۩۩ ઈસ્લામી આર્ટિકલ્સ ۩۩
બેશક ઈસ્તિખારહ નો અમલ હદીષથી સાબિત છે. પરંતુ આજકાલ ઈસ્તિખારહ ને લઈને ઘણા બધા લોકો ગલત માન્યતાના શિકાર થઈ ગયા છે. અને ઈસ્તિખારહ વિષે ઘણી બધી મનઘડત વાતો લોકોમાં પ્રચલિત થઈ ગઈ છે. તે માટે નિમ્ન ઈસ્તિખારહ વિષે વિગતવાર માહિતી લખવામાં આવે છે.
ઈસ્તિખારહ નો ભાવાર્થ
ઈસ્તિખારહ અરબી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ ભલાઈ ઈચ્છવી એટલે કે ખૈર તલબ કરવી થાય છે.
અને શરીયતની પરિભાષામાં રોજીંદા જીવનના દરેક નાના - મોટા જાઈઝ કામોમાં અથવા એવા બે જાઈઝ કામોમા જેમાં મુંઝવણ (કન્ફ્યુઝન) હોય અલ્લાહ તઆલા પાસે મદદ હાસિલ કરવાને ઈસ્તિખારહ કહેવામાં આવે છે.
ઈસ્તિખારહ હદીષની રોશનીમાં
قَالَ النَّبِيُّ ﷺ إذا هَمَّ أحَدُكم بالأمرِ فلْيركَعْ ركعتَيْنِ مِن غيرِ الفريضةِ.
[બુખારી શરીફ]
અનુવાદ :- તમારામાંથી કોઈ વ્યક્તિ જ્યારે કોઈ કામ કરવા ઈચ્છે તો તે બે રકાત નફલ નમાઝ પઢે.
عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ قَالَ كَانَ رَسُولُ اللَّهِ ﷺ يُعَلِّمُنَا الِاسْتِخَارَةَ فِي الْأُمُورِ كُلِّهَا كَمَا يُعَلِّمُنَا السُّورَةَ مِنْ الْقُرْآنِ.
[તીરમીઝી શરીફ : ૪૮૦]
અનુવાદ :- હઝરત જાબીરؓ ફરમાવે છે કે રસુલુલ્લાહ ﷺ દરેક કામોમાં ઈસ્તિખારહ્ એવી રીતે સીખવતા હતા જેવી રીતે કુર્આનની સુરતો સીખવતા હતા.
આ પ્રકારની વાતો ઘણી સહીહ હદીષોમાં આવી છે, અહીં ફક્ત બે હદીષો વર્ણવામાં આવી છે. આનાથી ઈસ્તિખારહ ના અમલની અગત્યતા સ્પષ્ટ રીતે સમજાય છે.
ઈસ્તિખારહ નો મકસદ
પ્રખ્યાત વિદ્ધાન અલ્લામા યુસુફ બિન્નોરીؒ ફરમાવે છે કે ઈસ્તિખારહ્ નો હેતુ પોતનો મામલો અલ્લાહ તઆલાના જ્ઞાન અને કુદરતના હવાલે કરવો છે. કે અલ્લાહ તઆલા પોતાના જ્ઞાન પ્રમાણે ભલાઈનો ફેસલો કરશે. અને પોતાની શક્તિ પ્રમાણે તે કામ માટે રસ્તા ખુલ્લા અને સરળ કરશે.
અને જે કામને અલ્લાહના અપાર જ્ઞાન અને સંપૂર્ણ શક્તિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તે કામમાં સફળતા મળવામાં કોઈ શંકા જ બાકી રહેતી નથી. અને સફળતાનો મતલબ આ છે કે ઈસ્તિખારહ પછી જે પણ કામ કરીશું તેમાં અલ્લાહ તઆલા તરફથી જરૂર ખૈર રહેશે. ભલેને અમુક વખત જાહેરમાં તેમાં આપણને ખૈર સમજમાં ન આવે.
ઈસ્તિખારહ નો તરીકો
ઈસ્તિખારહ ની સીધીસાદી અને સરળ રીત આ છે કે સૌથી પહેલા કોઈ પણ સમયે (દિવસ કે રાત્રે મકરૂહ વખત સિવાય) બે રકાત ઈસ્તિખારહ ની નિય્યતથી નફલ નમાઝ પઢવી. અને આ રીતે નિય્યત કરવી કે “ મારી સામે આ મામલો છે તેમાં જે રસ્તો મારા માટે ભલાઈનો હોય, હે અલ્લાહ તેનો મારા હકમાં ફેસલો ફરમાવ ”
ઉપરોક્ત નિય્યતથી બે રકાત નફલ નમાઝ પઢ્યા પછી નીચે આપેલ દુવા પઢી લેવી. ઈંશા અલ્લાહ ! અલ્લાહ તરફથી પૂરતું અને ફાયદાકારક માર્ગદર્શન મળી જશે.
