ઉમ્મતની બરબાદીના પાંચ કારણો

Ml Fayyaz Patel
0
રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જ્યારે મારી ઉમ્મત પાંચ વસ્તુઓ ને હલાલ સમજવા લાગશે ત્યારે તેમની ઉપર બરબાદી ઉતરશે, જ્યારે તેઓમાં ધિક્કારતા નો અમલ ખૂબ વધી જાય, પુરૂષો રેશમી કપડાં પહેરવા લાગે, સંગીત ગાવા અને નાચવા વાળી સ્ત્રીઓ રાખવા માંડે, દારૂ પીવા માંડે, પુરુષો પુરુષોથી અને સ્ત્રીઓ સ્ત્રીઓ થી પોતાની મનોકામના પૂરી કરવાને પૂરતું સમજવા લાગે.
إذا استحلَّت أمَّتي خمسًا فعليهم الدَّمارُ إذا ظهر التَّلاعنُ وشرِبوا الخمورَ ولبِسوا الحريرَ واتَّخذوا القِيانَ واكتفَى الرِّجالُ بالرِّجالِ والنِّساءُ بالنِّساءِ.
[અત્તરગીબ વ'ત્તરહીબ : ૩૧૫૭]

▣ સમજૂતી :
   ઉપરોક્ત હદીષમાં ૬ વાતો સમજવા ના લાયક છે જે નીચે ક્રમવાર વર્ણવામાં આવે છે.
①☞ સૌથી પહેલા વાત હદીષમાં આ બતાવવામાં આવી છે કે “ જ્યારે મારી ઉમ્મત પાંચ વસ્તુઓ ને હલાલ સમજવા લાગશે ” તો અહીં એક મંતવ્ય મુજબ હલાલ સમજવાથી મુરાદ હલાલ સમજનાર લોકોની જેમ તે પાંચ વસ્તુઓ પર તેઓ અમલ કરવા લાગે કે જેવી રીતે હલાલ સમજનારા ઓ તે પાંચ વસ્તુઓ પર લાપરવાહી ની સાથે અમલ કરે છે એવી જ રીતે મારી ઉમ્મત પણ જ્યારે કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર તે પાંચ વસ્તુઓ પર અમલ કરવા લાગશે તો તેમના પર બરબાદી અને તબાહી ઉતારવામાં આવશે.
②☞ રસુલુલ્લાહ ﷺ એ તે પાંચ વસ્તુઓ પૈકી પહેલી વસ્તુ બયાન કરતા ફરમાવ્યું કે “ આપસમાં ધિક્કારતા નો અમલ ખૂબ વધી જશે ” એટલે કે આપસમાં એકબીજા પર લાનત કરવાનો અમલ તેમજ ગાળો વગેરે નો અમલ ખૂબ વધી જાય.
   આજના સમયમાં આ વસ્તુ ખૂબ જ નિહાળીએ છીએ ભલે વાસ્તવમાં હોય કે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ એકબીજા ની ઉપર ધિક્કારતા વરસાવી, એકબીજાને ગાળો તેમજ લાનત, ભાષાનો દુરુપયોગ કોઈ પણ જાતની સભ્યતા વગર ભલે સામેવાળી વ્યક્તિ ગમે તે હોય આલીમ હોય કે પછી ઉમરમાં આપણાથી મોટી હોય આ વસ્તુ ખૂબ જોવા મળે છે જેને રસુલુલ્લાહ ﷺ એ તબાહી નો સબબ બતાવ્યો છે.
③☞ હદીષમાં બરબાદી અને તબાહી નો બીજો સબબ જે બતાવવામાં આવ્યો છે તે આ છે કે “ પુરુષો રેશમી વસ્ત્રો પહેરવા લાગે ” કેમ કે પુરુષો માટે રેશમી વસ્ત્રો પહેરવા જાઈઝ નથી.
④☞ હદીષમાં ત્રીજો સબબ તે આ છે કે સંગીત ગાવા અને નાચવા વાળી રાખવી ” મતલબ સંગીત સાંભળવું તેમજ જોવું મુરાદ છે, હદીષમાં એટલા માટે ગાવા અને નાચવા વાળી નો પ્રયોગ કરવામાં આવ્યો છે કે તે સમયમાં આ જ રીતે નાચવા વાળીને બોલાવી તેનું નાચગાન જોતા અને સાંભળતા હતા.
