એતિકાફ નો અર્થ અને મકસદ

Ml Fayyaz Patel
0
એ’તિકાફનો શાબ્દિક અને શરઈ અર્થ
   એતિકાફનો શાબ્દિક અર્થ થોભવું અને રોકાવું થાય છે. અને દીનની પરિભાષામાં કોઈ એવી મસ્જિદમાં જ્યાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદીથી જમાઅત સાથે થતી હોય, તેમાં એતિકાફની નિય્યતથી થોભવાને એતિકાફ કહેવામાં આવે છે.
[મરાકિયુલ ફલાહ : ૩૮૧, શામી : ૩/૩૮૧]
એ’તિકાફ માટેની ૭ શર્તો
(૧) મુસલમાન હોવું, (ર) આકિલ (સમજ શક્તિ વાળુ) હોવું, (૩) એતિકાફની નિય્યત કરવી, (૪) બા–જમાઅત નમાઝ થનારી મસ્જિદમાં થોભવું, (પ) સુન્નત અને વાજિબ એતિકાફમાં રોઝહથી હોવું, (૬) મરદ અને ઓરતનું નાપાકીથી પાક હોવું, (૭) ઓરતનું હૈઝ (સ્ત્રીનો માસિક સ્ત્રાવ) અને નિફાસ (પ્રસૂતિ પછી થતો રકતતસ્ત્રાવ) થી ખાલી હોવું.
[આલમગીરી : ૧/ર૧૧, શામી : ૩/૩૮ર, મરાકિયુલ ફલાહ : ૩૮૧, ૩૮ર, બહરુર્રાઇક : ર/૩૯૯, તબ્યીનુલ હકાઇક : ર/રરર]
એ’તિકાફ નો મકસદ
   દુન્યવી કારોબાર, સામાજિક મૂંઝવણો અને જાતી વ્યસ્તતામાં એકાગ્ર થઇને માનવ પોતાના પેદા થવાના હેતુથી ગાફિલ થઇ જાય છે. શયતાની અસરો તેના દિલો–દિમાગ પર એવી રીતે છવાઇ જાય છે કે, એને કાંઇ પણ વિચારવાની અને ચિંતન–મનન કરવાની સુદ્ધાં નવરાશ મળતી નથી. દિન–પ્રતિદિન આ ગફલત એટલી વધી રહી છે કે, નમાઝ માટે મસ્જિદમાં થોડીક વાર માટે જવાથી અને રોઝહ, ઝકાત વગેરે ઇબાદતો અંજામ આપવાથી પણ તે ખતમ નથી પામતી. નમાઝ દુનિયાના વિચારોમાં ગુજરે છે અને રોઝહ વ્યર્થ અને નકામી વાતોના નઝર થઇ જાય છે.
   આ પરિસ્થિતિ ઉમ્મતના જીવિત દિલો માટે કષ્ટદાયક અને તૌહીદના આશિકો માટે દુઃખ, દર્દનો સામાન બની જાય છે. માલિકુલ મુલ્કના શાહાના જાહો–જલાલ જ્યાં તેના દરબારની હાજરીથી રોકે છે, ત્યાં અરહમુર્રાહિમીનની અસીમ અને અપાર રહમત ફિકરમંદો માટે ઉમ્મીદ અને દિલાસો આપી જાય છે અને ઢચુપચુના આલમમાં ગફલતની વાદીઓમાં ચર લગાવનાર માનવી પોતાના હકીકી આકાના દરબારમાં જબાને હાલથી આ કહી થોભી જાય છે :
ફિર મેં હૈ કે દર પે ઉસીકે પળા રહૂં,
સર ઝેરે બારે મિન્નત દરબાં કિએ હૂએ.
   આ જ ભાવના અને પૂર્ણાકર્ણ, આ જ ઇશ્ક, આ જ ઉમ્મીદ અને આ જ આજિજી તથા નમ્રતા સાથે શબે કદ્રની પ્રાપ્તિના મકસદ ખાતર રમઝાન ના છેલ્લા અશરામાં એતિકાફ નો પ્રબંધ કરવામાં આવે છે.
[કિતાબુલ મસાઇલ : ર / ૧૦૩]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)