પગના મોજા પર મસહ કરવા વિષે શરઈ માર્ગદર્શન
ઈસ્લામમાં મનુષ્યની રાહત ના ખાતર ઘણા આદેશોમાં નરમાશ નો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. તે પૈકી એક આદેશ ઠંડીમાં પગ ધોવાને બદલે મોજા પર મસહ કરવાને સંબંધિત છે. જેની માહિતી નીચે મુજબ છે.
તે મોજા જેના પર મસહ કરવો જાઈઝ છે
હદીષોના અધ્યયન થી ખબર પડે છે કે વુઝૂમાં પગ ધોવાને બદલે કોઈ વ્યક્તિ પહેરેલા મોજા પર મસહ કરી લે તો આ પણ જાઈઝ છે. પરંતુ તે મોજા બે પ્રકારના મોજા પૈકી કોઈ એક પ્રકારના હોવા જરૂરી છે.
➊ ચામડાના હોવા :- એટલે કે આખા ચામડાના હોવા અથવા કમસેકમ તળિયું ચામડીનું હોવું.
➋ જાડા મજબૂત હોવા :- એટલે કે ચામડાના ન હોય પરંતુ તે મોજા એટલા જાડા હોય કે જો તેના પર પાણી રેડવામાં આવે તો તે પાણી પગ સુધી ન પહોંચી શકે. તેમજ એટલા મજબૂત હોય કે ચપ્પલ તથા બૂટ વગર ત્રણ માઈલ ચાલવું શક્ય હોય.
અને એટલા સખત હોય કે તે કંઈ પણ વસ્તુ દ્વારા બાંધ્યા વગર પગની પિંડલી સાથે ઊભા રહી શકે. અને તે મોજાનું આ પ્રમાણે ઊભા રહેવું કોઈ રબર અથવા મોજાના સાંકડાં હોવાને લીધે ન હોય.
આ સિવાયના ઊનના, સુતરાઉ, નાયલોન તથા અન્ય કોઈ પણ પ્રકારના મોજા પર મસહ કરવો જાઈઝ નથી.
મોજા પર મસહ કરવાનો તરીકો
જ્યારે પાકીની હાલતમાં પગ ધોઈને મોજા પહેરી લેવામાં આવે, ત્યારબાદ વુઝૂ તૂટવા પર નીચે બતાવેલ તરીકાથી મોજા પર મસહ કરી લેવો.
સૌપ્રથમ પોતાના હાથની આંગળીઓ પાણી દ્વારા પલાળી લેવી. ત્યારબાદ તે આંગળીઓ ખુલ્લી રાખવાની હાલતમાં પગના ઉપરના ભાગમાં આગળથી પાછળની તરફ (એડી તરફ) ખેંચવી.
પરંતુ યાદ રહે કે આંગળીઓ પગના ઉપરના ભાગમાં આખી મુકવાની રહેશે. અને હથેળી પણ સ્પર્શ થઈ જાય તો ઉત્તમ રહેશે.
મોજા પર મસહ કરવાની મુદ્દત
એક વખત મોજા પહેરી લીધા બાદ એવું નહીં કે બે, પાંચ અથવા દસ દિવસ સુધી તેને કાઢ્યા વગર મસહ કરતું રહેવું. બલ્કે એક વખત પહેર્યા બાદ ક્યાં સુધી તેને કાઢ્યા વગર મસહ કરી શકાય છે તેની એક મુદ્દત છે જે નીચે મુજબ છે.
➤ સ્થાયી :- એટલે કે જે સફરમાં ન હોય, બલ્કે પોતાના સ્થાન પર હોય તેવા વ્યક્તિ માટે મસહ ની મુદ્દત એક દિવસ અને એક રાત છે.
➤ મુસાફર :- શરઈ સફર કરનાર વ્યક્તિ માટે મસહ ની મુદ્દત ત્રણ દિવસ અને ત્રણ રાત છે.
