ઈસ્લામી આર્ટિકલ્સ
લોકોમાં વસીલાને લઈ ઘણી મુંઝવણ જોવા મળે છે કે અમુક લોકો તેનો ઈનકાર કરે છે તો અમુક લોકો તેને જરૂરી સમજે છે, માટે નિમ્ન વસીલા વિષે વિગતવાર માહિતી લખવામાં આવે છે.
વસીલાનો શાબ્દિક અર્થ
વસીલાનો શાબ્દિક અર્થ “ ઝરીયો ” અને “ વાસ્તો ” થાય છે, એટલે કે તે વસ્તુ જેના દ્વારા કોઈ બીજી વસ્તુ સુધી પહોંચવામાં આવે.
الوَسِيلَة هي في الأصْل ما يُتَوَصَّلُ به إلى الشَّيْء ويُتَقَرَّبُ به. [النهاية فى غريب الاثر : ۵ / ٤٠٢]
વસીલાની પરિભાષિત વ્યાખ્યા
શરીયતની પરિભાષામાં વસીલો બીજાને દુવાનું કહીને અલ્લાહ તઆલા ની નજદીકી પ્રાપ્ત કરવાને કહેવાય છે, તેમજ વસીલો તે દુવા માટે પણ બોલાય છે જેમાં અલ્લાહ તઆલા ના નામો પૈકી કોઈ નામ, સિફાત પૈકી કોઈ સિફત, અથવા મખલૂક દા.ત. નબી, નેક વ્યક્તિ, અર્શ વગેરે તેમજ નેક આ"માલ ના વાસ્તે અલ્લાહ તઆલા ની નજદીકી પ્રાપ્ત કરવામાં આવે.
ويطلق التوسل أيضاً على التقرب إلى الله بطلب الدعاء من الغير، وعلى الدعاء المتقرب به إلى الله تعالى باسم من أسمائه، أو صفة من صفاته، أو بخلقه كنبي، أو صالح، أو العرش، وغير ذلك. [الموسوعة الفقهية الكويتية : ١٤ / ١٤٩]
વસીલાનો મફહૂમ
ઉપરોક્ત વસીલાનો શાબ્દિક અર્થ તેમજ પરિભાષિત વ્યાખ્યા જાણ્યા બાદ વસીલાનો મફહૂમ પણ જાણી લઈએ કે અલ્લાહ તઆલા પાસે દુવા માંગવામાં દુવાની કબૂલાત માટે આ રીતે બોલવામાં આવે કે “ હે અલ્લાહ ! મારી આ દુવા નબી, અથવા સહાબા, અથવા વલી, અથવા ફુલાણા નેક વ્યક્તિ, અથવા ઉપરોક્ત વર્ણવેલ કોઈ એક ના નેક અમલ, અથવા મારા ફલાણા નેક અમલ, અથવા તારા ફલાણા નામ, અથવા તારી ફલાણી સીફત અથવા અર્શ વગેરે... ના વસીલાથી મારી આ દુવા કબૂલ ફરમાવ ” આ રીતે દુવા કરવાને વસીલાથી દુવા કરવી કહેવામાં આવે છે.
યાદ રહે કે વસીલાથી દુવા માંગવી જાઈઝ છે જરૂરી નથી, કેમ કે અલ્લાહ તઆલા કોઈનો મોહતાજ નથી, હાં વસીલા દ્વારા દુવા કરવાથી દુવા જલ્દી કબૂલ થવાની સંભાવના વધારે છે.
અને આ પણ યાદ રહે કે કોઈક ના વસીલાથી દુવા માંગવી વાસ્તવમાં તેની પાસેથી મદદ માંગવી નથી. કેમ કે અલ્લાહ તઆલા સિવાય કોઈની પણ પાસે મદદ માંગવી તેમજ પોતાની હાજત પૂરી કરવવાની અપેક્ષા રાખવી જાઈઝ નથી.
વસીલાનો સબૂત
વસીલો આમ તો ઘણી આયતો તેમજ વિવિધ પ્રકારની હદીષોથી સાબિત છે પરંતુ અહીં માત્ર કુર્આનની એક આયત દલીલ રૂપે વર્ણવામાં આવે છે જે વસીલો જાઈઝ હોવા બાબત સ્પષ્ટ છે.
یٰۤاَیُّهَا الَّذِیۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَابۡتَغُوۡۤا اِلَیۡهِ الۡوَسِیۡلَةَ.
[સૂરહ : અ'લ્ માઈદહ્ / ૩૫]
તર્જૂમો :- હે ઈમાનવાળા ઓ ! અલ્લાહ તઆલા થી ડરતા રહો, અને તેની નજદીકી પ્રાપ્ત કરવા માટે વસીલો તલાશ કરતા રહો.
ઉપરોક્ત આયત વસીલાના જાઈઝ હોવા પર સ્પષ્ટ દલીલ છે.
વસીલાના પ્રકાર
ઉપરોક્ત વસીલાની પરિભાષિત વ્યાખ્યા તેમજ મફહૂમ સમક્ષ રાખીએ તો વસીલાના ત્રણ પ્રકાર બને છે જે નીચે મુજબ છે.