▬▭▭▭▭▭▭▭▭▭▬
અરબીમાં દુવા
اَللّٰهُمَّ اِنِّیْ أَسْتَخِیْرُكَ بِعِلْمِكَ، وَ أَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ، وَ أَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِیْمِ ، فَاِنَّكَ تَقْدِرُ وَ لاَ أَقْدِرُ، وَ تَعْلَمُ وَلاَ أَعْلَمُ، وَ أَنْتَ عَلاَّمُ الْغُیُوْبِ.
اَللّٰهُمَّ اِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هٰذَا الْأَمْرَ خَیْرٌ لِّيْ فِيْ دِیْنِيْ وَ مَعَاشِيْ وَ عَاقِبَةِ أَمْرِيْ وَ عَاجِلِهٖ وَ اٰجِلِهٖ، فَاقْدِرْهُ لِيْ، وَ یَسِّرْهُ لِيْ، ثُمَّ بَارِكْ لِيْ فِیْهِ.
وَاِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هٰذَا الْأَمْرَ شَرٌ لِّيْ فِيْ دِیْنِيْ وَمَعَاشِيْ وَ عَاقِبَةِ أَمْرِيْ وَ عَاجِلِهٖ وَ اٰجِلِهٖ، فَاصْرِفْهُ عَنِّيْ وَاصْرِفْنِيْ عَنْهُ، وَاقْدِرْ لِيَ الْخَیْرَ حَیْثُ كَانَ ثُمَّ أَرْضِنِيْ بِهٖ.
▬▭▭▭▭▭▭▭▭▭▬
ગુજરાતીમાં દુવા
અલ્લાહુ-મ્મ ઈન્ની અસ્તખીરુ-ક બિ ઈલ્મિ-ક વ અસ્તક્દિરુ-ક બિકુદરતિ-ક વ અસ્અલુ-ક મિન્ ફઝ્લિક'લ્ અઝીમ. ફઈન્નક તકદિરુ વલા અકદિરુ વ તઅ્લમુ વલા અઅ્’લમુ વ અન્ત અલ્લામુ'લ્ ગુયૂબ.
અલ્લાહુ-મ્મ ઈન્ કુન્ત તઅ્લમુ અન્ન હાઝ'લ્ અમ્ર ખયરુલ્'લિ ફી દીની વ મઆશ઼ી વ આકિબતિ અમ્રિ ફક્દિરહુ-લિ વ યસ્સિરહુ-લિ ષુમ્મ બારિક્લી ફીહિ.
વ ઈન્ કુન્ત તઅ્લમુ અન્ન હાઝલ્અમ્ર શર્રુલ્લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી ફસ્'રીફ્હુ અન્ની વસ્'રિફ્ની અન્હુ, વકદિર્ લિય'લ્ખયર હયષુ કા-ન ષુમ્મ અરઝિની બિહિ.
(બે રકાત નમાઝ પઢ્યા બાદ આ દુવા મોઢે યાદ ન હોય તો અંદર જોઈને પણ પઢી શકાય છે)
▬▭▭▭▭▭▭▭▭▭▬
નોંધ :- ઉપરોક્ત દુવા પઢતી વખતે " هذ الامر / હાજ'લ્ અમ્ર " શબ્દ પર પહોંચે તો જો અરબી જાણનાર હોય તો ત્યાં તેની જગ્યાએ જે કામ માટે ઈસ્તિખારહ્ કરતો હોય તેનો ઉચ્ચાર કરે. અને જો અરબી જાણનાર ન હોય તો તે શબ્દ પઢતી વખતે તે કામનો માત્ર દિલમાં ખ્યાલ કરે.
યાદ રહે કે અહીં ઈસ્તિખારહ નો અમલ પૂર્ણ થઈ જાય છે. ઈસ્તિખારહ પછી સુવું આમ કરવું તેમ કરવું આ બધું કશુંય જરૂરી નથી.
