કુરબાની કરવી બેશક ઈબાદત છે જેનો હેતુ તકવો હાસિલ કરાવવો છે, તો સદ્કહ કરવો પણ ઈબાદત છે અને તેનો હેતુ પણ તકવા હાસિલ કરાવવો છે તો કેમ ન આપણે કુરબાની ના બદલામાં તે પૈસા કોઈ ગરીબને ડાયરેક્ટ સદ્કહ રૂપે આપી દઈએ..? જેમાં ફાયદો પણ વધારે છે કે કુરબાની ના ગોશ્ત ની તુલનામાં પૈસાથી ગરીબની જરૂરતો વધારે પૂરી થશે.
જવાબ :
આ સવાલની વાસ્તવિક્તા માત્ર આટલી જ કે સવાલ કરનાર પાસે પૂરતું દીની જ્ઞાન ન હોવાથી તેને આ સવાલ થાય છે નહીં તો કદાપિ તે આ સવાલ ન કરી શકતો, જેની વિગત નીચે મુજબ છે.
આ વાત તો બિલકુલ સાચી છે કે કુરબાની અને સદ્કહ બન્નેનો હેતુ તકવા હાસિલ કરાવવો છે, પરંતુ આ બન્ને થી જે સૂરતમાં તકવા હાસિલ કરાવવાનો છે તે સૂરત અને તે સૂરતના હેતુ અલગ અલગ છે, કે સદ્કહ માં ઉદારતાની સૂરતમાં તકવા હાસિલ કરાવવો હેતુ હોય છે, એટલે કે માણસને સદકહ આપવાનો આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે સદ્કહ આપતી વખતે તેના દિલમાં ઉદારતા પણ પેદા થાય, જે ઉદારતા તકવાનો એક હિસ્સો અને પ્રકાર છે, આ મતલબ છે ઉદારતાની સૂરતમાં તકવો હાસિલ કરાવવાનો. જ્યારે કે કુરબાની માં બલિદાન ની સૂરતમાં તકવા હાસિલ કરાવવો હેતુ છે, એટલે કે કુરબાની નો હુકમ એટલા માટે આપવામાં આવ્યો કે કુરબાની કરતી વખતે બલિદાન નો જઝબો અને ભાવના તેના દિલમાં પેદા થાય જે બલિદાન તકવાનો એક અલગ હિસ્સો અને પ્રકાર છે.
હવે બતાવો કે તે કુરબાની જેના દ્વારા બલિદાનની સૂરતમાં તકવા હાસિલ કરાવવો હેતુ છે, તેના માટે તે સદ્કહ જેના દ્વારા ઉદારતાની સૂરતમાં તકવા હાસિલ કરાવવો હેતુ હોય છે કેવી રીતે કાફી અને પૂરતું હોય શકે..? આસાન શબ્દોમાં માંગ બલિદાન ની હોય તો તેના બદલામાં ઉદારતા કેવી રીતે ચાલે..?
એક આસાન ઉદાહરણ થી સમજયે કે એક શેઠે પોતાના ઘરમાં એક નોકર રાખ્યો સફાઈ ના હેતુથી, હવે આ સફાઈ કપડાં ધોવાની સૂરતમાં, વાસણો ધોવાની સૂરતમાં અને ઘરમાં ઝાડું મારવાની સૂરતમાં હાસિલ થાય છે. હવે શેઠ તેને સફાઈ માટે કપડાં ધોવાનું કહે, અને નોકર પોતાની અક્કલના ઘોડા દોડાવી એમ વિચારે કે શેઠનો કપડાં ધોવાના આદેશ નો હેતુ સફાઈ છે, અને સફાઈ તો ઘરમાં ઝાડું મારવાથી હાસિલ થઈ જાય છે, અને ઝાડું માં ફાયદો પણ છે કે તેમાં પાણીને સ્પર્શ પણ નહીં કરવો પડે કે આગળ જતાં શરદીનું કારણ બની જાય, હવે તે નોકર કપડાં ધોવાને બદલે ઝાડું મારી લે તો આ દુરસ્ત છે..? નહીં... આનાથી સ્પષ્ટ અને જાહેર થઈ ગયું કે કુરબાની ના બદલામાં સદકહ આપવો દુરસ્ત નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59