રમઝાનને રહમત અને બરકતનો મહિનો કહેવાનો ભાવાર્થ

Ml Fayyaz Patel
0
   હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ હદીસ શરીફમાં માહે રમઝાનને મુબારક મહીનો અને તેના પહેલા અશરહ (દસ દિવસો)ને રહમતનો અશરહ ફરમાવ્યો છે કે આ મહિનામાં અલ્લાહ તઆલા પોતાની ખાસ રહમત નાઝિલ ફરમાવે છે.
   મઝકૂર રહમતનો મતલબ છે મુખ્યત્વે ઈન્સાન અને ખાસ કરી મુસલમાન સાથે અને સામાન્ય રીતે બીજી બધી મખ્લૂક સાથે દયા ભાવના. પરિણામે તેઓની દીની અને દુન્યવી ઝરૂરતો અને તેના અસ્બાબનું અલ્લાહ તઆલા તરફથી પ્રાપ્ત થવું. મુલ્લા અલી કારી (રહ.) લખે છે કે જો માહે રમઝાનમાં અલ્લાહ તઆલાની રહમત નાઝિલ ન થતી હોત તો મખ્લૂકમાંથી કોઈ એક વ્યકિત પણ રોઝો ન રાખી શકત અને ન રાત્રિ ઈબાદત (તરાવીહ – તહજ્જુદ) કરી શકત. એક અરબી શાયર કહે છેઃ લવ્‌ લલ્લાહુ મહ્‌તદય્ના વલા તસદ્દક્‌ના વલા સલ્લય્ના – કે અગર અમે અલ્લાહ તઆલાની મહેરબાની અને તવફીક ન પામ્યા હોત તો ન અમે સાચો રસ્તો પામી શકયા હોત અને ન અમે સદકો, નમાઝ અદા કરી શકયા હોત.
   બરકતનો મતલબ વધારો થવાનો છે અને રમઝાન મુબારકમાં અનેક પ્રકારથી બરકતનું નાઝિલ થવું ઘણી અહાદીષથી સાબિત છે. માહે રમઝાનમાં એ રીતે બરકત અને રહમત નાઝિલ થાય છે કે ઈન્સાનના કટ્ટર શત્રુઓ શયાતીનને કેદ કરી લેવામાં આવે છે જેથી ઈન્સાનના ગુનાહો અને બુરાઈઓની ભાવના કમઝોર પડી જાય છે અને નેકીઓ તથા ઈબાદતની ભાવના તાકાતવર બની જાય છે અને આ પ્રમાણે ઈન્સાની ઈરાદાઓમાં બરકત અને રહમત નાઝિલ થાય છે.
   દરેક પ્રકારની ઈબાદતના સવાબમાં પણ વધારો થઈ જાય છે. નફલ ઈબાદતનો સવાબ ફર્ઝ ઈબાદતના બરાબર અને એક ફર્ઝ ઈબાદતનો સવાબ ૭૦ (સિત્તેર) ફર્ઝ ઈબાદતોના બરાબર થઈ જાય છે. વળી રમઝાન મુબારકના આખરી દસકામાં લયલતુલ કદ્ર (શબે કદ્ર) આવે છે અને શબેકદ્રની ઈબાદતનો સવાબ એક હજાર મહિનાઓની ઈબાદતથી પણ વધારે મળે છે, આ પ્રમાણે ઈબાદતના સવાબમાં પણ બરકત અને રહમત નાઝિલ થાય છે.
   મુસલમાનોના નેક કામોમાં પણ એ પ્રમાણે બરકત અને રહમત નાઝિલ થાય છે કે રમઝાન મુબારકમાં નેકી કરનારાઓની અને નેકીઓની સંખ્યા વધી જાય છે અને ગુનાહિત કામોમાં ઘટાડો થઈ જાય છે. અહિંયાં સુધી કે રોઝા જેવી એક ફર્ઝ અને મહત્વપૂર્ણ રૂહાની ઈબાદત વધી જાય છે, જેનો સવાબ એટલો વધુ અને ઉચો છે કે ફકત અલ્લાહ તઆલાના જ ઈલ્મમાં છે અને તે સવાબ અલ્લાહ પોતે અતા ફરમાશે અને રોઝો કયામતના દિવસે રોઝેદાર માટે સિફારશી બનશે. એવી જ રીતે માત્ર રમઝાન મુબારકની રાતો સાથે મખસૂસ એવી એક લાંબી અને રૂહપરવર સુન્નતે મુઅક્‌કદહ દરજાની એક ઈજતિમાઈ ઈબાદત ”નમાઝે તરાવીહ” પણ વધી જાય છે અને માત્ર રમઝાન મુબારકના છેલ્લા દસ દિવસો અને રાતો સાથે મખસૂસ એવી એક લાંબી અને દિલોમાં ઉતરેલા ઈશ્કે ઈલાહીના પ્રતિક સમી એ જ દરજાની એક બીજી ઈન્ફીરાદી ઈબાદત ”એઅતિકાફ” નો પણ વધારો થઈ જાય છે અને આ ઉપરાંત ઝકાત, સદકહ, અને તહજ્જુદ, તિલાવત તથા તસબીહાત વગેરે ભિન્ન ભિન્ન ઈબાદતોની સુગંધ અને રોનકની બરકત અને વધારાથી રમઝાન મુબારકનું દિવસીય અને રાત્રીય વાતાવરણ મહેકી અને ચકમી ઉઠે છે.
   મો’મિનની રોઝીમાં પણ બરકત ને રહમત નાઝિલ થાય છે, માટે ગરીબથી ગરીબ મુસલમાનને પણ આ મુબારક મહિનામાં ખાવા–પીવાની એવી એવી નેઅમતો પ્રાપ્ત થાય છે જે અન્ય મહિનાઓમાં કદાચ જ પ્રાપ્ત થાય છે.
   મર્હુમીન અને ગુનાહગાર ઉપર પણ બરકત અને રહમત નાઝિલ થાય છે. એટલે કે તેઓની મગફિરતમાં પણ એ પ્રમાણે વધારો થઈ જાય છે કે રમઝાન મુબારકની દરેક રાતોમાં અને ખાસ કરીને આખરી દસકામાં સંખ્યાબંધ મર્હૂમીન અને મુસ્લિમ ગુનેહગારોની મગફિરત કરી જહન્નમથી છુટકારો આપવામાં આવે છે. (મિશ્કાત, મિરકાત. ભા.૪)
[ઝુબ્દતુ'લ ફતાવા : ૪ / ૪૪૯, ૪૫૦, ૪૫૧]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)