રમઝાનના મહિનામાં અલ્લાહ તઆલાએ મુસલમાનોને રોઝાના પાબંદ બનાવ્યા છે. અને સાથે તેની હિકમત પણ બયાન કરવામાં આવી કે રોઝાનો મકસદ મુસલમાનોને તકવો હાંસલ કરાવવો છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
يٰٓـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُتِبَ عَلَيۡکُمُ الصِّيَامُ کَمَا كُتِبَ عَلَى الَّذِيۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَۙ ۞
[સૂરએ બકરહ : ૧૮૩]
હે મોમીનો જેવી રીતે પાછલી ઉમ્મતો પર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા હતા, એવી જ રીતે તમારી ઉપર પણ રોઝા ફર્ઝ કરવામાં આવી રહ્યા છે. જેથી તમને તકવો હાંસલ થઈ જાય.
અહીં આ વાત સમજવા લાયક છે કે રોઝા રાખવાથી તકવો કેવી રીતે હાસિલ થઈ શકે છે..? આ બન્ને દરમિયાન શું સંબંધ છે..? આ વસ્તુ સમજવા માટે સૌપ્રથમ રોઝો અને તકવો કોને કહેવાય સમજવું ખૂબ જરૂરી છે.
રોઝો : સુબ્હે સાદીકથી લઈ સૂરજ આથમ્યા સુધી રોઝાના ઈરાદે ખાવા, પીવા અને સંભોગથી દૂર રહેવાને રોઝો કહેવામાં આવે છે.
તકવો : માણસના દિલમાં અલ્લાહ તઆલાનો ડર એ રીતે હોય કે અલ્લાહ તઆલાના આજ્ઞાભંગથી ખૂબ બચે, આને તકવો કહેવામાં આવે છે.
ખાવા, પીવા બાબત દુનિયામાં બે પ્રકારની વિચારધારા જોવા મળે છે. (૧) ખોરાક માનવ જીવનને ટકાવી રાખવા માટે હોય છે. (૨) જીવન એટલા માટે છે કે તેને ખાવા પીવાની મોજ મસ્તીમાં પસાર કરી શકાય. આ પૈકી પહેલી વિચારધારા ઈસ્લામે રજૂ કરેલ વિચારધારા છે. જ્યારે બીજા નંબરની વિચારધારાને આ ભૌતિક દુનિયાએ મકસદ બનાવી લીધી છે. આથી જ કોઈ પણ પ્રકારની રોકટોક વગર અને વ્યર્થ ખર્ચની પરવા કર્યા વગર તેઓ દુનિયામાં તેની પાછળ ભાગતા નજર આવે છે.
બીજી તરફ ઈસ્લામ એક પ્રાકૃતિક દીન છે. જ્યાં એક તરફ તે મુસલમાનોને અમુક તે વસ્તુઓ જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને નુકસાનકારક હોય તેનાથી રોકે છે તો બીજી તરફ હલાલ ખોરાકમાં પણ તે હદથી વધારે ખર્ચ એટલે કે વ્યર્થ ખર્ચથી મનાઈ કરે છે. કેમ કે ખોરાક એ માત્ર માનવ જીવન ટકાવી રાખવા માટેનું એક સાધન છે, અસલ મકસદ નથી. પરંતુ મુસલમાન પણ આ ભૌતિક દુનિયામાં પોતાનું જીવન પસાર કરતો હોય છે અને ખોરાકની મોજ મસ્તીમાં જીવન પસાર કરનારાઓ દરમિયાન રહેતો હોય છે તથા ભૌતિક દુનિયાનો માહોલ પણ ભૌતિક એટલે કે ખોરાકની મોજ માણતો મળતો હોય છે તેથી તે મુસલમાન પણ પોતાનો અસલ મકસદ (આખિરતની જીંદગી)ને ભૂલીને ખોરાકને જ પોતાનો અસલ મકસદ બનાવી તે પણ દુનિયાની પાછળ ભાગતો થઈ જાય છે.
આ જ વસ્તુ એટલે કે “ ખોરાક માત્ર જીવન ટકાવી રાખવાનું એક સાધન છે અસલ મકસદ નથી ” ને યાદ અપાવવા માટે તેને એક મહિના સુધી હલાલ અને જાઈઝ ખાવા, પીવા અને સંભોગથી દૂર રહેવાનો આદેશ આપે છે જેમાં આખો મહિનો માણસ ભુખ્યો, તરસ્યો રહે છે અને આ વસ્તુનો એહસાસ લે છે કે આ દુનિયા માત્ર જરૂરતો પૂરી કરવાની જગ્યા છે, પોતાની ખ્વાહિશો, ઈચ્છાઓ પૂરી કરવાની અને મોજ મસ્તી કરવાની જગ્યા નથી. આ બધું પૂરી કરવાની અસલ જગ્યા આખિરત છે. કારણ કે માણસ જેટલો ભૂખ્યો રહે છે તેટલી જ તેની ખ્વાહિશો અને ઈચ્છાઓ દબાતી હોય છે. આનું કારણ આ હોય છે કે રોઝામાં હજુ તેની જરૂરત (ખાવું પીવું) પૂરી થઈ હોતી નથી. અને જેની જરૂરત બાકી હોય તેનું ધ્યાન ખ્વાહિશો અને ઈચ્છાઓ તરફ જતું નથી. બલ્કે ઈચ્છાઓ અને ખ્વાહિશો તો તે લોકો કરે છે જેઓની જરૂરત પૂરી થઈ જતી હોય છે.
આ જ રીતે આખો મહિનો તે આ રીતે લગાતાર એહસાસ લેતો રહે છે જેનો તેની આધ્યાત્મિક અને આંતરિક વ્યવસ્થા પર એટલે કે દિલ પર અસર પડે છે અને તેનું દિલ ફરી પાછું ભૌતિક દુનિયાથી હટીને અલ્લાહ અને આખિરત તરફ કેન્દ્રિત થાય છે અને પોતાના અસલ મકસદને યાદ કરે છે. આ રીતે તેને તકવો હાંસલ થઈ જાય છે. જેને અલ્લાહ તઆલાએ આ રીતે વર્ણવ્યું કે તમારી ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા જેથી તમને તકવો હાંસલ થઈ જાય.
યાદ રહે કે રોઝા દ્વારા તકવો માત્ર તે જ લોકોને હાંસલ થાય છે જેઓ રોઝાનો જે તકાદો હોય છે તેને સંપૂર્ણપણે નિભાવતા હોય છે. બાકી આખો મહિનો માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવું અને બીજી તરફ દુનિયાને પ્રાથમિકતા આપી તેમાં જ વ્યસ્ત રહેવું, ઈબાદત ઓછી કરવી તથા સંપૂર્ણપણે ગુનાહોથી પરહેજ પણ ન કરવો આ પરિસ્થિતિમાં દૂર દૂર સુધી કોઈ તકવો હાંસિલ થતો નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59