ગુનાહોને લીધે આવનાર વર્તમાન બરબાદી વિષે હુઝૂર ﷺ ની આગાહી

Ml Fayyaz Patel
0
હઝરત ઝૈનબ બિન્તે જહશ બયાન કરે છે કે નબી ﷺ (એક વખત) તેમની પાસે એવી હાલતમાં આવ્યા કે તેઓ ગભરાયેલા હતા, (અને કહેવા લાગ્યા કે) “ લા ઈલાહ ઈલ્લલ્લાહ ” (અલ્લાહ ના સિવાય કોઈ માબૂદ નથી) અરબમાં તે બુરાઈને લીધે બરબાદી આવશે જે બુરાઈ ના દિવસો નજદીક છે, આજે યાજૂજ માજૂજે દિવાલમાં આટલું કાળું કર્યું છે ત્યારબાદ નબી ﷺ એ અંગૂઠા અને તેની સાથેની આંગળીનો ગોળ હલકો બનાવી બતાવ્યું, હઝરત ઝૈનબ ફરમાવે છે કે મેં પુછ્યું કે હે અલ્લાહ ના રસૂલ અમોને બરબાદ કરી નાખવામાં આવશે..? જ્યારે કે અમારા દરમિયાન નેક લોકો પણ હશે, તો રસુલુલ્લાહ ﷺ એ જવાબ આપતા ફરમાવ્યું કે જ્યારે ગુનાહો ખૂબ વધી જશે.
عَنْ زَيْنَبَ ابْنَةَ جَحْشٍؓ أَنّ النَّبِيَّ ﷺ دَخَلَ عَلَيْهَا فَزِعًا يَقُولُ : لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَيْلٌ لِلْعَرَبِ مِنْ شَرٍّ قَدِ اقْتَرَبَ فُتِحَ الْيَوْمَ مِنْ رَدْمِ يَأْجُوجَ وَمَأْجُوجَ مِثْلُ هَذِهِ وَحَلَّقَ بِإِصْبَعِهِ الْإِبْهَامِ وَالَّتِي تَلِيهَا، قَالَتْ زَيْنَبُ ابْنَةَ جَحْشٍ، فَقُلْتُ : يَا رَسُولَ اللَّهِ أَنَهْلِكُ وَفِينَا الصَّالِحُونَ، قَالَ : نَعَمْ إِذَا كَثُرَ الْخَبَثُ.
[બુખારી શરાફ : ૩૩૪૬]

▣ સમજૂતી :
   ઉપરોક્ત હદીષમાં પાંચ વાતો સમજવાના લાયક છે. જેને નીચે ક્રમવાર વર્ણવામાં આવે છે.
①☞ હદીષમાં એક વાત તો આ બતાવવામાં આવી કે નબી ﷺ ગભરાયેલા હતા, આ ગભરામણ તે બુરાઈ ને લીધે હતી જે બુરાઈ પહેલેથી નબી ﷺ ને દેખાડી દેવામાં આવી હતી.
②☞ બીજી વાત આ બતાવવામાં આવી છે કે નબી ﷺ “ લા ઈલાહ ઈલ્લલ્લાહ ” પઢતા હતા, આ પઢવું આશ્ચર્ય વ્યક્ત કરવા માટે હતું.
③☞ હદીષમાં ત્રીજી વાત કે નબી ﷺ એ ફરમાવ્યું કે “ અરબ માટે બરબાદી આવશે ” આ વાત નબી ﷺ એ લોકોને પહેલેથી તે બુરાઈ થી આગાહ અને સાવચેત રહેવા માટે કહી હતી, કે લોકો આ બુરાઈ થી ગાફીલ અને બે-ખબર રહી બરબાદ ન થઈ જાય.
   અને તે સમયે ઈસ્લામ માત્ર અરબ સુધી સીમિત હતો તે માટે હદીષમાં અરબનો ઉચ્ચાર નબી ﷺ દ્વારા થયો, નહીંતર અસલ મુરાદ આખી દુનિયાના મુસલમાનો ને ખબરદાર કરવો મકસદ છે.
④☞ ચોથી વાત યાજૂજ માજૂજ વિષે કહેવામાં આવી છે કે તેઓ આજે દિવાલમાં કાણું પાડવામાં કામયાબ થઈ ગયા છે, જ્યારે કે આ પહેલા તેઓ કદી પણ કામયાબ થયા ન હતા, મતલબ કયામત નજદીક હોવા તરફ ઈશારો છે.
