આજકાલ આ વાત વધુ પડતી જોવા મળે છે કે અમુક લોકો શરઈ આદેશો ને અક્કલ પર પરખતા હોય છે, છેવટે તે આદેશો જે સમજની બહાર હોય યા તો તેનો ભાવાર્થ બદલી અક્કલ ના મુજબ સાબિત કરતા હોય છે યા અમુક તો બિલકુલ તેનો ઈનકાર જ કરી દેતા હોય છે. જ્યારે કે આ બન્ને વસ્તુઓ ખોટી છે.
શરઈ દ્રષ્ટિએ અક્કલ ન તો બેકાર વસ્તુ છે, અને ન શરઈ આદેશો માં તે ફેંસલો અને ચુકાદો કરનાર છે, બલ્કે શરીયત એક યોગ્ય દીન છે જે અક્કલના વિરુદ્ધ પણ નથી, પરંતુ એનો મતલબ આ પણ નથી કે દરેક મસાઈલની અક્કલથી ચકાસણી કરવામાં આવે.
કેમ કે એવું જરૂરી નથી કે દરેક વાત દરેકને બરાબર સમજમાં આવે, કેમ કે દરેકની અક્કલ ના પ્રકાર અલગ અલગ છે, અમુક તેને સમજી શકે તો અમુક ન પણ સમજી શકે, એટલા માટે જો દરેક મસાઈલમાં અક્કલ ને આધાર બનાવવામાં આવે તો ઘણા લોકો ન સમજવાની સૂરતમાં તેનો ઈનકાર કરી શકે છે.
શરીયતમાં અક્કલની વપરાશનું ઉદાહરણ આ રીતે પણ સમજી શકાય છે જે ઉદાહરણ હઝરત થાનવીؒ એ આપી સમજાવ્યું છે કે :
એક વ્યક્તિ એ પહાડ પર ચઢવાનો ઈરાદો કર્યો, એના માટે તે ઘરેથી ઘોડો લઈને આ ઈરાદા સાથે નીકળ્યો કે આ જ ઘોડા વડે પહાડ સુધી પણ પહોંચીશ અને પહાડ પર પણ ચઢીશ, અને બીજો વ્યક્તિ આ ઈરાદા સાથે નિકળ્યો કે જ્યારે ઘોડા વડે પહાડ પર ચઢી નહીં શકાય તો હવે ઘોડાનું કામ જ શું છે તે માટે તે ઘોડા વગર જ નિકળ્યો, જ્યારે કે ત્રીજો વ્યક્તિ આ ઈરાદા સાથે નિકળ્યો કે પહાડ સુધી તો ઘોડા પર જઈશ, ત્યાર બાદ પહાડ પર ચાલતો ચઢી જઈશ.આ ત્રણેય પૈકી પહેલા બે ગલત અને ત્રીજો સહીહ છે, કેમ કે પહેલા એ ઘોડાને પહાડ સુધી પહોંચવાની સાથે સાથે પહાડ પર ચઢવા માટે પણ ઉપયોગી સમજ્યો, જ્યારે કે તે ચઢવામાં ઘોડેસવાર ને ગમે ત્યારે ફેંકી શકે છે. બીજાએ તો ઘોડાને બન્ને જગ્યા માટે બેકાર સમજ્યો પહોંચવા માટે પણ અને ચઢવા માટે પણ, જ્યારે કે ઘરથી પહાડ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. અને ત્રીજો એટલા માટે સહીહ છે કે તેણે પહોંચવામાં ઉપયોગ બનાવ્યો, ચઢવામાં નહીં કેમ કે ઘોડો રસ્તા પર તો ચાલી શકે છે પરંતુ પહાડ પર ચઢી શકતો નથી.
આ જ રીતે અક્કલ પણ છે કે તેને બિલકુલ બેકાર પણ સમજવામાં ન આવે. અને તેને છેવટ સુધી ઉપયોગી પણ સમજવામાં ન આવે. બલ્કે કુર્આન હદીષની મોટી મોટી વાતો સમજી લેવી જોઈએ, બારીક વાતોમાં અક્કલ ના ઘોડા ન દોડાવવા જોઈએ, બલ્કે શરઈ આદેશો સામે માથું ઝુકાવી અમલ કરી લેવો જોઈએ.
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59