   ઘણા અફસોસની વાત છે કે હદીષમાં જે વસ્તુને ઉમ્મતની હલાકત નો સબબ બતાવ્યો છે તે જ વસ્તુ મુસલમાનો માં ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે, શાદી થી લઈ દરેક દુન્યવી પ્રસંગ, દરેક સોશિયલ મીડિયા થી લઈ ઘરોમાં ટીવી સુધી દરેક જગ્યાએ નાચગાન ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
   આનાથી પણ વધુ અફસોસ ની વાત તો આ છે કે આપણને આનો અહેસાસ તક નથી, જેમ કે આજે મુસલમાનો પર આવતી તકલીફ સમયે આ તો ચર્ચા નો વિષય બને છે કે આપણા સમાજમાં ભણતરની અછત તેમજ સ્કુલો કૉલેજ ની અછત છે એટલા માટે આ મુસીબત આવી જ્યારે કે ભણતર ની અછતને કોઈ હદીષમાં હલાકતનો સબબ નથી બતાવ્યો, હાં જેને સબબ ગણાવ્યો છે તેની ચર્ચા તો દૂરની વાત એકાદ શબ્દો બોલનાર ને બેવકૂફ સાબિત કરવા પાછળ લાગી જઈએ છીએ.
⑤☞ હદીષમાં ચોથો સબબ મુસલમાનો માં “ દારૂ પીવાનું ખૂબ વધી જશે ” બતાવવામાં આવ્યું છે, વિચારીએ તો અનોખું લાગે છે કે એક એવી વસ્તુ જેને કાયદાકીય રીતે હરામ બતાવવામાં આવ્યું હોય તેનું વ્યસન મુસલમાનો માં કેવી રીતે વધી જાય, હાં સમાજમાં એકાદ વ્યક્તિ આદી હોય શકે છે.
   પરંતુ આજનો માહોલ જોતા વાસ્તવમાં હદીષ પ્રત્યે યકીનમાં વધારો થાય છે કે આજે દારૂ દારૂના નામથી નહીં પરંતુ નામ બદલી બદલીને બજારોમાં ઉપલબ્ધ છે જેનું નવયુવાનો ખૂબ શોખથી વ્યસન કરતા નજર આવે છે, જેમ કે એક બીજી હદીષમાં આવે છે કે દારૂનુ઼ં નામ બદલી બદલીને વેચવામાં આવશે, જેમ કે ડ્રગ્સ, હીરોઈન, ગાંજો, અફયુન, કોકીન વગેરે વગેરે.
   તે માટે બજારમાં ઠંડું પીણું, ડ્રીંગ્સ વગેરે ખરીદતી વખતે ખૂબ ચકાસણી કરવી જોઈએ કે કઈ કઈ વસ્તુથી બનાવવામાં આવી છે..? તેમજ શરઈ દ્રષ્ટિએ તેનો શું હુકમ છે..?
⑥☞ હલાકતનો પાંચમો સબબ હદીષમાં જે બતાવવામાં આવ્યો છે તે છે પુરુષ નું પુરુષ દ્વારા અને સ્ત્રીનું સ્ત્રી દ્વારા મનોકામના પૂરી કરવી, જ્યારે કે આ દુષ્ટ કૃત્ય ફિતરતના પણ વિરૂદ્ધ છે.
   આજે દુનાયાના ઘણા દેશોમાં આ દુષ્ટ કૃત્યને કાયદાકીય રીતે પરવાનગી આપવામાં આવી રહી છે, આ ઘણો જ ખતરનાક અમલ છે જેની કુર્આનમાં પણ સખત શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે.
   સારાંશ કે ઉપરોક્ત વર્ણવેલ પાંચ અસબાબ છે જેના લીધે ઉમ્મત પર બરબાદી અને હલાકત ઉતારવામાં આવે છે, જો આપણે ઈચ્છીએ કે આપણી ઉપર બરબાદી ઉતારવામાં ન આવે તો ઉપરોક્ત વર્ણવેલ કૃત્યોથી ખૂબ બચવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)