તકદીર ની વાસ્તવિક્તા અને સહીહ સમજૂતી

Ml Fayyaz Patel
0
   તકદીર એક એવો વિષય છે જેની ઉંડાણમાં ન ઉતરવું જોઈએ, કેમ કે દરેક લોકોના બસની વાત નથી કે તેઓ તકદીરની વાસ્તવિક્તા સમજી શકે, તે માટે કુર્આન અને હદીષમાં મોજૂદ માર્ગદર્શન હેઠળ ચાલતા રહેવું જોઈએ. તે છતાંય અમુક લોકો તેની ઉંડાણમાં ઉતરી ગુમરાહ થાય છે, અને તેની વાસ્તવિક્તા સમજ્યા વગર વિચિત્ર સવાલ કરે છે, જેમ કે તકદીર વિષે નિમ્ન બે સવાલ પ્રચલિત છે.
૧) હદીષમાં આવ્યા મુજબ જ્યારે બાળકના દુનિયામાં આવતા પહેલા જ તેનું નેક અને બદ હોવું અલ્લાહ તઆલા નક્કી કરી દે છે તો પછી દુનિયામાં આવ્યા પછી તેનું નેક બનવાની કોશિશ કરવાનો શું મતલબ..?
૨) જ્યારે બધી જ વસ્તુ અલ્લાહ તઆલા ની મરજી મુજબ થાય છે તો આખીરતમાં બંદાઓ ને સજા કેમ..?
   આ વિષે સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે " તકદીર " કહેવાય કોને..? તો આપોઆપ પહેલા સવાલનો જવાબ મળી જશે.

તકદીર નો ભાવાર્થ

   બ્રહ્માંડ માં જે કંઈ પણ થાય છે, અને થશે તે બધું જ અલ્લાહ તઆલા ના અપાર જ્ઞાન અને ઈલ્મમાં છે. અને અલ્લાહ તઆલા એ તેને પહેલેથી જ લખી રાખ્યું છે.
☜ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰهَ یَعۡلَمُ مَا فِی السَّمَآءِ وَالۡاَرۡضِ ؕ اِنَّ ذٰلِكَ فِیۡ کِتٰبٍ ؕ. [القرآن العزيز، الحــج : ٧٠]
☜ القدر : هو تعيين كل مخلوق بمرتبته التي توجد من حسن وقبح ونفع وضر، وما يحيط به من مكان وزمان. [آسان علم الكلام، بحواله شرح فقه الاكبر]
સમજૂતી

   ઉપરોક્ત તકદીર ની વ્યાખ્યા ના મુજબ તકદીર નામ છે અલ્લાહ તઆલા ના અપાર જ્ઞાનનું કે બ્રહ્માંડ માં શું શું થશે તે બધું જ પહેલેથી લખાય ગયું છે, તો ખબર પડી કે બાળકના દુનિયામાં આવતા પહેલા અલ્લાહ તઆલા જે કાંઈ લખે છે કે આ નેક છે કે બદ તે અલ્લાહ તઆલા પોતાના અપાર જ્ઞાન અને તેના વિષે પહેલેથી જ જાણકારી હોવાના કારણે હોય છે.
   દા.ત. એક ડૉક્ટર બિમાર માણસને ચકાસણી કર્યા બાદ અંદાજો લગાવી કહે છે કે તે ક્યારે સાજો થશે, અથવા આટલા દિવસોમાં મૃત્યુ પામશે, કેમ કે ડૉક્ટર પાસે તે વિષે માહીતી છે જેના આધારે તે પહેલેથી આ પ્રમાણે ખબર આપતો હોય છે, તે છતાંય તેને સાજો કરવાની કોશિશ ચાલું જ રહે છે, અને વાસ્તવમાં તે બિમાર ના મૃત્યુ પામ્યા પછી કોઈ પણ વ્યક્તિ ડૉક્ટર નો વાંક પણ નથી કાઢતો કે ડૉક્ટર ના કહેવાથી મૃત્યુ થયું છે.
   એવી જ રીતે અલ્લાહ તઆલા એ તો તે બાળકની પહેલેથી જ ખબર હોવાથી તેના વિષે લખી દીધું હોય છે કે તે નેક બનશે કે બદ, તે માટે આમ વિચારવું કે જ્યારે અલ્લાહ તઆલા એ બધું જ પહેલેથી લખી દીધું છે તો હવે નેક બનવાની કોશિશ કરવાનો શું મતલબ..? અથવા અલ્લાહ તઆલા ના પહેલેથી લખી દેવાને લીધે તે બદ બન્યો, આ એક ખોટી વિચારધારા છે.
નોંધ :- અલ્લાહ તઆલા ના કહેવા અને ડૉક્ટર ના ખબર આપવામાં એક ફરક છે, કે ડૉક્ટર ના કહ્યા પ્રમાંણે થવું યકીની નથી હોતું, જ્યારે કે અલ્લાહ તઆલા નું કહેવું યકીની હોય છે, ડૉક્ટર નું ઉદાહરણ માત્ર સમજાવવા માટે આપવામાં આવ્યું છે.

બીજા સવાલનો જવાબ

   જેમ કે તકદીર વિષે બીજો સવાલ આ કરવામાં આવે છે કે " જ્યારે બધી જ વસ્તુ અલ્લાહ તઆલા ની મરજીથી થાય છે તો આખીરતમાં બંદાઓ ને સજા કેમ..? " તો એનો જવાબ નિમ્ન મુજબ છે.
   દુનિયામાં જે પણ કામ બંદા તરફથી વજૂદમાં આવે છે તે બે વસ્તુથી વજૂદમાં આવે છે, (૧) અલ્લાહ તઆલા ની મરજી, (૨) વ્યક્તિનો ઈરાદો. એટલે કે જ્યારે બંદો કોઈ કામનો ઈરાદો કરે છે (ચાહે તે કામ નેકીનું હોય કે ગુનાહનું) તો સાથે અલ્લાહ તઆલા ની મરજી પણ સામેલ હોય ત્યારે તે કામ વજૂદમાં આવે છે.
   ખબર પડી કે બંદા તરફથી વજૂદમાં આવતા કામમાં માત્ર અલ્લાહ તઆલા ની મરજી નથી હોતી, બલ્કે તે મરજી બંદાના ઈરાદા પર આધારિત હોય છે, આ જ કારણે ઉલમાએ કહ્યું છે કે " દુનિયામાં જે પણ કામ થાય છે તે અલ્લાહ તઆલા ની મરજી મુજબ થાય છે, અને બંદો ન તો પૂરેપૂરો મજબૂર હોય છે કે ન પૂરેપૂરો મુખત્યાર." મજબૂર તો એટલા માટે નહીં કે કૃત્યના વજૂદમાં તેનો ઈરાદો સામેલ હોય છે, અને મુખ્તાર એટલા માટે નહીં કે તેનો ઈરાદો અલ્લાહ તઆલા ની મરજી પર મોકૂફ હોય છે.
   આ જ નેક અને બુરાઈ ના ઈરાદા પર બંદાનો ષવાબ અને ગુનાહ લખાય છે, અને તેના મુજબ આખીરતમાં ઈનામ અને સજા આપવામાં આવશે.
   તે માટે એમ સમજવું કે " જ્યારે બધી જ વસ્તુ અલ્લાહ તઆલા ની મરજીથી થાય છે તો આખીરતમાં બંદાઓ ને સજા કેમ..? " એક ગલત સવાલ અને ખોટી સમજણ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59


Post a Comment

0Comments

Post a Comment (0)