રમઝાન માં શયતાનો ને કેદ કરવા છતાં ગુન્હા કેમ થાય છે..?

Ml Fayyaz Patel
0
એક હદીષમાં આવે છે કે :
وَیُصَفَّدُ فِیْهِ مَرَدَۃُ الشَّیَاطِیْنِ، فَلَا یَخْلُصُوا فِيْهِ إِلَی مَا کَانُوْا یَخْلُصُوْنَ إِلَیْهِ فِی غَیْرِہِ.
[બુખારી શરીફ : ૧૮૯૯]
રમઝાન માં બળવાખોર શયતાનો ને કેદ કરવામાં આવે છે, કે તેઓ રમઝાન માં તે બુરાઈઓ તરફ નથી પહોંચી શકતા જેના તરફ અન્ય મહિનામાં પહોંચી શકે છે.
સ્પષ્ટીકરણ :
   રમઝાન મુબારક માં રહમત નો ઉત્સાહ અને ઈબાદતની પુષ્કળતા નો તકાજો તો આ હતો કે શયતાનો ભટકાવવાના ખૂબ જ પ્રયત્નો કરતા અને આખું બળ ખતમ કરી દેતા, જેના લીધે ગુનાહોની પુષ્કળતા આ મહિનામાં હદ થી વધારે વધી જતી, છતાંય જોવામાં આવ્યું અને વાસ્તવિકતા છે કે સામૂહિક રીતે ગુનાહોમાં ખૂબ જ અછત આવી જાય છે. કેટલાય દારૂડિયા એવા છે કે રમઝાન માં ખાસ કરીને નથી પીતા, એવી જ રીતે અન્ય ગુનાહોમાં પણ સ્પષ્ટ અછત થઈ જાય છે, આ છતાંય ગુનાહ તો થાય જ છે, પરંતુ તેના થવાથી આ હદીષ પર કોઈ વાંધો નથી આવતો, એટલા માટે કે તેનો વિષય જ આ વાત પર આધારિત છે કે બળવાખોર શયતાનો ને કેદ કરવામાં આવે છે, તે માટે કોઈ ગુન્હો બળવાખોર સિવાય ના શયતાનો ના લીધે હોય તો વાંધાજનક વાત નથી.
   અલબત્ત બીજી અમુક હદીષોમાં માં બળવાખોર વિશેષણ વગર માત્ર શયતાન શબ્દના પ્રયોગ સાથે છે, જો આ હદીષો થી પણ બળવાખોર શયતાનો જ મુરાદ લઈએ કે અમુક વખત સામાન્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ અન્ય જગ્યાએ થી તેનું વિશેષણ સાથે હોવું ખબર પડી જાય છે, ત્યારે પણ કોઈ વાંધો નથી. અલબત્ત તે બધી હદીષો થી તમામ શયતાનો નું કેદ થઈ જવું મુરાદ હોય તો પણ તે ગુનાહો થવા કોઈ વાંધો ન હોવો જોઈએ, કેમ કે ભલે ગુનાહ આમ તોર પર શયતાનો ના અસરને લીધે હોય છે પરંતુ આખું વર્ષ તેના ધોકા તેમજ સાથ અને ઝેરી અસરના જમાવને લીધે દિલ તેનાથી એટલી હદે પરિચિત અને પ્રભાવિત થઈ જાય છે કે થોડી ગેરહાજરી અનુભવાતી નથી, બલ્કે તે જ ખયાલો પોતાની તબિયત (સ્વભાવ) બની જાય છે, આ જ કારણ છે કે અન્ય મહિનાઓ માં જે લોકોથી ગુનાહ વધુ થાય છે, રમઝાન માં પણ તેઓ દ્વારા વધારે ગુનાહ થાય છે, અને માણસનું નફ્સ પણ તો તેની સાથે રહે છે તે માટે તેનો અસર રહે છે.
   બીજી એક વાત પણ છે કે નબી ﷺ નું ફરમાન છે કે જ્યારે માણસ ગુન્હો કરે છે તો તેના દિલ પર એક કાળું ટપકું પડી જાય છે, જો તે સાચી તૌબા કરી લે છે તો તે ભૂસાઈ જાય છે, નહીંતર બાકી રહે છે. અને જ્યારે બીજા વખત ગુન્હો કરે છે ત્યારે ફરી બીજું ટપકું પડે છે અહીં સુધી કે તેનું દિલ આખુંય કાળું થઈ જાય છે, ત્યારબાદ ભલાઈની વાતો તેના દિલ સુધી નથી પહોંચતી. આને જ અલ્લાહ તઆલા એ પોતાના પાક કલામ માં આ રીતે ઈરશાદ ફરમાવ્યું કે :
کَلَّا بَلۡ رَانَ عَلٰی قُلُوۡبِهِمۡ
[સૂરહ મુતફ્ફિન : ૧૪]
તેઓના દિલો પર કાટ લાગી ગયો છે
   આવી પરિસ્થિતિમાં તે દિલ ગુનાહો પોતો આકર્ષાય છે, આ જ કારણે ઘણા લોકો એક પ્રકારના ગુનાહોને ખચકાટ વગર કરી લે છે, પરંતુ તેના જ જેવો બીજો કોઈ ગુન્હો સામે આવે છે તો દિલ તેને નકારી કાઢે છે, દા.ત. જે લોકો દારૂ પીવે છે જો તેઓને ભૂંડનો ગોશ્ત ખાવાનું કહેવામાં આવે તો તેઓની તબીયત તરત જ નફરત કરવા લાગે છે, જ્યારે કે ગુનાહ હોવામાં બન્ને સમાન છે, તો એવી જ રીતે જ્યારે તેઓ અન્ય મહિનાઓ માં તે ગુનાહ ને કરતા રહે છે તો દિલ તેની સાથે રંગાઈ જાય છે, જેના લીધે રમઝાન મુબારક માં પણ તે ગુનાહ થવા માટે શયતાનો ની જરૂરત નથી પડતી. સારાંશ, જો હદીષો થી તમામ પ્રકારના શયતાનો કેદ થવાનું માની લેવામાં આવે તો પણ (ઉપરોક્ત કારણસર) રમઝાન માં ગુનાહો થવામાં હદીષની વાત પર કોઈ વાંધો નથી, અને જો બળવાખોર શયતાન કેદ થવું મુરાદ છે તો તો કોઈ વાંધા જેવી વાત જ નથી રહેતી, નાચીજ (પોતે લેખક) ના નજીક આ જ (બીજી) વાત શ્રેષ્ઠ છે. અને દરેક વ્યક્તિ તેમાં મનન કરી શકે છે અને અનુભવ પણ કરી શકે છે કે રમઝાન માં નેકી કરવા માટે અથવા કોઈ ગુનાહ થી બચવા માટે એટલું બળ નથી વાપરવું પડતું કે જેટલું અન્ય મહિનાઓ માં લગાવવું પડતું હોય છે, થીડી હિમ્મત અને આકર્ષણ પૂરતું હોય છે.
   હઝરત શાહ ઈસ્હાક રહમતુલ્લાહિ અલયહી ફરમાવે છે કે આ બન્ને હદીષો જુદા જુદા પ્રકારના લોકોના અનુસાર છે, એટલે કે ગુનેહગારો ના હકમાં માત્ર બળવાખોર શયતાનો કેદ થાય છે, અને નેક લોકોના હકમાં દરેક પ્રકારના શયતાનો કેદ થઈ જાય છે.
[ફઝાઈલે રમઝાન, લેખક : શેૈખુ'લ્ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહમતુલ્લાહિ અલયહિ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)