રોઝાનો હેતુ ફક્ત ખાવા - પીવાથી રોકવાનો નથી, બલ્કે આમાં બેસુમાર હિકમતો છે જે પૈકી અમુક નીચે પ્રમાણે છે.
(૧) અન્યની તકલીફ નો એહસાસ :- માનવી ફિતરત છે કે પોતાની ઉપર જ્યાં સુધી ન વીતે, ત્યાં સુધી તેને સામેવાળી વ્યક્તિની તકલીફનો એહસાસ નથી થતો, અથવા ઓછો થાય છે.
રોઝામાં માણસ ભૂખ્યો, તરસ્યો રહેશે તો તેને અન્ય લોકો જેઓ અન્ય દિવસોમાં પણ ભૂખ્યા, તરસ્યા રહે છે તેઓનો અવશ્ય એહસાસ થશે.
(૨) લાચાર હોવાનો એહસાસ :- માણસની આદત છે કે થોડીક રાહત મળતા તેનું નફ્સ તેને અહંકાર તરફ હાંકે છે.
રોઝામાં માણસ ભૂખ્યો, તરસ્યો થતાં શારિરીક રીતે પોતાને કમજોર અનુભવે છે જેમાં તેના માટે બોધ છે કે જો વાસ્તવમાં તારી રોજી બંધ કરી દેવામાં આવે તો તુ શ્વાસ લેવાનો પણ મોહતાજ બની જાય. તો આમાં તેના અહંકારની ઈસ્લાહ છે.
(૩) સહનશીલતા માં વધારો :- માનવી રચના અનુસાર તેમાં ભાવનાઓ અને લાગણીઓ પણ મુકવામાં આવી છે. કેટલાય વખત માણસ ભાવુક બની અથવા લાગણી દુભાતા તે જોશમાં આવી ગલત કદમ ઉઠાવી લેતો હોય છે.
રોઝામાં માણસ પોતાની ભૂખ અને તરસને સહન કરે છે, જે દરઅસલ તેના માટે સહનશીલતા ની પ્રેક્ટિસ સમાન હોય છે. આનાથી તેમાં સહનશક્તિ વધે છે.
(૪) અલ્લાહ ની નેઅમતો પર શુક્ર :- દુનિયાનો દસ્તૂર છે કે માણસને કોઈ પણ વસ્તુની કિંમત ત્યારે સમજમાં આવે છે જ્યારે તે વસ્તુ તેની પાસે ન હોય, અથવા તેને ગુમાવી બેસે.
રોઝામાં પણ માણસને દિવસભર ખોરાક અને રોજીની જરૂરતનો એહસાસ થતાં તેની કિંમત અને કદર વધે છે અને તેનો એહસાસ થાય છે, જે અન્ય દિવસોમાં ભરપેટ હોવાને લીધે નથી થતો. આમાં બોધ છે અન્ય દરેક વસ્તુ તારા માટે કિંમતી છે, પરિણામે તેને ખુદાના શુક્રનો એહસાસ થાય છે.
(૫) ખરાબ આદતથી મુક્તિ :- રોઝાના આમ તો ઘણા તબીબી ફાયદા છે. પરંતુ આનો એક મોટો ફાયદો આ પણ છે કે જે લોકોને કોઈ પણ પ્રકારના વ્યસનની આદત હોય છે રોઝો તેમના શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જેના દ્વારા નશાને કાબૂમાં રાખવાની મદદ મળે છે.
સામાન્ય રીતે રમઝાન માસમાં વ્યસન કરનારાઓ માટે વ્યસન છોડવું ખૂબ જ સરળ બની જતું હોય છે. માણસમાં એવી માનસિક ક્ષમતા પેદા થઈ જાય છે કે તે સરળતાથી વ્યસન પર કાબૂ મેળવી શકે છે અને છોડી પણ શકે છે.
આ સિવાય અન્ય ઘણી હિકમતો છે. તેમાં છુપાયેલા પાઠ અને સંદેશાઓ ને આવરી લેવું માણસના બસની વાત નથી. પરંતુ અલ્લાહ તઆલા એ તે બધાને એક શબ્દમાં આવરી લેતા કહ્યું કે “ રોઝાનો મકસદ તકવા ની પ્રાપ્તિ છે. ” [સૂરહ બકરહ : ૧૮૩] એટલે કે રોઝાની જેટલી પણ હિકમતો છે તે બધાનો ખુલાસો તકવા છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59