ બગદાદીؒ વગેરે બલ્કે ઈમામ નવવીؒ  એ તો આટલે સુધી કહ્યું છે કે ઝ઼ઈફ હદીષ પર અમલ કરવા પર બધા ઉલમા એકમત છે (શર્હૂ'લ્ મુહઝ઼્ઝબ : ૩/૧૨૨), જ્યારે કે ઈમામ બુખારીؒ એ તો પોતાની કિતાબ " અ'લ્ અદબુ'લ્ મુફરદ " માં લગભગ ૨૦૦ જેટલી ઝ઼ઈફ હદીષો બયાન કરી છે.
   પરંતુ ઝ઼ઈફ હદીષ પર અમલ કરવા માટે ઉલમાએ કિરામે ત્રણ શર્તો પણ બયાન કરી છે, તે ત્રણ શર્તો સાથે ઝ઼ઈફ હદીષ પર અમલ કરવો જાઈઝ લેખાશે, તે ત્રણ શર્તો નિચે પ્રમાણે છે.
➊ તે હદીષ ઘણી વધારે ઝ઼ઈફ (કમજોર) ન હોય.
➋ તે હદીષ કોઈ શરઈ કાયદાના હેઠળ આવતી હોય, કોઈ શરઈ કાયદાની વિરુદ્ધ ન હોય.
➌ તેને યકીનની સાથે સાબિત સમજવામાં ન આવે, બલ્કે સાવચેતી રૂપે સાબિત સમજવામાં આવે.
➤ એક અગત્યની નોંધ :- ઝ઼ઈફ હદીષ પર અમલ ની ઈજાઝત ફઝિલત અથવા અઝાબના વિષયમાં છે, એટલે કે જેમાં કોઈ અમલ કરવા પર પ્રોત્સાહન અથવા કોઈ અમલથી રોકવા માટે ડરાવવામાં આવ્યા હોય.
   તે માટે જે વસ્તુનો તાલ્લુક અકીદા તેમજ હલાલ અથવા હરામથી હશે તેમાં ઝ઼ઈફ હદીષ યોગ્ય લેખાશે નહીં, એટલે કે તેનાથી અકીદો તેમજ કોઈ વસ્તુને હલાલ અથવા હરામ સાબિત કરવું યોગ્ય ગણાશે નહીં, તેમજ ઝ઼ઈફ હદીષ દ્વારા કોઈ અમલને સુન્નત પણ નહીં કહી શકાય.
   સારાંશ કે ઉપરોક્ત શર્તોની સાથે ઝ઼ઈફ હદીષ પર અમલ કરવો તેમજ બયાન કરવી જાઈઝ છે.
❍ ઝ઼ઈફ અને મનઘડત બે અલગ અલગ પરિભાષા છે :-
  આ વાત પણ સારી રીતે જાણી લેવી જોઈએ કે હદીષની પરિભાષામાં શબ્દ ઝ઼ઈફ અને મનઘડત બે અલગ અલગ વસ્તુ છે. ઘણા લોકો આ બન્ને ને એક સમાન સમજી ઘણી વખત ગલત સમજણના શિકાર બને છે.
    આ જ કારણ છે જ્યારે પણ હદીષ વિષે આ વાત કહેવામાં આવે છે કે આ હદીષ ઝ઼ઈફ છે તો અમુક લોકો એવું સમજે છે કે તેના પર બિલકુલ સંપૂર્ણપણે અમલ કરવો તેમજ બયાન કરવી જાઈઝ નથી, અને જ્યારે એવું કહેવામાં આવે છે કે આ હદીષ મનઘડત છે તો અમુક લોકો એવું સમજીને કે ફઝાઈલના વિષયમાં જાઈઝ છે બયાન કરે છે.
    જેમ કે ઉપર બતાવ્યા મુજબ કે ઝ઼ઈફ અને મનઘડત આ બન્ને અલગ અલગ વસ્તુ છે, અને ઝ઼ઈફ હદીષની વ્યાખ્યા તેમજ તેનો હૂકમ પણ ઉપર જાણી લીધો છે તો હવે આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યારે પણ કોઈ હદીષ વિષે એવું કહેવામાં આવે કે આ હદીષ મનઘડત છે તો તેનો મતલબ આ હોય છે કે આ હદીષ બનાવટી અને જુઠી છે જેને કોઈએ રસુલુલ્લાહ ﷺ તરફ જુઠી નિસ્બત કરીને ઘડી કાઢેલ છે, જેનો હૂકમ આ છે કે એવી હદીષ બયાન કરવી ના જાઈઝ અને હરામ છે, તેમજ મનઘડત હદીષ બયાન કરનારનું ઠેકાણું હદીષોમાં દોજખ બતાવવામાં આવ્યું છે.
નોંધ :- એવી જ રીતે અમુક હદીષોના વિષે એવું કહેવામાં આવે છે કે આ હદીષ બેબુનિયાદ છે જેનો મતલબ આ હોય છે કે આ હદીષ સનદ વગરની છે, અને દરેક હદીષનો દારોમદાર જો કે સનદ પર હોય છે તો આવી હદીષનો હૂકમ આ હોય છે કે જ્યાં સુધી તેની કોઈ ભરોસા પાત્ર સનદ ન મળે ત્યાં સુધી તેને બયાન કરવાનું મૌકુફ રાખવામાં આવે, અને બયાન કરવામાં ન આવે, હાં કોઈ હદીષ મુતવાતીર હોય એટલે કે તેને બયાન કરનાર દરેક યુગમાં એટલા પ્રમાણ માં હોય કે તે બધા લોકોની જુ઼ઠ પર સહમતી અશક્ય હોય તો વાંધો નથી.
   તે માટે ઉપરોક્ત ઝ઼ઈફ, મનઘડત અને બેબુનિયાદ વિષે જે વિગતવાર માહિતી બયાન કરી છે તેને ખૂબ ધ્યાનમાં રાખવી જોઈએ, અને સોશિયલ મીડિયા પર પણ હદીષ નામી કોઈ વાતથી પ્રભાવિત થઈ શેયર કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે.
[સમાપ્ત]
[મુસ્તફાદ : અ'લ્ જુઝ્ઉ'લ્ લતીફ ફિ'લ્ ઈસ્તિદ્લાલી બિ'લ્ હદીસી'ઝ઼્ ઝ઼ઈફ]
---------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)