▬▭▭▭▭▭▭▭▭▭▬
દુવાનો ગુજરાતી અનુવાદ
હે અલ્લાહ..! હું તારા જ્ઞાનના વાસ્તાથી તારાથી ભલાઈ માંગુ છું અને આપની કુદરતના વાસ્તાથી શક્તિ માંગી રહયો છું. અને તારા મહાન ફઝ્લ અને ઈન્આમનો સવાલ કરું છું, કેમકે તુ તો દરેક કાર્ય ઉપર કુદરત ધરાવનાર છે અને મારી પાસે કોઈ પણ કાર્યની કુદરત નથી, તુ દરેક વસ્તુ જાણે છે અને હું કશુંજ નથી જાણતો અને તુ તો ગૈબની બધી જ વાતો ખૂબ સારી રીતે જાણે છે.
હે અલ્લાહ..! અગર તુ જાણે છે કે આ કાર્ય મારા હકમાં, મારા દીનમાં, મારી આજીવિકામાં અને કાર્યના દુન્યવી અને આખીરતના અંજામમાં મારા માટે ઉત્તમ છે, તો તેને મારા માટે નક્કી કરી દે અને પછી તેમાં મારા માટે બરકત મૂકી દે.
અને અગર તુ જાણે છે કે આ કાર્ય મારા દીનમાં, દુન્યામાં, આજીવિકામાં, અને કાર્યના દુન્યવી અને આખીરતના અંજામમાં મારા માટે ખોટુ છે, તો તુ આ કાર્યને મારાથી દૂર કરી દે અને મને તેનાથી દૂર કરી દે. અને જેમાં મારી ભલાઈ હોય તે મારા માટે નક્કી કરી દે અને પછી મને તેનાથી રાજી કરી દે.
ઈસ્તિખારહ થી પરિણામ કેવી રીતે ખબર પડે..?
ઈસ્તિખારહ ના પરિણામ માટે સપનું આવવું અને તેમાં તે કામ કરવા અથવા ન કરવા માટે સંકેત, ઈશારો કે નિશાની વડે મદદ મળવી જરૂરી નથી. હાં જો કોઈને મળી જાય તો ઠીક છે. નહીંતર જરૂરી નથી.
જ્યારે કે ઈસ્તિખારહ્ નું પરિણામ નિમ્ન બે વસ્તુ વડે પણ ખબર પડે છે.
① કોઈ એક કામ પર અથવા કરવા અને ન કરવા પર દિલ સંતુષ્ટ થઈ જાય.
② તે કામ માટે અસબાબ, સરસામાન ઉપસ્થિત થવા માંડે.
ઈસ્તિખારહ ક્યાં સુધી કરવો જોઈએ..?
ઈસ્તિખારહ કરવા માટે દિવસોની સંખ્યા નક્કી નથી. શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે ત્રણ દિવસથી લઈ સાત દિવસ સુધી લગાતાર કરવામાં આવે. જો ત્યાર પછી પણ કોઈ પરિણામ ખબર ન પડે તો જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી કરવામાં પણ કોઈ વાંધો નથી.
વધારે સમય વિત્યા પછી પણ કોઈ જ પરિણામ ન મળે તો તે દરમિયાન કોઈક થી મશ્વેરો પણ લેતું રહેવું જોઈએ કે ઈસ્તિખારહ માં જવાબ મળી જ જાય એવું જરૂરી પણ નથી.
ઈસ્તિખારહ વિષે ખોટી માન્યતાઓ
ઈસ્તિખારહ નો અમલ ઘણો જ આસાન અમલ છે જે ઉપરોક્ત પોસ્ટ વડે ખબર પડે છે. પરંતુ અમુક લોકોએ તેને ઘણો જ મુશ્કેલ બનાવી દીધો છે. અને એવી વસ્તુઓને પણ ઈસ્તિખારહ માટે જરૂરી બનાવી દીધી છે જેનો ઈસ્તિખારહ્ સાથે દૂરનો પણ સંબંધ નથી. દા.ત.
● ઈસ્તિખારહ કર્યા પછી સુવું જરૂરી છે.
● સુવું પણ જમણી કરવત પર કિબ્લા તરફ મોઢું રાખીને જરૂરી છે.
● ઈસ્તિખારહ કર્યા પછી કોઈની સાથે વાત કરવી નહીં. નહીંતર તેનાથી કોઈ ફાયદો નહીં થાય.
● ઈસ્તિખારહ નું પરિણામ સપનામાં જ ખબર પડે છે.
ઉપરોક્ત વાતો લોકો દરમિયાન એમજ પ્રચલિત થઈ ગઈ છે જ્યારે કે ઈસ્તિખારહ માટે આ વાતોનું ન તો જરૂરી હોવું સાબિત છે અને ન આ પૈકી કોઈ એક પણ વાતની કોઈ હકીકત છે. બલ્કે આ બધી વાતોની ઈસ્તિખારહ ના અમલ સાથે કોઈ લેવાદેવા નથી.
