નમાઝ નો અસલ મકસદ તો ઈબાદત એટલે કે અલ્લાહ તઆલા ની ખુશી હાસિલ કરવી છે. પરંતુ નમાઝ એક એવી ઈબાદત છે જેનો અસર માણસના વ્યવહારિક જીવન ઉપર પણ પડે છે. નમાઝ માનવીના વ્યવહારિક જીવન ઉપર જે અસરો પાડે છે, તે પૈકી નીચે ત્રણ અસરો વર્ણવામાં આવે છે.
➠ સમયની પાબંદી :- નમાઝ માણસને પોતાના જીવનમાં સમયનો પાબંદ બનાવે છે. કેમ કે નમાઝ કોઈ એવી ઈબાદત નથી કે જ્યારે પઢવી હોય ત્યારે પઢી લેવી. બલ્કે તેનો સમય નિશ્ચિત છે. જેના લીધે નમાઝીએ તે સમયનું પાલન કરવું પડે છે.
અને તેણે તે સમયનું પાલન કરવા માટે, પોતાના અન્ય સમયનું પણ સંચાલન કરવું પડે છે. દા.ત. જો કોઈ વ્યક્તિ મોડી રાત્રે સૂવે છે તો સ્વભાવિક છે કે તે સવારની નમાઝ જમાત સાથે નહીં પઢી શકે. તેથી નમાઝ નો સમય બચાવવા માટે તેણે પોતાનો બધો સમય એક ક્રમમાં મૂકવો પડશે જેથી કરીને નમાઝ છૂટી ન જાય.
➠ મહેનત કરવાની ટેવ :- નમાઝ માણસને મહેનતું અને પરિશ્રમી બનાવે છે. કેમ કે નમાઝ દરેક ઋતુ ચાહે શિયાળાની કડકડતી ઠંડી હોય, કે પછી ગરમીની તિવ્રતા હોય અથવા ધોધમાર વરસાદ હોય પઢવી જરૂરી હોય છે.
તેમજ નમાઝ દરમિયાન ઉઠક બેઠક વગેરે જેવી વસ્તુઓ ની પાબંદી કરવાથી દરેક મુશ્કેલ વસ્તુઓ કરવાની તેને ટેવ પડી જાય છે. કેમ આ બધી વસ્તુઓ માં તે પોતાની મહેનત ખર્ચ કરે છે.
➠ શિસ્ત અને સંગઠિત જીવન :- નમાઝ માણસને શિસ્તાચાર બનાવે છે. અને સંગઠિત જીવન જીવવાની તાલીમ આપે છે.
કેમ કે નમાઝ પઢનાર વ્યક્તિ અઝાન સાંભળતાની સાથે દરેક કામ પડતું મુકી નમાઝની ફિકર કરે છે. ત્યારબાદ એક ઈમામની આજ્ઞાકારી, તથા સફોમાં ક્રમબદ્ધ એક લાઈનમાં ઊભા રહેવું, અને તમામનું એક સાથે નમાઝમાં દાખલ થવું, અને એક સાથે નમાઝથી બહાર આવવું આ દરેક વસ્તુથી માણસ એક સંગઠિત શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા લે છે.
અને આ ત્રણેય તે વસ્તુઓ છે જે માણસ માટે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને કામયાબી મેળવવા માટે અત્યંત જરૂરી હોય છે. એટલે જ તો અઝાન આપનાર દરેક અઝાનમાં કહે છે, “ હય્ય અલ'લ્ ફલાહ ” (આવો કામયાબી ની તરફ)
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59