મફતિહુ'લ્ ગૈબ એટલે કે ગૈબની ચાવીઓ બાબત એક સવાલનો જવાબ

Ml Fayyaz Patel
0
કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :

اِنَّ اللّٰهَ عِنۡدَهٗ عِلۡمُ السَّاعَةِ‌ ۚ وَيُنَزِّلُ الۡغَيۡثَ‌ ۚ وَيَعۡلَمُ مَا فِى الۡاَرۡحَامِ‌ ؕ وَمَا تَدۡرِىۡ نَفۡسٌ مَّاذَا تَكۡسِبُ غَدًا‌ ؕ وَّمَا تَدۡرِىۡ نَـفۡسٌۢ بِاَىِّ اَرۡضٍ تَمُوۡتُ ‌ؕ
[સૂરહ લુકમાન : ૩૪]
અનુવાદ :- બેશક કયામતનું જ્ઞાન અલ્લાહ તઆલા પાસે જ છે. તે જ વરસાદ પણ વરસાવે છે. તે જ જાણે છે કે મહિલાના ગર્ભાશયમાં શું છે. કોઈ નથી જાણતું કે તે આવતીકાલે શું કમાશે. અને કોઈ નથી જાણતું કે તેનું મૃત્યુ ક્યાં આવશે.
   આ આયતમાં પાંચ વાતો બાબત આ કહેવામાં આવ્યું છે કે આને અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણી શકતું. અને આને જ “ મફતિહુ'લ્ ગૈબ ” કહેવામાં આવે છે.
   આ વિષે અમુક લોકો સવાલ કરે છે કે આજની આધુનિક ટેકનોલોજી દ્વારા વરસાદ, ગર્ભાશય અને મૃત્યુ બાબત જે આગાહી કરવામાં આવે છે તે સાચી પડે છે જ્યારે કે આ આયતમાં બતાવવામાં આવ્યું છે કે આ ગૈબની વાતો અલ્લાહ તઆલા સિવાય કોઈ નથી જાણતું.
   આ સવાલના ઉલમાએ ત્રણ પ્રકારના જવાબ આપ્યા છે જે નીચે મુજબ છે.
(૧) ➙ આ પાંચ વાતો જેની નિસ્બત અલ્લાહ તઆલા તરફ કરવામાં આવી છે તે ગૈબની વાતો છે. અને ગૈબ તેને કહેવામાં આવે છે જે કોઈ પણ પ્રકારના વાસ્તા દા.ત. બુદ્ધિ, પાંચ ઈન્દ્રિયો વગેરે વગર જાણી શકાય. આજની આધુનિક ટેકનોલોજી દ્વારા ખબર પડવાને ગૈબ ન કહેવાય. કેમ કે તે મશીન વગેરે દ્વારા જણાય છે. અને અલ્લાહ તઆલા આ દરેક વસ્તુ કોઈ પણ પ્રકારના વાસ્તા વગર જાણે છે.
   તો અલ્લાહ તઆલા ના જ્ઞાન અને સૃષ્ટિના જ્ઞાનમાં આ અંતર હોવાથી આ આયત પર કોઈ વાંધો આવતો નથી. કેમ કે આયતમાં ગૈબનો દાવો કરવામાં આવ્યો છે. અને કોઈક વાસ્તાથી કોઈ વાત જાણવી ગૈબ ન કહેવાય.
(૨) ➙ આ આયતમાં જે વાતોની નિસ્બત અલ્લાહ તઆલા તરફ કરવામાં આવી છે તે વાતોની જાણ અલ્લાહ તઆલા ને યકીન સાથે ખબર હોય છે. જેમાં કોઈ પણ શંકા કે સંભાવના નથી હોતી. જ્યારે કે ટેકનોલોજી દ્વારા આપવામાં આવતી ખબર અનુમાનિત હોય છે જેમાં તેના વિરુદ્ધ થવાની સંભાવના અને શંકા હોય છે.
   ઉપરોક્ત આયતમાં જે ગૈબનો દાવો કરવામાં આવ્યો છે તે યકીન સાથે જાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે કે ટેકનોલોજી દ્વારા જે વાતો જાણવામાં આવે છે તે અનુમાનિત છે. બન્ને દરમિયાન આ અંતર હોવાથી આ આયત પર કોઈ વાંધો નહીં આવે.
(૩) ➙ આયતમાં જે વસ્તુઓ ના જ્ઞાન નો દાવો કરવામાં આવ્યો છે તે દરેક વિષે અલ્લાહ તઆલા નું જ્ઞાન વિશાળ અને વિસ્તારમાં છે. એટલે કે દા.ત. વરસાદ ક્યાં કેટલો પડશે એટલું જ નહીં, બલ્કે તે વરસાદ થી કોને શું ફાયદો થશે, કોને શું નુકસાન થશે, તે પાણી ક્યાં ભેગું થશે, ક્યાં સુધી બાકી રહેશે વગેરે... એવી જ રીતે મહિલાના ગર્ભાશયમાં માત્ર બાળક છે કે બાળકી એટલું જ નહીં, બલ્કે તેની રોજી, તેના જીવનના દરેક પળ, તેની ઉંમર તેમજ તેનો સ્વાભાવ દરેક વસ્તુનું જ્ઞાન હોય છે.
   જ્યારે કે ટેક્નોલોજી દ્વારા મળતી જાણકારી મર્યાદિત હોય છે. તેથી આટલો મોટા અંતરને લીધે ઉપરોક્ત આયત પર કોઈ અસર નહીં પડે.
   સારાંશ કે અલ્લાહ તઆલા નું ગૈબી ઈલ્મ અને આજની આધુનિક ટેકનોલોજી દ્વારા જણાતી અમુક વાતો દરમિયાન કોઈ જ તુલના નથી કે આ રીતની જાણકારી ના લીધે કુર્આન પર વાંધો ઉઠાવવામાં આવે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)