સવાલ :
અમુક લોકોનું કહે છે મુસલમાનો પણ કાબાના તવાફ દરમિયાન જે હજરે અસવદ (એક પથ્થર) ને ચૂંમે છે તો શું આ પથ્થર પૂજા ન કહેવાય..?
જવાબ :
હજરે અસવદ એક પથ્થર છે જે જન્નતથી ઉતારવામાં આવ્યો હતો, જેને કાબાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં બહારના ભાગમાં મુકવામાં આવ્યો છે. હદીષમાં આવે છે કે જ્યારે અલ્લાહ તઆલા એ આ પથ્થર જન્નતથી નીચે ઉતાર્યો, ત્યારે તે દૂધથી પણ વધારે સફેદ હતો. પરંતુ ત્યારબાદ આદમની અવલાદના ગુનાહોએ તેને કાળો બનાવી દીધો. [તીરમીઝી : ૮૭૭]
બીજી એક હદીષમાં આવે છે કે રસૂલુલ્લાહ ﷺ એ આ પથ્થર વિષે એક દિવસ ફરમાવ્યું કે અલ્લાહની કસમ ! અલ્લાહ તેને કયામતના દિવસે એવી સ્થિતિમાં ઉઠાવશે કે તેની પાસે બે આંખો હશે જેનાથી તે જોશે, અને એક જીભ હશે જેનાથી તે બોલશે. અને તે વ્યક્તિના ઈમાનની ગવાહી આપશે જેણે તેને ઈનામના હેતુથી ચૂંબન કર્યું હશે. [તીરમીઝી : ૯૬૧]
હજરે અસવદની હદીષોમાં આ પ્રકારની વિશેષતાઓ અને પવિત્રતા વર્ણવામાં આવી હોવાથી તવાફ દરમિયાન મુસલમાનો આદર, સન્માન, પવિત્રતા અને ફઝિલત તથા ષવાબની પ્રાપ્તિ માટે તેને ચૂંમે છે. એટલે આ પણ તવાફ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓ પૈકી ઈબાદતને પાત્ર એક પ્રક્રિયા છે. એટલે તેને ચુંબન કરવું શરઈ આદેશ હોવાને લીધે છે, સ્વંય પથ્થર ની પૂજા કરવી હેતુ નથી હોતો. આ જ કારણે હઝરત ઉમર રદી. એ હજરે અસવદ (એક પથ્થર નું નામ) ને ચુમતી વખતે તેને સંબોધતા કહ્યું હતું કે : “ હે પથ્થર મને ખબર છે કે તુ એક પથ્થર છે ન તુ નફાનો માલિક છે ન નુકસાન નો, હું તો માત્ર તને એટલા માટે ચુમી રહ્યો છું કે મેં રસુલુલ્લાહ ﷺ ને તને ચુમતા જોયા હતા તો આ ચુમવું તેમની નકલ તેમજ મુહબ્બત માં છે.” [બુખારી શરીફ : ૧૬૧૦]
સારાંશ ઈસ્લામમાં કોઈ ની સામે ઝૂકવું તેમજ અલ્લાહ સિવાય બીજાની પૂજા કરવી અમાન્ય છે, અને હજરે અસવદને ચૂંબન કરવાનો હેતુ તેની પૂજા નહીં બલ્કે સન્માન અને ષવાબ પ્રાપ્ત કરવાનો હોય છે. અને કોઈ તેને નફા નુકસાન પહોંચાડવાનો માલિક નથી સમજતું. જ્યારે કે હિન્દુ લોકો એક મૂર્તિ ને ભગવાન માની તેમજ તેને જ નફા નુકસાન નો માલિક સમજી પુજા કરે છે. આ બુનિયાદી ફરક છે પથ્થર પૂજા અને હજરે અસવદને ચૂંબન કરવાનો.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59