આ કિસ્સો પણ ખૂબ જ પ્રચલિત છે કે : એક મહિલાએ નબી ﷺ ને ફરિયાદ કરી કે મારા પતિ દરરોજ ઘણા મહેમાનો ઘરે લાવે છે અને હું સતત ખાવાનું બનાવીને ખૂબ થાકી જાઉં છું. હુઝૂર ﷺ એ ફરમાવ્યું કે કાલે હું તમારા ઘરે જમવા આવીશ. આ સાંભળી તે મહિલા ખૂબ ખુશ થઈ ગઈ અને ખૂબ સરસ વાનગીઓ બનાવી.
હુઝૂર ﷺ એ તેના પતિથી ફરમાવ્યું કે જ્યારે હું પાછો જાઉં ત્યારે તમારી પત્નીને કહેજો કે મને જોતી રહે. મહિલાએ એવું જ કર્યું તો તેણે જોયું કે હુઝૂર ﷺ સાથે ઘરના ઘણા જીવજંતુઓ પણ બહાર જઈ રહ્યા હતા.
શુદ્ધિકરણ :-
હદીષની કિતાબોમાં ઘણી તલાશ બાદ પણ આવો કોઈ કિસ્સો વર્ણવેલ મળતો નથી. અને હુઝૂર ﷺ ને સંબંધિત એવો જ કિસ્સો કે કોઈ વાત બયાન કરી શકાય છે જે સહીહ સનદ સાથે સાબિત હોય. [જામિઆ બિન્નોરિયા]
બેશક ઈસ્લામમાં મહેમાની કરવાની ખૂબ મહત્તા બતાવવામાં આવી છે જેમ કે અમુક હદીષોમાં આવે છે કે :
● જે વ્યક્તિ અલ્લાહ તઆલા અને આખિરત પર ઈમાન ધરાવતો હોય, તે પોતાના મહેમાન ને સન્માન આપે. [મુસ્લિમ શરીફ : ૧૭૩]
● તમારા ઉપર તમારા મહેમાનો નો હક્ક છે. [મુસ્લિમ શરીફ : ૨૭૩૧]
● મહેમાની કરનાર અને જીહાદ કરનાર વ્યક્તિ જેવો ષવાબ પ્રાપ્ત કરનાર કોઈ વ્યક્તિ નથી. [મુસ્નદે અહમદ : ૧૯૮૮]
તેથી આ વિષે સહીહ હદીષો બયાન કરવી જોઈએ. અને જુઠા કિસ્સાઓ નો સહારો લેવાથી સાવચેતી અપનાવવી જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59