છેલ્લા જમાનામાં ઈમાન બચાવવું મુઠ્ઠીમાં અંગારો પકડવા સમાન હોવા વિષે આગાહી

Ml Fayyaz Patel
0
લોકો પર એક સમય એવો આવશે કે જેમાં પોતાના દીન પર કાયમ રહેવું એવું (મુશ્કેલ) હશે જેવું કે આગના અંગારા ને મુઠ્ઠી માં મુકવા (બરાબર મુશ્કેલ હશે).
قَالَ رَسُولُ اللَّهِ ﷺ يَأْتِي عَلَى النَّاسِ زَمَانٌ الصَّابِرُ فِيهِمْ عَلَى دِينِهِ كَالْقَابِضِ عَلَى الْجَمْرِ.
[તીરમીઝી : ૨૨૬૦]

▣ સમજૂતી :
   ઉપરોક્ત હદીષમાં બતાવવામાં આવ્યું કે “ એક સમય આવશે કે જેમાં પોતાના દીન પર કાયમ રહેવું મુઠ્ઠીમાં અંગારા પકડવા સમાન હશે ” એટલે દીન પર કાયમ રહી આ'માલ કરવા એટલું મુશ્કેલ હશે કે જેટલું મુશ્કેલ મુઠ્ઠીમાં અંગારા પકડવા મુશ્કેલ હોય છે.
    અને આનું એક કારણ આ હશે કે તે સમયે દરેક તરફ કાફિર, જાલીમ અને ગુનેહગારો નો પ્રભાવ હશે અને તેઓ ઈમાનવાળા ઓ ને ખૂબ સતાવશે તેમજ તેમના ઉપર જુલ્મ ના પહાડ તોડશે જેના લીધે ઈમાન પર કાયમ રહેવું આસાન નહીં હોય. આજે આપણે જોઈ રહ્યા છે કે ગેરો તરફથી દરેક વસ્તુમાં મુસલમાનો ને એટલા સતાવવામાં આવે છે કે વ્યક્તિ આ વાત કહેવા પર મજબૂર થઈ જાય છે કે શું મુસલમાન હોવું ગુન્હો છે..?
   બીજું કારણ જેમ કે આપણે વારંવાર અનુભવ કરીએ છીએ કે આપણામાં પણ જેઓ ઈમાનદારી થી કામ કરે છે તેઓને આપણા જ લોકો ખૂબ સતાવી ગલત કામો કરવા પર મજબૂર કરે છે. તથા મુસલમાનો જ સમાજમાં એવો માહોલ અને પરિસ્થિતિ ઊભી કરે છે જેના લીધે અન્ય લોકો માટે ઈમાન તથા આમાલ કાયમ રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જેમ કે સામાજિક રસમો તથા શાદી, મૃત્યુ વગેરેના અવસરો અને અમુક પરંપરાઓ.
   ત્રીજું અને સૌથી અહમ કારણ જેમ કે આજનો યુગ વૈચારિક આક્રમણો નો યુગ છે જેમાં માણસની માનસિકતા પર એ રીતે કામ કરવામાં આવે છે કે તે માણસ ધીમે ધીમે પોતાના દીન અને ઈમાન બાબત ઘણી સહેલાઈથી શંકાશીલ બની જાય છે.
     અત્યારે જે લોકો આનો ભોગ બને છે તેઓ પૈકી વધારે પડતા તે લોકો છે જેઓ કાં તો ભાવનાઓ માં વધારે પડતાં વહી જાય છે અથવા તેઓના માથે તર્કનું ભૂત સવાર થઈ ગયું હોય છે. અને પછી ભાવના તથા તર્કના જ સંદર્ભમાં દરેક વસ્તુને પરખવાની ખોટી કોશિશમાં આનો ભોગ બની જાય છે. જો આ બે કમજોરી થી આપણે આગાહ રહીશું અને ભાવના તથા તર્કમાં મધ્યસ્થતા નો રસ્તો અપનાવીશુ તો ઈન્શા અલ્લાહ કદી આપણે આનો ભોગ બનીશુ નહીં.
   સારાંશ કે આ હદીષમાં પહેલેથી જ આગાહી ના તોર પર બતાવી આપવામાં આવ્યું છે, જાણે કે હદીષનો મકસદ આપણને આ નસીહત કરવો છે કે આ હાલાત અને પરિસ્થિતિ આવશે તો તેમાં ધીરજ અને સબર થી કામ લેજો કેમ કે હાલાત સાચા લોકો પર જ આવે છે, ગભરાઈ ને ઈમાન અને દીન થી હટશો નહીં.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)