સદ્કએ ફિત્રની હિકમતો અને મસાઈલ

Ml Fayyaz Patel
1
   અલ્લાહ તઆલાએ ઈદ પહેલા મુસલમાનોને સદ્કએ ફિત્ર કાઢવાનો આદેશ આપ્યો છે જેમાં અનેક ધાર્મિક, નૈતિક અને સામૂહિક હિકમતો છે જે પૈકી ચાર નીચે વર્ણવવામાં આવે છે.
➠ પહેલી હિકમત : સદ્કએ ફિત્ર કાઢવામાં હકીકતમાં અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરવાનું પ્રદર્શન છે કે તેણે અમને રમઝાન જેવો પવિત્ર માસ આપ્યો અને તેમાં ઈબાદત કરવાની તૌફીક આપી.
➠ બીજી હિમત : સદ્કએ ફિત્ર વાસ્તવમાં રમઝાન માસ તથા રોઝામાં થયેલ ભૂલચૂક અથવા ખામીઓનો કફ્ફારો છે કે સદ્કએ ફિત્ર કાઢવાથી તે માફ થઈ જાય છે.
➠ ત્રીજી હિકમત : સદ્કએ ફિત્ર કાઢવામાં ગરીબ અને જરૂરતમંદોને ઈદ જેવા ખુશીના અવસરમાં સામેલ કરવાની એક સુવર્ણ નીતિ છે.
➠ ચોથી હિકમત : સદ્કએ ફિત્રને કઢાવવામાં ઉદારતા, કરુણા અને સખાવતનું પ્રદર્શન ઈચ્છનીય હોય છે જેથી અન્ય પણ પ્રોત્સાહિત થાય.
   આ સિવાય અનેક હિકમતો છે જેને ધ્યાનમાં રાખી મુસલમાનોને સદ્કએ ફિત્રનો આદેશ આપવામાં આવ્યો છે. દરેકને સદકએ ફિત્ર કાઢવાની તૌફીક અર્પણ ફરમાવે.
સદકએ ફિત્ર વિષે ૫ અગત્યના મસાઈલ
   નિમ્ન સદકએ ફિત્ર વિષે પાંચ અગત્યના મસાઈલ વર્ણવામાં આવે છે. સદકએ ફિત્ર અદા કરતાં પહેલા આ મસાઈલ જાણવાં ખૂબ જરૂરી છે.
૧ ➠ સદકએ ફિત્ર અદા કરવું ક્યા ક્યા લોકો ઉપર જરૂરી છે..?
   સદકએ ફિત્ર દરેક સાહિબે નિસાબ મુસલમાન પર ફરજિયાત છે; સાહિબે નિસાબ દરેક તે મુસલમાન વ્યક્તિ છે, જેના ઉપર ઝકાત વાજિબ હોય, અથવા ઝકાત તો વાજિબ ન હોય પણ જીવન જરૂરિયાતથી વધારાનો માલ - સામાન એટલી કિંમતનો મૌજુદ હોય, જેની કિંમત ૬૧૨ ગ્રામ ચાંદીની કિંમત બરાબર પહુંચી જાય, પછી ભલેને માલ વેપાર માટે હોય કે ન હોય અથવા વર્ષ પસાર થયું હોય કે ન થયું હોય, તો આવી દરેક વ્યક્તિ ઉપર ઈદુલ ફિત્રના દિવસે સદકો આપવો વાજિબ થઈ જશે, તો જે વ્યક્તિ ઈદુલ્ ફિત્રની સુબ્હ સાદિકે (સવારે) નિસાબનો માલિક થઈ જાય એ વ્યક્તિ ઉપર પણ સદકએ ફિત્ર વાજિબ થઈ જશે.
૨ ➠ સદકએ ફિત્ર પરિવારના કયા લોકો તરફથી અદા કરવું જરૂરી છે..?
   દરેક સાહિબે નિસાબ માણસ પર, પોતાના તરફથી અને તેના નાબાલિગ બાળકો તરફથી સદકએ ફિત્ર અદા કરવું જરૂરી છે, પોતાની પત્ની અને બાલિગ અવલાદ તરફથી અદા કરવું જરૂરી નથી, તેમણે પોતે અદા કરવું જોઇએ, અલબત્ત તેમની સંમતિથી અથવા તેમને કહીને તેઓનો સદકએ ફિત્ર પણ ઘરનો વડીલ પોતે જ અદા કરી દે તો પણ અદા થઈ જશે.
