રફ-એ યદૈન ને ચર્ચાનો વિષય બનાવી ઉમ્મતને ક્યાં લઈ જવામાં આવી રહી છે..?

Ml Fayyaz Patel
0
   આજના બે ચોપડી વાંચેલા સ્કોલરો અને કોઈની પણ તકલીદ ન કરવાના દાવા સાથે હજારોની તકલીદ કરનારા ઉમ્મતને એવી દિશામાં લઈ જઈ રહ્યા છે જેમાં ન તો ઉમ્મતનો કોઈ દીની ફાયદો છે અને ન કોઈ દુન્યવી ફાયદો છે. અને તે આ છે કે રફ-એ યદૈન ને એ રીતે ચર્ચાનો વિષય બનાવવો જેમાં એકને સહીહ અને બીજાને ગલત સાબિત કરવું.
   જ્યારે કે ઉમ્મતને આજે આનાથી વધારે અગત્યના મસાઈલના માર્ગદર્શન ની અત્યંત જરૂરત છે પરંતુ અફસોસ ત્યાં આ લોકો દુશ્મનોની સફોમાં જોવા મળે છે. જાણે એવું લાગે છે કે આ લોકોને કાયદાકીય રીતે ઊભા કરવામાં આવ્યા છે જેથી મુસલમાનો વિખવાદ અને અરાજકતા ના ભોગ બની રહે.
❒ રફ-એ યદૈન શું છે..? અને તેની શું હેસિયત છે..?
   રફ-એ યદૈન એટલે રૂકુ અને સજ્દહમાં જતી વખતે હાથોને કાનો સુધી ઉઠાવવા. અને આની હેસિયત શ્રેષ્ઠ હોવા ન હોવા વિશેની છે. એટલે નમાઝ પઢનાર માટે રફ-એ યદૈન કરવું ઉત્તમ છે કે પછી ઉત્તમ નથી..?
   આનાથી ખબર પડે છે કે આ કોઈ જાઈઝ - ના જાઈઝ કે હલાલ - હરામ નો મસ્અલહ નથી કે કોઈ અક ગુનેગાર સાબિત થાય. બલ્કે જેઓ રફ-એ યદૈન કરવાને શ્રેષ્ઠ કહે છે તેઓના નજીક રફ-એ યદૈન ન કરનારની નમાઝ પર કોઈ અસર નહીં પડે. એટલે કે કોઈ પણ પ્રકારના ગુન્હા વગર તેની નમાઝ કબૂલ થઈ જાય છે. એવી જ રીતે જેઓ ન કરવાને શ્રેષ્ઠ કહે છે તેઓના નજીક જો કોઈ કરે છે તો તેની નમાઝ પણ કોઈ પણ પ્રકારના અર્થઘટન વગર સહીહ સમજવામાં આવે છે.
   આની હેસિયત જાણ્યા બાદ તમારા મનમાં આ વિચારે જન્મ લીધો હશે કે જ્યારે મસ્અલહ આ હેસિયતનો છે તો પછી આને સોશિયલ મીડિયા પર આટલો બધો કેમ ઉછાળવામાં આવે છે..? આ જ તો નથી સમજાતું તેથી તો આ લેખ લખવાની જરૂર પડી છે જેથી સામાન્ય મુસલમાનો આ પ્રકારના કરવામાં આવતાં કાવતરાં થી બચેલા રહે.
❒ રફ-એ યદૈન અને હન્ફી મસલક :
   આ મસ્અલહ માં હનફી મસલક નો મત હદીષની રોશનીમાં રફ-એ યદૈન ન કરવો શ્રેષ્ઠ હોવા તરફ છે. પરંતુ તેની દલીલો સમજતાં પહેલા સૌપ્રથમ આ વિષેની અમુક અગત્યની બાબતો જાણી લઈએ.
★ આ બાબત બન્ને પ્રકારની હદીષો જોવા મળે છે જેમાં કોઈ બે મત નથી.
★ બુખારી શરીફ અથવા મુસ્લિમ શરીફમાં જ સહીહ હદીષો છે એવું નથી, બલ્કે આ બે સિવાય હદીષની ઘણી એવી કિતાબો છે જેમાં સહીહ હદીષો વર્ણવામાં આવી છે.
