ઈસ્લામી આર્ટિકલ્સ
સવાલ :
જ્યારે ઈસ્લામ માં સ્ત્રીઓ ની આટલી બધી કદર કરવામાં આવે છે તો તલાક ના વિષયમાં તલાક નો સંકલ્પ અને અધિકાર માત્ર પુરુષને જ કેમ આપવામાં આવ્યો છે..? સ્ત્રીને કેમ નહિં..?
જવાબ :
સ્ત્રી અને પુરુષની પ્રાકૃતિક સર્જનાત્મક અને રચનાત્મક રીતે અમુક વસ્તુઓ ને લઈ થોડાક તફાવત જોવા મળે છે તે પૈકી એક તફાવત આ છે કે એક સ્ત્રી પુરુષની તુલનામાં વધારે લાગણીશીલ (Emotional) હોય છે. જ્યારે કે એક પુરુષમાં સ્ત્રીની તુલનામાં દૂરંદેશી, જબાન પર કાબૂ, આત્મવિશ્વાસ, તેમજ બીજાથી પ્રભાવિત ન થવું, જલ્દ બાજી ન હોવી વગેરે વિશિષ્ટતાઓ પ્રમાણમાં વધારે હોય છે. તો તલાક જેવી નાજૂક બાબતમાં અધિકાર અને સંકલ્પ માટે જે સંપૂર્ણ વિશેષતાઓ હોવી જોઈએ તે પ્રાકૃતિક રચનાત્મક રીતે એક પુરુષમાં સંપૂર્ણપણે હોવાને લીધે તલાક નો અધિકાર પુરુષને આપવામાં આવ્યો છે.
પ્રાકૃતિક સર્જના ના વિરુદ્ધ જો સ્ત્રીને આપવામાં આવ્યો હોત તો આજે પુરુષ તરફથી તેનો જે દુરુપયોગ જોવા મળે છે તેનાથી બમણો દુરુપયોગ સમાજમાં જોવા મળતો. કેમ કે સ્ત્રીઓ પોતાની ભાવનાને જરીક ઠેસ પહોંચતા ઘણા મોટા ફેસલા લઈ લેતી હોય છે... આજે વાતવાતમાં તેમજ નાની બોલચાલ અને ઝઘડામાં સ્ત્રી તરફથી તલાકની માંગણી આપણાથી છૂપી નથી. સારાંશ કે તલાકનો અધિકાર સ્ત્રીને ન આપવો વાસ્તવમાં સ્ત્રીની પ્રાકૃતિક રચનાને અનુકૂળ છે. અને જે વસ્તુ સ્ત્રીને અનુકૂળ હોય છે તે તેના હકમાં અન્યાય કદાપિ ન હોય શકે.
દરઅસલ ઈસ્લામ માં નિકાહ અને તલાક ની એક સંપૂર્ણ વ્યવસ્થા છે. જેમાં નિકાહની સાથે સાથે તલાક ક્યારે આપવી અને કઈ રીતે આપવી તેનું પણ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો તેનું અધ્યયન કરવામાં આવે તો વાસ્તવમાં ઘણી એવી શંકાઓ જે દિલમાં ઉદ્ભવે છે ખતમ થઈ જાય છે.
તલાક અંગે ઈસ્લામી દૃષ્ટિકોણ આ છે કે તલાક કોઈ નાની નાની નફરત, અણબનાવ અથવા કામચલાઉ મતભેદ ના લીધે આપવામાં ન આવે, બલ્કે તલાક પહેલા ઈસ્લામે જે સૂચનાઓ આપી છે અને જે કાંઈ પગલાં લેવાનું માર્ગદર્શન આપ્યું છે, તેના પાલન કર્યા પછી પણ સમસ્યાનું નિરાકરણ ન આવે અને પતિ-પત્ની બન્ને ને પાક્કી ખાતરી થઈ જાય કે તલાકમાં જ આપણા માટે શાંતિ અને સલામતી છે, તો આવા સમયે ઈસ્લામ સમજણ અને નિયમિત સભાનતાથી તેમજ એક સારી પદ્ધતિથી તલાકની પ્રક્રિયાની મંજૂરી આપે છે.
સ્વભાવિક છે કે તલાક અંગે પુરુષ અને સ્ત્રી બન્ને શરઈ આદેશો અને માર્ગદર્શન ના પાબંદ છે ના કે કોઈ એક સ્વતંત્ર છે. તો આ રીતનો સવાલ જ ન થવો જોઈએ કે તલાક આપવામાં પુરુષને કેમ અધિકાર અને સંકલ્પ આપવામાં આવે છે..? હાં...! કોઈ પુરુષ ઈસ્લામી કાયદાઓ નું પાલન ન કરી તેને આપવામાં આવેલ એક અધિકાર નો દુરુપયોગ કરી સ્ત્રીની સાથે અન્યાય કરી કોઈ વ્યાજબી કારણ વગર તલાક આપી દે છે તો આના લીધે શરઈ કાયદો ગલત ન ગણાય, બલ્કે તે પુરુષને સહીહ સમજણ હોવા છતાંય તેણે પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો કહેવાય છે. આ જ કારણ છે કે શરઈ દ્રષ્ટિએ તે વ્યક્તિ ગંભીર ગુનેગાર અને અવજ્ઞાકાર અને નાફરમાન સમજવામાં આવે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59