ઈસ્લામી શરીયત કોને કહેવાય..? ચાલો જાણીએ

Ml Fayyaz Patel
0
ઈસ્લામી શરીયત કોને કહેવાય..? ચાલો જાણીએ
   ણા લોકો શરીયતના ભાવાર્થ અથવા તેના મતલબ થી વંચિત હોવાના કારણે મુસલમાન હોવા છતાંય ઘણી બધી ગલતફહમી અને ગેરસમજ સાથે જીંદગી પસાર કરતા હોય છે, તે માટે નિમ્ન શરીયત વિષે ટુંકો ભાવાર્થ અને સમજૂતી રજુ કરવામાં આવે છે.
   “ શરીયત ” આ એક અરબી ભાષાનો શબ્દ છે, સૌથી પહેલા આપણે આનો અર્થ અને પરિભાષિત વ્યાખ્યા જાણીએ.

શરીયતનો અર્થ

   “ શરીયત ” નો અર્થ થાય છે, કાનૂન બનાવવો, કાયદો જારી કરવો, તેમજ માર્ગ અને રસ્તાને પણ અરબી ભાષામાં શરીયત કહેવામાં આવે છે.

શરીયતની પરિભાષિત વ્યાખ્યા

   ઈસ્લામી પરિભાષામાં અલ્લાહ તઆલા તરફથી પ્યારા નબી ﷺ દ્વારા જીંદગી જીવવાનો જે તરીકો આપવામાં આવ્યો છે તેને “ શરીયત ” કહેવામાં આવે છે.
” لِکُلٍّ جَعَلۡنَا مِنۡکُمۡ شِرۡعَةً وَّ مِنۡهَاجًا “
તમારા પૈકી દરેક માટે (જીંદગી જીવવા માટે) અમે એક કાયદો અને રસ્તો બનાવ્યો છે.
(કુર્આન : આયત, ૪૮ : પારહ : ૬)
   અને આ જ શરીયતને ઈસ્લામ અને તેના ઉપર ચાલનારાઓ ને મુસલમાન કહેવામાં આવે છે.

