કેટલાક વર્ષોથી ઈદના ચાંદને લઈને ઘણી મુંઝવણો જોવા મળે છે. અમુક લોકો બીજા દિવસે મોટો ચાંદ જોઈ અનુમાન લગાવી નક્કી કરે છે કે આ બીજા દિવસનો ચાંદ છે. અને તેને ચર્ચાનો વિષય પણ બનાવવામાં આવે છે. તો શું બીજા દિવસે આ રીતે મોટો તેમજ જાડો ચાંદ જોઈ અનુમાન લગાવી નક્કી કરવું દુરુસ્ત છે..?
શુદ્ધિકરણ :
સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે ચાંદ વિષે શરઈ સાબિત નિયમ આ છે કે શરીયતમાં જે ઈબાદતોનો આધાર ચાંદ પર રાખવામાં આવ્યો છે તેનાથી મુરાદ ચાંદનુ આસમાન પર મૌજુદ હોવા પર નથી બલ્કે તે ચાંદનુ આસમાનમાં નજર આવવા પર છે. હદીષમાં આવે છે કે :
لاَ تَصُوْمُوْا حَتّٰی تَرَوْہُ وَلاَ تُفْطِرُوْا حتّٰی تَرَوْہُ فانْ غُمَّ عَلَیْکُمْ فَاقْدُرُوْا لَه. [بخاری : ۱ / ۲۵۶]
અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે તમે જ્યાં સુધી ચાંદ ના જુવો ત્યાં સુધી રોઝા ન રાખો. અને જ્યાં સુધી ચાંદ ના જુવો ત્યાં સુધી ઈદ ન કરો. જો ચાંદ તમારી નજરોથી છુપાય જાય તો હિસાબ કરો. (એટલે કે ત્રીસ દિવસ પૂરા કરી લ્યો)
ઉપરોક્ત હદીષમાં જણાવ્યા મુજબ જો ચાંદ આસમાનમાં મૌજુદ હોવા છતાં ન દેખાય તો ત્રીસ પૂરા કરવાનો હૂકમ છે ખબર પડી કે ઈબાદતોનો આધાર ચાંદના મૌજુદ હોવા પર નથી બલ્કે દેખાવા પર છે.
ઉપરોક્ત વાતથી જ્યારે જાહેર થઈ ગયું કે ઈબાદતનો આધાર ચાંદ દેખાવા પર છે તો જ્યારે દેખાય ત્યારથી જ ઈસ્લામી તારીખની ગણતરી થશે. તે માટે બીજા દિવસે મોટો ચાંદ જોઈ એમ કહેવું કે આ બીજા દિવસનો છે રસુલુલ્લાહ ﷺ એ આપેલ તાલીમના વિરૂદ્ધ વાત છે.
મુસ્લિમ શરીફ જે હદીષની ભરોસાપાત્ર કિતાબ છે. તેમાં તો કાયદેસર આ વાતનું શીર્ષક આપવામાં આવ્યું છે કે " ચાંદના મોટા અને નાના હોવાનો કોઈ એતબાર નથી " અને આ શીર્ષક હેઠળ હઝરત ઈબ્ને અબ્બાસؓ ની હદીષ બયાન કરી છે કે હઝરત ઈબ્ને અબ્બાસؓ એ તે લોકોની વાતોને નકારી જેઓ આપસમાં ચાંદ વિષે મતભેદ કરી રહ્યા હતા કે આ કાલનો ચાંદ છે, બે દિવસ પહેલાનો છે. અને હઝરતે કહ્યું કે રસુલુલ્લાહ ﷺ ના જમાનામાં પણ આવું બન્યું હતું તો આપે ફૈસલો ફરમાવ્યો હતો કે તેની ગણતરી ત્યાથી કરવામાં આવે જ્યારે તે દેખાય. (એટલે કે ચાંદ મોટો કે નાનો હોવો અસલ નથી, અસલ તો દેખાવા પર છે.)
ઉપરોક્ત હદીષથી આ વાત પણ ખબર પડી કે ચાંદના મોટા કે નાના હોવાનું કારણ બીજા દિવસનો કે પહેલા દિવસનો ચાંદ હોવું નથી. બલ્કે એક હદીષમાં તો આવે છે કે :
“ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે કયામતની નિશાનીઓ પૈકી એક નિશાની આ પણ છે કે ચાંદ પહેલા વખત નજર આવવા પર બે દિવસનો લાગશે ”
في حديث أنس بن مالك رضي الله عنه، أن رسول الله صلى الله عليه وسلم قال: “من اقتراب الساعة أن يرى الهلال قَبَلاً، فيقال: لليلتين. (رواه الطبراني في معجميه: الصغير والأوسط، وابن الجعد في مسنده، كما أورده ابن أبي شيبة في المصنّف بنحوه)
એવી રીતે ખગોળ શાસ્ત્રીઓ ના જણાવ્યા મુજબ કે ચાંદના મોટા અને નાના દેખાવાનું કારણ ચાંદની પેદાઈશ પર નિર્ભર છે. કે ચાંદની પેદાઈશ અને ચાંદ જોવાના સમય દરમિયાન કલાકોનો ગાળો ઓછો હોય તો તે આસમાનમાં મૌજુદ હોવા છતાં પણ ન દેખાય. અને જો ચાંદ જોવાના સમયે તે ગાળો ૧૭ - ૧૮ કલાકનો હોય તો બારીક પાતળો દેખાય છે. અને થોડીવારમાં ગાયબ થઈ જાય છે. અને જો તે ગાળો ૩૦ - ૪૦ કલાક વધી જાય તો ચાંદ મોટો અને જાડો દેખાય છે. અને વધુ સમય નજર સમક્ષ રહે છે.
ઉપરોક્ત બધી માહિતી મુજબ ખબર પડી કે ચાંદને પાતળો કે જાડો જોઈ અથવા નાનો કે મોટો જોઈ પહેલા કે બીજા દિવસનો ચાંદ છે એવું કહેવું અથવા સમજવું તેમજ તેને ચર્ચાનો વિષય બનાવવો શરઈ દ્રષ્ટિએ દુરુસ્ત નથી.
☞ નોંધ :- ઉપરોક્ત વાતથી આ સવાલ થઈ શકે છે કે અમુક વર્ષોથી ચાંદ દરેક લોકો તો જોતા નથી હોતા. માત્ર બે વ્યક્તિની ગવાહી માન્ય રાખી ઈદ કરવામાં આવે છે તો તેનો જવાબ [રમઝાન તથા ઈદના ચાંદ વિષે અગત્યનો મસ્અલહ] આમાં છે. જેમાં ચાંદ માન્ય હોવા વિષે વિગતવાર માહિતી લખેલ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59