શબે બરાઅતમાં નમાઝની ચોક્કસ પદ્ધતિ વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો શબે બરાઅત ની એક અલગ પદ્ધતિ સાથે પઢવામાં આવતી નમાઝ અને તેનો તરીકો પ્રસિદ્ધ કરતા નજર આવે છે.
   શબે બરાઅતની ફઝીલત અને તેમાં ઈબાદત કરવાની ફઝીલત ઘણી હદીષોથી સાબિત છે. પરંતુ કોઈ ચોક્કસ પદ્ધતિ સાબિત નથી. તે માટે શબે બરાઅતમાં નફલ નમાઝની કિરાઅત માટે કોઈ ચોકકસ આયત કે સૂરતને ખાસ કર્યા વગર અને સૂરતને નિશ્ચિત સંખ્યામાં પઢવાની કોઈ ખાસ ફઝીલત સમજયા અને માન્યા વગર ગમે તેટલી સંખ્યામાં નફલ રકઆતો પઢવી જાઈઝ છે.
   પરંતુ અમુક પત્રિકામાં દર્શાવેલ ફઝીલતને માન્ય અને દુરૂસ્ત સમજીને તેને પ્રાપ્ત કરવાના હેતુથી તેમાં બતાવેલા તરીકા મુજબ નમાઝ પઢવી દુરૂસ્ત નથી. કારણકે પત્રિકાઓમાં લખવામાં આવેલી નિશ્ચિત કિરાઅતવાળી નમાઝ અને તેની ફઝીલત કોઈ સહીહ અને માન્ય હદીષથી સાબિત નથી. શૈખ ઈબ્રાહીમ હલબી હનફી (રહ.) (વફાત ૯પ૬ હિજરી) શબે બરાઅતની ખાસ નમાઝની હદીષને મનઘડત લખે છે અને આવી મનઘડત હદીષોમાં વર્ણવેલ નમાઝો પઢવાની ખરાબીઓ આ પ્રમાણે દર્શાવે છે કે :
(૧) કિરાઅતમાં સૂરએ ઈખ્લાસ (કુલ હુવલ્લાહ)ને નકકી સમજવું, હાલાંકે શરીઅતથી શબે બરાઅતની નમાઝ માટે તેનું નકકી હોવું સાબિત નથી.
(ર) સામાન્ય લોકો આ ખાસ તરીકાની નમાઝને સુન્નત સમજવા અને માનવા લાગશે અને પરિણામે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જૂઠી વાતની નિસ્બત કરવાનો ઝરીયો બનશે.
(૩) આવી મનઘડત હદીષથી સાબિત નમાઝ પઢવાની મનઘડત હદીસો વર્ણન કરનારાઓનો ઉત્સાહ વધશે.
(૪) હઝરાત સહાબએ કિરામ, તાબિઈન અને મુજતહિદ ઈમામો (રદિ.)થી આવી કોઈ નમાઝ સાબિત નથી.
   શૈખ મુહ્યુદ્દીન નવવી (રહ.)થી નકલ કરી લખે છે કે : આ બંને નમાઝો (રજબ અને શબે બરાઅતની નમાઝ) નિંદનીય અને બૂરી બિદઅતો છે અને ‘કુવ્વતુલ કુલૂબ તથા ‘ઈહ્યાઉલ ઉલૂમ નામી કિતાબોમાં આ નમાઝોનું વર્ણન હોવાથી ધોકામાં ન પડવું જોઈએ. (‘શર્હે મુન્યહ ૪૩૩)
[ઝુબ્દતુ'લ ફતાવા : ૩ / ૪૯]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)