★ જ્યારે બે હદીષોમાં કોઈ મસ્અલહ એકબીજા થી વિપરીત (વિરુદ્ધ) હોય તો અહનાફ ના નજદીક તેને ઉકેલવાનો સૈદ્ધાંતિક નિત્યક્રમ આ છે કે :
  • સૌપ્રથમ જોવામાં આવે કે એક હદીષ બીજીને નાબૂદ કરે છે કે નહીં..?
  • જો આ નાબૂદ કરવું ખબર ન પડે તો આ બન્ને દરમિયાન એવો વચલો રસ્તો કાઢવામાં આવે જેમાં બન્ને હદીષો પર અમલ થઈ જાય.
  • અને જો એવો કોઈ દરમિયાની રસ્તો શક્ય ન હોય તો પછી કોઈ સંદર્ભ દ્વારા બન્ને પૈકી એક ને બીજી હદીષ પર પ્રાથમિકતા આપીને તેના પર અમલ કરવામાં આવે.
   ઉપરોક્ત વાત જાણી લીધા બાદ જાણવું જોઈએ કે રૂકુ સજ્દહમાં જતી વખતે કાનો સુધી હાથ ઉઠાવવા જોઈએ કે નહીં..? તો આ વિષે બન્ને પ્રકારની હદીષો હોવાથી હનફી ઉલમાએ ઉકેલ લાવવા માટે આ વિષયની દરેક હદીષનું સૈદ્ધાંતિક અધ્યયન કર્યું અને આ પરિણામ કાઢ્યું કે રફ-એ યદૈન નો અમલ ઈસ્લામના પ્રારંભિક સમયમાં હતો. પરંતુ ત્યારબાદ તેને નાબૂદ કરી દેવામાં આવ્યો. હવે સવાલ આ છે કે નાબૂદ માનવાની દલીલ શું છે..? તો આ વિષે દલીલો નીચે મુજબ છે.
(૧)➙ હઝરત ઈબ્ને મસ્ઉદ રદી. ફરમાવે છે કે મેં નબી ﷺ ની પાછળ નમાઝ પઢી, તેમજ હઝરત અબૂબક્ર રદી. અને હઝરત ઉમરની પાછળ પણ નમાઝ પઢી. આ પૈકી કોઈએ પણ નમાઝના પ્રારંભ (તકબીરે તહરીમા) સિવાય અન્ય કોઈ જગ્યાએ રફ-એ યદૈન નથી કર્યો.
[કિતાબુ'લ્ મોઅ્જમ : ૨ / ૬૯૨ ૬૯૩ & મુસ્નદે અબી યઅ્લા : ૯૨૨ & બયહકી : ૩ / ૪૯૬]
ફાયદો : આ હદીષ સહીહ છે, અને આનાથી ખબર પડે છે કે રસુલુલ્લાહ ﷺ અને સાથે પહેલા બે ખલીફાના યુગમાં નમાઝ રફ-એ યદૈન સાથે ન થતી હતી. જે સંકેત છે આ વાતનો કે રફ-એ યદૈન નો હુકમ નાબૂદ થઈ ગયો હતો.
(૨)➙ હઝરત આસીમ પોતાના વાલીદથી નકલ ફરમાવે છે કે મેં હઝરત અલી રદી. ને નમાઝના પ્રારંભ (તકબીરે તહરીમા) સિવાય અન્ય કોઈ જગ્યાએ રફ-એ યદૈન કરતા નથી જોયા.
[મોત્તા ઈમામ માલિક : ૧ / ૧૮૦]
ફાયદો : આ હદીષ પણ સહીહ છે. જેનાથી ખબર પડે છે કે હઝરત અલી ના યુગમાં પણ પોતે ખલીફા રફ-એ યદૈન ન કરતા હતા જે સંકેત છે રફ-એ યદૈન નો હુકમ નાબૂદ થવા પર.
(૩)➙ હઝરત મુજાહીદ ફરમાવે છે કે મેં હઝરત અબ્દુલ્લા બિન ઉમરની પાછળ નમાઝ પઢી તો તેઓ ફકત શરૂ નમાઝમાં (તકબીરે તહરીમા માટે) જ રફ-એ યદૈન કરતા હતા.