✪ નોંધ :- મસહ ની મુદ્દતની ગણતરી જ્યારથી પહેર્યા છે ત્યારથી નહીં, બલ્કે એક વખત પહેર્યા બાદ જ્યારે વુઝૂ તૂટશે ત્યારથી મુદ્દત ની ગણતરી થશે.
● ઉદાહરણ :- એક વ્યક્તિએ ફજરની નમાઝ પહેલા સવારે ૪ વાગ્યે વુઝૂ કરી મોજા પહેરી લીધા. ત્યારબાદ તેનું સવારે ૯ વાગ્યે વુઝૂ તૂટી ગયું.
તો હવે તે વ્યક્તિ માટે મોજા પર મસહ કરવાની મુદ્દત ૯ વાગ્યેથી બીજા દિવસના સવારના ૯ વાગ્યા સુધીની રહેશે. અને મુદ્દત પૂર્ણ થતાં ફરી તેણે પગ ધોઈ મોજા પહેરવાના રહેશે. મુદ્દત પૂર્ણ થયા બાદ પગ ધોયા વગર મસહ કરવો જાઈઝ નથી.
મોજા પર મસહ સહીહ હોવાની શર્તો
પગના મોજા પર મસહ સહીહ હોવાની અમુક શર્તો છે. એટલે કે તે શર્તોની પાબંદી કરવામાં આવે તો મસહ સહીહ થશે, બાકી નહીં.
(૧) મોજા સંપૂર્ણ પાકીની હાલતમાં પહેરવામાં આવે. જેની વિગત આ છે કે જો કોઈ વ્યક્તિનું વુઝૂ ન હોય તેમજ તે બિલકુલ વુઝૂ ન કરે અને મોજા પહેરી લે તો તેના પર મસહ કરવો જાઈઝ નથી.
હાં..! કોઈ વ્યક્તિ માત્ર પહેલા પગ ધોઈ મોજા પહેરી લે, અને તે વ્યક્તિ વુઝૂ તોડનારી કોઈ વસ્તુ લાગુ પડતા પહેલાં વુઝૂ કરી લે તો તેનું મોજા પર મસહ કરવું સહીહ લેખાશે.
(૨) મોજા એવા હોય કે તેનાથી ઘૂંટી છુપાય જતી હોય. નહીંતર મસહ સહીહ નથી.
(૩) મોજા પગની નાની ત્રણ આંગળીઓ ના બરાબર ફાટેલા ન હોય. જો પગની નાની ત્રણ આંગળીઓ ના બરાબર ફાટેલા હોય અથવા તેનાથી વધુ ફાટેલા હોય તો તેવા મોજા પર મસહ કરવો સહીહ નથી.
હાં..! કોઈ મોજો વિવિધ જગ્યાએ થી થોડો થોડો ફાટેલો હોય તો તેને જોવામાં આવે કે સામૂહિક રીતે તે પગની નાની ત્રણ આંગળીઓ ના બરાબર થાય છે કે નહીં..? થઈ જાય તો પણ મસહ જાઈઝ નથી.
મસહ ને તોડનારી વસ્તુઓ
પગના મોજા પર કરવામાં આવેલ મસહને તોડનારી ચાર વસ્તુઓ છે. જે નીચે મુજબ છે.
(૧) દરેક તે વસ્તુ જે વુઝૂ ને તોડનરી છે, તે મસહને પણ તોડી નાખશે.
(૨) મોજા પગમાંથી ઉતારવા પર મસહ તૂટી જશે. તે માટે જો કોઈ વ્યક્તિ મોજા કાઢી નાંખે તો પછી ફરી બન્ને પગ ધોઈ મોજા પહેરી લેવા.
(૩) મસહની મુદ્દત પૂર્ણ થવા પર પણ મસહ તૂટી જશેે.
(૪) મોજાના અંદરના ભાગમાં પગના વધારે પડતા ભાગમાં પાણી પહોંચવા પર પણ મસહ તૂટી જશે.
▁ ▂ ▄ ▅ ▆ ▇ █ સમાપ્ત █ ▇ ▆ ▅ ▄ ▂ ▁
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59