શું ઈસ્લામમાં સ્ત્રીને અધૂરી બુદ્ધિની સમજવામાં આવે છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   શું સ્ત્રી નાકીસુલ અકલ (અધૂરી અક્કલ) ની હોય છે...? વિસ્તૃત માહિતી જણાવશો.
જવાબ :
દરઅસલ એક હદીષ છે જેમાં આ રીતનું વર્ણન છે કે :
          હુઝૂર ﷺ ઈદના મોકા પર સ્ત્રીઓ ને સંબોધીને કહે છે કે તમે દીન અને બુદ્ધિ બાબત અપૂર્ણ હોવા છતાં ખૂબ લાનત કરો છો અને પોતાના પતિની નાશુક્રી કરો છો. સ્ત્રીઓ પુછ્યું કે અમે દીન અને બુદ્ધિ બાબત અપૂર્ણ કેવી રીતે છીએં..?
   હુઝૂર ﷺ એ જવાબ આપતા ફરમાવ્યું કે શું સ્ત્રીને સાક્ષી પુરુષની સાક્ષીની તુલનામાં અધૂરી નથી..? તેમણીએ જવાબ આપ્યો કે હાં..! છે. હુઝૂર ﷺ એ ફરમાવ્યું કે આને જ તો બુદ્ધિ બાબત અપૂર્ણ હોવું કહેવાય છે.
   ફરી પુછ્યું કે શું તમને માસિકના દિવસોમાં રોઝા અને નમાઝ પઢવાની મનાઈ નથી..? તેમણીએ કહ્યું કે હાં..! આવું જ છે. હુઝૂર ﷺ એ ફરમાવ્યું કે આને જ તો દીન બાબત અપૂર્ણ હોવું કહેવાય છે.
[બુખારી]
 સમજૂતી : 
   આ હદીષમાં બુદ્ધિ અપૂર્ણ કહેવાને લીધે અમુક લોકો એવું સમજી બેઠા છે કે સ્ત્રીઓ પાસે બુદ્ધિ ઓછી હોય છે. જ્યારે કે હદીષથી આ અર્થ કાઢવો સહીહ નથી. કેમ કે હદીષમાં જ બુદ્ધિ અપૂર્ણ હોવાનું કારણ અને સહીહ મતલબ બતાવવામાં આવ્યો છે કે અપૂર્ણ એટલા માટે છે કે અલ્લાહ તઆલા તરફથી બે સ્ત્રીઓ ની ગવાહી એક પુરુષના સમાન ગણવામાં આવી છે તેથી તેને અપૂર્ણ કહેવામાં આવી છે. ન કે વાસ્તવમાં બુદ્ધિના અભાવને લીધે.
   હવે અહીં અસલ સવાલ આ થાય છે કે બે સ્ત્રીઓ ની ગવાહી એક પુરુષના બરાબર કેમ ગણવામાં આવી છે..? તથા ગવાહીને બુદ્ધિ સાથે શું લેવાદેવા..? તો આ બન્નેનો જવાબ નીચે લખેલ લેખ દ્વારા આસાનીથી સમજમાં આવી જશે.
વિશ્લેષણ :
   સ્ત્રી અને પુરૂષ બન્ને બુદ્ધિ અને ભાવનાની દૃષ્ટિએ એકબીજાથી તદ્દન અલગ અલગ છે. એટલે કે રચનાત્મક રીતે પુરુષ સ્ત્રીની તુલનામાં વધારે તાર્કિક (logically) હોય છે. અને સ્ત્રી પુરષની તુલનામાં વધારે લાગણીશીલ અને ભાવનાત્મક (emotionally) હોય છે.
   આ જ કારણે ફિલસૂફી,તર્કશાસ્ત્ર, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પુરુષ વધારે તેજ નજર આવે છે. અને તેથી જ મોટાભાગના વૈજ્ઞાનિક સંશોધકો અને નોબેલ વિજેતા પુરુષો છે. તેમજ બ્રિટિશ જર્નલ ઑફ સાયકોલોજીમાં પાછળથી પ્રકાશિત થયેલા બીબીસીના અહેવાલ મુજબ, પુરુષો IQ ની દ્રષ્ટિએ મહિલાઓ કરતાં પાંચ પોઈન્ટ આગળ છે.
   બીજી બાજુ, સ્ત્રીઓ ભાવનાત્મક રીતે રચનાત્મક રીતે વધુ સારી અને મજબૂત હોય છે અને આ હકીકતને કો નકારી નથી શકતું કે લાગણીઓ વ્યક્તિની ક્રિયાઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરે છે. તેથી જ પિતા કરતાં માતા પોતાના બાળકોની લાગણીઓને વધુ સમજી શકે છે. એક રિપોર્ટ મુજબ મહિલાઓએ EQ પરીક્ષણો (સહાનુભૂતિ, અંગત સંબંધો અને સામાજિક જવાબદારીઓ) માં પુરૂષોને પણ પાછળ છોડી દીધા છે.
   સારાંશ કે આ કહી શકાય છે કે એક પુરુષ I.Q. (Analytical and Logical intelligence) ના હિસાબે વધુ બુદ્ધિશાળી હોય છે. અને એક સ્ત્રી E.Q. (Emotional Intelligence) ના હિસાબે પુરુષ કરતાં વધારે લાગણીશીલ હોય છે.
   હવે અસલ જવાબ તરફ આવીએ કે સ્ત્રી અને પુરુષની ઉપરોક્ત વર્ણવેલ રચના અને બનાવટના હિસાબે પુરૂષોમાં કેટલીક વસ્તુઓનો અભાવ હોય છે જે મહિલાઓ દ્વારા પૂર્ણ થાય છે અને કેટલીક વસ્તુઓનો અભાવ જે મહિલાઓમાં હોય છે તે પુરૂષો દ્વારા પૂર્ણ થાય છે. પુરુષોને લાગણીઓ અથવા ભાવનાત્મક જીવન અથવા પ્રતિબદ્ધતા માટે સ્ત્રીઓની જરૂર છે અને સ્ત્રીઓને બૌદ્ધિક બાબતોમાં મદદ માટે પુરુષોની જરૂર છે તેથી પુરુષો અને સ્ત્રીઓ એકબીજા વિના અધૂરા છે.
   જ્યાં સુધી વાત છે સાક્ષી એટલે કે ગવાહીની બાબતમાં તો ત્યાં જો એકલી સ્ત્રીને પૂરતી સમજવામાં આવે તો તે વધુ લાગણીશીલ હોવાને લીધે તેનાથી આ ડર રહે છે કે તે ભાવના અને લાગણીમાં ડૂબીને પોતાની ગવાહી બદલી ન નાંખે તેથી ગવાહી માટે તેની સાથે પુરુષને પણ જરૂર રાખવામાં આવ્યો કે તે તાર્કિક હોવાથી આ પ્રકારની ભૂલથી સ્ત્રીની તુલનામાં વધુ સુરક્ષિત હોય છે. તદુપરાંત એક સ્ત્રી સાથે બીજી એક સ્ત્રીને પણ જરૂરી સમજવામાં આવી કે જો એક લાગણીમાં વહી જાય તો બીજી સંભાળી શકે અને જો બન્ને વહી જાય તો પુરુષ તો છે જ સાથે.
   તો આ રીતે ગવાહીની બાબતમાં એક પુરુષ બે સ્ત્રી રાખવામાં આવી હોવાથી હુઝૂર ﷺ એ તેઓને બુદ્ધિની અપૂર્ણ હોવાનું કહ્યું કે આનો સંબંધ બુદ્ધિ સાથે પણ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)