[શર્હે મઆનીયુ આસાર : ૧ / ૨૨૫]
ફાયદો : આ તે સહાબી છે જેમના તરફથી રફ-એ યદૈન ની હદીષો ખૂબ બયાન કરવામાં આવી છે અને ગેરોના મુકલ્લીદ આ જ સહાબીની હદીષથી દલીલ પકડે છે. જ્યારે કે તેમનો પોતાનો અમલ રફ-એ યદૈન છોડવાનો ખબર પડે છે.
   સારાંશ કે આ સિવાય બીજી ઘણી હદીષો અને દલીલો છે જેનાથી રફ-એ યદૈન નો હુકમ નાબૂદ થયો હોવાનું ખબર પડે છે. ઉપરોક્ત ત્રણ દલીલો વિષે પણ ગેર મુકલ્લીદ ઝઈફ વગેરે કહીને ઉમ્મતને ગુમરાહ કરવાની કોશિશ કરે છે પરંતુ ઉલમાએ તેમના દરેક સવાલના જવાબ કિતાબોમાં લખી મુક્યા છે જેથી તેઓ સીધાસાદા લોકોને ગુમરાહ ન કરે.
   હાં..! જેઓ પોતાની સમજ પ્રમાણે દલીલની રોશનીમાં રફ-એ યદૈન કરવાને શ્રેષ્ઠ કહે છે. અને સામેવાળા સમૂહને તેમની સમજના હિસાબે સહીહ સમજે છે જેમ કે આ વિષયમાં ઈમામ શાફઈ નો આ જ મત છે તો આ એક મધ્યસ્થ તરીકો છે. અને આ મતભેદ વર્ષોથી ચાલી આવે છે પરંતુ આને કોઈ દિવસ સહીહ - ગલતની દ્રષ્ટિએ જોવામાં નથી આવ્યો તેમજ આને કાયદાકીય ચર્ચાનો વિષય પણ બનાવવામાં નથી આવ્યો. પરંતુ જેઓ આને સહીહ ગલતની દ્રષ્ટિએ જુએ છે અને લોકોમાં આના વાસ્તે વિખવાદ અને ફિત્નો ફેલાવે છે તે જગ જાહેર છે. અને આ લેખ તેઓ માટે જ છે.
   બીજી આ એક વાત પણ યાદ રાખવી કે હન્ફી ફિક્હનું તે યુગમાં સંપાદન થયું હતું જે યુગમાં હજુ હદીષ વિષે સહીહ ઝઈફ વગેરેની પરિભાષા આવી ન હતી. તથા ઈમામ બુખારી અને ઈમામ મુસ્લિમ નો જન્મ પણ ન થયો હતો એટલે કે આ બધું પછીની વસ્તુ છે, હનફી ફિક્હ તે પહેલાં સંપાદન થઈ ગયું હતું.
નોંધ : આ બધું લખવાનો મકસદ અને હેતુ ફક્ત નવા બની બેઠેલા તથાકથિત સ્કોલરો અને હજારોની તકલીદ કરનારાઓ ના કાવતરાં ના ભોગ બનેલ મુસલમાનો ને આ વાત સમજાવવાનો છે કે તમને તમારા ઉલમાએ જે દીન શિખવ્યો છે તે અલ્હમ્દુલિલ્લાહ કુર્આન અને હદીષની રોશનીમાં જ શીખવ્યો છે.
   તમને કોઈ જવાબ દલીલ વગર આપવામાં આવે છે તે એટલા માટે નહીં કે આની કોઈ દલીલ નથી હોતી. બલ્કે એટલા માટે કે આ દલીલો સમજવી દરેકના બસની વાત નથી હોતી. અને જેમની પાસે કુર્આન અને હદીષનું પૂરતું જ્ઞાન નથી હોતું તેઓ માટે આ દલીલ પચાવવી મુશ્કેલ હોય છે. નહીંતર કહેનારા કુર્આન ની આયતને પણ ઝઈફ કહીને દલીલ ઠુકરાવી દે છે.
   અલ્લાહ તઆલા આજના યુગમાં ઉઠતા દરેક પ્રકારના ફિત્નાથી ઉમ્મતની હિફાઝત ફરમાવે અને દીનની સહીહ સમજ અર્પણ ફરમાવે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)