૧) કોઈકને દુવાની દરખાસ્ત કરવી :- એટલે કે કોઈ જીવિત નેક વ્યક્તિને કહેવામાં આવે કે મારા માટે દુવા કરજો, જેમ કે સહાબાએ રસુલુલ્લાહ ﷺ ને વરસાદ માટે દુવાની દરખાસ્ત કરી હતી.
☜ التوسل بدعاء الرجل الصالح الحي الموجود فتقول يا شيخ ادع الله لي ونحو ذلك، كما استسقى الصحابة برسول الله ﷺ. [التوسل المشروع و الممنوع : ۷۱]
૨) પોતાના નેક અમલને વસીલો બનાવવો :- એટલે કોઈ એવો અમલ જે અલ્લાહ ના નજદીક પસંદીદા તેમજ કબૂલાતને પાત્ર હોય એવા નેક અમલના વાસ્તે દુવા કરવામાં આવે અને કહેવામાં આવે કે “ હે મારા ફલાણા નેક અમના વાસ્તે, તેના વસીલાથી મારી આ જરૂરત પૂરી ફરમાવ.”
☜ هو التقرب إلى الله تعالى بطاعته وعبادته واتباع أنبيائه ورسله وبكل عمل يحبه الله ويرضاه. [التوصل الی حقیقة التوسل لمحمد نسيب الرفاعي : ۳۱]
૩) કોઈ બીજા વ્યક્તિ ની જાતને વસીલો બનાવવો :- એટલે કે કોઈ નબી અથવા વલી તેમજ નેક વ્યક્તિઓ ની જાતને વસીલો બનાવવામાં આવે જેની સૂરત આ છે કે “ હે અલ્લાહ નબીના વાસ્તે, ફલાણા વલીના વાસ્તે તેમજ તેના વસીલાથી મારી જરૂરત પૂરી ફરમાવ વગેરે...” યાદ રહે કે આ સૂરતમાં માત્ર તેઓનો વસીલો પકડવામાં આવે છે તેઓથી જરૂરત માંગવામાં નથી આવતી.
☜ وان یتوسل بالنبی ﷺ وباحد من الاولیاء العظام جائز بان یکون السوال من الله تعالیٰ ویتوسل بولیه ونبیه ﷺ۔[امداد الفتاویٰ: ٦ / ٣٢٧]
વસીલા વિષે મનઘડત પ્રચલિત વાતો
વસીલો ભલે જાઈઝ અને સાબિત છે, પરંતુ તેમાં અમુક સૂરતો અને વાતો એવી પણ પ્રચલિત થઈ ગઈ છે જે લોકોએ પોતાના તરફથી ઘડી છે, અને તે નાજાઈઝ પણ છે જે નીચે મુજબ છે.
➤ એવું સમજીને દુવા કરવામાં આવે કે વસીલા વગર દુવા કબૂલ થતી નથી ગલત છે, બલ્કે વસીલા વગર પણ દુવા કબૂલ થાય છે.
➤ એવું સમજવામાં આવે કે જે દુવામાં વસીલો હોય તે જરૂર કબૂલ થાય છે, બલ્કે અલ્લાહ તઆલા માટે તેનું કબૂલ કરવું જરૂરી હોય છે ગલત છે.
➤ એવું સમજવામાં આવે કે અમારી પહોંચ અલ્લાહ તઆલા સુધી નથી, તે માટે અમે દુવામાં નબીઓ, બુઝુર્ગો નો વસીલો પકડી તેઓને દરખાસ્ત કરીએ છીએ જેથી તેઓ અમારી હાજત અને જરૂરત અલ્લાહ તઆલા સુધી પહોંચાડે ગલત છે.
➤ નબીઓ અને બુઝુર્ગો પાસે માંગવાને વસીલો સમજવું પણ ગલત છે.
➤ એવું સમજવું કે અલ્લાહ તઆલા એ નબીઓ અને વલીઓ ને આપણી માંગો પૂરી કરવા માટે અધિકાર આપ્યા છે સરાસર ગલત છે.
➤ એવું સમજવામાં આવે કે વસીલો એટલે નબીઓ અને વલીઓ પાસે પોતાની હાજતો પહોંચાડવી છે કે ત્યારબાદ તેઓ આપણા તરફથી અલ્લાહ તઆલા પાસે માંગી લે અથવા અલ્લાહ તઆલા પાસે કબૂલ કરાવે ગલત છે.
ઉપરોક્ત વર્ણવેલ વાતો તે છે જે લોકોમાં વસીલા વિષે ખોટી અને ગલત સમજણ સાથે પ્રચલિત થઈ ગઈ, જ્યારે કે વસીલાનો સહીહ મફહૂમ અને સહીહ સૂરતો પણ ઉપરોક્ત વર્ણન કરી દેવામાં આવી છે. તે માટે વસીલાનો સહીહ મફહૂમ સમજી તે પ્રમાણે દુવા માંગવી જોઈએ.
[સમાપ્ત]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59