આજના સમયમાં ભૌતિકવાદ નો ફિત્નો ઘણો મોટો ફિત્નો છે, ઘણા લોકો આનો શિકાર પણ બનતા જોવા મળે છે. પરંતુ આનાથી અજાણ હોવાને લીધે આનો એહસાસ પણ નથી થતો. તેથી નીચે આ વિષે માહિતી લખવામાં આવે છે.
સામૂહિક રીતે દુનિયામાં બે પ્રકારની વિચારધારા ધરાવતા લોકો વસે છે. ➊ ભૌતિકવાદી, ➋ પારલૌકિક.
➊ ભૌતિકવાદી :- એટલે કે તે લોકો જેમની નજર હમેશા ભૌતિકવાદ (અસબાબ) તરફ રહે છે. તેઓ એકેશ્વરવાદ અને સૃષ્ટિના સર્જકથી અજાણ તેમજ તેને નકારતા હોય છે.
દુનિયામાં એવા સંખ્યાબંધ લોકો છે જેમની દ્રષ્ટિ આ દેખીતા અને કુદરતી અસબાબ ની ભિતર નથી જતી, બલ્કે આ જ જગત, ભૌતિક અને સંવેદન દુનિયામાં અટકીને રહી ગઈ છે. તેઓ સમજવા લાગ્યા કે પરિણામો હંમેશા અસબાબ થી અસ્તિત્વમાં આવી શકે છે અને અસબાબ વિના પરિણામો ની કલ્પના કરવી અશક્ય છે. અને સમગ્ર બ્રહ્માંડમાં એવું કોઈ બળ નથી કે જે અસબાબ અને પરિણામો વચ્ચે અસરકારક બની શકે.
➋ પારલૌકિક (ઈમાન) :- એટલે કે તે લોકો જેઓની નજર અસબાબ સાથે અલ્લાહ તઆલા તરફ રહે છે.
આ વિચારધારા આ યકીન અને શ્રધ્ધા પર આધારિત છે કે ભૌતિક (દેખીતા) અસબાબ પાછળ એક અદ્રશ્ય શક્તિ પણ છે, જેના કબજામાં આ અસબાબ છે અને જેમ પરિણામો અને ફળો અસબાબ ને આધીન (તાબે) છે, તેવી જ રીતે આ અસબાબ પણ અલ્લાહના ઈરાદા અને ઈચ્છા તેમજ મરજી અને આદેશને આધીન (તાબે) છે.
▣ આપણી સમસ્યા..!
ભૌતિકવાદ ની ટૂંકી સમજૂતી બાદ જાણવું જોઈએ કે આજે મુસલમાનો ભલે મૌખિક રીતે ભૌતિકવાદ ને નકારે છે પરંતુ વ્યવહારિક રીતે તેઓનું દરેક કામ બિલકુલ ભૌતિકવાદ નું પ્રતિબિંબ હોય છે આના એક બે નહીં હજારો ઉદાહરણો છે. જેમ કે એક ઉદાહરણ નીચે રજૂ કરવામાં આવે છે.
દા.ત. કેટલાય મુસલમાનો છે જે પોતાની નોકરી અથવા કામધંધાના લીધે દિવસ દરમિયાન નમાઝો છોડતા નજર આવે છે જેનો સીધો મતલબ આ હોય છે કે જો તેઓ કામધંધો બંધ કરી નમાઝ પઢશે તો તેનો અસર તેઓના ધંધા પર પડશે એવું સમજે છે. અને આ જ તો ભૌતિકવાદી વિચારધારા છે કે તેઓની દૃષ્ટિએ અલ્લાહ તઆલા થી હટીને કામધંધો જે એક સબબ છે તેને અસરકારક સમજી લીધો.
એવી જ રીતે પ્રગતિ માટે દુન્યવી શિક્ષણની એ રીતે મહત્તા આપવી કે જાણે આના વગર પ્રગતિ અશક્ય જ છે આ પણ ભૌતિકવાદ નું સૌથી મોટું ઉદાહરણ છે. આનો મતલબ આ પણ નથી કે અસબાબ ની કોઈ જરૂરત જ નથી, બલ્કે અસલ વાત આ છે કે અસબાબ સાથે અલ્લાહ તઆલા પર એ રીતે દૃષ્ટિ હોવી જોઈએ કે પ્રાથમિકતા અને પ્રાધાન્ય અસબાબ ને નહીં અલ્લાહ તઆલા ને આપવામાં આવે.
સારાંશ કે આજના સમયમાં ભૌતિકવાદ સૌથી મોટો દજ્જાલી ફિત્નો છે. દરેકે વ્યવહારિક રીતે પોતામાં આ વિષે સુધારણા કરવાની જરૂર છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59