   ઉલમાના નજદીક ખાસો મતભેદ છે કે તેઓ કોણ છે અને કેવા છે..? પરંતુ સહીહ મંતવ્ય મુજબ તેઓ માણસોની જેમ એક કાફિર કોમ છે જેઓને હઝરત ઝુ'લ્કરનૈને બે પહાડોની વચ્ચે લોખંડ અને સીસું પીગાળી દિવાલ બનાવી બંધ કર્યા હતા, કેમ કે આ ઘણા જાલીમ અને નિર્દય લોકો હતા, એક હદીષમાં આવે છે કે તેઓ હઝરત ઈસા ના સમયમાં આવશે અને આખી દુનિયામાં આતંક મચાવશે, આ લોકો એક સમંદર પાસેથી પસાર થશે અને આખા સમંદરનું પાણી પી જશે.
   ખૈર જેમ કે ઉપર બતાવ્યા મુજબ હદીષમાં તેમનો ઉલ્લેખ કયામત નજદીક હોવા તરફ ઈશારો છે કે હવે ધીરે ધીરે તેઓ દિવાલ ખતમ કરી નાખશે અને નિકળી આવશે.
⑤☞ હદીષમાં બતાવવામાં આવેલ પાંચમી અને છેલ્લી વાત આ છે કે હઝરત ઝૈનબ દ્વારા રસુલુલ્લાહ ﷺ ને પુછવામાં આવ્યું શું આપણા દરમિયાન આટલા બધા નેક લોકો હોવા છતાંય અમોને હલાક અને બરબાદ કરી દેવામાં આવશે..?
   આ સવાલ તેમણે એટલા માટે કર્યો હતો કે તે સમયે તો કેટલા બધા સહાબા જીવીત હતા, તેમજ પોતે રસુલુલ્લાહ ﷺ પર હતા તો તેમના ખ્યાલ મુજબ આટલા બધા નેક લોકો હાજર હોવા છતાંય તે બુરાઈ થી આટલો ડર અને ભય કેમ..?
   તો રસુલુલ્લાહ ﷺ જવાબમાં ફરમાવ્યું કે હાં જ્યારે ગુનાહ ખૂબ વધી જશે એટલે કુફ્ર, શીર્ક, ના ફરમાની, બે હયાઈ વગેરે... જાહેર છે કે ગુનાહિત કામો ત્યારે જ ખૂબ વધુ પ્રમાણમાં થશે જ્યારે તેની રોકટોક અથવા તો બિલકુલ નહીં થાય અથવા એટલા ઓછા પ્રમાણમાં થાય કે જે ન ના બરાબર હોય, તો આવી સૂરતમાં બધાની જ ઉપર બરબાદી અને હલાકત આવશે, ગુનેહગારો પર તો તેમના ગુનાહના લીધે, અને બીજા લોકો પર રોકટોક ન કરવાને લીધે, એટલા જ માટે રસુલુલ્લાહ ﷺ એ જવાબમાં કહ્યું કે ભલે આપણા દરમિયાન નેક લોકો હશે છતાંય બરબાદી બધા જ લોકો પર આવશે.
   ઉપરોક્ત હદીષની આ તે સમજૂતી છે જેનું સમર્થન કુર્આનની એક આયત દ્વારા પણ થાય છે, અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે કે :
” وَاتَّقُوۡا فِتۡنَةً لَّا تُصِیۡبَنَّ الَّذِیۡنَ ظَلَمُوۡا مِنۡکُمۡ خَآصَّةً “
[સૂરહ અન્ફાલ : આયત / ૨૫]
“ તમે લોકો તે અઝાબથી બચો જે માત્ર તમારા પૈકી ખાસ ગુનેહગારો પર નહીં આવે ” (બલ્કે તે દરેકને પોતાની લપેટમાં લઈ લેશે)
   આ આયતના હેઠળ ઉલમાએ તેજ સમજૂતી બયાન કરી છે જે ઉપરોક્ત હદીષમાં બતાવવામાં આવેલ પાંચમા નંબરની વાત હેઠળ વર્ણવી છે.
▣ આ ફિત્નાથી બચવાનો ઉપાય :
   જેમ કે ઉપરોક્ત મળેલ સમજૂતી ના હિસાબે આ ફિત્નાથી બચવાનો ઉપાય આ છે કે આપણા ઘરમાં કે મહોલ્લામાં કે ગામ, સમાજ વગેરેમાં થતા ગુનાહિત કૃત્યો ને વ્યક્તિગત રીતે પણ અને સામૂહિક રીતે પણ ખૂબ રોકવાની કોશિશ કરવામાં આવે, આપણી આ કોશિશ આપણને હદીષમાં વર્ણવેલ ફિત્નાથી ઈન્શા અલ્લાહ મહફૂઝ રાખશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)