યા મુહમ્મદ / યા અલી / યા ગૌષ બોલવા વિષે

Ml Fayyaz Patel
0

ઈસ્લામી આર્ટિકલ્સ

યા અલ્લાહ / યા મુહમ્મદ / યા અલી / યા ગૌષ
આ રીતના વાક્યમાં “ યા ” શું છે..? તેમજ તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે..? તેને સમજવું ખૂબ જરૂરી છે માટે સૌપ્રથમ આ વિષે માહીતી જાણી લઈએ.
“ યા ” આ એક સંબોધન (Vocative Case, حرف ندا) વ્યાકરણ ની એક કર્તા વિભક્તિ છે. જેનો અર્થ ગુજરાતી માં હે..!, ઓ..! થાય છે. દા.ત. હે માણસ, ઓ ભાઈ વગેરે.
   આ કોઈ વ્યક્તિને સીધું સંબોધવા પ્રયોજાય છે. એટલે કે જે વ્યક્તિ સામે હાજર હોય ત્યારે તેને સંબોધવા માટે અરબી ભાષામાં “ યા ” નો પ્રયોગ કરવામાં આવે છે.
● સ્પષ્ટતા :
   ઉપરોક્ત “ યા ” વિષેની માહિતી જોતાં જો કોઈ વ્યક્તિ “ યા અલ્લાહ ” કહે છે તો એનો મતલબ આ થાય છે કે અલ્લાહ તઆલા તેની પાસે અથવા સામે હાજર છે માટે અલ્લાહ તઆલા ને સંબોધવા માટે તે યા અલ્લાહ (હે અલ્લાહ, ઓ અલ્લાહ) કહી રહ્યો છે. અને અલ્લાહ તઆલા માટે આમ કહેવું પણ સહીહ છે. કેમ કે અલ્લાહ તઆલા દરેક જગ્યાએ હાજર જ હોય છે.
   બીજી તરફ અલ્લાહ તઆલા સિવાય ના તે લોકો જેઓ સામે હાજર ન હોય તેઓ માટે “ યા ” નો પ્રયોગ સહીહ નથી. કેમ કે ગેરહાજર વ્યક્તિને “ યા ” નો પ્રયોગ કરી સંબોધવા નો મતલબ આ થાય કે તેઓ પણ અલ્લાહ તઆલા ની જેમ દરેક જગ્યાએ હાજર હોય છે.
યાદ રહે કે...
   દરેક શબ્દનો એક વાસ્તવિક ઉપયોગ હોય છે અને એક ભૌતિક (અધિકૃત, લાક્ષણિક) ઉપયોગ હોય છે. ઉપરોક્ત માહિતી “ યા ” ના વાસ્તવિક ઉપયોગ વિશેની હતી. હવે આપણે “ યા ” ના ભૌતિક ઉપયોગ વિશેની માહિતી જાણીએ.
   “ યા ” પોતાના વાસ્તવિક ઉપયોગ સિવાય બીજા ભૌતિક ઉપયોગ માટે પણ પ્રયોજાય છે. પરંતુ આના માટે શર્ત આ છે કે ત્યાં કોઈ એવો સંદર્ભ હોય જે તેનો વાસ્તવિક અર્થ (સંબોધન) મુરાદ લેવામાં રૂકાવટ બનતો હોય. એટલે કે તે સંદર્ભ ના લીધે ત્યાં તેનો વાસ્તવિક અર્થ (સંબોધન) મુરાદ ન હોય બલ્કે કોઈક બીજો જ અર્થ મુરાદ હોય. જેમ કે...
૧) પ્રોત્સાહન આપવું :- કોઈક ને હે સિંહ કહીને પોકારવું જેથી તેમાં હિમ્મત આવે.
૨) ઠપકો આપવો :- કોઈક ને હે મુર્ખ કહીને પોકારવું.
૩) આશ્ચર્ય અને ચિંતા જાહેર કરવા માટે :- જેમ કે કવિ આમ તોર પર હે પહાડ, હે જંગલ, વગેરે બોલીને ચિંતા જાહેર કરતા હોય છે.
૪) પીડા અને અફસોસ જાહેર કરવા માટે :- જેમ કે પીડાના સમયે ઓ માં, ઓ બા કહેવું.
૫) પુરાની યાદો તાજી કરવા માટે :- જેમ કે ભૂતકાળની કોઈ વાત યાદ કરતી વખતે કહેવું કે હે બચપણ તુ કેટલું મજાનું હતું.
   આ આખી માહિતી બાદ જાણવું જોઈએ કે “ યા ” પોતાના બન્ને વાસ્તવિક અને ભૌતિક અર્થ સાથે ઉપયોગમાં લેવાતો હોવાથી ઉલમાએ લખ્યું છે કે :
   જો અલ્લાહ તઆલા ના સિવાય ગેરહાજર વ્યક્તિને પણ “ યા ” થી સંબોધીને યા મુહમ્મદ, યા અલી, યા ગૌષ અથવા યા ખ્વાજા કહી પોકારવામાં આવે, અને અકીદો આ રાખવામાં આવે કે તેઓ દરેક જગ્યાએ હાજર હોય છે, અથવા પોકાર સાંભળે છે અથવા તેઓ મદદ માટે આવે છે તો આ સમયે “ યા ” નો ઉપયોગ વાસ્તવિક અર્થમાં હોવાને લીધે જાઈઝ નથી. કેમ કે આ વિશિષ્ટા માત્ર અલ્લાહ તઆલા ની જ છે.
   અને જો ઉપરોક્ત વર્ણવેલ અકીદા વગર “ યા ” થી સંબોધવામાં આવે તો હવે આ ભૌતિક અર્થમાં હોવાના લીધે યા મુહમ્મદ, યા અલી કહેવું જાઈઝ કહેવાશે. કેમ કે ભૌતિક અર્થમાં હોવાને લીધે તેનો મકસદ સંબોધવું કે મદદ માટે પોકારવું નથી, બલ્કે ઉપરોક્ત વર્ણવેલ પૈકી કોઈક મકસદ હશે.
   પરંતુ આજકાલ આપણા સમાજમાં આ વિગત જાણ્યા વગર બોલવામાં આવે છે તેમજ આ રીતે બોલવામાં સાંભળનાર માટે એક ગલત અકીદાના પ્રચાર માટે મદદરૂપ બનતો હોવાને લીધે સંપૂર્ણપણે આ રીતે વાક્યો બોલવામાં સાવચેતી અપનાવવી જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)