ઈસ્તિખારહ વિષે એક ગલત સમજણ
અમુક લોકો એવું સમજે છે કે ઈસ્તિખારહ તો ફક્ત મહત્વના તેમજ મોટા કામ માટે હોય છે. અને એવા કામ માટે હોય છે જ્યાં તેની સામે તે કામના બે રસ્તા હોય અથવા કોઈ કામમાં કરું કે નહીં કરું આમ મુંઝવણ હોય. આથી જ માટે વધારે પડતા લોકો માત્ર નિકાહ અને કારોબાર માટે જ ઈસ્તિખારહ કરતા જોવા અને સાંભળવા મળે છે.
મિત્રો ! ઈસ્તિખારહ માત્ર મહત્વના અને મોટા કામ માટે નથી હોતો. બલ્કે દરેક નાના - મોટા કામ માટે કરવો જોઈએ. હદીષમાં આવે છે કે :
كَانَ رَسُولُ اللَّهِ ﷺ يُعَلِّمُنَا الِاسْتِخَارَةَ فِي الْأُمُورِ كُلِّهَا كَمَا يُعَلِّمُنَا السُّورَةَ مِنْ الْقُرْآنِ.
[તીરમીઝી શરીફ : ૪૮૦]
અનુવાદ :- હઝરત જાબીરؓ ફરમાવે છે કે રસુલુલ્લાહ ﷺ દરેક કામોમાં ઈસ્તિખારહ એવી રીતે સીખવતા હતા જેવી રીતે કુર્આનની સુરતો સીખવતા હતા.
તેથી જરૂરી નથી કે ઈસ્તિખારહ્ માટે કોઈ બે કામોમાં મુંઝવણ અથવા કોઈ કામ કરવા ન કરવા વિષે મુંઝવણ હોય તો જ કરવામાં આવે. બલ્કે દરેક કામ માટે કરી લેવો જોઈએે.
એકદમ ટૂંકમાં ઈસ્તિખારહ નો તરીકો
સમય ઘણો જ ઓછો હોય અને ફેસલો તાત્કાલિક કરવો હોય તો...? જેટલો ઉપકાર આપણે રસુલુલ્લાહ ﷺ માનીએ એટલો ઓછો છે કે આવી નાની બાબતોમાં પણ પૂરતુ માર્ગદર્શન આપ્યું.
માણસની જીંદગીમાં અમુક ક્ષણ એવા પણ આવતા હોય છે કે કોઈક વસ્તુનો ફેસલો તાત્કાલિક કરવાનો હોય છે. તેના માટે સમય પણ ઘણો જ ઓછો હોય છે. અને અચાનક જ કોઈ કામ એવું સામે આવી જાય છે કે તેનો જવાબ તાત્કાલિક હાં અથવા ના માં આપવાનો હોય છે.
ઉપરોક્ત જણાવ્યા મુજબ પરિસ્થિતિ હોય તો નિમ્ન લિખિત દુવાઓમાં થી કોઈ પણ દુવા જુબાન વડે અથવા દિલમાં પઢી લેવી. અને અરબીમાં ન આવડતી હોય તો તેનો ઉર્દૂ , ગુજરાતી તર્જુમો પણ પઢી લેવાથી હેતુ પૂરો થઇ જશે.
☚ اَللّٰهُمَّ خِرْ لِیْ وَاخْتَرْ لِیْ․ [کنز العمال]
હે અલ્લાહ ! મારા માટે કોઈ એક રસ્તો પસંદ કરી દ્યો કે મારે ક્યો રસ્તો અપનાવવો જોઈએ.
☚ اَللّٰهُمَّ اہْدِنِیْ وَسَدِّدْنِیْ․ [صحیح مسلم]
હે અલ્લાહ ! મને હિદાયત અર્પણ કરો અને સીધા રસ્તા પર રાખો.
☚ اَللّٰهُمَ اَلْهِمْنِیْ رُشْدِیْ․ [ترمذی]
હે અલ્લાહ ! જે દુરુસ્ત રસ્તો છે તેનો મારા દિલમાં ખ્યાલ અર્પણ કરો.
છેલ્લે દુવા છે કે અલ્લાહ તઆલા અપણા સૌના માટે ભલાઈના ફેસલા ફરમાવે. આમીન...
༄༅༄༅༄༅ ❁✿❁ ༄༅༄༅༅༄
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59