ઘણા લોકોને એમ થાય છે કે સાયન્સ અને ટેકનોલોજી કે જેના દ્વારા પશ્ચિમે પ્રગતિ કરી છે તેના ફોર્મ્યુલા, સૂત્રો તથા સિદ્ધાંત કુર્આનમાં કેમ વર્ણવામાં નથી આવ્યા..?
શુદ્ધિકરણ :-
આનો પણ જવાબ આપતાં શૈખુલ્ ઈસ્લામ હઝરત મુફ્તી તકી સાહેબ ઉસ્માની દા.બ. લખે છે કે દરઅસલ દુનિયાની ભૌતિક પ્રગતિ મનુષ્ય પોતાની બુદ્ધિ, વિચારો, તથા અનુભવો અને અવલોકનો દ્વારા જાણી શકે છે, તેથી અલ્લાહ તઆલા એ સાયન્સ અને ટેકનોલોજી ને માણસના પોતાના શ્રમ, મહેનત, તથા પ્રયાસ અને સંશોધન પર છોડી દીધું. અને કુર્આનને ભૌતિક પ્રગતિનો વિષય ન બનાવ્યો.
બલ્કે કુર્આનને તે વાતોનો વિષય બનાવ્યો જેને ફક્ત માનવ બુદ્ધિ દ્વારા જાણી શકાતી નથી. અને તે છે ઈમાન, મનની પવિત્રતા, કર્મ અને નૈતિકતા ની શુદ્ધતા, અલ્લાહ તઆલા સાથે બંદગીનો સંબંધ, ઈશદૂતવાસ, પારલૌકિક (મૃત્યુબાદ નું) જીવન, અને જન્નત જહન્નમ વગેરે. આ બધું જાણવું અલ્લાહ તઆલાના વહીના રૂપમાં બતાવ્યા વગર ફક્ત બુદ્ધિ દ્વારા શક્ય નથી. તેથી અલ્લાહ તઆલા એ કુર્આન ને આ વાતોના વિષય પર આધારિત રાખ્યું. અને તેમાં ભૌતિક પ્રગતિ જે માનવ બુદ્ધિ દ્વારા શક્ય હતી તેને વિષય ન બનાવ્યો.
આ જ કારણે (ભૌતિક પ્રગતિ બુદ્ધિ દ્વારા શક્ય હોવાને લીધે) આજે માણસે પોતાની બુદ્ધિ, વિચારો તથા પ્રયોગો અને અવલોકનો દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વર્તમાન સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. પરંતુ પવિત્ર કુર્આને જેને વિષય બનાવ્યો છે, તે બુદ્ધિ અને વિચારના આ અદ્ભુત વિકાસ પછી પણ માણસ હાંસલ કરી શકતો નથી, બલ્કે ત્યાં સુધી પ્રાપ્ત નથી કરી શકતો, જ્યાં સુધી આ બાબતમાં કુરાનનો અને તેના માર્ગદર્શનનો દિલથી સ્વીકાર નહીં કરે. [ઉલૂમુ'લ્ કુર્આન : ૩૮૬ - ૩૯૨]
સારાંશ કે કુર્આને તે વાતોને પોતાનો વિષય બનાવ્યો છે જે માનવ બુદ્ધિ દ્વારા જાણી શકાતી નથી. આથી તેમાં સાયન્સ અને ટેકનોલોજીના ફોર્મ્યુલાનું વર્ણન નથી કર્યું. કેમ કે આ બધું માનવ બુદ્ધિ દ્વારા જાણવું શક્ય હતું.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59