શબે બરાતની ફઝિલત વિષે સૈદ્ધાંતિક વાતો

Ml Fayyaz Patel
0
   આજે શબે બરાતને લઈને કેટલાક લોકોમાં મુંઝવણ જોવામાં આવે છે કે અમુક લોકોએ બિલકુલ તેનો ઈનકાર કરી દીધો છે તો અમુક લોકોએ આ વિષયમાં શરઈ સીમા પાર કરી દીધી છે. તે માટે શબે બરાતની વાસ્તવિકતા વિષે નિમ્ન મુફ્તી તકી સાહેબ દા.બ. નો એક લેખ મુકવામાં આવે છે જે ઈસ્લાહી ખુત્બાત માં મોજૂદ છે.
   શબે બરાત વિષે એમ કહેવું બિલકુલ ખોટું છે કે તેની કોઈ પણ ફઝિલત હદીષથી સાબિત નથી. પરંતુ હકીકત આ છે કે ૧૦ સહાબાؓ થી હદીષો વર્ણવેલી મળે છે. જેમાં રસુલુલ્લાહ ﷺ એ તે રાતની ફઝિલત બયાન કરી છે. જેમાંથી અમુક ભલે ઝ઼ઈફ (કમજોર) હદીષો છે અને તેના લીધે અમુક ઉલમાએ એમ કહી દીધું કે તેની ફઝિલત મનઘડત છે. પરંતુ મુહદ્દીષીન અને ફુકહાનો ફૈસલો આ છે કે જો એક હદીષ ઝ઼ઈફ હોય પરંતુ તેને અનુરૂપ ઘણી બધી હદીષો હોય તો તેની કમજોરી દૂર થઇ જાય છે. અને જેવી રીતે મેં કીધું કે ૧૦ સહાબાથી તેની ફઝિલત વિષે હદીષો સાબિત છે. તો જે રાતની ફઝિલત વિષે ૧૦ સહાબાથી હદીષો સાબિત હોય તેને બેબુનિયાદ અને મનઘડત કહેવું બિલકુલ ખોટું છે.
શબે બરાતમાં ઈબાદત
   ઉમ્મતે મુસ્લિમહ્ ના જે શ્રેષ્ઠ યુગો છે એટલે કે સહાબાનો યુગ, તાબીઈન નો યુગ અને તબ્-એ તાબીઈનનો યુગ તેમાં પણ આ રાતની ફઝિલત થી ફાયદો ઉઠાવવાનો બંદોબસ્ત કરતા હતા. માટે તેને બિદઅત કહેવું અથવા બેબુનિયાદ કહેવું દુરુસ્ત નથી. સહીહ વાત આ છે કે તે રાતની ફઝિલત સાબિત છે અને તે રાત્રે ઈબાદત કરવી ષ઼વાબને પાત્ર છે અને તેની ખાસ મહત્તા છે.
ઈબાદતની કોઈ ખાસ રીત નક્કી નથી
   હાં ! આ વાત દુરુસ્ત છે કે તે રાત્રે ઈબાદતની કોઈ ખાસ રીત નક્કી નથી કે ફલાણી રીત પ્રમાણે ઈબાદત કરવી જોઈએ. જેવી રીતે કે અમુક લોકોએ એક ખાસ રીત ઘડી લીધી છે કે શબે બરાતમાં આ ખાસ રીત પ્રમાણે નમાઝ પઢવી જોઈએ. દા.ત. પહેલી રકાતમાં ફલાણી સુરહ આટલા વખત પઢવી વગેરે વગેરે... આનો કોઈ પૂરાવો નથી અને બિલકુલ બેબુનિયાદ વાત છે. બલ્કે નફલી ઈબાદત કાર્યક્ષમતા પ્રમાણે કરવી જોઈએ. નફલ નમાઝ પઢે, કુર્આનની તીલાવત કરે, ઝિક્ર કરે, તસ્બીહ પઢે, દુવા કરે. આ બધી ઈબાદતો તે રાત્રે કરી શકાય પરંતુ કોઈ ખાસ રીત સાબિત નથી.
શબે બરાતમાં કબ્રસ્તાન જવું
   આ રાત્રે (શબે બરાતમાં) વધુ એક અમલ એક હદીષથી સાબિત છે. અને તે આ છે કે રસુલુલ્લાહ ﷺ જન્નતુ'લ બકીમાં ગયા હતા. તે માટે હવે દરેક મુસલમાન તે રાત્રે કબ્રસ્તાન જવાનો એહતેમામ કરે છે. પરંતુ મારા પ્રિય પિતાશ્રી મુફ્તી મુહમ્મદ શફીઅ્ (કુદ્દિસ સિર્રૂહૂ)ઘણી કામની વાત કહેતા હતા જે હંમેશા યાદ રાખવા જેવી છે અને તે આ કે જે વસ્તુ રસુલુલ્લાહ ﷺ થી જે પ્રમાણે સાબિત હોય તેને તે જ પ્રમાણમાં રાખવું જોઈએ. તેનાથી આગળ ન વધવું જોઈએ. અને પૂરેપૂરી જીવન ચરિત્રમાં રસુલુલ્લાહ ﷺ નું માત્ર એક વખત જવું સાબિત છે. કે રસુલુલ્લાહ ﷺ શબે બરાતમાં જન્નતુ'લ બકીમાં ગયા હતા. જોકે એક વખત જવું સાબિત છે તે માટે તમે પણ જીંદગીમાં એક વખત જો તો થીક છે. પરંતુ દરેક શબે બરાતમાં જવાનો એહતેમામ કરવો. અને તેના પર પાબંદી કરવી અને જરૂરી સમજવું અને તેને શબે બરાતના ખાસ કાર્યોમાં દાખલ કરવું અને તેના વગર એમ સમજવું કે શબે બરાતનો હક અદા નથી થતો. તો આ વાતો તેની સીમા પાર કરવાને સમાન વાત છે. 
૧૫ શાબાનનો રોજો
   એક મસ્અલહ્ શબે બરાત પછી એટલે કે તે દિવસે રોજો રાખવાનો છે. એને પણ સમજી લેવો જોઈએે. અને તે આ છે કે માત્ર એક હદીષથી સાબિત છે કે શબે બરાત પછીના દિવસે રોજો રાખો. આ હદીષ ઝ઼ઈફ (કમજોર) છે. તે માટે ખાસ ૧૫ મી શાબાનના રોજાને સુન્નત અથવા મુસ્તહબ કહેવો અમુક ઉલમાના મંતવ્ય પ્રમાણે દુરુસ્ત નથી. હાં આખા શાબાનના મહિનામાં રોજા રાખવાની શ્રેષ્ઠતા સાબિત છે. પરંતુ ૨૮ અને ૨૯ શાબાને રસુલુલ્લાહﷺ એ રોજો રાખવાની મનાઈ કરી છે. " કે રમજાનના એક બે દિવસ પહેલા રોજો ન રાખો " જેથી રમજાનના રોજા માટે માણસ સુસ્તી વગર તૈયાર રહે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)