   જે બાળકનો જન્મ ઈદની રાતે સુબ્હે સાદિક પહેલા થયો હોય, તેનો સદકએ ફિત્ર અદા કરવો જરૂરી છે, અને જો તે બાળક સુબ્હે સાદિક પછી જન્મ્યો હોય તો તેની તરફથી સદકએ ફિત્ર અદા કરવું ફરજિયાત નથી. અને જે વ્યક્તિ ઈદની રાતે સુબ્હે સાદિક પહેલા મૃત્યુ પામે, તેનો સદકએ ફિત્ર અદા કરવું ફરજિયાત નથી, અને જો તે સુબ્હે સાદિક પછી મૃત્યુ પામે, તો તેની તરફથી પણ સદકએ ફિત્ર ફરજિયાત છે.
૩ ➠ સદકએ ફિત્ર ક્યા સમયે અદા કરી શકાય છે..?
   સદકએ ફિત્ર આખા રમઝાન માસ દરમિયાન કયારેય પણ અદા કરી શકાય છે, અને સારું આ છે કે ઈદના દિવસે સુબ્હે સાદિક પછી ઈદની નમાઝ પઢવા જતા પહેલા અદા કરી દે, અથવા ઓછામાં ઓછું ઈદથી એટલા પહેલા અદા કરી દેવું જોઈએ કે ગરીબ માણસ અને તેનો પરિવાર ઈદની ખુશીયો મનાવી શકે, અલબત્ત રમઝાન માસ શરૂ થયા પહેલા સદકએ ફિત્ર અદા કરવું સહીહ નથી.
૪ ➠ સદકએ ફિત્ર કેટલી મિકદારમાં અદા કરવું જરૂરી છે..?
   સદકએ ફિત્ર ચાર માંથી કોઈ એક વડે અદા કરી શકાય છે; (૧) સાડા ત્રણ કિલો કિશમિશ (લાલ સૂકી દ્રાક્ષ) (૨) સાડા ત્રણ કિલો ખજૂર (૩) સાડા ત્રણ કિલો જવ અથવા ( ૪) પોણા બે કિલો ઘઉં.
   આ ચારમાંથી કોઈ પણ વસ્તુ કે તેની કિંમત સદકએ ફિત્રમાં આપવી સહીહ છે, દરેક વ્યક્તિ પોતાની હેસિયત પ્રમાણે અદા કરે.
૫ ➠ સદકએ ફિત્ર ક્યા ક્યા લોકોને આપી શકાય છે..?
   જે લોકો સાહિબે નિસાબ નથી, (એટલે કે જે લોકોને ઝકાત આપી શકાય છે) તેમને સદકએ ફિત્ર આપી શકાય છે, અને જે લોકોને ઝકાત આપી શકતા નથી, તેઓ ફિતરાના હકદાર નથી, ફરક માત્ર એટલો છે કે ઇમામ અબૂ હનીફા રહ્મતુલ્લાહિ અલય્હિ ના મતે બિન મુસ્લિમ (ઝિમ્મી) ને પણ સદકએ ફિત્ર આપી શકાય છે, પરંતુ અન્ય ફુકહાએ કિરામ (ન્યાયશાસ્ત્રીઓના) મતે નહીં.
વલ્લાહુ અઅ્લમુ બિસ્સવાબ (અલ્લાહ તઆલા સૌથી વધુ જાણકાર છે)
[✍️ મુફ્તી મુહમ્મદ સાલિમ સાહબ બરોડવી : ફતાવા રહીમિય્યા : ૭ / ૧૯૫, ફતાવા રશીદિય્યા : ૨૭૨, આપ કે મસાઈલ ઓર ઉન કા હલ : ૩ / ૫૩૦, કિતાબુલ ફતાવા : ૩ / ૨૫૪, ઓન લાઈન દારૂલ ઈફ્તા : દારૂલ ઉલુમ દેવબંદ & બિન્નોરી ટાઉન]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

1Comments

Post a Comment