આજકાલ બુઝુર્ગોના કિસ્સાઓ બાબત લોકોમાં બે પ્રકારની માનસિકતા જોવા મળે છે. એક તરફ ખૂબ જ સખતી જોવા મળે છે કે તેને ઘણી સખતાઈથી રદ્દ કરી દેવામાં આવે છે. તો બીજી તરફ આ મામલામાં એટલી નરમી જોવા મળે છે કે જાણે તેને જ અસલ શરિયત સમજી લેવામાં આવે છે.
એટલે કે આ બાબત બન્ને તરફથી મર્યાદાનો ભંગ કરી મધ્યસ્થાનો રસ્તો છોડી દેવામાં આવે છે. તેથી નીચે આ વિષે શરઈ દૃષ્ટિકોણ વર્ણવામાં આવે છે.
શુદ્ધિકરણ :
કુર્આન અને હદીષથી કરામતના સચોટ હોવાનો સબૂત મળે છે. અને આ વિષે કુર્આન અને હદીષ બન્નેમાં બેશુમાર કિસ્સાનું વર્ણન પણ મળે છે. તેમજ આ પણ મળે છે તે કરામત દરઅસલ અલ્લાહ તઆલા તરફથી હોય છે, અલબત્ત તે જાહેર કોઈ બુઝુર્ગના હાથે થાય છે. એટલે કે તે કરામત અલ્લાહ તઆલા ની કુદરત અને શક્તિથી જાહેર થાય છે.
કુર્આન અને હદીષમાં જેટલા પણ કરામતના કિસ્સા છે તેના પર ઈમાન રાખવું અવશ્ય જરૂરી છે. જ્યાં સુધી વાત છે કોઈ એવો કિસ્સો જે કોઈ બુઝુર્ગની કરામત પર આધારિત હોય અને તેનું વર્ણન કુર્આન તથા હદીષમાં ન હોય તો તેને માનવા અથવા ન માનવાનો આધાર બે વસ્તુઓ પર છે.
(૧) બયાન કરનાર અથવા તે કિસ્સો લખનાર ભરોસાપાત્ર વ્યક્તિ હોય.
(૨) તે કિસ્સો શરઈ રીતે જે વસ્તુઓ શક્ય છે તેના દાયરામાં આવતો હોય.
સ્વભાવિક છે કે જો કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ તેને લખે તથા બયાન કરે છે. તેમજ શરઈ દૃષ્ટિએ તે શક્ય પણ છે તો તેને માનવામાં તથા બયાન કરવામાં કોઈ વાંધો નથી.
અને જો કોઈ વ્યક્તિને આ બાબત શંકા હોય તો તે વ્યક્તિ તેને માનવાનો પાબંદ પણ નથી, તેથી તે તેનો ઈનકાર પણ કરી શકે છે. પરંતુ યાદ રહે કે ઈનકાર કરવામાં તે શરઈ હદ પાર ન કરે. જેમ કે સ્વંય કરામતનો જ ઈનકાર કરી દેવો, અથવા તે બુઝુર્ગની મજાક ઉડાવવી તથા તેમનું અપમાન કરવું વગેરે.
નોંધ : બુઝુર્ગોનાં એવા કેટલાક કિસ્સા કે જે ઉપરી દૃષ્ટિએ શરિયતના વિરુદ્ધ જણાય છે, તેમને જો કોઈ ન માને તો તે સ્વાભાવિક છે. પરંતુ જેઓ તેને માને છે, તેમના માટે જરૂરી છે કે તે કિસ્સાનું સહીહ અર્થઘટન સાથે યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શરઈ હદો હેઠળ લઈ આવીને સમજવામાં આવે.
આજકાલ ઘણા લોકો શરઈ શક્યતા ને નજરઅંદાજ કરી વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેને પરખવાની કોશિશ કરે છે અને પછી તેનો ઈનકાર કરે છે જે અત્યંત બિન તાર્કિક તરીકો છે. કેમ કે શરિયત અને વિજ્ઞાન બન્નેનું ક્ષેત્ર પણ અલગ છે અને તે બન્નેના તર્કનો તરીકો પણ અલગ છે. તેથી જો કોઈ વ્યક્તિ કરામતને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પરખે છે તો આ અત્યંત ખોટું છે.
એવી જ રીતે આ પ્રકારના કિસ્સામાં અમુક લોકો એટલા આગળ વધી જાય છે કે જાણે આને જ શરિયત તથા તેના ઈનકાર ને શરિયત નો ઈનકાર સમજવા લાગે છે જાણે તે કિસ્સાને દીનની અસલ સમજે છે. જ્યારે કે આ કિસ્સા વિષે કોઈ સવાલ પુછવામાં નહીં આવે બલ્કે આ પ્રકારના કિસ્સાનો હેતુ ફક્ત બુઝુર્ગોની દિલોમાં મોહબ્બત અને દીન પર ચાલવા માટે પ્રોત્સાહન સુધી સિમિત રાખવું જોઈએ.
સારાંશ કે ઉપરોક્ત વર્ણવેલ માહિતી મુજબ આ વિષે આપણે મધ્યસ્થાનો તરીકો અપનાવવો જોઈએ. એટલે કે શરઈ હદમાં રહીને માની શકાય એમ હોય તો માની લેવો જોઈએે, નહીંતર ફક્ત ન માનવા સુધી જ રહેવું જોઈએ. તેની મજાક તથા અપમાન અને તેને હાસ્યાસ્પદ બનાવવાથી દૂર રહેવું જોઈએ જેમ કે આજકાલ ના નવા બની બેઠેલા સ્કોલરો તરફથી આ પ્રકારની હરકતો જોવા મળે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59