શરીયત પાંચ વસ્તુઓ પર નિર્ભર છે
   શરીયતનો અર્થ જાણ્યા બાદ હવે આપણે જાણીએ કે જે કાનુન અને કાયદો અથવા જે માર્ગ જીંદગી જીવવા માટે અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યો છે તે શું છે..? ક્યા ક્યા કાયદા અને કાનુન આપવામાં આવ્યા છે...? તો તે કાયદા અને તે માર્ગ પાંચ વસ્તુઓ પર આધારિત છે. જે નિમ્ન મુજબ છે.
➊ અકાઈદ, ➋ ઈબાદાત, ➌ મુઆમલાત, ➍ અખલાક, ➎ મુઆશરત.
✰ દરેકનો વિગતવાર મફહૂમ ✰
   ઉપરોક્ત જણાવ્યા મુજબ શરીયત જે પાંચ વસ્તુઓ પર આધારિત છે તેમની વિગતવાર સમજૂતી નિમ્ન લખવામાં આવે છે.
☞ ➊ અકાઈદ :- અકાઈદ આ અકીદાનું બહુવચન છે, જેનો મતલબ આ છે કે અલ્લાહ તઆલાની જાત અને સિફાત, નબીઓؑ , ફરીશ્તા, આસ્માની કિતાબો, કયામત, જન્નત અને જહન્નમ, તેમજ બીજી ગૈબી વાતોનું યકીન રાખવાને અકીદો કહેવામાં આવે છે.
☞ ➋ ઈબાદાત :- ઈબાદાત આ ઈબાદત (પ્રાથના) નું બહુવચન છે, જેનો મતલબ આ છે કે અલ્લાહ તઆલા એ પોતાના બંદાઓ નો તાલ્લુક અને સંબંધ પોતાની સાથે જારી રાખવા માટે તેઓને બદન અને માલને સંબંધિત અમુક પ્રક્રિયા અને પ્રવૃત્તિઓનો આદેશ આપ્યો છે જેને ઈબાદત કહેવામાં આવે છે. દા.ત. નમાઝ, રોઝા, ઝકાત વગેરે.
☞ ➌ મુઆમલાત :- મુઆમલાત આ મુઆમલા (મામલો) નું બહુવચન છે, જેને વ્યવસાય અને વ્યવહાર પણ કહી શકીએ છીએ, જેનો મતલબ આ છે કે અલ્લાહ તઆલા એ દરેક વ્યક્તિને જરૂરતો સાથે પેદા કર્યો છે, એટલે કે એક વ્યક્તિ ને પોતાના જીવન જીવવા માટે ઘણી બધી વસ્તુઓ ની જરૂરત પડતી હોય છે પરંતુ તે તેનો માલિક નથી હોતો, તેના માટે તેણે ખરીદી - વેચાણ, લેણદેણ કરવાની હોય છે, તો તે વ્યક્તિએ લોકો સાથે કઈ રીતે લેણદેણ તેમજ ખરીદી - વેચાણ કરવું...? આવી દર્શાવતી વાતો અને આ વિષે માર્ગદર્શન આપતી વાતોને મુઆમલાત કહેવામાં આવે છે.
☞ ➍ અખલાક :- અખલાક અરબી ભાષાનો શબ્દ છે જેનો માયનો આદત, ટેવ અને તબીયત થાય છે. જેનો શરઈ ભાવાર્થ આ છે કે જેવી રીતે અલ્લાહ તઆલા એ પોતાના બંદાઓ ને બદન અને માલને સંબંધિત પ્રવૃત્તિઓ નો આદેશ આપ્યો છે એવી જ રીતે અલ્લાહ તઆલા એ પોતાના બંદાઓ ને દિલ અને રૂહ (આત્મા) ને સંબંધિત અમુક પ્રવૃત્તિઓ નો આદેશ આપ્યો છે જેને શરઈ દ્રષ્ટિએ અખલાક કહેવામાં આવે છે. જેમ કે શુક્ર, સબર, સાદગી, પોતાની જાતને કમતર સમજવું, તકબ્બુર ન કરવું, ગીબત અને હસદ વગેરે ન કરવું.
   આ બધી તે ક્રિયાઓ છે જેનો સંબંધ દિલ અને રૂહ સાથે છે, કે જો સાચ્ચે કોઈ વ્યક્તિનું દિલ આ રીતનું હશે તો આપોઆપ તેના હાથ, પગ, જબાન વગેરેથી વર્તાવ સારો જાહેર થશે. આ જ કારણે અમુક ઉલમાએ અખલાકની વ્યાખ્યા આ રીતે બયાન કરી છે કે  વ્યક્તિના તે બોલ અને પ્રક્રિયા જે તેના દ્વારા આપોઆપ કંઈક સોચ વિચાર વગર જાહેર થાય તેને અખલાક કહેવામાં આવે છે. ”
❖ એક ગલતફહમીનું રદ્દ :- ઉપરોક્ત અખલાક નો ભાવાર્થ સમજ્યા બાદ આ વાત જગજાહેર થઈ ગઈ કે અખલાક માત્ર કોઈની સાથે હસીને અને ઝુકીને વાત કરવાનું તેમજ માત્ર મીઠા બોલ બોલવાનું નામ નથી, બલ્કે અખલાક વાસ્તવમાં દિલ અને રૂહની સાથે સંબંધિત પ્રવૃત્તિઓ નું નામ છે, જો દિલ સાફ હશે તો હાથ, પગ અને જબાન દ્વારા આપોઆપ સારી પ્રવૃત્તિઓ જાહેર થશે, અને તેનું જ નામ અખલાક છે. અને દિલમાં દુનિયા ભરની નફરત અને બુરાઈ રાખી માત્ર જાહેરમાં સારો વર્તાવ કરવો શરઈ દ્રષ્ટિએ કદાપિ અખલાક નહીં કહેવાય.
☞ ➎ મુઆશરત :- મુઆશરત આ અરબી ભાષાનો શબ્દ છે, જેનો ગુજરાતીમાં માયનો સમાજ અને સોસાયટી થી થાય છે, જેનો શરઈ મફહૂમ આ છે કે અલ્લાહ તઆલા એ માણસને એકલો પેદા નથી કર્યો બલ્કે તે દુનિયામાં આવ્યા પછી જ્યારે આંખો ખોલે છે તો તેની સામે તેના માં - બાપ, ભાઈ - બહેન, સગા - સબંધી તેમજ તેનો આખો પરિવાર હોય છે, એવી જ રીતે ઘરની બહાર નીકળતા તેના પાડોશી, દોસ્તો વગેરે સાથે વાસ્તો પડતો હોય છે, તો તે બધા લોકો સાથે કેવો વર્તણૂક અને વર્તાવ કરવો..? તેઓની સાથે ઉઠવું બેસવું, ખાવું પીવું, હળવું ફરવું કેવું હોવું જોઈએ..? આ વિષે દર્શાવતી વાતો, અને આ વિષે માર્ગદર્શન આપતી વાતોને મુઆશરત કહેવામાં આવે છે.
   આ તે પાંચ વસ્તુઓ છે જેના પર શરીયત અને ઈસ્લામ નિર્ભર છે, અને ઉપરોક્ત આ વિષે વિગતવાર માહિતી જાણ્યા બાદ ખબર પડી કે ઈસ્લામ એક માત્ર એવો મઝહબ છે જે દરેક સ્થિતિ અને દરેક યુગમાં માણસને સંપૂર્ણપણે માર્ગદર્શન આપે છે, માનવી જીંદગીનો કોઈ વિભાગ એવો નથી જેમાં ઈસ્લામ સહાયભૂત ન હોય. તે માટે આજે ઈસ્લામે બતાવેલા માર્ગ પર ચાલવાની અને તેણે બતાવેલા નિયમોને પોતાની જીંદગીમાં ઉતારવાની ખૂબ જરૂર છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)